૫. મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ...
"લાલજી! અહીંથી અમારે કચ્છ તરફ જવું છે, પણ આગળ રણનો પ્રદેશ છે એટલે જો કોઈ તમારા જેવો ભોમિયો મળી જાય તો સુગમ પડે!" સં. 1860(ભક્તચિંતામણિ- પ્ર. ૫૫.) ની વસંતપંચમીએ શ્રીજીમહારાજ શેખપાટ પધાર્યા હતા ત્યારે ત્યાં વસંતપંચમીનો ઉત્સવ ઉજવ્યા બાદ ત્યાંના ભક્ત લાલજી સુતાર પાસે મહારાજે કચ્છ તરફ જવાની પોતાની ઇચ્છા દર્શાવતાં કહ્યું. લાલજીને થયું: મહારાજને હમણાં ભોમિયાની જરૂર છે અને એ પણ મારા જેવા ભોમિયાની(લાલજી સુતારનું સાસરું કચ્છમાં હોવાથી તેઓ એ પંથકના સારા ભોમિયા હતા.)! તો પછી એ કામ મારે જ શા માટે ન કરવું? એમણે તત્કાળ મહારાજને કહ્યું: "મહારાજ! હું જ આપની સાથે આવીશ." મહારાજ લાલજીની સમયસૂચકતા જોઈ બહુ રાજી થયા. મહારાજની મરજી પણ લાલજીને જ સાથે લઈ જવાની હતી, પણ આ તો લાલજીની અનુવૃત્તિ સાચવવાની સમજણની કસોટી કરવા જ મહારાજે આમ પૂછ્યું હતું.
લાલજી સુતાર મૂળ તો શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય! તેઓ નિયમાનુસાર સદગુરુ રામાનંદ સ્વામીના દર્શન કરવા સં. 1857માં કચ્છમાં ગયા ત્યારે સ્વામીએ ટકોર કરતાં કહેલું: "લાલજી! અમે તમને લોજમાં નવા બ્રહ્મચારી આવ્યા છે તેમના દર્શન કરીને અહીં આવવાનું કહ્યું હતું ને? અહીં સીધા કેમ આવ્યા!" જવાબમાં લાલજીએ કહ્યું: "સ્વામી! આપ સ્વયં અહીં બિરાજો છો ને લોજમાં નવા બ્રહ્મચારીના દર્શન કરવા જવાનું શું કારણ?" ત્યારે સ્વામી કહે: "અરે! એ બ્રહ્મચારી તો બહુ જ મોટા છે."
લાલજી ઉત્કંઠાપૂર્વક ગુરુને પૂછે છે: "સ્વામી! એ વર્ણી કેવા મોટા છે? રઘુનાથદાસ જેવા?" ત્યારે સ્વામી કહે: "ભગત! રઘુનાથદાસ તો શું તેમની પાસે! અરે, આ મુક્તાનંદ પણ શું અને અમે પોતે પણ એમની પાસે શી ગણતરીમાં? એ બ્રહ્મચારી તો બહુ જ મોટા છે."