૩૨. માણકીએ ચડ્યા રે ઘનશ્યામ સુખકારી...
'માણકીએ ચડ્યા રે ઘનશ્યામ સુખકારી,
શોભે રૂડી કરમાં લગામ રૂપાળી...'
સં. 1874માં ધરમપુરનાં રાજમાતા કુશળકુંવરબાના આગ્રહભર્યા આમંત્રણને લીધે શ્રીજીમહારાજ સંત-હરિભક્તો સહિત ધરમપુર પધાર્યા હતા. ત્યાંથી પાછા વળતાં મહારાજ વડતાલ રોકાયા. વડતાલના જોબન પગી અને તેમના ભાઈઓની ધરમપુરની યાત્રા દરમ્યાનની અખંડ સેવા જોઈને મહારાજ ખૂબ પ્રસન્ન થયા હતા. મહારાજે વડતાલ રોકાઈને જોબનપગીની ઉપર ખૂબ પ્રસન્નતા જણાવી કાંઈક વર માગવાનું કહ્યું.
જોબન પગી કહે 'મહારાજ! આપે કહ્યું તેથી માગું છું કે આપ ફૂલડોલનો રંગોત્સવ વડતાલમાં કરો તો અમને સૌને આપની તથા સંત-હરિભક્તોની સેવાનો વિશેષ લાભ મળે.'
મહારાજ પગીના ભાવને જોઈ ખૂબ રાજી થયા. એમને થયું આ અબૂધ દેખાતા માણસમાં પણ કેટલી બધી સમજણ છે, ને અમારી સેવાનું તે કેટલું બધું માહાત્મ્ય જાણે છે!
મહારાજે કહ્યું 'પગી! તમારી એવી જ ઇચ્છા છે તો ભલે આ ફૂલડોલનો ઉત્સવ અહીં કરીશું.'
જોબન પગી તથા એમનો સમગ્ર પરિવાર મહારાજના આ શબ્દોથી રાજી રાજી થઈ ગયો. ફૂલડોલના ઉત્સવ પ્રસંગે વહેલા આવવાનું વચન દઈને મહારાજ ગઢડા પધાર્યા. મહારાજનાં દર્શન થતાં ગઢપુરના ભક્તોના જીવમાં જીવ આવ્યો. મહારાજ ધરમપુર જવા નીકળ્યા ત્યારથી મહારાજના વિયોગમાં વિરહાકુળ બનેલા પ્રેમી ભક્તોનાં હૈયા શ્રીજીના દર્શનથી ટાઢાં થયાં.
દાદા ખાચરે મહારાજને કહ્યું: 'મહારાજ! લાડુબા-જીવુબાની બહુ તાણ છે કે મહારાજ ઘણા મહિને પાછા ગઢપુર પધાર્યા છે તો અહીં જ ફૂલડોલોત્સવ કરો ને!'
મહારાજ કહે: "દાદા! અમે જોબન પગીને વચન આપીને આવ્યા છીએ એટલે હવે આ વખતે તો વડતાલ ઉત્સવ કરવાનું ધાર્યું છે."
ગઢપુરમાં મહારાજ પંદર દિવસ રહ્યા ત્યાં તો ફૂલડોલના ઉત્સવ માટે વડતાલ જવાનો સમય થઈ ગયો. જે કાઠી-દરબારો મહારાજ સાથે જવાના હતા તે બધા આવી ગયા. જીવા ખાચર અને તેમના દીકરા મૂળુ ખાચર પણ આવી ગયા. દાદાના દરબારમાં બધા સભા ભરીને બેસી ગયા હતા. નાજા જોગિયાએ મહારાજની માણકી તૈયાર રાખી હતી. એટલામાં મહારાજ પધાર્યા. ઢોલિયા ઉપર બિરાજ્યા.
