૪. જમો થાળ જીવન જાઉં વારી...

0:000:00

જામનગર તાલુકાના કેશિયા ગામના કડિયા રૂપજી રામજી બહુ સારા ભક્ત કવિ હતા. સત્તર વર્ષની કિશોર અવસ્થાએ રૂપજીભાઈ સદગુરુની શોધમાં ઘરેથી નીકળી ગયેલા. કેશિયાથી સીધા તેઓ કચ્છ ગયા. કચ્છમાં છ વર્ષ રહ્યા બાદ રાજકોટ, વાંકાનેર, મુળી વગેરે ગામ ફરતાં ફરતાં વઢવાણ પાસે ખારવા નામે ગામે રોકાયા.

એક દિવસ રૂપજીભાઈ ખારવા ગામના ગોંદરે આવેલા તળાવની પાળે બેઠા હતા ત્યારે સુંદર નૈસર્ગિક વાતાવરણમાં એમને એક કાવ્ય સ્ફૂર્યું અને એકાએક એમના મુખમાંથી શબ્દો સરી પડ્યા:

'ન કરો પરણ્યા કેરું કામ, કદી ચૂડો ભાંગે;

રાખો હરિસંગે હેત, ચૂડો અમર રાખે.

પહેરો સંતની વરમાળ, જમ પાસે નવ આવે;

સોંપો તન મન ધન, હરિ તેડવા આવે.'

તળાવ કાંઠે ધનારાબા નામના એક સત્સંગી ભાઈ રહેતા હતા, તેમના કાને રૂપજીભાઈના ઉપરોક્ત શબ્દો પડ્યા. એમને થયું માનો ન માનો, આ કોઈ ભક્તકવિ લાગે છે. ધનારાબા તેમની સમીપે પહોંચ્યા અને સત્સંગ કર્યો. ધનારાબાએ રૂપજીને કહ્યું: "તમે ભગવદ્ ભક્ત છો અને કવિ પણ છો, છતાં પ્રગટ ભગવાન મળ્યા વિના કલ્યાણ નહિ થાય."

રૂપજીભાઈ કહે: "અત્યારે કળિયુગમાં પ્રગટ ભગવાન ક્યાંથી હોય?"

"મને પ્રગટ ભગવાન મળ્યા છે." ધનારાબાએ છાતી ઠોકી ગૌરવભેર કહ્યું.

પણ રૂપજીભાઈ એમ કાંઈ માને! એ કહે: "હું નજરે દેખું તો જ માનું."

ધનારાબા રૂપજીભાઈને લઈને સમૈયા ઉપર ગઢડા ગયા, ત્યાં શ્રીજીમહારાજનાં દર્શન થતાં જ રૂપજી કડિયાના કવિહૃદયમાં એ કાવ્યમય કરુણાકરની મનમોહક મૂર્તિ વસી ગઈ. કવિએ તત્કાળ સંસાર તજી ભગવી કંથા ધારણ કરી ને ભુધરાનંદ બન્યા. કાવ્યાન્તે ભુધરાનંદ નામ બરાબર પ્રાસમાં બેસતું ન હોવાથી અંતે શ્રીજીમહારાજે એમને 'ભૂમાનંદ' નામ આપ્યું (શ્રી નિર્ગુણદાસ સ્વામીની વાતો. (વાત-૪૫૩)).

સ. ગુ. કૃષ્ણાનંદ સ્વામી 'શ્રી હરિચરિત્રામૃત'માં સંતકવિ ભૂમાનંદ સ્વામી વિષે નોંધતા લખે છે:

"ભૂમાનંદ સ્વામી ભલા ભક્ત, નામ રૂપો હરિમાં આસક્ત;

રહેતા ખારવા ગામમાં ખાંતે, ઘરત્યાગ કર્યો સુણી વાતે.

કવિતા કરતા અતિ કાજુ, જગજીવનમાં હેત ઝાઝું;

થયા ત્યાગી મૂકી જગફંદ, નામ ધરાવ્યું ભુધરાનંદ.