( સ. ગુ. નિર્ગુણદાસ સ્વામીની વાતો. (વાત-૯૫)) ગુરુના વચનનો મર્મ સમજાતાં લાલજી સુતાર ધીરે ધીરે શ્રીજીમહારાજનો મહિમા સંપૂર્ણપણે સમજી ચૂક્યા હતા. અને સમજે જ ને? એ કાંઈ સામાન્ય પુરુષ થોડા હતા? લાલજીના પિતા રામભાઈને એમના ગુરુ રામાનંદ સ્વામીએ એમની નિર્લેપ ભક્તિથી પ્રસન્ન થઈને આશીર્વાદ આપેલા કે 'તમારે ત્યાં એક સમર્થ મુક્ત પુરુષ અવતાર લેશે અને તે અનેક મહાન કાર્યો કરીને મહાકીર્તિ મેળવશે.' ગુરુના શુભાશિષથી રામભાઈને ત્યાં એમનાં ધર્મપત્ની અમૃતબેનની કૂખે સં. 1822ના વસંતપંચમીના મંગલકારી દિવસે લાલજીનો જન્મ થયો હતો. રામભાઈ ગુર્જર સુતાર હતા. તેમનો મૂળ વસવાટ તો સૌરાષ્ટ્રના હાલાર પ્રદેશમાં આવેલા લતીપુર ગામમાં હતો, પરંતુ એ ગામના લોકો રામાનંદ સ્વામીના દ્વેષી હોવાથી રામભાઈને વિના કારણ પજવતા, તેથી એમણે નજીકમાં આવેલા શેખપાટ નામના ગામમાં જઈને રહેવાનું રાખ્યું હતું. બાળપણથી જ લાલજીનું અંતર વિરાગમય ભાવોથી પ્લાવિત થયેલું હતું, છતાંય માતાપિતાના અત્યાગ્રહને વશ થઈ એમણે કંકુબાઈ સાથે સંસાર માંડેલો. દાંપત્ય જીવનની ફલશ્રુતિરૂપે લાલજી ભક્તને માધવજી અને કાનજી નામે બે પુત્રો થયા. પોતાના પિતાની કોઢમાં(કોઢ = સુતારની દુકાન) બેસી કુળ વ્યવસાય સુતારી કામ શીખ્યા હતા અને વાંસલા, વીંધણા લઈ ઘાટ ઘડી જાત જાતની કલાત્મક વસ્તુઓ બનાવતા.
લાલજી પૈસેટકે સુખી હતા. ગામમાં ઘર, દશબાર ભેંસો, ગાડું, બળદ, ઘોડું વગેરે સંપત્તિ તો હતી જ પણ સાથે સાથે ગામમાં પાંચ જણ મળીને એમને પૂછે એવી પ્રતિષ્ઠા પણ વરેલી. સં. 1843માં લાલજીએ રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકારી તેમની પાસે વર્તમાન-દીક્ષા લીધી હતી. લાલજીએ એકવાર રામાનંદ સ્વામીને ચરણે પડી પ્રાર્થતાં કહેલું: "સ્વામી! મને હવે આ સંસારનાં બંધન કઠે છે. મારે તો ભાગવતી દીક્ષા લઈ આપની સેવામાં રહેવું છે." રામાનંદ સ્વામીએ એ વખતે લાલજી સુતારને ધીરજ દેતાં કહ્યું હતું: "લાલજી! હજી સમય પાક્યો નથી. હમણાં તો ઘેર જાઓ. વખત આવ્યે હું તમને તેડાવી લઈશ." આજે એ વખત આવી ગયો હતો, તેથી જ ગુરુ રામાનંદ સ્વામીના વચન સત્ય કરવા શ્રીજીમહારાજ સ્વયં શેખપાટ પધાર્યા હતા. મહારાજની ઇચ્છા લાલજીની છેલ્લી કસોટી કરી તેમને હવે પોતાના સંતમંડળમાં ભેળવવાની હતી. તેથી જ તેમણે લાલજીને કચ્છ જવામાં ભોમિયા તરીકે પોતાની સાથે લઈ લીધા.