મહારાજે વાત કરતાં કહ્યું: "આવા સમૈયા ઉત્સવમાં, સંતો, હરિભક્તો આવે, તેમનાં સૌનાં દર્શન થાય, એકબીજા સાથે ભળી જવાય અને સમાસ બહુ થાય. ખોટી ટેવો પણ છૂટી જાય. મન ઘસાય, ખોટા સ્વભાવ ટળે. આ બધું અન્ય સાધનો કરતાં કોઈ દિવસ ટળે નહિ. આવા દિવ્ય સત્સંગનું આ ફળ છે. તેમાં જ્યારે સમજણવાળા સંત મળે ત્યારે અમારા સ્વરૂપની સાચી ઓળખાણ થાય, અમે દૂર છીએ એવું ક્યારેય મનાય નહિ. સદા સમીપમાં જ છીએ એવું જ્ઞાન થાય. એવા જ્ઞાનથી સ્થિતિવાળા ભક્તની અંર્તદૃષ્ટિ ઊઘડે છે અને ભગવાન પોતાના ધામ સહિત સદા તેની સમીપમાં જ છે, એવો નિશ્ચય થાય છે." એટલી વાત કરીને મહારાજ ઊઠ્યા.
મહારાજે લાધા ઠક્કરને બોલાવ્યા. તેમને કહ્યું: "રામદાસ સ્વામી ચરોતરમાં છે. તેમને કાગળ લખજો કે ફૂલડોલના ઉત્સવમાં પાંચ દિવસ વહેલા અમે વડતાલ પહોંચી જઈશું માટે વીસ-પચીસ ગાડાં ભરીને કેસૂડાનાં ફૂલ મંગાવજો." એટલું કહીને ફરી પૂછ્યું "બધે કંકોત્રીઓ લખી છે ને? કોઈ રહી ન જાય. આ વખતે ભારે રંગોત્સવ કરવો છે!" તે પ્રમાણે લાધા ઠક્કરને સૂચના આપી પોતે માણકી ઉપર બિરાજ્યા.
કાઠી ભક્તો પણ પોતપોતાના અશ્વો ઉપર બેસી ગયા. સૌ રાહ જોઈ રહ્યા હતા, માણકી ઊપડે એટલે પાછળ નીકળીએ. મહારાજે લગામ પકડી, સૌને 'જય સ્વામિનારાયણ' કહ્યા. ચોકડું ખેંચ્યું, માણકીના પેટે પેંગડું અડાડ્યું. પરંતુ માણકી સ્થિર થઈ ગઈ હતી. મહારાજને થયું કેમ માણકી આજે ડગ ભરતી નથી? રોજ તો ઇશારામાં સમજી જાય છે અને આજે એને શું થયું? કેમ હઠ પકડી? મહારાજે ફરી ચોકડું ખેંચ્યું. જોરથી પેટે પેંગડું ભરાવ્યું. નાજા જોગિયા પણ તેના ઘોડા ઉપરથી ઊતરી માણકી પાસે આવ્યા, તેની પીઠ થાબડી છતાં માણકી અચળ રહી. સૌ જોઈ રહ્યા. મહારાજની આજ્ઞામાં સદા વર્તનારી, મહારાજની મરજીને જાણનારી માણકીને આજે આ શું થયું? નાજા જોગિયાએ હાથમાં લગામ પકડી આગળ જઈ માણકીને દોરવાનો પ્રયત્ન કર્યો પણ માણકી તો સ્થિર જ રહી. જાણે તેના ડાબલા ધરતીમાં ચોંટી ન ગયા હોય!
મહારાજ વિચારમાં પડી ગયા. કોઈકે કહ્યું: 'જરા પાછળ સોટી ધીરેથી અડાડો' મહારાજે તરત જ કહ્યું: "ના ના, જોજો એવું કરતા. આ તો મુક્ત છે, એને સોટી ન અડાડાય."
પછી થોડીવાર શાંત રહી મહારાજ બોલ્યા: "એ કેમ અહીંથી હઠતી નથી એનું કારણ હવે અમે સમજ્યા." પછી મર્મમાં સ્વગત બોલ્યા: "અમારા કરતાં તેને સંદેશો વહેલો મળી ગયો લાગે છે." એમ કહીને મહારાજ નીચે ઊતર્યા.
