પરિશિષ્ટ-૫ : ચૌલાદેવીનું મૃદંગ

માળવાના કલારસિક રાજા ભોજરાજના સમયમાં અવંતિનગરી કલાનું ધામ હતી. એમ કહેવાય છે કે ત્યાં મહાકાલેશ્વર શંકરના પુત્ર ગણપતિ નિર્મિત એક મહામૃદંગ વંશપરંપરાથી પ્રાપ્ત હતું. એ મૃદંગ એવડું મોટું હતું કે વચ્ચે બેસીને બંને હાથ બે બાજુ પ્રસારતાં પણ તેના દક્ષિણ અને વામ વિભાગને એક સાથે સ્પર્શ કરી શકાય નહિ. આ મૃદંગ તે સમયમાં પણ કોઈ વગાડી શકતું નહિ. માળવાના સંગીતકારો બધે વિજય પ્રાપ્ત કરતા કરતા તે વખતના ગુજરાતના પાટનગર પાટણ આવ્યા હતા. પાટણના રાજવી ભીમદેવ સોલંકીને એ સંગીતકારોએ પડકાર કર્યો કે એ મૃદંગ વગાડી શકે એવું કોઈ દરબારમાં હોય તો વગાડે, નહિ તો વિજયપત્ર પર સહી કરી આપે. રાણી ચૌલાદેવીએ આ પડકાર ઝીલી લીધો, કારણ કે ચૌલાદેવી પોતે એક કુશળ મૃદંગવાદક હતી. એણે મૃદંગને પોતાની આગળ બરોબર ગોઠવ્યું અને પોતે નૃત્યકાર હોવાને લીધે કટિભંગમુદ્રા વડે લળી લળીને બંને હાથે મૃદંગને તાલબદ્ધ વગાડી બદતાવ્યું. સભામાં જયજયકાર થઈ ગયો અને સંગીતકલામાં ગુજરાતનું સર્વશ્રેષ્ઠપણું સ્વીકારાયું.

આ વાતને અનેક સૈકાઓ વીત્યા, તે દરમિયાન આ મૃદંગને વગાડવાની કોઈ હિંમત કરી શકતું નહિ. કાળક્રમે એ મહામૃદંગ મુસ્લિમ સંગીતકારોના તાબામાં આવ્યું. એ લોકો પણ એ પદ્ધતિસર વગાડનાર કલાકારની શોધમાં ઘણા પ્રાંતોમાં ફરી વળ્યા પણ એમને એવો કોઈ વાદક મળ્યો નહિ. એટલે નિરાશ થયા. કોઈએ એમને ક્યું કે ગુજરાતમાં સ્વામિનારાયણના પરમહંસો આ મહામૃદંગ વગાડી શકશે. એટલે એ સંગીતકારો શ્રીજીમહારાજની શોધ કરતા ગોહિલવાડમાં ગઢપુર ગામે આવી પહોંચ્યા અને પૂછ્યું કે, ''આપના સાધુઓમાંથી કોઈ આ મૃદંગ વગાડશે?'' શ્રી સહજાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને એ મૃદંગ વગાડવાની આજ્ઞા કરી, પણ બ્રહ્માનંદ સ્વામીનું શરીર સ્થૂળ હોવાને કારણે તેઓ આ આજ્ઞા સાંભળી મૂંઝાઈ ગયા. બીજે દિવસે સવારે મૃદંગ લઈ આવવાનું આમંત્રણ શ્રીજીમહારાજે પેલા માળવાના સંગીતકારોને આપી દીધું હતું.

સાડા સાતસો વર્ષ પછી સ્વામિનારાયણના સંત ચૌલાદેવીનું મૃદંગ વગાડશે એ વાત સાંભળીને ઘણા સંગીતપ્રેમીઓ હાજર થઈ ગયા અને મોટી સભા ભરાઈ. બ્રહ્માનંદ સ્વામી શ્રીજીમહારાજની પ્રેરણાથી પોતાનો સઘળો ક્ષોભ દૂર કરીને પૂર્ણ વિશ્વાસથી સભામાં આવ્યા. સભામાં તેમણે લાકડાના બે થાંભલા ઊભા કરાવ્યા અને બંનેને જોડતું એક લાકડું આડું બંધાવ્યું. પછી તેની વચ્ચે મૃદંગને ત્રાંસુ રાખીને દક્ષિણ ભાગને ઘોડાના વાળથી તથા વામ ભાગને દોરીથી બાંધ્યો અને મહામૃદંગને જમીનથી સહેજ ઊંચું ઝૂલતું રાખ્યું.

બ્રહ્માનંદ સ્વામી મૃદંગ વચ્ચે આવે તેમ બેઠા અને પેલા મુસલમાન ગવૌયાઓને રાગ ગાવા કહ્યું. ત્યાર પછી પેલા મૃદંગ પર સ્વામીએ સંગત આપવા માંડી. બ્રહ્માનંદ સ્વામી ડોલતા જાય અને ઝૂલતા મૃદંગને વગાડતા જાય. બંને હાથ મૃદંગ પર એવી રીતે થાપટ લગાવે કે તાલ જરા પણ બદલાય નહિ. ગવૈયાઓએ ઘણી અટપટી રીતે ગાવા માંડ્યું પણ બ્રહ્માનંદ સ્વામી જરા પણ તાલ ચૂક્યા નહિ. માળવાના મુસલમાન સંગીતકારો ઘણા જ ખુશ થઈ ગયા અને શ્રીજીમહારાજના તથા બ્રહ્મમુનિના પગમાં પડ્યા. શ્રીજીએ બ્રહ્મમુનિને નિમિત્ત બનાવી ગુજરાતનું અને સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ વધાર્યું.