કચ્છનો માર્ગ વિકટ હતો. લાલજીએ આથી અગમચેતી વાપરી વાટમાં મહારાજને જમાડવા માટે ભાથું સાથે લઈ લીધું. એક 'બતક'માં પાણી પણ ભરી લીધું અને વિશેષ જરૂર પડે તો ખર્ચી માટે બાર કોરી(એ વખતે ચાલતું કચ્છી ચલન.) પણ લીધી. લાલજીમાં હજી પરિગ્રહની વૃત્તિ થોડે અંશે રહી હતી, એટલે જ સર્વાવતારી પ્રભુ પોતાની સાથે હોવા છતાં એમણે રૂપા નાણું લીધું ને લૂંટારાના ત્રાસથી બચવા માટે એ પગરખામાં સંતાડ્યું. આ બધી તૈયારી કરી લાલજી સુતાર મહારાજ પાસે આવ્યા. તેમને આ સરંજામ સાથે જોઈ મહારાજે હસતાં હસતાં પૂછ્યું: "લાલજીભાઈ! આ બધું શું છે?" લાલજીભાઈ ખુશ થતાં કહે: "મહારાજ! એ તો અન્નપાણીની જોગવાઈ કરી છે. રણનો રસ્તો છે, વાટે જરૂર પડે તો ક્યાં શોધવા જવું?" મહારાજ આ સાંભળી મર્મમાં મલકાયા. લાલજી ભગત ને મહારાજ શેખપાટથી નીકળ્યા અને ભીલા ગામે રાત રોકાઈ બીજા દિવસે ત્યાંથી આગળ ચાલ્યા. વાટે ચાલતાં એક ભિક્ષુક મળ્યો, એણે અન્નની યાચના કરી. મહારાજ તો દરિયાવ દિલના હતા, વળી એમને પરિગ્રહવૃત્તિ જરાય નહોતી ગમતી. લાલજી પાસે જે ભાતું હતું એ બધુંય એમણે પેલા ભૂખ્યાને અપાવી દીધું. આગળ ચાલતાં રસ્તે લૂંટારા મળ્યા. તેમણે મહારાજનાં કપડાં તપાસ્યાં પણ કંઈ મળ્યું નહિ. લાલજી પાસેથી પણ કાંઈ ન મળ્યું. નિરાશ થઈ એ લોકો જતા હતા ત્યાં જ મહારાજે એમને રોક્યા ને કહ્યું: "ભલા માણસો! તમને લૂંટતાં જ ક્યાં આવડે છે? આ ભગતનાં પગરખાં તો જુઓ, કંઈક મળી આવશે." લૂંટારાઓએ લાલજીની બાર કોરીઓ જોડામાંથી કાઢી લીધી. મહારાજે તો એક કાંકરે બે પક્ષી માર્યાં. લાલજીને આ રીતે અપરિગ્રહનો પાઠ પણ ભણાવી દીધો અને સાથે સાથે લાલજીને ભાથું અને નાણાં વગરના કરી દઈને બીજા એક મહત્ત્વના કાર્ય માટેની પૂર્વભૂમિકા પણ બાંધી દીધી.
શ્રીહરિ અને લાલજી એ પ્રમાણે એ માર્ગે થોડા દિવસ ચાલ્યા અને ગામ પાળિયા પધાર્યા. ત્યાં વિશ્રામ કરી ત્યાંથી આગળ ચાલ્યા. રણનો રસ્તો હતો. સખત તાપ ને ધૂળની ડમરીઓ વચ્ચે રસ્તે ચાલતાં તેમને એક તરસ્યો માણસ મળ્યો. લાલજી પાસે પાણીની બતક જોઈ એણે પાણી માગ્યું. મહારાજે બતકમાંથી બધું જ પાણી એને પીવડાવી બતક ખાલી કરી નાંખી. હવે લાલજી પાસે કાંઈ જ ન રહ્યું. ધોમ ધખતા તડકામાં આગળ ચાલતાં લાલજીને તરસે ગળું સુકાવા લાગ્યું. પાણી વિના તેમના પ્રાણ તરફડવા લાગ્યા. મહારાજે એક જગા બતાવી કહ્યું: "અહીં વીરડો ગાળો, પાણી નીકળશે." લાલજી નિરાશ વદને કહે: "મહારાજ! આ વાટે ફરતા આટલી ઉંમર કાઢી છે. અહીં કોઈ ઠેકાણે મીઠું પાણી નીકળતું જ નથી. બધે ખારું પાણી જ નીકળે છે." મહારાજ કહે: "તમે જુઓ તો ખરા, થોડું ખોદો ને પાણી ચાખી જુઓ." લાલજીએ થોડો ખાડો ખોદ્યો. ત્યાં તો મીઠા પાણીની સરવાણી ફૂટી. પાણી ગાળી બતકમાં ભરી પ્રથમ મહારાજને પીવડાવી પછી લાલજીએ પીધું.
