૧૯. દરદ લગાડી રહ્યા દૂર છો, રસિયા વાલમ...

0:000:00

વિરહની અકથ્ય વેદના અને હરિદર્શનની ઉત્કટ પ્યાસ જ્યારે સંગીતના સૂરોમાં વહે છે ત્યારે સંત સ્વયં સાજ બની જાય છે અને પ્રભુ સ્વયં સંગીત!




બાલ્યાવસ્થાથી જ માતાપિતાને ગુમાવી બેસનાર પ્રેમસખી પ્રેમાનંદ જાતિએ ગાંધર્વ હતા. સુંદર વાન અને મધુર કંઠને લીધે તેઓ વેરાગીઓના સમૂહમાં સપડાઈ ગયા. વેરાગી બાવાઓ આવા નિરાધાર અને ગાયન કળામાં કુશળ બાળકને છોડે પણ શાના! વળી આ છોકરાને પોતાનાં સગાં-સંબંધી કે ઘરબાર વિષે કશી જાણ હતી નહિ, એટલે નિરાધારપણે જ્યાં ત્યાં રખડ્યા કરવું એના કરતાં બાવાના સમૂહમાં ફરવું એને વધુ રુચિકર લાગ્યું. બાવાઓનો એ કાફલો ફરતા ફરતા કાનમ પ્રદેશના (ભરૂચ જિલ્લાના) દોરા ગામે આવેલો. કાફલામાંનો આ રૂપાળો અને ગાવા બજાવવામાં પ્રવીણ છોકરો સૌનું ધ્યાન ખેંચતો. એના મધુર કંઠથી ગામ લોકો ખુશ થઈ વેરાગીઓને ગામમાં વધુ રોકાવાનો આગ્રહ પણ કરતા. એવામાં એ જ ગામમાં સ્વામિનારાયણના સાધુઓ લોકોપદેશાર્થે ફરતા ફરતા આવ્યા. વેરાગીઓના સમૂહમાં રહેલા આ છોકરામાં પ્રભુ દર્શનની ઉત્કટ પ્યાસ હતી.

એક દિવસ આ છોકરો સારંગી લઈને "તેરે બિના પિયરા જિયરો નિકસો જાસે"નું આરતભર્યું પદ ગાતો હતો, એ જ વખતે સ્વામિનારાયણના સાધુ જ્ઞાનદાસજી ત્યાંથી પસાર થતા હતા. તેમના કાને આ પદ પડ્યું ને તે થંભી ગયા. જ્ઞાનદાસજીએ એનો પરિચય કેળવવાનો પ્રયત્ન કર્યો.

સ્વામિનારાયણના સાધુઓના શુદ્ધાચાર ને વિચારની વિલક્ષણતા જોઈને વેરાગી યુવાન પણ તેમના તરફ આકર્ષાયો. વેરાગી યુવાનને પણ હરિદર્શનની લગની લાગી હતી. જ્ઞાનદાસજીએ હરિમિલન કરાવી દેવાનું વચન આપી પોતાના ભણી ખેંચવાનો પ્રયત્ન કરી જોયો. વેરાગી બાવાઓથી છાનોછપનો એ યુવાન પણ સ્વામિનારાયણ સાધુઓના વધુ ને વધુ સંપર્કમાં આવતો ગયો. એથી એનામાં ભગવાન સ્વામિનારાયણને મળવાની ઉત્કટ તાલાવેલી પેદા થઈ અને એક દિવસ એણે જ્ઞાનદાસજીને વિનવ્યા કે મને આ બાવાઓના કાફલામાંથી છોડાવી તમારી સાથે સ્વામિનારાયણ ભગવાન પાસે લઈ જાઓ. જ્ઞાનદાસજીએ એને ધીરજ ધરવાની સલાહ આપી અને એ ત્યાંથી દ્વારકા જવા માટે રવાના થયા. છોકરાએ યુક્તિ કરી બાવાઓના અધિપતિ પાસે રણછોડરાયના દર્શને દ્વારકા જવા અનુમતિ માગી. અનુમતિ મળતાં જ એ ઝડપથી ચાલી આગળ રવાના થયેલા જ્ઞાનદાસજીના મંડળ સંગાથે થઈ ગયો.

