૧૧. એક વાત સૂણો ગઢપુરવાસી રે....
સં. 1867ની આ વાત છે. એ વખતે ગઢપુરમાં બાપુ જીવા ખાચરની ડેલી આગળ સાધુઓની ધર્મશાળા હતી(ગોપીનાથજીના મંદિરના ઉત્તર તરફનાં પગથિયાં છે તેની સામે આ ધર્મશાળા હતી). ત્યાં સ. ગુ. મુક્તાનંદ સ્વામી તથા સ. ગુ. બ્રહ્માનંદ સ્વામી રહેતા હતા. એક દિવસ શ્રીજીમહારાજ અચાનક અક્ષર ઓરડીમાંથી નીકળી સીધા સાધુની ધર્મશાળામાં પધાર્યા. મહારાજ પધાર્યા એટલે બધા સંતો ત્યાં એકદમ ભેગા થઈ ગયા. મહારાજ માટે આસન કર્યું અને મહારાજ તે ઉપર બિરાજ્યા. સ. ગુ. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરે સંતમંડળ મહારાજની સન્મુખ બેસી ગયું.
મહારાજે તેમને કહ્યું: "સંતો! અમે અહીં તમને એક રહસ્યની વાત કરવા આવ્યા છીએ. તે તમને બરાબર સમજાશે ત્યારે તમને અમારા સ્વરૂપનો, અમારું જે અક્ષરધામ તેનો તથા અમારા મહિમાનો યથાર્થ ખ્યાલ આવશે. તેમ જ સર્વોપરી પ્રાપ્તિનો આનંદ આવશે અને ત્યારે જ તમે સત્સંગમાં સ્થિર થઈને રહી શકશો." આ સાંભળી સંતો બોલ્યા: "તો મહારાજ! જલ્દી વાત કરી અમારી આતુરતાનો અંત લાવો."
મહારાજ સંતોની જિજ્ઞાસાવૃત્તિ જોઈ પ્રસન્ન થયા. તેમણે પછી ધીરેથી સૌના સામું જોતાં જોતાં વાત શરૂ કરી: "સંતો! અમારું જે અક્ષરધામ છે તેનાં સગુણ અને નિર્ગુણ બે સ્વરૂપો છે. તે જ્યારે સગુણ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય છે. તેમના એ સગુણ સ્વરૂપના એક એક રોમમાં અનંત કોટિ મહાવિષ્ણુ અણુવત્ દેખાય છે.
જ્યારે નિર્ગુણ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે સમગ્ર બ્રહ્માંડોનો લય કરી દે છે. તે ધામમાં, જેમ આકાશમાં શબ્દ રહે છે એમ, અમે રહેલા છીએ. અર્થાત્ જેમ આકાશમાં વ્યાપતો શબ્દ અનેક રૂપે સંભળાય છે તેમ અક્ષરધામમાં રહ્યા થકા અમે અમારી અંતર્યામી શક્તિએ કરીને અક્ષરધામ તથા અનંતકોટિ બ્રહ્માંડ અને એ બ્રહ્માંડોના ઈશ્વર એ સર્વમાં અન્વયપણે તારતમ્યતાએ રહેલા છીએ. ઉત્પત્તિ સર્ગમાં અક્ષર પોતાની કળા વિસ્તારે છે ત્યારે અમે પણ અનંત મૂર્તિ ધરીને બ્રહ્માંડોમાં પ્રગટ થઈએ છીએ. છતાં અક્ષરને પણ લીન કરી અમે સ્વતંત્ર રીતે પણ રહ્યા છીએ." આટલું કહી મહારાજ અટક્યા. સંતોને આ વાત કેટલી સમજાણી તે જોવા સૌના સામું જોયું. સૌ એકચિત્તે મહારાજની વાત સાંભળી રહ્યા હતા.