રેતાળ પ્રદેશની ખારી જમીનમાંથી મીઠા જળની સરવાણી પ્રગટાવી શ્રીહરિએ લાલજીના અંતરમાં પ્રેમલક્ષણા ભક્તિના ભાવનો ઉદય કર્યો. વૈરાગ્યમૂર્તિ લાલજીના અંતરમાં પ્રેમભાવની ભીનાશ પ્રગટી. રણના રેતાળ પ્રદેશમાં બાવળિયાના કાંટાની શૂળો પવનના સુસવાટાથી આખે રસ્તે પડેલી હતી. રેતીમાં ઢંકાયેલી આ શૂળો અડવાણે પગે ચાલતા શ્રીજીમહારાજના પગમાં પેસી જતી. માર્ગમાં એક ઝાડ નીચે મહારાજ થોડો આરામ લેવા આડા પડ્યા. લાલજી મહારાજના પગમાંથી કાંટા કાઢતા હતા. ત્યાં એમની નજર શ્રીજીના ચરણમાં અષ્ટકોણ, સ્વસ્તિક, ઊર્ધ્વરેખા ઇત્યાદિ સામુદ્રિક શાસ્ત્રમાં વર્ણવેલાં સોળ ચિહ્નો પર પડી. લાલજીનાં જ્ઞાનચક્ષુ ખૂલી ગયાં. એમના અંતરમાં ખૂંપેલા સંશયના કાંટા શ્રીજીએ કૃપા કરીને આજે કાઢી નાખી, એમને નિઃસંશય કરી, પોતાનો સર્વોપરી સ્વરૂપ-નિશ્ચય દૃઢ કરાવ્યો. એટલામાં મહારાજે એકાએક કહ્યું: "લાલજી! આપણે હવે ચાલશું?" તરત જ લાલજી ભગત ઊઠ્યા. બન્ને ચાલવા લાગ્યા. એમ કરતાં આધોઈ ગામ આવ્યું. મહારાજ ગામને પાદર ઝાડ નીચે બેસી ગયા. લાલજીને તેમણે કહ્યું: "લાલજી! અમને ભૂખ બહુ લાગી છે." લાલજી કહે: "મહારાજ! એટલા માટે તો મેં સાથે ભાતું લીધું હતું, એ તમે પેલા ભિક્ષુકને અપાવી દીધું. હવે હું તમને શું આપું?" મહારાજ કહે: "તો આ ગામમાં જઈને ભિક્ષા માગી લાવો."
સદાય મહારાજની અનુવૃત્તિમાં રહેનારા લાલજી સુતાર હવે મુંઝાયા: 'ભિક્ષા માગું? હું? એ તો સાધુ-સંન્યાસીનું કામ, મેં ક્યાં ભેખ લીધો છે? એમાંય વળી આ તો સસરાનું ગામ, અટાણે કંકુ ને બે દીકરાય અહીં છે. કોઈ મને ઓળખી જાય તો કેવું લાગે?' લાલજીને મૂંઝવણમાં પડેલા જોઈ મહારાજે મુખ આડો રૂમાલ દઈ હસતાં હસતાં પૂછ્યું: "શું વિચારો છો, ભગત?" લાલજીએ મનનો ખમચાટ પ્રગટ કર્યો: "મહારાજ! આ આધોઈ તો મારા સસરાનું ગામ. કોઈ મને ઓળખી જાય તો?" આ સાંભળી મહારાજ વળી હસ્યા. તેમણે કહ્યું: "ઓહો....એમ વાત છે! તો તો અમે તમને કોઈ ઓળખે નહિ એવા કરી દઈએ તો?" લાલજી ભક્ત તો આ સાંભળી વિચારમાં પડી ગયા. એટલામાં મહારાજે ત્યાં જ લાલજીની મૂછ અને ચોટલી કાપી નંખાવી તેમને કૌપીન અને અલફી પહેરાવ્યાં અને પછી તેમની સામે જોઈ મર્મમાં મલકીને બોલ્યા: "લાલજી મહારાજ! અમારે વાસ્તે ભિક્ષા માગતાં તમને કુળની લાજ નડતી હતી ને? લો આજે અમે તમને નિષ્કુળ કરી દીધા. તમે હવે લાલજી મટી ગયા ને 'નિષ્કુળાનંદ' થઈ ગયા. હવેથી તમારું કુળ અમે અને અમારા સંત હરિભક્તો જ છે! હવે તમે સદાય અમારી સાથે અમારા સંતમંડળ ભેળા જ રહેશો."