દ્વારકાથી પાછા વળતાં જ્ઞાનદાસજી એ વેરાગી યુવાનને લઈને ભાવનગર જિલ્લાના ગઢડા ગામે આવી પહોંચ્યા. ગઢડામાં દાદા ખાચરના દરબારમાં ઊગમણા દ્વારના ઓરડાની ઓસરીમાં ઢોલિયા ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન હતા. ત્યાં જ્ઞાનદાસજી વેરાગી યુવાનને લઈ આવ્યા ને શ્રીજીમહારાજને એનો પરિચય કરાવ્યો. યુવાન શ્રીજીમહારાજના દર્શન કરી મુગ્ધ બની ગયો. એના અંતરમાં આનંદની છોળો ઊડવા માંડી. સંકલ્પ-વિકલ્પ વિરામ પામી ગયા. પ્રથમ મિલને જ એને પ્રભુમાં પ્રીત લાગી. મહારાજ પણ એને જોઈ ખૂબ આનંદમાં આવી ગયા. કહ્યું છે ને-- 'प्रीति योगं परस्परम्।' પ્રભુને પણ એના ઉપર હેત ઊપજ્યું. મહારાજે એને પોતાની પાસે રાખી લીધો. ગાનવિદ્યાથી પ્રભુને પ્રસન્ન કરવાની યુવાનની મનિષા પણ એ રીતે સંતોષાતી. મહારાજે પછી એને બુરાનપુર શાસ્ત્રીય સંગીતના વિશેષ અધ્યયન માટે મોકલ્યો. ત્યાં સંગીત તથા કાવ્યકળાના શાસ્ત્રીય શિક્ષણથી રાગ, તાલ અને યતિમાત્રા વગેરેનું એનું જ્ઞાન વધુ વિકાસ પામ્યું. અંતે મહારાજે એને પોતાના વરદ્ હસ્તે ચંદન ચર્ચી, તિલક કરી, કંઠી બાંધી, નિજબોધાનંદ નામ આપી પોતાના સંતસમાજમાં અપનાવી લીધો.

સાધુ થયા બાદ, નિજબોધાનંદની કસોટી પહેલે દિવસથી જ શરૂ થઈ. શ્રીજીમહારાજે દીક્ષા દઈને કહ્યું: "સ્વામી! તમારી સારંગી મારી પાસે મૂકીને જ જજો અને કલમ પણ!" નિજબોધાનંદ દિગ્મૂઢ થઈને કહે: "પ્રભુ! કાવ્યો હવે ન રચું ને સંગીત ન કરું?"

"ના સ્વામી!" મહારાજે સ્વામીનો હાથ હાથમાં લઈ માળા આપતાં કહ્યું: "લો, આ માળા ફેરવજો. સંતને કલા ને કૃતિનો પણ મોહ ન રાખવો. એ કોને કાજે છે તેનો વિચાર વધારે ખપનો છે."

"પ્રભુ! પણ અભ્યાસ છૂટી જશે તો..."

"એવી શંકા ન કરશો, સ્વામી! હમણાં એ દિશા જ બંધ થઈ. પહેલાં દર્શન, શ્રવણ ને સ્મરણની દૃઢતા લાવવી, ચિત્ત પ્રભુમાં જોડી દેવું. થશે ને?"

"હા પ્રભુ!" સ્વામીએ હા ભણી.

સહજાનંદ સ્વામીએ નિજબોધાનંદને એમનું મન કલા ભક્તિમાંથી ઊતરી પ્રભુ ભક્તિમાં ચોંટે એ માટે સંગીત અને કાવ્યથી અળગા કર્યા. જેથી સંગીત અને કાવ્ય રચના સાધ્ય મટી પ્રભુના ગુણગાન ગાવાનું સાધન બને. એટલું જ નહિ, સંગીતનો કાબૂ એમના પર ન રહે પણ સંગીત પર એમનો કાબૂ આવી જાય. માટે વ્યસનમુક્તિની પેઠે સાજ અને અવાજની મુક્તિ જરૂરી હતી. માણસનું મન કોરા કાગળ જેવું બની જાય પછી જ પ્રેમલક્ષણા ભક્તિનો ખરો રંગ ચઢી શકે છે. પ્રખર વક્તાને મૂંગા રહેવા દેવા જેવી અને સતત રખડતા પ્રવાસીને જેલમાં પૂરવા જેવી આ સજા હતી, પણ નિજબોધાનંદે કાંઈ પણ દલીલ કર્યા વગર આઠ મહિના એમની પ્રિય સારંગી વિના ઘેલા નદીના કાંઠે બેસીને નિષ્કુળાનંદ સાથે જ્ઞાનગોષ્ઠિ કરતાં કરતાં કાઢી નાખ્યા.

આ રીતે કસોટીમાં સોળવલા ઠરતાં, એક દિવસ શ્રીજીમહારાજે ગીત, સંગીત અને સાજની મહેફિલ ખડી કરવા નિજબોધાનંદને એમની અમાનત સારંગી પાછી સોંપી એટલે એમણે એ મહારાજની સામે ધરી, મહારાજે સ્પર્શ કરી તેના તારને ઝણઝણાવ્યા. મહારાજની આજ્ઞા મળતાં સ્વામીએ સાજ ઉપર સૂર રેલાવી ગાવા માંડ્યું:

'દરદ લગાડી રહ્યા દૂર છો, રસિયા વાલમ. દરદ.'