નામ કાવ્યમાં મળતું ના'વ્યું, ત્યારે શ્રીજીએ આપે ફેરાવ્યું;

પાડ્યું ભૂમાનંદ ભયહારી, કાવ્યમાં મળતું સુખકારી."*

* શ્રીહરિચરિત્રામૃત- (અ. ૬૫. શ્ર્લોક ૧૯ થી ૨૧)

કવીશ્વર દલપતરામને પણ સત્સંગમાં લાવવાનું પુણ્ય કાર્ય ભૂમાનંદ સ્વામીએ કર્યું હતું. તેઓ કવિ દલપતરામના દીક્ષાગુરુ હતા. ભૂમાનંદ સ્વામી સાથેનો દલપતરામનો પ્રથમ મેળાપ મુળીમાં યેલો.3 એ પ્રસંગનું મહાકવિ ન્હાનાલાલે બહુ જીવંત વર્ણન કર્યું છે: "મુળીમાં સંતોને આસને કિશોર દલપતરામ જતા અને પ્રશ્નો પૂછતા. ફરતાં ફરતાં દલપતરામ ભૂમાનંદ સ્વામીને આસને ગયા. ત્યાં કીર્તન ગવાતું હતું: 'સર્વે સખી જીવન જોવાને ચાલો રે...' કીર્તન પૂરું થયું ને ભૂમાનંદ સ્વામીની કથા ચાલી, 'અરે ભાઈ! જીવનું કલ્યાણ મનુષ્ય દેહમાં જ છે. માટે મનુષ્ય દેહ મોંઘેરો કહ્યો છે. ચોરાશીના ફેરામાં બીજે મોક્ષ નથી. દેવલોક પુણ્ય માણવાને છે, 'ક્ષિણે પુણ્યે લોકે વિશંતી.' મારે તમને ખોટું કહેવાનું કારણ શું હોય? સ્ત્રી ધનનો અમારે ત્યાગ છે, મન માને તો માનજો, ઊગ્યો કહીએ તો જ અજવાળાં આપશે. શ્રીજીમહારાજ ક્યાં જન્મેલા? ક્યાંથી આ દેશમાં આવ્યા? લાખોની વૃત્તિઓ કેવી રીતે ખેંચી લીધી? એ બધાંય આશ્ચર્યો નથી?.... કોઈને શંકા રહેતી હોય ને પૂછવું હોય તો ભલે પૂછે.' ત્યારે વઢવાણના જુવાન છોકરડા દલપતરામે પ્રશ્ન પૂછ્યો કે "ઈશ્વરને અવતાર ધરવાનું કારણ શું? વગર અવતાર ધર્યે તે પોતાનું કાર્ય ન કરી શકે? અમારાં આગળનાં ધર્મશાસ્ત્રો શું ખોટાં છે?"

ભૂમાનંદ સ્વામીએ કિશોર દલપતરામના(કવિ ન્હાનાલાલ) સર્વ પ્રશ્નોના શાંતિથી જવાબ આપી અંતે સમજાવ્યું: "ભગવાનની ભાષા મૌનની છે. ઋષિમુનિનાં અંતર દ્વારા ભગવાનની વાણી પ્રગટ થાય છે, તો ય તે પડદાની વાતો પડદા પાછળથી કરે છે. કેટલાય કળા અવતાર, અંશ અવતાર થયા; આ તો અવતારોના અવતારી આંગણે આવ્યા છે. અગમ્યને ને અગોચરને ઓળખાવવા સારુ ભગવાન અવતાર લે છે. ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું જ છે કે: 'संभवामि युगे युगे' એટલે કળિયુગમાં પણ પ્રભુનો પ્રાદુર્ભાવ શક્ય છે. સકલ ધર્મશાસ્ત્રો હરિની જ પ્રેરણા છે. ધર્મશાસ્ત્રનો મર્મ પામીને તેને અનુસરવામાં કલ્યાણ જ હોય. શ્રુતિ ત્રિકાળ પર છે, પરંતુ સ્મૃતિ યુગે યુગે બદલાતી રહે છે. સ્વામિનારાયણ આજના ધર્મનો બોધ આપવા કાજે અવતર્યા હતા. એમની શિક્ષાપત્રી એ ધર્મશાસ્ત્ર જ છે.

