૨. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રે....

0:000:00

પ્રેમસખીના પ્રેમાર્દ્ર અંતરમાંથી સહજભાવે પ્રગટેલી વંદના 'વંદુ સહજાનંદ રસરૂપ' સાંભળીને શ્રીહરિએ સ્વયં ભરી સભામાં એ સંતના ભરપેટ વખાણ કરતાં કહેલું કે "જેને આવી રીતે નિરંતર પ્રભુ સ્મરણ રહેતું હોય એ સંત તથા એના માતા-પિતા ધન્ય છે....ને એમને તો ઊઠીને દંડવત્ પ્રણામ કરવાનું મન થાય છે." આમ આવા ભક્તની મહત્તા ક્યારેક ભગવાન પણ ગાય છે.




સં. 1880ની સાલની વાત છે. માઘ માસના કૃષ્ણ પક્ષની તેરસનો દિવસ હતો. ગઢડામાં શ્રીજીમહારાજ પ્રાત:કાળે સ્નાનાદિ નિત્યકર્મ પતાવીને દાદાખાચરના દરબારમાં વાસુદેવનારાયણના ઓરડા પાસે સભા કરીને બિરાજમાન થયા હતા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી ઇત્યાદિ સંતો તથા દાદાખાચર, સુરાખાચર, પર્વતભાઈ વગેરે હરિભક્તો સભામાં બેઠા હતા. એ વખતે જોગાનુજોગ શંખલપુરનો વિજયશંકર નામનો એક બ્રાહ્મણ દેવીભક્ત ત્યાં આવી ચડ્યો. એણે કપાળે સિંદૂરની આડ કરી હતી, હાથમાં ત્રિશૂળ રાખ્યું હતું અને માથે લાલ રંગનો રૂમાલ બાંધ્યો હતો. દૂરથી જ દંડવત્ પ્રણામ કરતો કરતો એ મહારાજ પાસે આવ્યો. પછી મહારાજની સન્મુખ આસન જમાવતાં એ બોલ્યો: "હે સહજાનંદ સ્વામી! આપ તો ભગવાન છો. આપ જો આજ્ઞા આપો તો માતાજીનો એક ગરબો આપને ગાઈ સંભળાવું."

મહારાજે એનો ભાવ જોઈ હસતાં હસતાં કહ્યું: "ભલે સંભળાવો."

માઈભક્તે તો મહારાજની આજ્ઞા મળતાં જ લહેકા સાથે ગાવા માંડ્યું:

'મા તું પાવાની પટરાણી, ભવાની મા કાળકા રે લોલ.

મા તારે ડુંગરડે ચડવું તે, અતિ ઘણું દોહ્યલું રે લોલ.'

દેવીભક્ત ખૂબ ભાવથી ગાઈ રહ્યો હતો:

'માડી તારા મુખની મરોડતા જોઈ,

લોભાણું મુખ ચંદા તણું રે લોલ.

માડી તારું મુખડું જોવાને કાજ,

આવે છે કુંવર નંદનો રે લોલ.'

એની ગાવાની હલકથી, ગરબાના ઢાળથી મહારાજ પ્રસન્ન થયા અને તેને શિરપાવ અપાવ્યો. મહારાજને ફરી દંડવત્ પ્રણામ કરીને તે ગયો. પછી મહારાજે સૂચક નજરે સભામાં બેઠેલા પ્રેમાનંદ સ્વામી તરફ જોતાં કહ્યું: 'સ્વામી! કેવો લાગ્યો ગરબો? ઢાળ બહુ સુંદર છે, નહિ? એના રચનારે બહુ ભાવથી એમાં દેવીનો મહિમા ને એના સ્વરૂપનું વર્ણન કર્યું છે. આવું કંઈક રચવું જોઈએ!"

પ્રેમાનંદ સ્વામી મહારાજના કહેવાનું તાત્પર્ય સમજી ગયા. તેરસની રાત્રે જ પ્રેમસખીએ શ્રીહરિની પ્રત્યક્ષ પ્રેરણા ઝીલીને, એમની મૂર્તિમાં તલ્લીન બનીને 'વંદુ સહજાનંદ રસરૂપ' એ 'ધ્યાનની ગરબી'ની રચના કરી નાખી.

બીજે દિવસે એટલે કે સં. 1880ના મહાવદી ચૌદશને શિવરાત્રિને દિવસે શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને તુલસીની નવી શ્વેત કંઠીઓ કંઠમાં પહેરી હતી તથા પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. એ સભામાં શ્રીજીમહારાજે કીર્તન ગાવાની આજ્ઞા કરી એટલે પ્રેમાનંદ સ્વામી ઊભા થયા. એમના હાથમાં સારંગી હતી. એમણે મહારાજને વંદન કરીને ગરબી ઉપાડી:

'વંદુ સહજાનંદ રસરૂપ, અનુપમ સાર ને રે લોલ;

જેને ભજતાં છૂટે ફંદ, કરે ભવ પાર ને રે લોલ.'

