૨૨. રે સગપણ હરિવરનું સાચું....

0:000:00

રાજકવિ લાડુદાનજીએ ગઢડામાં શ્રી સહજાનંદ સ્વામીના દર્શન કરતાં જ ધન્યતા અનુભવી અને એ સાથે જ એમનો હૃદયપલટો થઈ ગયો. રાજવી ઠાઠમાઠ છોડીને કવિએ ભગવી કંથા ધારણ કરી. એમની સાથે આવેલા એમના મામાને વતનમાં પાછા મોકલી પોતે શ્રીજીમહારાજના સાંનિધ્યમાં ત્યાં જ રોકાયા. મામાએ ઘેર પહોંચી લાડુદાનના પિતા શંભુદાનજીને સમાચાર આપ્યા કે લાડુદાનને સંસાર પ્રત્યે ઉદાસીનતા આવી છે. આ સાંભળી એમની મા લાલુબાને તો વજ્રાઘાત થયો.

લાડુદાનજીનો વિવાહ ગઢવી સ્વરૂપદાનની ખીમબાઈ અને મોજબાઈ નામની બે કન્યાઓ સાથે થયેલો. (ગઢવી સ્વરૂપદાસજીનાં પત્નીએ લાડુદાનજીનાં માતુશ્રી લાલુબાને વચન આપેલું કે 'મારે પુત્રી થશે તો તમારા પુત્ર સાથે પરણાવીશ.' એ વચન પ્રમાણે જોડિયા બહેનો જન્મતાં તે બંનેનો વિવાહ લાડુદાનજી સાથે નક્કી થયો હતો.)એ બે કોડવંતી કન્યાઓ પણ વ્યથિત થઈ ગઈ. એમના સમાજમાં ડાહ્યા ગણાતા(?) કેટલાક માણસોએ શંભુદાનને સમજાવ્યું: "લાડુ તો હજી કાચી જુવાનીમાં છે તેથી વેગમાં બોલાઈ ગયું હશે. તમે ત્યાં કન્યાઓને લઈ જઈ એને સમજાવો, પાછા સંસારમાં જોડાઈ જશે." શંભુદાનજીને આ વાત ગમી તેથી કુટુંબકબીલા સાથે તેઓ ગઢપુર પહોંચ્યા.

એભલબાપુએ સર્વેનું ભાવભીનું સ્વાગત કર્યું, ત્યાં સ્વામી સહજાનંદજી સાથે શંભુદાનજીનો મેળાપ થયો. શંભુદાનજીએ પોતાની સર્વ હકીકત કહી, લાડુને મળવાની ઇચ્છા પ્રદર્શિત કરી. શ્રીહરિની સંમતિ મળતાં શંભુદાનજી લાડુદાનને મળ્યા. લાલુબા તથા બંને કન્યાઓની સ્થિતિની વાત કરી. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ઈશ્વરસ્મરણ કરી મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે તેમ પણ સમજાવ્યું.

લાડુદાનમાંથી બ્રહ્માનંદ બનેલા એ સંતે આ બધું શાંતિથી સાંભળ્યા પછી પિતાને વિવેકપૂર્ણ વાતો કરી સમજાવ્યું: "ભગવાન પ્રત્યક્ષ મળ્યા પછી જન્મ વૃથા ગુમાવવો એ નરકના કુંડમાં જાણી જોઈને પડવા જેવું છે. મારી આશા હવે રાખશો નહિ. ભગવાને તમને બીજો પુત્ર અર્જુનદાન આપ્યો છે અને આછુબા દીકરી પણ દીધી છે, એ બંનેને ભગવાનની ભેટ માનીને ઉછેરો અને આ પ્રગટ પ્રભુનો આશરો કરી જન્મ સુફળ કરી લો."

બ્રહ્માનંદને મળ્યા બાદ શંભુદાનને લાગ્યું કે હવે લાડુની આશા રાખવી વ્યર્થ છે. લાડુ તો 'બ્રહ્માનંદ'માં વિલીન થઈ ગયો છે.

એ જ દિવસે રાત્રિ સભામાં સર્વ સગાંસંબંધીઓની સામે બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં પોતાના હૃદયના ભાવ વહેતા મૂક્યા:

'રે સગપણ હરિવરનું સાચું,

બીજું સર્વે ક્ષણભંગુર કાચું રે.

રે સૌ સાથે પ્રીતિ ટાળી, રે ભાગ્યું મન મિથ્યા ભાળી;

છે વરવા જેવા હરિ લે જાણી રે.'

એમ ચાર પદ ત્યાં જ જોડ્યાં ને પોતાની મનઃસ્થિતિ શી છે તે સમજાવતા ગયા.

આ પદ સાંભળી લાલુબાને તથા ખીમબાઈ-મોજબાઈ એ બંને કન્યાઓને પણ ખાતરી થઈ ગઈ કે લાડુદાન હવે સંસારી જીવ રહ્યા નથી. એમાંય ત્રીજા પદમાંની બ્રહ્માનંદની ખુમારી ને દૃઢતા જોઈને તો એમને એમ લાગ્યું કે આ સંતના મારગમાં વિઘ્ન નાખી માથે પાપ નથી વહોરવું.

'રે શિર સાટે હરિવરને વરીએ,

રે પાછાં તે પગલાં નવ ભરીએ રે,

રે રંગસહિત હરિને રટીએ,

રે હાક વાગે પાછા નવ હટીએ,

બ્રહ્માનંદ કહે, ત્યાં મરી મટીએ રે.'

