પરિશિષ્ટ-૨ : ગવૈયા સંત કવિઓ

સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રીજી-સમકાલીન પરમહંસોનું સંગીતક્ષેત્રમાં અપાર વૈવિધ્ય હતું. એ વૈવિધ્યની વિશદ્ છણાવટ સંતકવિ આધારનંદ સ્વામીએ ‘હરિચરિત્રામૃત સાગર’માં નીચે પ્રમાણે કરી છે.

(૧) ''સૌથી પહેલાં સત્સંગમાં મુક્તમુનિ પદની રચના કરતા હતા. પછી બ્રહ્મમુનિ અને પછી નિષ્કુળાનંદ મુનિએ પદ રચવાં માંડ્યાં. નિષ્કુળાનંદ મુનિને વૈરાગ્ય હોવાથી એક પણ વાજિંત્ર આવડતું નહિ.'' (૧૦/૪૭)

(૨) ''સભામાં મુક્તમુનિ પોતાનાં પદ બોલતા હોય ત્યાં સુધી બ્રહ્મમુનિ પોતાનું પદ બોલતા નહિ. એવી અદબ રાખતા. મુક્તમુનિ આજ્ઞા કરે ત્યારે પોતાનું પદ બોલતા, એવી જ રીતે પ્રેમાનંદ મુનિ બ્રહ્મમુનિની મર્યાદા રાખતા.'' (૨૮/૬૨)

(૩) ''શ્રીહરિએ સંતને ગાન કરવાની આજ્ઞા કરી. જેથી મુક્તમુનિ ને બ્રહ્મમુનિ સરોદા, દૂકડ વગાડવા લાગ્યા. બ્રહ્મમુનિ મુક્તમુનિ પાસે શીખ્યા હતા. પ્રેમાનંદ પણ દૂકડ વગાડતા. દેવાનંદ મુનિને ગાતા આવડતું. તેમને પહેલાંનો અભ્યાસ હતો. બીજા મુનિઓ તેમની પાસે શીખ્યા હતા. જ્ઞાનાનંદ સિતાર વગાડતા હતા. સુખાનંદ મોરચંગા વગાડતા હતા. દેવાનંદ તંબૂરો લઈને ગાતા. નિર્વિકારાનંદ અને હર્ષાનંદ તાલ બજાવતા. પ્રથમ મુક્તમુનિએ હોળીનાં પદ ગાયાં. બ્રહ્મમુનિએ પણ પછી ગાયાં. પ્રેમાનંદ અને ગ્નાનાનંદે પણ હોળીનાં પદ ગાઈ રંગ મચાવ્યો.'' (૧૦/૩૫)

(૪) ''સુખાનંદ મુનિ સિતાર સારી વગાડતા હતા. શ્રીહરિએ સંતોને ગાયન કરવાનું કહેતાં પ્રેમાનંદ મુનિએ દૂકડ લીધા. દયાનંદ સ્વામીએ તંબૂરો લીધો અને મુક્તમુનિએ તથા બ્રહ્મમુનિએ યુગન અને મુગન નામના મોરયંત્ર બજાવ્યાં. સુખાનંદ સ્વામી ક્યારેક બંસી પણ બજાવતા. સંતોએ મલ્હાર રાગ ગાયો એટલે વાદળાં થયાં, પછી બીજો રાગ ગવડાવ્યો ત્યારે વાદળાં વીખરાઈ ગયાં. આ જોઈ સહુ વિસ્મય પામ્યા.'' (૬/૩૩)

(૫) ''પૂર્ણાનંદ સ્વામી પરજ રાગના નિષ્ણાત હતા.'' .... ''મુક્તમુનિ પદ ગાય ત્યારે મુખ ઉપર લાલ રંગ ઢળે છે, ગવૈયા દેવાનંદ મુનિ ગાય ત્યારે રાગ મૂર્તિમાન પ્રગટ થાય છે... બ્રહ્મમુનિ ગાતા ત્યારે મેઘના પ્રત્યે મોરની જેમ હુલસે છે ને પ્રેમાનંદ મુનિ ગાય ત્યારે શ્રીહરિ સાથે તાન તોડતા, જ્યારે નિષ્કુળાનંદ મુનિ ગાય ત્યારે સાંભળનારને સંસાર ગમે નહિ અને વનવાસ પ્રિય લાગે. તથા ચરણે ચરણે માયિક સુખ અગ્નિ સમાન લાગે. સૌ સૌની કૃતિમાં પોતપોતાની રુચિ દેખાડતા.'' (૮/૬)