૨૧. પિયા પાયા તો ફિર ક્યા સોના...
સં. 1885ના આસો સુદ બારસના દિવસે ગઢડામાં શ્રી ગોપીનાથજી દેવની પ્રતિષ્ઠા કર્યા બાદ શ્રીજીમહારાજ ઘણું ખરું ગઢડામાં જ રહેતા હતા. તેથી મહારાજના દર્શન--સમાગમ માટે દરરોજ મોટી સંખ્યામાં સંત હરિભક્તો ગઢડા આવતા હતા. દૂર દૂરથી આવતા હરિભક્તો ગઢડા આવી સંતોને રોજ જુદી જુદી રસોઈ આપતા. શ્રીહરિ તેમજ સંતો જમે એ જોઈને એ ભક્તો કૃતાર્થ થતા, પણ વિશેષ સંતોષ તો એમને ત્યારે જ થતો જ્યારે શ્રીજી સ્વયં સંતોને પીરસીને આગ્રહપૂર્વક જમાડતા.
આમ આવું દરરોજ ચાલતું અને એ અરસામાં મહારાજની તબિયતે પણ કસર જણાતી હતી. સંતોની પંક્તિમાં પીરસતા પીરસતા મહારાજ ક્યારેક થાકીને વચમાં બેસી પડતા. તેથી એકવાર અક્ષર ઓરડીએ મહારાજના પગ દબાવતા દબાવતા મૂળજી બ્રહ્મચારી ખિજાઈને બોલ્યા: "રોજ રોજ શું પીરસવા જવાનું? અંદર અંદર બધા પીરસી લેશે." મહારાજ તેમનો રોષ જોઈ સૂતા સૂતા હસ્યા. બ્રહ્મચારી સમજી ગયા. તેમણે કહ્યું: "તો પછી બધી વાનગી અહીં મંગાવીએ. હાથ અડાડી દો એટલે નિર્ગુણ પ્રસાદી થઈ જાય." એટલે મહારાજ કહે: "પણ દર્શન ન થાય ને?"
હવે બ્રહ્મચારી ભાવમાં આવી ગયા. તેમણે કહ્યું: "દર્શન તો રોજ સૌ કરે છે, વિશેષ દર્શન કરવાં હોય તો રાત્રે આપ પોઢ્યા હો ત્યારે બેસી જાય સામે અને દર્શનનો લાભ બરાબર લઈ લ્યે." હવે મહારાજને બ્રહ્મચારીની વાત સાંભળી ગમ્મત પડી. તેમણે બ્રહ્મચારીને લડાવતાં કહ્યું: "બ્રહ્મચારી! તમારી વાત તો સાવ સાચી છે. એવો ખપ હોય તો પછી નિંદર આવે જ શેની?"
સ. ગુ. મુક્તાનંદ સ્વામી ક્યારના અક્ષરઓરડીના અધખૂલા દરવાજા આડે ઊભા ઊભા મહારાજ અને બ્રહ્મચારીનો આ સંવાદ સાંભળતા હતા. મહારાજના અંતિમ શબ્દોએ સ્વામીને વિચારતા કરી દીધા, 'એવો ખપ હોય તો પછી નિંદર આવે જ શેની?' ....સ્વામીના અંતરમાં ઉત્પાત મચી ગયો, પ્રસવની વેદના જેવી પીડા એમના અંતરમાં ઊપડી અને સ્વામી સીધા ઉતારે પહોંચ્યા. કાગળ અને કલમ લઈને મહારાજના મહામૂલા સંદેશને સાકાર કરવા સ્વામી મથવા લાગ્યા. મહારાજના જે શબ્દોએ સ્વામીના અંતરમાં કાવ્યતત્ત્વનો ગર્ભ ધારણ કર્યો હતો એ નવજાત કાવ્ય--શિશુ થોડી વારે પ્રસવ પામ્યું. સંતનું હૈયું હવે હળવું થયું! રાત જામી ગઈ હતી, મુક્તમુનિએ સારંગી લઈ મૃદુ સ્વરમાં ગાવા માંડ્યું:
'પિયા પાયા તો ફિર ક્યા સોના....
હો પિયા પાયા તો ફિર ક્યા સોના...
પિયા પાયા જબ સાર સબન કો,
હાડ ચામ ક્યા જોના રે....'
કાવ્યકૃતિ :
હો પિયા પાયા તો ફિર ક્યા સોના. ટેક.