મહારાજ સીધા લાડુબા-જીવુબા પાસે ગયા. બધી બાઈઓ આથમણા બારના ઓરડાની ઓસરીમાં ઊભી હતી. મહારાજ ત્યાં પહોંચી ગયા. મહારાજે સર્વેને પ્રણામ કરી કહ્યું: "લાડુબા! હવે અમને રજા આપો. તમારી મરજી આ માણકી જાણી ગઈ છે, એટલે એ અમને દરબારમાંથી લઈ જતી નથી. અમે વડતાલ જઈએ છીએ. ત્યાં મોટો રંગોત્સવ કરવો છે, હજારો હરિભક્તો આવશે, સૌને બ્રહ્માનંદ કરાવવો છે. તમને અહીં બેઠા સુખ આવશે. માટે અમને આજ્ઞા આપો. તમે આ માણકીને વૃત્તિથી બાંધી લીધી છે તેથી એ ડગ માંડતી નથી. તમે રજા આપો તો એ હઠ છોડી અમને વડતાલ લઈ જાય." એમ કહી મહારાજ ઓસરીથી નીચે ઊતર્યા ને બોલ્યા: "લ્યો, ત્યારે હવે રાજી થઈને રજા આપો, જય સ્વામિનારાયણ!"
લાડુબા-જીવુબા તથા બધી બાઈઓ મહારાજના શબ્દો સાંભળી હસવા લાગ્યાં. જીવુબાએ મહારાજને કહ્યું: 'મહારાજ! પધારો, પણ પાછા વહેલા ગઢપુર આવી જજો. રામનવમી પણ હવે દૂર નથી. આપનો જન્મોત્સવ અમારે અહીં ઉજવવાનો છે.' મહારાજ ફરી માણકી ઉપર ચડ્યા ને પેગડું અડતાં જ માણકીએ ડગ માંડ્યાં. આ વખતે પ્રેમાનંદ સ્વામી પણ ત્યાં જ ઊભા હતા. આ પ્રસંગના પ્રત્યક્ષ સાક્ષી એવા સ્વામીએ તરત જ પ્રભુની આ લીલાનું સંકીર્તન રચીને સર્વની હાજરીમાં ગાવા માંડ્યું:
'માણકીએ ચડ્યા રે મોહન વનમાળી...'
મહારાજ અને સંત-હરિભક્તો વડતાલ તરફ જવા રવાના થયા.
કાવ્યકૃતિ :
માણકીએ ચડ્યા રે ઘનશ્યામ સુખકારી,
શોભે રૂડી કરમાં લગામ રૂપાળી;
માણીગર સૌને કહે છે થાઓ ત્યાર,
મુનિ વરણી પદાતી ને અસવાર;
વ્રતપુરી જાવા કર્યો નિરધાર. માણકીએ. ૧
કેસર બેરી બોદલી ને ફૂલમાળ,
તાજણ તીખી વાંગળીનો ઘણો તાલ;
શોભે ઘણા વા'લા લાગે છે મરાળ. માણકીએ. ૨
પ્રેમીભક્ત વિનંતી કરે દોડી દોડી,
લોહચમક વૃત્તિ મૂરતિમાં જોડી;
નથી જાતી દરબારમાંથી ઘોડી. માણકીએ. ૩
આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુરી,
જાઓ પ્રભુ હરિનવમી નથી દૂરી;
સેવક દાસ પ્રેમાનંદ હજૂરી. માણકીએ. ૪
આસ્વાદ :
પ્રેમસખી પ્રેમાનંદ અદ્વિતીય સંગીત-કવિ છે. એ નરસિંહ અને મીરાંની પ્રકૃતિના પ્રેમી ભક્ત-કવિ છે. દયારામ જેવા માધુર્યના કવિ છે. સાહિત્યની પરિભાષામાં કહીએ તો એ ઊંચી કોટીના ઊર્મિ કવિ છે. એમનામાં રહેલો અનન્ય ભક્ત જ પ્રભુકૃપાએ સંગીત-કવિ બન્યો છે, આથી એમની ભક્તિ જ એમનાં પદો દ્વારા સંગીતમય અભિવ્યક્તિ પામી છે.
ગઢપુરથી શ્રી સહજાનંદ સ્વામીનું વડતાલ પ્રતિ પ્રસ્થાન એ પ્રસ્તુત કૃતિનું ર્વણ્યવસ્તુ છે. એક સામાન્ય પ્રસંગના સરળ કાવ્યાત્મક નિરૂપણ પાછળ કવિનો આશય કંઈક જુદું જ કહેવાનો છે. અહીં માણકી ઘોડીના ઉલ્લેખથી જ કૃતિનો પ્રારંભ થાય છે અને એ જ પદની પાસાદાર ધ્રુવપંક્તિ બની રહે છે.