મહારાજે આગળ વાત કરતાં કહ્યું: "આ વાત સમજવી ઘણી જ કઠણ છે. પરંતુ દૃષ્ટાંત સાથે તમને સમજાવું છું." એમ કહી મહારાજ બોલ્યા: "જેમ આકાશમાં અસંખ્ય પંખીઓ ઊડે છે, વળી વાદળાં પણ રહે છે, વીજળી પણ રહે છે અને પાણી પણ રહે છે. આ બધાયનો આધાર આકાશ છે. એ આકાશના ગહન ઊંડાણમાં, શૂન્યભાવમાં આ સર્વ આકૃતિઓ સ્થિર થઈને રહી છે. જેમ હિમ પડે અને પૃથ્વી ઉપર જલબિંદુ સ્થિર થઈ જાય તેમ! આકાશ એ અક્ષરને ઠેકાણે છે, શૂન્ય છે તે મહામાયા છે તે અક્ષરમાં લીન થઈને રહે છે. અનંત પંખીઓ અષ્ટાવરણેયુક્ત અનંત પુરુષના સ્વરૂપે છે. વાદળ એ મહાવિષ્ણુ સ્વરૂપે છે અને મુક્તો વીજળી રૂપે છે. આકાશમાં દેખાતી સ્થિર અને અસ્થિર ગતિ એ કાળના પ્રવાહનું સૂચક છે." મહારાજે આમ રૂપક દ્વારા પોતાનું સ્વરૂપ તથા મહિમા સમજાવ્યો, પણ વાત અતિ ગહન હોવાથી યથાર્થ સમજવી દુષ્કર છે. જ્ઞાન ચર્ચાને અંતે મહારાજ કહે: "આજે વાતો તો બહુ જ ભારે થઈ, પણ તે સ્મૃતિમાં રહેશે નહિ." પછી બ્રહ્માનંદ સ્વામી તરફ જોઈને મહારાજ બોલ્યા: "સ્વામી! આ વાત તમે કીર્તનમાં ઉતારી લ્યો. કારણ કે એ વાત સમજણના અંગની છે." આમ કહી મહારાજ ત્યાંથી દાદા ખાચરના દરબારમાં પધાર્યા.
સ. ગુ. બ્રહ્માનંદ સ્વામીનું અંગ સમજણનું હતું(વચનામૃત-ગઢડા પ્ર. પ્ર. ૩૩). અને તેથી બ્રહ્મમુનિએ તત્કાળ શ્રીજીઆજ્ઞા શિરે ચડાવી શ્રીહરિએ કરેલા સમગ્ર જ્ઞાન રહસ્યને એક જ કીર્તનમાં સમાવી લેતું એક એકલિયું પદ 'એક વાત સૂણો ગઢપુરવાસી રે' રચી સ. ગુ. મુક્તાનંદ સ્વામીને વંચાવ્યું. જ્ઞાનપ્રધાન કવિ સ. ગુ. મુક્તાનંદ સ્વામી એ પદ વાંચી અત્યંત પ્રસન્ન થઈ ગયા અને સાંજની સભામાં એમણે પોતે જ બ્રહ્માનંદ સ્વામીનું એ પદ શ્રીજીમહારાજ પાસે ગાયું(સ. ગુ. શ્રી આત્માનંદ સ્વામીની વાતો (વાત- ૧૫૩)).
સભામાં શ્રીજીમહારાજ એ પદ સાંભળી અત્યંત પ્રસન્ન થઈ બોલી ઊઠ્યા: "અહો! આ તો બહુ ઉત્તમ કીર્તન થયું. આમાં તો અમારી વાતોનો સમસ્ત સાર આવી ગયો. આના ખરડા કરાવી અમને આપજો, પછી અમારે જેને આપવા ઘટે તેને આપીશું."
કવીશ્વર દલપતરામ પોતાની નોંધપોથીમાં લખે છે કે "એ વખતે સંતહરિભક્તોમાં આ કીર્તન 'સ. ગુ. બ્રહ્માનંદ સ્વામીની પુરુષોત્તમપણાની સમજણનું કીર્તન' એવા નામે ઓળખાતું હતું(શ્રી બ્રહ્મસંહિતા. પ્ર. ૪, અ. ૯.).
સ. ગુ. પ્રેમાનંદ સ્વામીએ પણ આ પ્રસંગે શ્રીહરિના આ ગહન જ્ઞાન રહસ્યને સદૃષ્ટાંત સમાવી લેતાં 'રે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, કહું છું સર્વે સાંભળો એક ચિત્તે'થી પ્રારંભાતી ચાર ગરબીની એક ચોસર રચી હતી.