દલપતરામ પર સ્વામી ભૂમાનંદના વ્યક્તિત્વનો અને તેમની વાણીનો અદભુત પ્રભાવ પડ્યો. એમણે નોંધ્યું છે તેમ: 'પ્રથમ તો વાતો કરનાર સ્વામીનો ચહેરો જોઈને તથા આંખો જોઈને જ વાતો સાંભળનારના મનને શાંતિ થઈ જાય. વચન તો પછી નીકળે.' (કવિશ્વર દલપતરામ, ભાગ-1, પૃ. 124)

ભૂમાનંદ સ્વામીના ઉપદેશે દલપતરામને ધર્મબાણ વાગ્યાં. દલપતરામ સ્વયં કહે છે 'ઉપદેશ, જેમ બાણ વાગે તેમ છાતીમાં ઊતરી ગયો, અંતઃકરણ પીગળી ગયું, નેત્રમાં આંસુ આવી ગયાં.' (કવિશ્વર દલપતરામ, ભાગ-1, પૃ. 125) દલપતરામે ભૂમાનંદ સ્વામી પાસે કલ્યાણનો માર્ગ માગ્યો, ભૂમાનંદે તેમને પંચવર્તમાનની સ્વામિનારાયણની ધર્મદીક્ષા દીધી.

શ્રીજીમહારાજ સંતોને હંમેશાં લોક કલ્યાણાર્થે ગામડાંઓમાં સતત ફરતા રાખતા, જેથી ગરીબ, અભણ અને પછાત કોમના લોકોમાં આધ્યાત્મિક અભિરુચિ વિકસે. એ રીતે સત્સંગનો પ્રચાર ને પ્રસાર થતો ને સાંસારિક માયામાં બદ્ધ જીવોને પ્રગટ પ્રભુને પામવાનો કલ્યાણકારક માર્ગ મળતો.

ભૂમાનંદ સ્વામી પણ આ રીતે એક વાર ગામડાંઓમાં ફરતા હતા ત્યારે કુસંગીઓના ગામમાં ભીક્ષા ન મળતાં તેમને સતત ચાર દિવસના ઉપવાસ થયા. પાંચમે દિવસે સવારે બીજા ગામડાંમાં ફરતા સંતો શ્રીજીમહારાજની ઇચ્છાથી ત્યાં આવી ચડ્યા ત્યારે ભૂમાનંદ સ્વામીની હાલત જોઈ તેઓ ચોંકી ગયા. સંતો પાસે બીજું તો કાંઈ હતું નહિ. થોડો ઘઉંનો પોંક પડ્યો હતો તે સ્વામી આગળ ધર્યો. સ્વામી એ પરિસ્થિતિમાં બહુ ગદગદ થઈ ગયા. શ્રીજીમહારાજની અપાર કરુણાની પ્રતીતિ થતાં સ્વામીની આંખો ઊભરાઈ આવી. ક્ષણવાર તો એમનું અંતર પ્રભુ પ્રત્યે અહોભાવથી એટલું તો ભરાઈ ગયું કે ગળે ડૂમો બાઝી ગયો ને આંખો હર્ષાશ્રુથી છલકાઈ જવા માંડી. સ્વામીનું હૈયું પ્રભુને પ્રાર્થી રહ્યું: 'વાહ પ્રભુ! તારી કરુણા અપાર છે. દેશકાળ તો એવા છે કે મૂઠી ધાન પણ મળે તેમ નથી, એવા સંજોગોમાં પ્રભુ! તેં સંતોને પ્રેરણા આપી, અહીં મોકલી, આજે આ દેહની રક્ષા કરી. વ્હાલા! આજે ચાર દિવસે આપને જમાડવાની મને તક મળી, એ માટે પ્રભુ, તને કોટાનુકોટિ પ્રણામ! મહારાજ, આજે આપને ભાવથી જે જમાડું એ હેતથી જમો મારા નાથ!' અને અંતરની એ પ્રાર્થના પૂરી કરી સ્વામી ભાવાવેશમાં શ્રીજીમહારાજને પોંક જમાડતા ગયા. એ વખતે પ્રેમાર્દ્ર હૃદયમાંથી જે ભાવોર્મિ પ્રગટી તેના ભાવસભર શબ્દોએ 'થાળ'ના કાવ્યનું મનહર રૂપ ધરી લીધું.

"જમો થાળ જીવન જાઉં વારી..."

શ્રીજી પ્રત્યેના અનન્ય પ્રેમને કારણે ભૂમાનંદે અહીં શ્રીજીમહારાજ માટે જે શબ્દ 'જીવન' વાપર્યો છે તે કેટલો યથાર્થ ને સૂચક છે!

