૨૬. શ્રીહરિને ગમવાને ઇચ્છો માનુની...
ધનબાઈ ધન્યભાગી હતાં, એટલે નહિ કે તેઓ મુક્તાનંદ સ્વામી જેવા સમર્થ સંતના પૂર્વાશ્રમના સહોદર હતાં- બહેન હતાં; પણ એટલે કે તેમને પોતાના આ ભાઈ માટે નિર્વ્યાજ પ્રેમ હતો! ભાઈ-બહેનને સ્નેહ તો સ્વાભાવિકપણે હોય જ છે, પણ આ બહેનનો ભાતૃપ્રેમ અદ્વિતીય હતો.
મુક્તમુનિ સંસાર છોડી સાધુ થયા ત્યારથી ધનબાઈનું અંતર હંમેશા દુભાયા કરતું. તેમનો અંતરાત્મા ભાઈને મળવા માટે તલસ્યા કરતો. મુક્તાનંદ સ્વામીને વ્યવહારમાં પાછા લઈ જવા માટે એમણે ઘણા પ્રયત્નો કર્યા પણ સ્વામીની વૈરાગ્યદૃઢતા આગળ ધનબાઈનો અત્યાગ્રહ વિવશ બનીને જ રહી ગયો. છેવટે એમણે વિચાર્યું કે ભાઈ ઇચ્છે છે તેમ કરીશ તો જ ભાઈ મારા પર રાજી રહેશે. ખરેખર તો પ્રેમનું એ જ લક્ષણ છે કે તે પોતાનું સ્વત્ત્વ પણ સ્નેહીના ગમતામાં જ હોમી દે છે! ધનબાઈને લાગ્યું કે ભાઈએ આત્મકલ્યાણનો શ્રેયસ્કર માર્ગ અપનાવ્યો છે, મારે પણ એ જ માર્ગે જવું જોઈએ. પ્રેમને વશ પણ આવો વિચાર આવે ક્યાંથી?
ધનબાઈ એક દિવસ ગઢડા આવ્યાં. શ્રીજીમહારાજ પાસે જઈ એમણે પ્રાર્થના કરી: "મહારાજ! મારે કલ્યાણનો ખપ છે, પણ અંતરમાં એક ઝંખના રહે છે કે ભાઈ (મુક્તાનંદ સ્વામી) મને ઉપદેશ આપી મોક્ષમાર્ગ બતાવે! એમના મુખની વાણી સાંભળવાની ઉત્કંઠા છે, પ્રભુ!"
મહારાજ આ સાંભળી મુખ આડો રૂમાલ દઈને હસ્યા. પછી બોલ્યા: 'બાઈ! અમારા સાધુને સ્ત્રીઓના સંપર્કમાં આવવાની મનાઈ છે, પણ તમારો કલ્યાણનો ખપ જોઈને અમે મુક્તાનંદ સ્વામીને કહીશું કે તેઓ તમને ઉપદેશ કરે."
પછી શ્રીજીમહારાજે બીજે દિવસે મુક્તમુનિને અક્ષરઓરડીમાં બોલાવીને એમની પરીક્ષા કરવા માટે કહ્યું: "મુક્તાનંદ સ્વામી! તમારાં બહેન ત્યાગી થવા ઇચ્છે છે તો તમે એમને ઉપદેશ કરો."
મુક્તાનંદ સ્વામીએ કહ્યું: "મહારાજ! એ રીતે સાધુનો ધર્મ હું પૂરો કેમ પાળી શકીશ? આપની જ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે સ્ત્રીઓને ઉદ્દેશીને તો સાધુ કેવી રીતે વાત કરી શકે? જો આપ કૃપા કરીને મારી વાત સ્વીકારો તો હું ત્યાગનો માર્ગ અપનાવી ભક્તિમાર્ગ સ્વીકારવા ઇચ્છતી તમામ બહેનોને ઉપદેશ મળે એવાં ચાર પદોની રચના કરીશ અને તેના ઉપરથી એમને પણ ઉપદેશ મળી રહેશે."
શ્રીજીમહારાજ મુક્તમુનિની ધર્મનિષ્ઠા અને આચારદૃઢતા જોઈને અત્યંત પ્રસન્ન થઈ બોલ્યા: "ભલે સ્વામી! એમ કરો."