કાવ્યકૃતિ :
એક વાત સૂણો ગઢપુરવાસી રે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે;
સત્ય કહું છું હૃદય તપાસી રે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
દૃષ્ટાંતે કહી સમજાવું રે, મારું રૂપ અલૌકિક આવું રે. ૧
જેમ ગગનમંડળમાં પંખી રે, ઊડે દેહ સહિત અસંખી રે. ૨
વાદળ ને વિદ્યુત વારી રે, સૌ આકૃતિ ન્યારી રે. ૩
સહુ સ્થિર એ શૂન્યમાંહી થાયે રે, જેમ હિમ નીર જમાયે રે. ૪
અક્ષર તે અંબર સ્થાને રે, માયા શૂન્યને અનુમાને રે. ૫
પંખી તે પુરુષ અપારા રે, અષ્ટાવરણ દેહાકારા રે. ૬
મહા વિષ્ણુ વાદળ ડોલે રે, બહુ મુક્ત વીજળી તોલે રે. ૭
સ્થિર અસ્થિર ગતિયું થાય રે, તે કાળ શક્તિ કહેવાય રે. ૮
નિર્ગુણને સગુણ લખાય રે, તે અક્ષરને કહેવાય રે. ૯
સ્વે સદા સ્વતંત્ર શોભે રે, કાળે કરી માયા ક્ષોભે રે. ૧૦
જ્યારે અનંત બ્રહ્માંડ કરે છે રે, ત્યારે સગુણ સ્વરૂપ ધરે છે રે. ૧૧
મહા વિષ્ણુ આદિ કોટિ રે, રહે રોમ મહાકૃતિ મોટી રે. ૧૨
જ્યારે લય કરીને સ્થિર રે છે રે, ત્યારે નિર્ગુણ એને જ કે છે રે. ૧૩
જેમ હું એમાં દૃઢ રહું છું રે, તેમ સમજાવીને કહું છું રે. ૧૪
જેમ શબ્દ રહે નભ ભીતર રે, સદા એક અનેક સ્વતંતર રે. ૧૫
ભીન ભીન આકાશ રચાણો રે, ત્યારે શબ્દ ભિન્નતા જાણો રે. ૧૬
અક્ષર શક્તિ અનુસારી રે, બ્રહ્માંડ પ્રત્યે છબી મારી રે. ૧૭
બહુ અક્ષર કલા વિસ્તારે રે, ધરું અનંત મૂર્તિ ત્યારે રે. ૧૮
જ્યારે લીન અક્ષર મુંમાંહી રે, શોભે એક રૂપ સદાઈ રે. ૧૯
બ્રહ્માનંદ કહે જેમ સમજાણું રે, આ પદમાં તેમ લખાણું રે. ૨૦
આસ્વાદ :
સ્વામિનારાયણ સંપ્રદાયને અભિમત પરબ્રહ્મના દિવ્ય ધામને 'અક્ષરબ્રહ્મ' અથવા 'અક્ષરધામ' કહે છે. એ પરમાત્માની ચિત્તશક્તિ છે. એ 'કોટિ કોટિ સૂર્ય ચંદ્ર સરખું તેજોમય' છે(વચનામૃત-ગઢડા પ્ર. પ્ર. ૭૧). તે દિવ્ય છે અને અત્યંત શ્વેત તથા સચ્ચિદાનંદરૂપ છે. અક્ષરનાં બે સ્વરૂપ છે: એક તો નિરાકાર એકરસ ચૈતન્ય જેને 'ચિદાકાશ' તથા 'બ્રહ્મમહોલ' કહે છે. અને એ અક્ષર બીજે સ્વરૂપે પુરુષોત્તમનારાયણની સેવામાં રહે છે, એ અક્ષરનું સાકાર સ્વરૂપ છે(વચનામૃત-ગઢડા પ્ર. પ્ર. ૨૧).
ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપ તથા અક્ષરબ્રહ્મ વિષે કેટલીક રહસ્યમય વાતો પોતાના અંતેવાસી સહૃદયી સંતોને કહેલી, એને બ્રહ્મબોલના સંતકવિ બ્રહ્માનંદે કાવ્યમાં ગૂંથી આ એકલિયું પદ રચ્યું છે. કાવ્યનો ઉપાડ આકર્ષક છે:
"એક વાત સૂણો ગઢપુરવાસી રે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
સત્ય કહું છું હૃદય તપાસી રે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
દૃષ્ટાંતે કહી સમજાવું રે, મારું રૂપ અલૌકિક આવું રે."
ભગવાન પુરુષોત્તમનારાયણ સ્વયં પોતાનું સર્વોપરી અલૌકિક સ્વરૂપ દૃષ્ટાંત સહિત સમજાવતાં કહે છે: આકાશમાં અસંખ્ય પંખીઓ ઊડે છે, તથા આકાશમાં 'વાદળ ને વિદ્યુત વારિ' વગેરે અલગ અલગ આકારો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. પરંતુ આખરે તો જેમ હિમ પડે અને પૃથ્વી ઉપર જલબિંદુ છવાઈ જાય એમ આ બધા ય આકારો અંતે તો શૂન્યમાં જ સમાઈ જાય છે. હવે સુંદર ઉપમા રજૂ કરતા પ્રભુ આગળ સમજાવે છે:
"અક્ષર તે અંબર સ્થાને રે, માયા શૂન્યને અનુમાને રે.
પંખી તે પુરુષ અપારા રે, અષ્ટાવરણ દેહાકારા રે."