'માણકી' ભગવાન સ્વામિનારાયણની 'પ્રિયતમાદપિ પ્રિયતર' ઘોડી હતી, મહારાજ એની પર જ સવારી કરતા. માણકી પણ પૂરેપૂરી મહારાજમય બની ગઈ હતી! મહારાજ પણ ઘણીવાર કહેતા કે "આને ઘોડી ના સમજશો, આ તો મહામુક્ત છે." મહારાજની આજ્ઞાનો પડ્યો બોલ ઝીલવા હંમેશાં આતુર રહેતી માણકી એક દિવસ મહારાજની આજ્ઞાની અવજ્ઞા કરે છે અને એ અવજ્ઞા કરવા પાછળનું કારણ જ કાવ્યનો ભેદ છે!
કાવ્યપ્રસંગના અનુસંધાનમાં જોઈએ તો ફૂલડોલોત્સવ ઉજવવા માટે વડતાલ જઈ રહેલા શ્રી સહજાનંદ સ્વામી માણકીએ ચડીને લગામ પકડીને પ્રસ્થાન માટે બિલકુલ તૈયાર છે. મહારાજે સૌને પ્રસ્થાન માટે તૈયાર થવા આદેશ આપ્યો છે અને મહારાજના આદેશ અનુસાર 'મુનિ વર્ણી પદાતી ને અસવાર' સૌ તૈયાર થયા છે. વાહન તરીકે ઘોડીઓ છે. કવિ માણકી ઉપરાંત ઘોડીઓના નામ આ પ્રમાણે આપે છે:
'કેસર બેરી બોદલી ને ફૂલમાળ,
તાજણ તીખી વાંગળીનો ઘણો તાલ.'
આમ દાદા ખાચરના દરબારમાં સૌ સજ્જ થઈને ચાલવાની તૈયારી કરે છે ત્યાં,
'પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી,
લોહચમક વૃત્તિ મૂરતિમાં જોડી.'
રાધા અને લક્ષ્મી જેવાં પરમ એકાંતિક અને અનાદિ મુક્તની સ્થિતિવાન ગણાતાં, દાદા ખાચરનાં બહેનો જીવુબા અને લાડુબા નહોતાં ઇચ્છતાં કે મહારાજ એમને મૂકીને વડતાલ જાય. એથી એમણે પોતાની વૃત્તિ મહારાજની મૂર્તિમાં જોડી દીધેલી. પરમાત્મા તો પ્રેમવશ હોય છે. 'પ્રેમીજનને પાતળિયો વશ.' ટાગોરે કહ્યું છે તેમ For love is most free and at the same time most bound. પ્રેમમાં સદંતર મુક્તિ છે અને એ સદંતર મુક્તિમાં જ એક પ્રકારનું સ્વૈચ્છિક બંધન છે!
ભક્ત-વત્સલ ભગવાન ભક્તાધિન થઈને આ સ્વૈચ્છિક બંધન ક્યારેક સ્વીકારે છે. ભગવાન સ્વામિનારાયણે પણ ભક્તાધિન થઈને આ સ્વૈચ્છિક બંધન આજે સ્વીકાર્યું છે. પ્રેમીભક્તોએ મહારાજની મૂર્તિમાં વૃત્તિ જોડી તેથી મહારાજમય બનેલી માણકી ઘોડીની ચિત્તવૃત્તિ પણ ખેંચાઈ અને મહારાજની આજ્ઞા થવા છતાં તે આગળ ચાલી ન શકી. ત્યારે પ્રેમવશ પ્રભુએ ભક્તોને કહ્યું:
'આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુરી'
પરમાત્માને પણ પ્રેમી-ભક્તોની આજ્ઞા માગવી પડે છે, એ જ બાબત બતાવી આપે છે કે ભગવાન ભક્તોના પ્રેમથી બંધાયેલા-ભક્તાધીન છે. મહારાજની મરજી જોઈ એટલે હરિનવમી પહેલાં 'વહેલા વળજો ગઢપુર' એમ કહી ભક્તોએ 'જાઓ પ્રભુ હરિનવમી નથી દૂરી' કહી વિદાય આપી. આ પ્રસંગે પ્રેમાનંદ સ્વામી આ બનાવના પ્રત્યક્ષ સાક્ષીરૂપ હજૂરી હતા.
પદ સુગેય છે અને સંપ્રદાયમાં અતિ પ્રચલિત છે.