શ્રીજીમહારાજની આજ્ઞા મળતાં મુક્તાનંદ સ્વામીએ 'મોહનને ગમવાને ઇચ્છો માનુની...' એ ઉપદેશનાં ચાર પદોની રચના કરી. રાત્રે સભામાં બેસીને સ્વામીએ એ પદો ગાયાં. સ્વામીના મધુર કંઠે કલ્યાણનો કડવો પણ ગુણકારી ઉપદેશ સાંભળીને ધનબાઈના અંતરમાં અપાર શાંતિ થઈ. ત્યારબાદ એમનું બાકીનું જીવન મંદિરમાં જ પ્રભુભક્તિમાં વીત્યું.
કાવ્યકૃતિ :
શ્રીહરિને ગમવાને ઇચ્છો માનુની, ટેક.
ત્યાગો સર્વે જૂઠી મનની ટેક જો;
પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો,
હરિચરણે રહેજો અબળા થઈ છેક જો. શ્રીહરિને.
વળી એક વાત કહું છું અધિક વિવેકની,
સાંભળ બહેની તારા સુખને કાજ જો;
હરિજન સંગે રાખો પૂરણ પ્રીતડી,
ત્યાગો મદ મત્સર જૂઠી કુળ લાજ જો. શ્રીહરિને.
સુખદાયક તું જાણે શ્રી ઘનશ્યામને,
અતિ દુઃખદાયક મન પોતાનું જાણજો;
મુક્તાનંદનો નાથ મગન થઈ સેવજો,
સમજી વિચારી બોલો અમૃત વેણ જો. શ્રીહરિને.
આસ્વાદ :
પોતાની બહેન ધનબાઈને અનુલક્ષીને સ્ત્રીઓના સામાન્યધર્મના સરળ ઉપદેશાર્થે લખવામાં આવેલું પ્રસ્તુત પદ સંતકવિ સદગુરુ મુક્તાનંદ સ્વામીની સત્સંગમાં પ્રવર્તમાન આચારસંહિતા ને જ્ઞાનવૈભવમાં પ્રૌઢતા પુરવાર કરે છે.
અહીં કવિ સ્ત્રીઓને સરળ શબ્દોમાં સૂઝ આપે છે કે સગપણ તો હરિવરનું જ સાચું ગણાય. સંસારના સર્વ સંબંધો તો સૂતરના કાચા તાંતણા જેવા છે, ગમે ત્યારે તૂટી જાય. માટે પ્રભુ સાથે પ્રીતિ કરીને સર્વ સંજોગોમાં હરિચરણે રહેવું એ જ જીવનનો મર્મ છે.
'શ્રીહરિને ગમવાને ઇચ્છો માનુની
ત્યાગો સર્વે જૂઠી મનની ટેક જો;'
માનુની કે માનિની એટલે માની સ્ત્રી, અભિમાની સ્ત્રી--દુરાગ્રહી સ્ત્રી. માન જ મનને પોતાનું ધાર્યું કરવા પ્રેરે છે. પોતાનું ગમતું મૂકીને પ્રભુનું ગમતું કરવું હોય તો પહેલા માન મૂકી દેવું પડે. પ્રભુની પ્રસન્નતા જો મેળવવી હોય તો મનના જે ખોટા સ્વભાવ છે તેને છોડવા જ રહ્યા.
મોક્ષમાર્ગમાં એકનિષ્ઠા અતિ આવશ્યક છે. ભગવાન શ્રી સ્વામિનારાયણની દૃઢનિષ્ઠાથી પતિવ્રતાની જેમ આરાધના કરીએ તો જ લક્ષ્યપ્રાપ્તિ થાય. વચનામૃતમાં શ્રીહરિએ કહ્યું છે કે, પુરુષોત્તમના આકારે જ્યારે વૃત્તિ થાય છે ત્યારે જ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય. આ ત્યારે જ બને જ્યારે ધ્યાનમાં એકાગ્રતા આવે, અને ધ્યાનમાં એકાગ્રતા ત્યારે જ આવે જ્યારે એકનિષ્ઠા હોય! તેથી જ કવિ કહે છે: 'પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો.'
આગળ સ્વામી લખે છે:
'હરિચરણે રહેજો અબળા થઈ છેક જો.'
'અબળા' થઈને એટલા માટે કે પ્રભુના ચરણે--શ્રીજીના આશ્રયે જો રહેવું હોય તો માન મૂકીને--અહંકારનો ભાર મૂકીને રહેવું જોઈએ. આત્માથી વિલક્ષણ આપણા આગવા અસ્તિત્વને ન ઓગાળીએ ત્યાં સુધી પ્રભુ સાથે એકરૂપ થવાતું નથી.