લાલજી સુતારમાંથી નિષ્કુળાનંદ બનેલા એ વિરાગી સંતે પછી મહારાજને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને પછી ગામમાં સાધુવેશે માધુકરી કરવા ઊપડ્યા. નિષ્કુળાનંદ બીજાં ઘરોની જેમ સસરાને ઘરે પણ ભિક્ષા માગવા ગયા. ત્યાં જઈ મોટેથી 'નારાયણ હરે! સચ્ચિદાનંદ પ્રભો!' કહીને સ્વામી ઊભા રહ્યા. ઘરમાંથી એમના સાસુ બહાર આવ્યાં. એમણે સાધુવેશમાં પણ જમાઈને ઓળખી લીધા. એમના પેટમાં ફાળ પડી. ઘરમાં દોડતાં જઈ એમણે દીકરીને કહ્યું: "કંકુ! બેટા, જમાઈ તો વેરાગી થઈને આવ્યા છે. તું બહાર જા અને એમને મનાવીને અંદર લેતી આવ." કંકુબા બે ય દીકરાઓને લઈને બહાર આવ્યાં. પતિને સાધુના વેશમાં જોઈ એ રડી પડ્યાં. રોતાં રોતાં કહે "આ શું સૂઝ્યું તમને? કાઢી નાખો આ વેશ." પરંતુ સ્વામી તો નીચી દૃષ્ટિ કરી ઊભા જ રહ્યા. છતાં કંકુબા તો ત્યાં જ ઊભા રહ્યાં ત્યારે સ્વામીએ પોતાની તળપદી ભાષામાં કહ્યું: "ભેંશ હોય તે તેની પાડી કે પાડા સારુ પારસો મૂકે. પણ આ તો પાડો છે. માટે હવે તારી બધી આશા ફોગટ છે. જો ભગવાનને રાજી કરવા હોય તો તેમના સારુ કાંઈક ભિક્ષા આપો." કંકુબા બધું સમજી ગયાં. તેમણે તરત જ રસોડામાં જઈને બે ત્રણ ઊના રોટલા બનાવી અંદર ઘી-ગોળ નાખી બહાર આવી સ્વામીની ઝોળીમાં નાખ્યા! સ્વામી ભિક્ષા લઈ મહારાજ પાસે આવ્યા અને બધી વાત કરી. તે સાંભળી મહારાજે તેમનો વાંસો થાબડી શાબાશી આપતાં કહ્યું: "શાબાશ નિષ્કુળાનંદ શાબાશ! આવું તો તમે જ કરી શકો. તમને યાદ છે, સ્વામી? રામાનંદ સ્વામીએ તમને કહ્યું હતું કે સમય આવશે ત્યારે અમે તમને બોલાવી લઈશું. આજે એ સમય આવ્યો એટલે જ અમે તમને બોલાવી લીધા." આ સાંભળી નિષ્કુળાનંદ સ્વામી શ્રીહરિને ચરણે નમી પડ્યા.
થોડા સમય પછી તેમના પૂર્વાશ્રમના સાસુ-સસરા એમને સમજાવી સંસારમાં પાછા લઈ જવા આવ્યા. પણ સ્વામીને તો હવે સ્વપ્નમાં પણ સંસાર ગમતો નહોતો. એમણે સ્પષ્ટ સંભળાવી દીધું:
'મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ'
આ સ્વામીની શીઘ્ર રચના હતી. પોતાનો મનોભાવ એમણે કાવ્ય દ્વારા વ્યક્ત કર્યો. સ્વામીનો તીવ્ર વૈરાગ્ય જોઈ એમના સાસુ-સસરા નિરાશ થઈ પાછા વળી ગયા.