અક્ષરને આકાશ સાથે માયાને શૂન્ય સાથે તથા મૂળ પુરુષને પંખી સાથે અને મહાવિષ્ણુ (પ્રધાનપુરુષ)ને વાદળ સાથે સરખાવતાં કવિ સ્થિર અને અસ્થિર ગતિઓને પરમાત્માની કાળશક્તિ ગણાવે છે. માયા, મહાવિષ્ણુ, મૂળપુરુષ એ સર્વ અક્ષરમાં લીન રહે છે ત્યારે એક અક્ષરબ્રહ્મ જ દેખાય છે. આ અક્ષરબ્રહ્મનાં બે સ્વરૂપ છે. એક નિર્ગુણ નિરાકાર અને બીજું સગુણ સાકાર સ્વરૂપ. જ્યારે કાળથી માયા ક્ષોભને પામે છે. ત્યારે અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે, એને અક્ષરનું સગુણ સ્વરૂપ કહે છે:
"જ્યારે અનંત બ્રહ્માંડ કરે રે, ત્યારે સગુણ સ્વરૂપ ધરે રે.
મહાવિષ્ણુ આદિ કોટી રે, રહે રોમ મહાકૃતિ મોટી."
અને પ્રલયકાળે અને સર્વ અનંતકોટી મહાવિષ્ણુ બ્રહ્માંડે સહિત અક્ષરમાં લીનતા પામે ત્યારે એ અક્ષર નિર્ગુણ કહેવાય છે પછી એ અક્ષરબ્રહ્મ પરબ્રહ્મ પરમાત્મામાં લીન થાય છે ત્યારે એક પરમાત્મા એકલા જ રહે છે.
આવા અનંત શક્તિધર અક્ષરધામમાં પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણ ભગવાન સ્વામિનારાયણ સદાય દિવ્ય સાકાર સ્વરૂપે બિરાજે છે. પોતાના સ્વરૂપ અંગે ગૂઢતમ રહસ્યને સમજાવતાં શ્રીહરિ કહે છે:
"જેમ હું એમાં દૃઢ રહું છું રે, તેને સમજાવીને કહું છું રે.
જેમ શબ્દ રહે નભ ભીતર રે, સદા એક અનેક સ્વતંતર રે.
ભીન ભીન આકાશ રચાણો રે, ત્યારે શબ્દ ભિન્નતા જાણો રે.
અક્ષર શક્તિ અનુસારી રે, બ્રહ્માંડ પ્રત્યે છબી મારી રે.
બહુ અક્ષર કળા વિસ્તારે રે, ધરું અનંત મૂર્તિ ત્યારે રે,
જ્યારે લીન અક્ષર મુંમાંહી રે, શોભે એકરૂપ સદાઈ રે."
આકાશમાં વ્યાપતો શબ્દ અનેક રૂપે સંભળાય છે પણ વસ્તુત: તો શબ્દ એક જ છે એમ પોતાની અંતર્યામી શક્તિએ કરીને અક્ષરધામ અને અનંતકોટિ બ્રહ્માંડ અને બ્રહ્માંડના જે ઈશ્વર તે સર્વેને વિષે અન્વયપણે વ્યાપી રહેલા પરમાત્મા (વચનામૃત- ગ. પ્ર. પ્ર. 63) પોતાની શક્તિએ ભિન્ન ભિન્ન સ્વરૂપે તારતમ્યતાએ જણાય છે. નામ, રૂપ, ગુણ, સાર્મથ્યે ભિન્ન ભિન્ન દેખાતા પરમાત્મા વસ્તુત: તો એક જ છે. અક્ષરબ્રહ્મ જ્યારે અનંત કળા ધારે છે ત્યારે પુરુષોત્તમ ભગવાન પણ 'અનંત મૂર્તિ' ધારે છે. અક્ષર જેટલા રૂપે થાય છે તેટલા રૂપે પુરુષોત્તમ પણ થાય છે અને અક્ષર જ્યારે પુરુષોત્તમને વિષે લીન થાય છે ત્યારે કેવળ પુરુષોત્તમ એકરૂપ રહે છે. આમ એક પરમાત્મા પોતાની દિવ્ય શક્તિથી સૃષ્ટિમાં વ્યાપીને રહ્યા છે. આવા અક્ષરધામના અધિપતિ દયાભાવથી જીવોના કલ્યાણાર્થે પૃથ્વી પર પ્રગટ થઈ સર્વજનોને નયનગોચર વર્તે છે.
આ પદની સમજણ સ્વયં શ્રીજીમહારાજે પ્રમાણિત કરી છે, તેથી સંપ્રદાયમાં આ પદનો ઘણો મહિમા છે.