૨૯. તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે...
ભરી સભામાં ઝોલું આવતાં બ્રહ્માનંદ સ્વામીને મહારાજે બેરખો માર્યો, 'આપની મૂર્તિનું ધ્યાન કરતો હતો' એવા બ્રહ્માનંદના ખુલાસા સામે મહારાજે એ અંગેનું કીર્તન બોલવાની આજ્ઞા આપી ત્યારે બ્રહ્માનંદે પ્રગલ્ભ સ્વરે લલકાર્યું:
'તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે...'
શ્રીજીમહારાજ જ્યારે જ્યારે કથા કીર્તન પ્રસંગે સભામાં વિરાજમાન થતા ત્યારે પોતાની પાસે સોપારીનો એક બેરખો રાખતા. જેને સભામાં ઊંઘનું ઝોકું આવી જાય તેની તરફ એ બેરખો છૂટો ફેંકતા. જેના ઉપર બેરખો પડ્યો હોય તેણે તે બેરખો ઊભા થઈને મહારાજને આપી આવવાનો. આથી કથા શ્રવણ કરવામાં સૌ સાવધાની રાખતા.
એકવાર બ્રહ્માનંદ સ્વામીને કથા પ્રસંગમાં ઝોલું આવ્યું અને મહારાજે તેમને બેરખો માર્યો. બેરખો વાગતાં જ સ્વામી ઝબકી ગયા.
તેમણે મહારાજને પૂછ્યું: "મહારાજ! મને કેમ બેરખો માર્યો?"
મહારાજ કહે: "તમે ઝોલું ખાધું એટલે. નિયમ એટલે નિયમ."
"અરે....પણ મહારાજ! હું તો આંખો મીંચીને કીર્તનની કડીઓ ગોઠવતો હતો." હાજર જવાબી બ્રહ્માનંદે તરત જ ઉત્તર વાળ્યો.
મહારાજ તેમની આ યુક્તિથી હસ્યા. તેમણે કહ્યું: "તો બોલો તે કીર્તનની કડીઓ."
"બોલું મહારાજ! પણ એક શરતે. હું બોલાવું અને સભા ઝીલે તો જ! ઝિલણિયું કીર્તન છે ને એટલે." શીઘ્ર કવિએ યુક્તિ રચતાં કહ્યું.
"બધું કબૂલ પણ તમે હવે જલદી શરૂ કરો." મહારાજે ઉતાવળ કરતાં કહ્યું.
શીઘ્રકવિ બ્રહ્માનંદે તત્કાળ કીર્તન બનાવતા જઈ ગાવા માંડ્યું:
'તારો ચટક રંગીલો છેડલો, અલબેલા રે;
કાંઈ નવલ કસુંબી પાઘ, રંગના રેલા રે.'
સભાએ આ પંક્તિ ઝીલી ત્યાં તો શીઘ્રકવિએ બીજી કડી રચી દેતાં ગાયું:
'શિર અજબ કલંગી શોભતી, અલબેલા રે;
હૈડામાં રાખ્યા લાગ, રંગના રેલા રે.'
આમ ચાર પદની શીઘ્ર રચના કવિ કરી ગયા. સ્વામીની શીઘ્ર કવિત્વ શક્તિ ઉપર મહારાજ મુગ્ધ થઈ ગયા. તેમણે કહ્યું:
"સ્વામી! અમારી ભૂલ થઈ ગઈ. તમે અમારા સ્વરૂપનું આવું સરસ ધ્યાન કરતા હતા ને છતાંય અમે તમને બેરખો માર્યો."
મહારાજ તો બધું જાણતા હતા, પણ એમણે સ્વામીને ઉત્તેજિત કરી સાચી વાત સભામાં કઢાવવી હતી. મહારાજનાં વચન સાંભળી સ્વામી એકદમ બોલી ઊઠ્યા: "ના રે, મહારાજ! આપની કેમ ભૂલ થાય? એ તો અમારો ચારણી જીવ તેથી એક કડી સભાજનો ઝીલે ત્યાં બીજી કડીની રચના કરી દઈએ. બાકી હું તો તમારા બેરખાને યોગ્ય જ હતો!" આખી સભા આ સાંભળી હસી પડી. મહારાજ પણ તેમના નિષ્કપટભાવથી પ્રસન્ન થયા.
કાવ્યકૃતિ :
તારો ચટક રંગીલો છેડલો, અલબેલા રે;
કાંઈ નવલ કસુંબી પાઘ, રંગના રેલા રે. ટેક.
શિર અજબ કલંગી શોભતી, અલબેલા રે;
હૈડાંમાં રાખ્યા લાગ, રંગના રેલા રે ...૧
મોળીડું છાયું મોતીએ, અલબેલા રે;
ફૂલડાંની સુંદર ફોર, રંગના રેલા રે ...૨
ઘેરે રંગે ગુચ્છ ગુલાબના, અલબેલા રે;
જોઈ ભ્રમર ભમે તે ઠોર, રંગના રેલા રે ...૩
તારી પાઘલડીના પેચમાં, અલબેલા રે;
મારું ચિત્તડું થયું ચકચૂર, રંગના રેલા રે ...૪
બ્રહ્માનંદ કહે તારી મૂરતિ, અલબેલા રે;
વણ દીઠે ઘેલી તૂર, રંગના રેલા રે ...૫
આસ્વાદ :
પૂર્વાવસ્થામાં શિરોહીના રાજકવિના પુત્ર અને દશ વર્ષ ભૂજની લખપત વ્રજભાષા પાઠશાળામાં પિંગળ અને કવિતાનો અભ્યાસ કરી આવેલા સ્વામી બ્રહ્માનંદ સાહિત્યદૃષ્ટિએ સ્વામિનારાયણ સંપ્રદાયના એક મોટા કવિ છે. છંદ અને ભાષા પરનું તેમનું પ્રભુત્વ તેમના સવૈયા, ચંદ્રાવળા, ઝૂલણા, છપ્પા, કુંડળિયા, ચર્ચરી અને રેણકીમાં તરત જ પરખાઈ આવે છે અને તેમની પદસિદ્ધિ પણ એટલી જ નોંધપાત્ર છે.