નિષ્કુળાનંદ સ્વામીએ આ પ્રસંગે 'મેં હું આદિ અનાદિ', અને 'મને સ્વપ્ને ન ગમે સંસાર' એમ બે કાવ્યો રચીને સભામાં સંભળાવ્યાં હતાં. મહારાજ તેમનો વૈરાગ્ય જોઈને અતિ પ્રસન્ન થયા હતા.
કાવ્યકૃતિ :
મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ;
સદગુરુ મિલિયા અનાદિ, મીટ ગઈ સર્વે ઉપાધિ.... ટેક
કહાં કાષ્ટ ને કહાં કુહાડા, કહાં હૈ ઘડનનહારા;
જબતે મોયે સદગુરુ મિલિયા, મીટ ગયા સર્વે ચાળા.
મેં હું આદિ અનાદિ... ૧
કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ માત ને તાત;
કોણ ભાઈ ને કોણ ભગિની, બ્રહ્મ હમારી જાત.
મેં હું આદિ અનાદિ... ૨
નહિ રહ્યા મેં નહિ ગયા મેં, નહિ સુધર્યા નહિ બીગડા;
હમેં હમારા કુળ સંભાર્યા, મત કરના કોઉ ઝઘડા.
મેં હું આદિ અનાદિ... ૩
પાનીમેંસે પુરુષ બનાયા, મળમૂત્રકી ક્યારી;
મિલિયા શ્રીજી ને સર્યા કામ, અબ ન રહી કોઉસેં યારી,
મેં હું આદિ અનાદિ... ૪
આગે તપસી તપસા કરતા, રહી ગઈ કિંચિત્ કામા;
તે કારણ આ નરતન ધરિયા, સો જાનત ઘનશ્યામા.
મેં હું આદિ અનાદિ... ૫
જે કારન આ નરતન ધરિયા, વે સરિયા હૈ કામ;
નિષ્કુળાનંદ કહે પ્રગટ મિલે મોહે, ટળ્યા નામ'રૂ ઠામ.
મેં હું આદિ અનાદિ... ૬
આસ્વાદ :
સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રગણ્ય સંતકવિઓરૂપી સૂર્યમંડળમાં વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીનું સ્થાન શુક્રતારા જેવું અચળ, આગવું ને તેજસ્વી છે. એમના એક આત્મલક્ષી પદમાં પોતે કહ્યું છે તેમ 'અન્ન, ધન, ધામ, ધરણી અને છોટાં છોટાં છોકરાં'વાળા સંસારી દૃષ્ટિએ સુખી એવા પૂર્વાશ્રમના એ લાલજી સુથારે, એને જુવાનીમાં જ 'જ્ઞાનવૈરાગ્યે ગળે ઝાલ્યો' હોઈ, શ્રી સહજાનંદ સ્વામીના શબ્દ માત્રે ભેખ લઈ નિષ્કુળાનંદ બનતાંની સાથે એમના આદેશથી કલમ પકડી પૂરી પાકટ વયે દેહ છોડ્યો ત્યાં સુધીમાં ત્રણ હજાર જેટલાં પદો અને નાની-મોટી ચોવીસેક કૃતિઓની રચના કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓમાં નિષ્કુળાનંદ સ્વામી એમની જ્ઞાનવૈરાગ્યની કવિતાથી જાણીતા થયેલા છે. 'ત્યાગ ના ટકે રે વૈરાગ્ય વિના' એ તો એમનું ખૂબ જાણીતું બનેલું પદ છે.