ભૂમાનંદ પાસે તો એ વખતે પ્રભુને જમાડવા ફક્ત ઘઉંનો પોંક જ હતો પણ એમણે મનોમન હૃદયના શુદ્ધ ભાવો દ્વારા પ્રભુને ઘઉંની પોળી, કેરીનો રસ, ગળ્યા સાટા, ઘેબર, ફૂલવડી, દૂધપાક, માલપૂવા, કઢી, પૂરી, અથાણાં, શાક, દહીં, ભાત, સાકર વગેરે વાનગીઓ જમાડી અંતે મનગમતા મુખવાસ પણ આપ્યા. શ્રીજીમહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે તેમ દેહે કરીને યાંત્રિક રીતે બાહ્યદૃષ્ટિએ કરેલી પૂજા કરતાં માનસી પૂજા દ્વારા અંર્તદૃષ્ટિથી કરેલી આરાધના વધુ ઉપકારક અને ફળદાયી નીવડે છે. અહીં થાળની વિવિધ વાનગીઓ દ્વારા ભૂમાનંદની ભવ્ય ભાવોર્મિઓ જ અભિવ્યક્ત થાય છે. મનની ભાવના દ્વારા આ રીતે ભગવાનને ધરવામાં આવેલો થાળ પ્રભુએ પ્રેમપૂર્વક સ્વીકારેલો એ વાતની સાક્ષી ઇતિહાસ પૂરે છે.*

* પૂ. નંદકિશોરદાસજી નોંધે છે: 'જમો થાળ જીવન જાઉં વારી' એ થાળ પ્રસંગે મહારાજે સાક્ષાત્ દર્શન દઈ જે જે વસ્તુઓનાં નામ થાળ બોલતી વખતે સ્વામીએ દીધાં તે સર્વ વસ્તુઓ સ્વામી દેખે એમ જમ્યા.... ને પછી અંતર્ધાન થઇ ગયા.' પાન નં.૭ (શ્રી ભૂમાનંદ સ્વામીનું જીવનચરિત્ર- શ્રી ઘનશ્યામલીલામૃત સાગર.).

ગામડાં ગામમાંથી ફરતાં ફરતાં ભૂમાનંદ સ્વામી જ્યારે ગઢડા પહોંચ્યા ત્યારે સવારે લગભગ દશ વાગ્યાનો સુમાર હતો. શ્રીજીમહારાજના જમવાનો સમય હતો. મહારાજને ખબર પડી કે ભૂમાનંદ સ્વામી આવ્યા છે, એટલે મહારાજ જમતા જમતા ઊભા થઈને સ્વામીને તેડવા સામે દોડ્યા. સ્વામી સજળ નેત્રે શ્રીહરિને મળ્યા ને તે વખતે નેત્રમાંથી અષાઢી મેઘ છૂટ્યા. મહારાજ પણ સ્વામીને એકદમ ભેટી પડ્યા. તે વખતે મહારાજ પણ ગદગદ થઈ ગયા. પછી મહારાજ હાથ પકડીને સ્વામીને પોતાની સાથે દાદાના દરબારમાં લઈ ગયા. ત્યાં સ્વામીને પાસે બેસાડી મહારાજે કહ્યું: "સ્વામી! તમે તો એ દિવસે અમને ભાવથી ખૂબ જમાડ્યા. તમારો થાળ તો ફરી ફરીને સાંભળવાનું મન થાય એવો છે." સ્વામી તો આ સાંભળી સજળ નેત્રે બે હાથ જોડી અંતર્યામી પ્રભુના શ્રીચરણમાં ઝૂકી પડ્યા. પછી શ્રીજીમહારાજ જમવા બેઠા તે વખતે એ જ થાળ ચાર પાંચ વખત સ્વામી પાસે ગવડાવી એમાં એટલું અમૃત રેડ્યું કે હજી પણ એ થાળ પ્રસાદીનો ગણી સત્સંગમાં પ્રતિદિન મંદિરમાં તેમ જ હરિભક્તોના ઘરમાં ભાવપૂર્વક ગવાય છે.


કાવ્યકૃતિ :

જમો થાળ જીવન જાઉં વારી;

ધોઉં કર ચરણ કરો ત્યારી. જ. ટેક

બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી,

કટોરા કંચનની થાળી;

જળે ભર્યા ચંબુ ચોખાળી. જમો થાળ. ૧

કરી કાઠા ઘઉંની પોળી

મેલી ઘૃત સાકરમાં બોળી;

કાઢ્યો રસ કેરીનો ઘોળી. જમો થાળ. ૨

ગળ્યાં સાટા ઘેબર ફૂલવડી,

દૂધપાક માલપૂવા કઢી;

પૂરી પોચી થઈ છે ઘીમાં ચઢી. જમો થાળ. ૩

અથાણાં શાક સુંદર ભાજી,

લાવી છું તરત કરી તાજી;