પિયા પાયા જબ સાર સબનકો,
હાડ ચામ ક્યા જોના રે... પિયા
મગન ભયે મન મોહન સંગે,
મગન હોય ક્યા રોના રે... પિયા
બખ્તર પહેન કે રણમેં નિકસે,
નરમ ગરમ ક્યા હોના રે... પિયા
મુક્તાનંદ મોહ સબ તજ કે,
ઘનશ્યામ ચરન ચિત્ત પ્રોના રે... પિયા
સંતકવિ મુક્તાનંદનું આ હિન્દી પદ ભક્તિરસથી ભારોભાર ભરેલું છે. આ ભક્તિ પ્રેમની છે, નવધા ભક્તિના અંતે પર્યવસાન પામતી એ પ્રેમલક્ષણા ભક્તિ છે! પિયુની પ્રાપ્તિ એ સાચા અર્થમાં તો જ્યારે ભક્તના અંતરમાં આ પ્રેમ-ભક્તિ આવિષ્કાર પામે છે ત્યારે જ થાય છે. પ્રેમનો પ્રાદુર્ભાવ એ જ પિયુની પ્રાપ્તિ છે. એને પામ્યા પછી પ્રમાદ કેમ પોષાય? પછી તો જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થા ઓળંગીને પ્રેમી ભક્ત નિરંતર પિયુની પ્રેમમૂર્તિનો પ્રેમરસ ચાખ્યા કરે છે.
'પિયા' એ સમષ્ટિનો સાર છે. એ નિષ્કર્ષ આપતા 'હાડ-ચામ ક્યા જોના' પંક્તિમાં કવિનો પ્રેમ, શારીરિક આકર્ષણથી મુક્ત થઈ આધ્યાત્મિક ધરાતલ પર પદાર્પણ કરે છે. અહીં 'જોના' એ ગુજરાતી શબ્દ 'જોવું'ના અર્થમાં છે. હિન્દીમાં 'જોના' શબ્દ નથી, પરંતુ અહીં જે અર્થમાં એ પ્રયુક્ત થયો છે એ જગ્યાએ એનો પર્યાય 'જોના' જેવો અર્થ ન આપી શકે એમ લાગે છે. આમ કવિ શબ્દપારખુ પણ છે.
પરમાત્મા તો રસરૂપ છે, આનંદરૂપ છે. એ મળ્યા પછી વળી રોવાપણું શેનું? પછી તો બસ આઠે પહોર આનંદ જ આનંદ વર્તવો જોઈએ.
'બખ્તર પહેનકે રણમેં નીકસે, નરમ ગરમ ક્યા હોના'
અહીં સંત કવિ બ્રહ્માનંદનું 'રે શિર સાટે હરિવરને વરીએ' એ પદ યાદ આવે છે. એમાં એક પંક્તિ છે-- 'રે રણમધ્યે જઈને નવ ડરીએ.' કંઈક એવો જ ભાવ કવિ અહીં ધરે છે. ભક્તિનો માર્ગ એ યોદ્ધાનો માર્ગ છે. હરિપ્રેમનું બખ્તર પહેરી જીવનના સમરાંગણમાં રણે ચડ્યા પછી તો જે કંઈ થાય તેનો અણનમ રીતે મુકાબલો જ કરવાનો રહે છે. પછી મનમાં જરાય ઉચાટ કે અધૈર્ય રાખવાનો શો અર્થ છે? પછી તો પૂરી શ્રદ્ધાથી જ જંગ જીતી જવાનો દૃઢ સંકલ્પ રહેવો જોઈએ.
અંતે મુક્તાનંદ સર્વ મોહ-મમતા તજીને શ્રીજીચરણમાં જ ચિત્ત પરોવવાનું કહે છે. એકવાર પ્રભુમાં મન જોડાય છે. પછી અખંડ આનંદમસ્તીની અનુભૂતિ રહ્યા કરે છે.
પંક્તિએ પંક્તિએ 'ફિર ક્યા સોના?' 'ક્યા જોના?' 'ક્યા રોના?' વગેરે પ્રશ્નાર્થ ઉક્તિઓ મૂકીને કવિએ કાવ્યના ભાવાત્મક મર્મને વધુ ચોટદાર બનાવ્યો છે. 'હિન્દી-વ્રજભાષામાં સાકાર શ્રીહરિનું ગુણ-સંકીર્તન કરી મુક્તાનંદે ભાષાને ધન્ય બનાવી છે.' એમ એક વિવેચકે નોંધ્યું છે તે યથાર્થ જ છે!
આસ્વાદ :