લાલુબાનું માતૃહૃદય પુત્ર વિયોગે અતિ વિહ્વળ હતું. ચોધાર આંસુએ તેમને રડતાં જોઈને મહારાજે તેમને સાંત્વન આપતાં કહ્યું: "બા! તમે તમારા દીકરાની જરાય ચિંતા કરશો નહિ. અમે તમારા પુત્રને માતાતુલ્ય વાત્સલ્ય સુખ આપીશું. એમને અહીં જરાય તમારી ખોટ નહિ વર્તાવા દઈએ." આ સાંભળી માની આંખનાં આંસુ સુકાયાં ને સર્વેને શાંતિ થઈ. શ્રીહરિના આશીર્વાદ લઈ સૌ રવાના થયા.

કાવ્યકૃતિ :

રે સગપણ હરિવરનું સાચું,

બીજું સર્વે ક્ષણભંગુર કાચું રે. સ. ટેક

રે સૌ સાથે પ્રીતિ ટાળી,

રે ભાગ્યું મન મિથ્યા ભાળી;

છે વરવા જેવા હરિ લે જાણી રે. સ. ૧

રે સ્થિર નહિ આવરદા થોડી,

રે તુચ્છ જાણી આશા છોડી;

મેં જગના જીવન સાથે જોડી રે. સ. ૨

રે ફોગટ ફેરા નવ ફરીએ,

રે પરઘરે પાણી શું ભરીએ;

વરીએ તો હરિવરને વરીએ રે. સ. ૩

રે શ્રીજી ભેટ્યા ભય ભાગ્યો,

રે સહુ સાથે તોડ્યો ધાગો;

એ રસિક રંગીલાથી રંગ લાગ્યો રે. સ. ૪

રે એવું જાણીને સગપણ કીધું,

રે મે'ણું તો શિર ઉપર લીધું;

બ્રહ્માનંદનું કારજ સીધું રે. સ. ૫


આસ્વાદ :

સ્વામી સહજાનંદજી મહારાજ પાસેથી દીક્ષા ગ્રહણ કર્યા બાદ કવિના સ્વજનો-માતાપિતા, મામા, વાગ્દ્ત્તા વગેરે રાજસ્થાનથી ગઢડા તેમને ગૃહસ્થાશ્રમમાં પાછા લઈ જવા આવ્યા, ત્યારે કવિએ ઉત્તરમાં આ કાવ્ય દ્વારા પોતાનો મનોભાવ વ્યક્ત કર્યો હતો.

સંસારના સંબંધો ક્ષણભંગુર છે, ઈશ્વર સાથેનો સંબંધ સનાતન છે. આ પ્રકારની પ્રતીતિને કવિએ પ્રાસાદિક કાવ્યમાં ચોટદાર અને ભાવાત્મક અભિવ્યક્તિ અર્પી છે.

'રે' શબ્દથી બહુધા આ પદની પંક્તિઓ આરંભાઈ છે; આ 'રે' શબ્દથી જે વીરવૃત્તિ કવિને પ્રગટ કરવી છે તેમાં બળ મળ્યું છે એમ લાગે છે. કવિને જગતના સંબંધો મિથ્યા જણાયા તેથી સાંસારિક પ્રીતિમાં મન લગાડ્યું જ નથી. જીવન અલ્પકાલીન છે અને સ્થિર પણ નથી, તેથી સ્થિર અને સનાતન એવા પ્રભુની સાથે કવિ પ્રીત જોડે છે. સંસારીને વરીને એના ઘરનું પાણી ભરવું તેના કરતાં તો પ્રભુનું ઘર તે આપણું ઘર-- તેના ઘરનું પાણી ભરવું-- એને જ વરવું. 'રે વરીએ તો હરિવરને વરીએ' એવો દૃઢ નિર્ણય કવિને થઈ ગયો છે.

ભૂધર-- પૃથ્વીને ધારણ કરનાર જ ભેટી ગયા, એટલે સંસારના બધા ભય ભાગી ગયા. 'રે સહુ સાથે તોડ્યો ધાગો' સંસારના સર્વ સંબંધ તંતુઓ કવિએ એક ઝાટકે જ કાપીને ફેંકી દીધા છે. શા માટે? કારણ કે કવિને એ રસિકવરની રૂપરસિકતાની મોહિની અસર કરી ગઈ છે.

બ્રહ્માનંદ અંતે કહે છે કે, આમ સમજીને જ મેં પ્રભુ સાથે પ્રીતિ બાંધી છે, ઘનશ્યામ સાથે સગપણ બાંધ્યું છે. જગતના જીવોના મેંણા પણ એટલે જ ખાધા છે, પણ અંતે તો મારું કાર્ય સિદ્ધ થઈ ગયું છે. પ્રભુ સાથે પ્રેમ સંબંધ બાંધતા મારા જન્મજન્માંતરના ફેરા ટળી મને અંતિમ લક્ષ્ય મળી જતાં મારું જીવનકાર્ય સિદ્ધ થઈ ગયું છે.

પ્રસ્તુત પદ એના ઉદબોધનાત્મક લહેકાથી, પ્રત્યેક કડીની સબળ પ્રાસરચનાથી, તળપદાં ક્રિયારૂપો દ્વારા ઉઠાવ પામતાં અસરકારક ચિત્રોથી, ટેક પંક્તિના ઓજસથી અને ભક્તિ અંતર્ગત શૌર્યભાવના તેજસ્વી અંકનથી ગુજરાતી ભાષાનું એક ઘરેણું બન્યું છે.