દહીં ભાત સાકર છે ઝાઝી. જમો થાળ. ૪

ચળુ કરો લાવી હું જળઝારી,

એલચી લવિંગ સોપારી;

પાનબીડી બનાવી સારી. જમો થાળ. ૫

મુખવાસ મનગમતા લઈને,

પ્રસાદી થાળ તણી દઈને;

ભૂમાનંદ કહે રાજી થઈને. જમો થાળ... ૬


આસ્વાદ :

થાળના આ પદમાં સ. ગુ. ભૂમાનંદ સ્વામીના હૈયાના હેતે કથનનું સ્વરૂપ લીધું છે.

પ્રથમ પંક્તિમાં કવિ શ્રીજીમહારાજને જમવા માટે આહ્વાન આપી, પ્રભુના હાથ પગ ધોવાની મનિષા વ્યક્ત કરે છે. પ્રભુના દેવ-દુર્લભ ચરણ પ્રક્ષાલવાની અમૂલ્ય તક કવિ કાંઈ એમ જ જતી કરે ખરા? એટલે જ કવિ પ્રભુને પ્રાર્થના કરે છે- 'ધોઉં કર ચરણ કરો ત્યારી.' પ્રભુના હાથ પગ ધોયા બાદ કવિ પ્રભુને બેસવા માટે બાજોઠ આપી, કંચનના કટોરા તથા થાળીમાં થાળ પીરસવાની તૈયારી કરે છે.

થાળની તૈયારીમાં પ્રથમ બરોબર ધોયેલા ચંબુમાં શીતળ જળ ભરીને શ્રીજીની સમીપમાં મૂકવામાં આવે છે. પછી વિવિધ વાનગીઓ જેવી કે ઘૃત સાકરમાં બોળેલી કાઠા ઘઉંની(કાઠા ઘઉં એટલે અત્યારે આપણે જેને ભાલિયા કે દાઉદખાની ઘઉં કહીએ છીએ તે ઘઉં.) પોળી, કેરીનો રસ, ગળ્યા સાટા, ઘેબર, ફૂલવડી, દૂધપાક, માલપૂવા, કઢી, ઘીમાં તળેલી પોચી પૂરી, અથાણાં, શાક, તાજી તાજી ભાજી, દહીં, ભાત, સાકર વગેરે કવિ ભાવપૂર્વક શ્રીહરિને પીરસતા જાય છે. જમ્યા પછી ચળુ કરાવી કવિ પ્રભુને એલચી, લવિંગ, સોપારી વગેરે મનગમતો મુખવાસ પણ આપવાનું ચૂકતા નથી. મનગમતો મુખવાસ આપીને કવિ કાંઈ બેસી રહે ખરા? હવે તો એમનું ખરું કામ શરૂ થાય છે. પ્રભુના થાળની પ્રસાદી સ્વામી સામેથી માંગીને લે છે કારણ કે એ દેવોને પણ દુર્લભ પ્રસાદીનો અનન્ય મહિમા સ્વામી સારી પેઠે સમજે છે. શ્રીજીમહારાજના થાળની પ્રસાદી લેવા તો દેવોના રાજા ઇન્દ્ર પણ કાગડો થઈને આવ્યા હતા. ઇન્દ્રને એ પ્રસાદીનો કિંચિત્ પણ અધિકાર પ્રાપ્ત કરવા કાગડો બનવું પડ્યું અને એ કાગડા રૂપે આવી બેઠા ત્યારે પ્રભુએ એમનો ખપ જોઈ ટુકડો રોટલો નાંખ્યો, એવો એ પ્રસાદીનો મહિમા છે. પ્રભુના પ્રસાદનો મહિમા કવિએ અહીં કેટલી ખૂબીથી ગાઈ નાખ્યો છે!

પ્રસ્તુત થાળનું કાવ્ય વિશદ અને સુગેય છે. તેમાં શબ્દની રંજકતા અને લયાનુસારી વર્ણનને લીધે થાળનું માધુર્ય યથાવત્ જળવાયું છે. તેના લોકભોગ્ય ઢાળને કારણે જ સંપ્રદાયમાં આબાલવૃદ્ધ સૌની જીભે આજે પણ આ થાળ એટલો જ લોકપ્રિય રહ્યો છે. આ થાળ ભૂમાનંદ સ્વામીની ભાવવાહી હૈયાની ઊર્મિનો દ્યોતક છે.