મધ્યકાલીન સ્વામિનારાયણીય સંતકવિઓના એક અનુગામી કવિ અવિનાશાનંદ બ્રહ્મચારીએ પોતાના પુરોગામી સંત-કવિઓને મૂલ્યદર્શી અર્ધ્ય આપતાં લખ્યું છે:
'બ્રહ્મમુનિ કવિ ભાનુસમ, પ્રેમ, મુક્ત દોઉ ચંદ;
ઓર કવિ ઉડુગણ સમ, કહે કવિ અવિનાશાનંદ.'
આમ સંપ્રદાયના સર્વ કવિવૃંદમાં બ્રહ્માનંદ સ્વામીનું સ્થાન સૂર્ય સમાન સર્વોપરી ને પ્રભાવક રહ્યું છે. બ્રહ્મમુનિની કવિતામાં મધ્યકાલીન ગુજરાતી કવિતાની જેમ ભક્તિ અને જ્ઞાનની બન્ને ધારાઓ સમાંતરે વહેતી જણાય છે. બ્રહ્માનંદ સ્વામીની કવિતામાં શૃંગારથી પ્રાણમય બનેલી ભક્તિ તેમ જ વૈરાગ્યના સચ્ચાઈ ભરેલા સૂરથી મુખરિત થયેલું જ્ઞાન બન્ને જોવા મળે છે.
આ પદમાં કવિ બ્રહ્માનંદ સ્વેષ્ટ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજના રસિક રૂપશૃંગારનું સજીવ નિરૂપણ કરે છે. અલબેલા પ્રીતમ શ્રી સહજાનંદજી મહારાજ કવિના અંતરમાં, એમના રોમેરોમમાં વસેલા છે તેથી જ એ પ્રિયંકર પ્રભુની પ્રત્યેક ચેષ્ટા, પ્રત્યેક શૃંગાર એમને ખૂબ હૃદયસ્પર્શી ને મધુર લાગે છે.
પ્રેમીને પ્રેમાસ્પદની પ્રત્યેક ચીજ પ્યારી લાગતી હોય છે, પ્રેમની એ જ વિશિષ્ટતા છે. તેથી જ બ્રહ્માનંદ સ્વામી પ્રિયતમ પ્રભુ સ્વામી સહજાનંદજીના લાલચટક રંગના છેડાવાળી કસુંબી પાઘ જોઈને આનંદના ઉલ્લાસમાં ઘેલા થઈ જાય છે. કહે છે ને કે 'દૃષ્ટિ એવી સૃષ્ટિ.' કવિના હૈયામાં પ્રેમનો જે લાલ રંગ જામ્યો હતો એ જ એમને પ્રભુજીની પાઘમાં જણાતો હતો. પ્રેમના એ લાલ રંગમાં મહિમાનાં મોતી ગૂંથાયેલાં છે, જ્ઞાનના ગુચ્છ-તોરા ખોસેલા છે. તેથી કવિ ગાય છે:
'મોળીડું છાયું મોતીએ, અલબેલા રે;
ફૂલડાંની સુંદર ફોર, રંગના રેલા રે.'
તોરાના એ ફૂલ પણ ઘેરા રંગના ગુલાબના છે, જે જોતાં ભ્રમર તો દૂર જાય જ શાના? ભ્રમરને અને ગુલાબને અનાદિનો સંબંધ છે, જે સંબંધ મનનો સૌંદર્ય સાથેનો છે --માધુર્ય સાથેનો છે એ જ પ્રકારનો એ સંબંધ કવિને અહીં અભિમત છે. કવિનું રસિક મન મધુકરની જેમ પ્રિયતમ પ્રભુના શૃંગારમાં રસભ્રમણ કરતું રહે છે. એમનું ચંચળ ચિત્ત પાતળિયા પ્રીતમની પાઘલડીના પેચમાં અટવાય છે. ચંચળ ચિત્ત દુન્યવી સૌંદર્યના ઉપભોગથી વિકળ બનતું હોય છે, પરંતુ પરમાત્માના સંબંધને પામેલો શૃંગાર પણ એટલો દિવ્ય હોય છે કે એના આકંઠ ઉપભોગથી ચિત્ત એની ચંચળતા ત્યજી શાંત ને એકાગ્ર બને છે!
કવિએ પદની પંક્તિએ પંક્તિએ શ્રી સહજાનંદજી પ્રત્યેનો પોતાનો અનન્ય પ્રેમભાવ અભિવ્યક્ત કર્યો છે. એ જોતાં સહેજે સમજાય છે કે કવિની સ્વરૂપનિષ્ઠા અને સખાભાવ અદ્વિતીય હતાં. પદમાં 'અલબેલા રે' અને 'રંગના રેલા રે' એ બન્ને ધ્રુવપદોનું ક્રમિક આવર્તન મૂકીને કવિએ કાવ્યના ગેયતત્ત્વને વધુ પ્રભાવક બનાવ્યું છે.
પદ ઝિલણિયું છે, સમુદાયમાં ગવાય છે અને સંપ્રદાયમાં બહુ લોકપ્રિય છે.