એમની આ દર્દીલી રચનાથી શ્રીજીમહારાજ ખૂબ પ્રસન્ન થયા અને સ્વામીને પોતાની સમીપ બોલાવી પોતાના કંઠમાંથી પુષ્પમાળા કાઢી તેમને પહેરાવી કહ્યું: "સ્વામી! તમારા કીર્તનમાં પ્રેમની અનોખી મસ્તી છે, માટે આજથી તમારું નામ અમે પ્રેમાનંદ રાખીએ છીએ." પછી મહારાજે સભાને કહ્યું: "રસિયાજી રાખોને હજૂર..... એવી સ્વામીની આર્ત પ્રાર્થનાનો અમે સ્વીકાર કર્યો છે. આજથી પ્રેમાનંદ સ્વામી સદાય અમારી હજૂરમાં રહેશે."

આ સાંભળી સભામાં જયઘોષ થયો. સ્વામીએ મહારાજને દંડવત્ પ્રણામ કરીને તરત જ ગાયું:

'પ્રેમાનંદ કહે સુખેથી રહીશું હજૂર,

હો અમે સુખેથી રહીશું હજૂર રે,

હો રસિયા વાલમ!'

કાવ્યકૃતિ :

દરદ લગાડી રહ્યા દૂર છો, રસિયા વાલમ. દરદ. ટેક

દરદ લગાડી મેલ્યાં દુઃખના સાગરમાં અમને;

નાથજી ન ઘટે જરૂર રે, રસિયા વાલમ. દરદ. ૧

મોરલીની તાને નેણુંની સાને વહાલા;

હરિવર કીધેલ ચકચૂર રે, હો રસિયા વાલમ. દરદ. ૨

દરશન વિના ક્ષણ જુગ સમ જાયે વહાલા;

દલડામાં દુઃખ ભરપૂર રે, લો રસિયા વાલમ. દરદ. ૩

નિજબોધાનંદના રે પ્યારા, વદન દેખાડો વહાલા;

રસિયાજી રાખોને હજૂર રે, હો રસિયા વાલમ. દરદ. ૪


આસ્વાદ :

શ્રીકૃષ્ણ ગોકુળથી મથુરા ગયા ત્યારે કૃષ્ણ વિયોગે ઝૂરતી ગોપાંગનાઓની વિરહ વેદના અકથ્ય હતી. આવી જ ઉત્કટ વિરહ વેદના અને હરિદર્શનની પ્યાસ પ્રેમાનંદે આ પદમાં વ્યક્ત કરી છે.

ગોપીની જેમ પ્રેમસખી પણ પ્રથમ આક્ષેપ કરી પ્રભુને મીઠો ઉપાલંભ આપતાં કહે છે, ઓ રસિયા વાલમ! તમે અમને તમારી રૂપમાધુરીથી મોહિત કરી અમારું હૈયું ચોરી લઈ અમને તમારા પ્રેમનું મીઠું દરદ લગાડી, હવે અમારાથી દૂર રહીને વિયોગે બળતા અમારા હૈયાને જોયા કરો છો, એ શું સારું કહેવાય? આ દરદ કેટલું કારમું છે એની ખબર છે તમને? તમે તો અમને દુઃખના દરિયામાં ઉતારી દીધા છે. શું આ તમને યોગ્ય લાગે છે? આ બધું દુઃખ--દરદની પીડા--કેમ આવ્યું એની ખબર છે તમને? તમારે જ કારણે, હા તમારે જ લીધે આ પીડા આવી છે, તમે જ અમને મોરલીની તાનમાં એવાં ગરકાવ કરી દીધાં કે અમને અમારું જ ભાન ન રહ્યું. અમે અમારી જાતને ભૂલી ગયાં, એમાં વળી તમારી આંખોના ઈશારાઓએ તો અમને મોહી લીધા. સાન ભાન ભૂલેલા અમને ઓ હરિવર! તમે એવા તો તમારા રૂપમાં--તમારા સલૂણાં સ્વરૂપમાં ઘેલાં કરી દીધાં છે કે બસ તમારા પ્યારમાં અમે ચકચૂર થઈ ગયા છીએ. તમારા પ્રેમમાં ગળાબૂડ ડૂબેલા અમને હવે તમારા વિના એક ક્ષણ પણ કેમ ગમે? અને એટલે જ વહાલા! તમને કહું છું આ દિલમાં દુઃખનો પાર નથી. પ્રેમાનંદે પોતાની વિરહ વેદના વ્યક્ત કરતાં અંતે પ્રભુને પ્રાર્થતા ગાયું છે:

"વદન દેખાડો વહાલા; રસિયાજી રાખોને હજૂર રે."

પ્રભુ! તારા દર્શન દઈ અમને હંમેશને માટે રસિયા, તારી હજૂરમાં જ રાખ, તારા સામીપ્યમાં જ રાખ, તારા સ્વરૂપમાં જ રાખ એવી અમારી પુન: પુન: પ્રાર્થના છે.

આ કાવ્યમાં કવિની ભાવાભિવ્યક્તિ આકર્ષક છે. એમની વાણીમાં કોમળતા ને માધુર્ય સહજપણે ઊતરી આવે છે. આ એક સુંદર સુગેય પદ છે.