નિષ્કુળાનંદની આ પદરચનામાં ઊંડા આત્મજ્ઞાનની વાત સાથે કવિએ પોતાના વૈયક્તિક જીવનના ગહન રહસ્યને પણ માર્મિક શૈલીથી અભિવ્યક્ત કર્યું છે. કવિની સર્જક પ્રતિભાનો ચમકારો પણ આ રચનામાં વરતી શકાય છે.
હું આદિ-અનાદિ છું અને આ બધું મને જે વળગેલું છે, મારી સાથે સ્થૂળ રીતે જોડાયેલું છે એ સર્વે ઉપાધિરૂપ છે ને એ ઉપાધિ અનાદિ સદગુરુ સહજાનંદ પ્રભુના આગમનથી ટળી ગઈ છે. પદના ઉપાડમાં જ ઉપાધિનો સ્વીકાર, ઉપાધિની સ્થિતિ અને ઉપાધિમાંથી મુક્તિનો ઉપાય કવિ સૂચવી દે છે. પછી પ્રત્યેક અંતરામાં એ જ વાતને વિધવિધરૂપે કવિએ બહેલાવી છે.
કુળ, કુટુંબી, માત, તાત, ભાઈ, ભગિની એ બધા સંબંધોની મર્યાદા કવિ ઓળંગી ગયા છે. 'બ્રહ્મ હમારી જાત' એમ હવે તેમને સમજાઈ ગયું છે.
તો શું આ જાણ થઈ અને સંબંધોના બંધનથી મુક્ત થઈ ગયા એટલે સુધરી ગયા? કે બગડી ગયા? શું થયું? તો કવિ કહે છે: 'નહિ રહ્યા મેં નહિ ગયા મેં, નહિ સુધર્યા નહિ બીગડા, હમે હમારા કુળ સંભાર્યા....' કોઈ સુધર્યા--બગડ્યાની ચિંતા કરશો નહિ, સંસારમાં રહ્યા-ગયાના ઝઘડામાં પડશો નહિ. અમે માત્ર અમારા અસલ કુળને સંભાર્યું છે ને એને અનુસર્યા છીએ. હવે અમારે કોઈની સાથે કશી લેવા-દેવા નથી. અમારે તો 'મિલ્યા શ્રીજી ને સર્યા કામ', બસ.
કવિ હવે પોતાના વૈયક્તિક જીવનના ગહન રહસ્યનો ઘટસ્ફોટ કરતાં કહે છે:
આગે તપસી તપસા કરતા, રહી ગઈ કિંચિત્ કામા;
તે કારણ આ નરતન ધરિયા, સો જાનત ઘનશ્યામા.
પ્રભુ બધું જાણે છે. આગળ પણ અમે ભક્તિમાર્ગે જ હતા. તપમાં જ હતા પણ કોઈ કિંચિત્ કામના રહી ગઈ હશે તે આ શરીર ધારવાનું આવ્યું ને જે કારણે આ શરીર ધાર્યું છે એ કામ- એ હેતુ પણ હવે રહ્યો નથી; કારણ કે અમને તો સાક્ષાત્ ભગવાન શ્રી સહજાનંદ સ્વામીનું દર્શન થયું છે, સાક્ષાત્ પ્રભુ પ્રગટ બ્રહ્મસ્વરૂપે મળ્યા છે. કવિ કહે છે, હવે હું તો સદંતર ઓગળી જ ગયો છું ને નામ-ઠામનો ભાર પણ ટાળ્યો છે. અહીં 'નામ ઠામ'માં 'નામ અરૂ ઠામ'ના 'અરૂ'ને બદલે 'અ'ને અધ્યાહાર રાખીને માત્ર 'રૂ' મૂકીને લય જાળવવાની સાથે એમનો ભાષા પરના પ્રભુત્વનો ખ્યાલ પણ આપણને મળે છે.
પદ હિન્દી હોવા છતાં એમાં તળ ગુજરાતીપણું મ્હેંકે છે. સહજ રીતે અને મધુરતાથી ભર્યો ભર્યો આ દ્વિભાષિક વિનિયોગ વિષયને, કથ્યને વધુ જીવંત બનાવે છે.