કવિ-સહજ ઋજુતાથી સ્વામી પ્રાસાદિક શૈલીમાં વળી એક અધિક વિવેકની વાત બહેનોના સુખને કાજે કહે છે, 'સાંભળ બહેની! ભગવાનના અનન્ય ભક્ત સાથે હંમેશા ગાઢ પ્રીતિ રાખજે. ભગવાનને એના અનન્ય ભક્તો અતિ વ્હાલા છે. ભગવાન તો સદાય ભક્ત-વત્સલ છે.'
એકવાર શ્રીજીમહારાજ ઢોલિયા ઉપર બિરાજ્યા હતા. અચાનક એમણે સંતહરિભક્તોને બોલાવીને કહ્યું: "સંતો! આ મારો ઢોલિયો ને આ હું! જે આ ઢોલિયાના સત્સંગી હોય એ મારી બાજુમાં બેસો, ને જે સત્સંગીના સત્સંગી હોય એ ત્યાં બેસે!"
મહારાજના ઢોલિયા પાસે ભક્તોની ભીડ જામી ગઈ. એકલા પર્વતભાઈ દૂર જઈને બેઠા. બધા મનમાં વિચારે છે-- આ પર્વતભાઈ કાંઈ સમજતા નથી. પણ એટલામાં તો મહારાજ ઢોલિયા ઉપરથી ઊતરી પર્વતભાઈની પાસે જઈને બેઠા. ત્યારે બધાંને સમજાયું કે ભક્તના ભક્ત થવામાં જ ભગવાનનો રાજીપો છે, એટલે જ પ્રેમાનંદ સ્વામીએ પણ માંગ્યું છે કે 'દાસ તમારા દાસનો, મને રાખો નાથ હજૂર; એ વર માગું છું.'
'ત્યાગો મદ મત્સર જૂઠી કુળ લાજ જો'
ભગવાનના ભક્તે મદ, મત્સર અને ભક્તિમાં આડે આવતી જૂઠી કુળલાજનો સત્વરે ત્યાગ કરવો જોઈએ. ભક્તિમાં વળી શેહ શરમ શેની? ભક્તિ કરવી હોય તો શૂરવીરતા જોઈએ, 'હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને!'
સંસારનું ગહન તત્ત્વજ્ઞાન સરળ શબ્દોમાં સમજાવતાં કવિ કહે છે!
'સુખદાયક તું જાણે સુંદર શ્યામને,
અતિ દુ:ખદાયક મન પોતાનું જાણજો;
મુક્તાનંદનો નાથ મગન થઈ સેવજો,
સમજી વિચારી બોલો અમૃતવેણ જો.'
આ સંસારમાં જો સુખદાયક કોઈ હોય તો એ સુંદર શ્યામસ્વરૂપ શ્રી સહજાનંદ સ્વામી જ છે અને અતિ દુ:ખદાયક જો કોઈ હોય તો એ આપણું મન છે.
ભગવાન બુદ્ધે કહ્યું છે કે સંસારનાં દુઃખોનું મૂળ આશા અને તૃષ્ણાઓ છે, તેમ કવિ પણ સંસારનાં દુ:ખોનું મૂળ કારણ જેમાંથી નિરંતર નિતનવીન આશા ને તૃષ્ણા જન્મે છે એ મનને જ બતાવે છે. મન દુઃખદાયક એટલા માટે છે કે આપણે મનના સ્વભાવને જાણતા નથી. મનમાં આવતા તરંગો પ્રમાણે આપણે વર્તીએ છીએ, જો મોક્ષધર્મની આચાર-સંહિતા પ્રમાણે જ આપણા જીવનની ગતિવિધિ ગોઠવીએ તો મન સહાયક બનીને પ્રભુની પ્રાપ્તિ કરાવી દે એટલી એની જબરદસ્ત તાકાત છે.
મુક્તાનંદ અંતે મગન થઈને --મગ્ન બનીને ભગવાન ભજવાની સલાહ આપતાં કહે છે --'સમજી વિચારી બોલો અમૃત વેણ જો.' सत्यं च प्रियं च वद। મનુસ્મૃતિની આ ઉક્તિનું સમર્થન કરતાં કવિ કહે છે કે સમજી વિચારીને મધુર વચન બોલવાં.
શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે કે, જે વચને કરીને પોતાનો અને પારકાનો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું. અહીં મુક્તાનંદ સ્વામીની ઉત્કટ વ્યવહાર-દક્ષતા સૂચિત થાય છે.
પદ પ્રાસાદિક છે, સુગેય છે અને એનો ઢાળ પણ જાણીતો છે.