સૌ પ્રથમ શ્રીહરિની વંદના કરી પ્રેમસખી ધીરે ધીરે શ્રીજીમહારાજના અંગોની શોભાનું બહુ બારીકાઈથી વર્ણન કરતા ગયા. મહારાજના નખશિખ સ્વરૂપનું ધ્યાન સહેજે થાય એ રીતે સ્વામી માહાત્મ્યજ્ઞાન સહિત ભાવપૂર્વક એક પછી એક પદ ગાતા ગયા. સાંભળનાર સર્વે એ રસિક રૂપનિરૂપણનું શ્રવણ કરતા કરતા અલૌકિક પ્રેમની રસ-સમાધિમાં લીન થઈ ગયા. સૌને થયું કે અમે તો રોજ દર્શન કરીએ છીએ પણ પ્રેમાનંદે પ્રભુને જે રીતે નિહાળ્યા છે તે રીતે અમે ક્યારેય અવલોક્યા નથી. પ્રેમસખીએ તો સાચે જ પ્રભુને નીરખીને નેણાંમાં ઉતારી લીધા છે, હૃદયમાં સંઘરી લીધા છે. એકેક કરતાં આઠ પદ પૂરાં થતાં મહારાજે એમને બિરદાવ્યા ત્યારે સભામાં આનંદની હેલી ઊતરી આવી. સૌ એકી અવાજે બોલી ઊઠ્યા: 'સહજાનંદ સ્વામી મહારાજની જય!'

આશીર્વાદનો વરદ હસ્ત સભાની સામે ધરીને મહારાજે કહ્યું: "બહુ સારાં કીર્તન ગાયાં. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને તો ઊઠીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીએ અને જેને આવી રીતે અંત:કરણમાં ભગવાનનું ચિંતવન થાતું હોય ને એવી વાસનાએ યુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં આવવું પડે જ નહિ અને એવી રીતે ભગવાનનું ચિંતવન કરતાં જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો જ છે... અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતવન થાય છે તે તો કૃતાર્થ થયો છે ને તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી." આજે તો મહારાજ પ્રેમાનંદ સ્વામી ઉપર અતિ પ્રસન્ન થયા હતા, તેથી 'પ્રેમસખી' સામે જોઈ મહારાજ વળી આગળ બોલ્યા: "જેને એ કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતવન થતું હોય તે તો કાળ, કર્મ ને માયાના પાશ થકી મુકાણો છે અને જેને ઘેર એવા પુરુષે જન્મ ધર્યો તેનાં માબાપ પણ કૃતાર્થ થયાં જાણવાં. (વચનામૃત : ગ. મ.પ્ર. ૪૮).


કાવ્યકૃતિ :

વંદુ સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ;

જેને ભજતાં છૂટે ફંદ, કરે ભવ પારને રે લોલ. ૧

સમરું પ્રગટરૂપ સુખધામ, અનુપમ નામને રે લોલ;

જેને ભવ બ્રહ્માદિક દેવ, ભજે તજી કામને રે લોલ. ૨

જે હરિ અક્ષરબ્રહ્મ આધાર, પાર કોઈ નવ લહે રે લોલ;

જેને શેષ સહસ્ત્રમુખ ગાય, નિગમ નેતિ કહે રે લોલ. ૩

વર્ણવું સુંદર રૂપ અનુપ, જુગલ ચરણે નમી રે લોલ;

નખશિખ પ્રેમસખીના નાથ, રહો ઉરમાં રમી રે લોલ. ૪


આસ્વાદ :

પ્રેમસખી પ્રેમાનંદે 'ધ્યાનના અંગની આ ગરબી' શ્રી સહજાનંદ સ્વામીના વ્યક્તિત્વની પ્રત્યક્ષ પ્રેરણા ઝીલીને રચી છે. કવિએ પોતાના ઇષ્ટ આરાધ્ય ભગવાન સ્વામિનારાયણની રસિક રૂપમાધુરીમાં રસલીન બનીને, હૈયામાં સાકાર થતા ઉત્કટ સ્નેહ તેમજ વિવિધ ભાવસંવેદનોની પરંપરા આ રસાત્મક પદમાળામાં અભિવ્યક્ત કરી છે. આ પદમાળા સાંભળીને અત્યંત પ્રસન્નપણે શ્રીજીમહારાજે ભરી સભામાં કવિને બિરદાવતાં કહેલું કે "બહુ સારાં કીર્તન ગાયાં. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને તો ઊઠીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીએ." (વચનામૃત ગ. મ. પ્ર. 48) સ્વયં ભગવાન ઊઠીને ભક્તને દંડવત્ પ્રણામ કરવાનું વિચારે ત્યારે ભક્તની પ્રેમલક્ષણા ભક્તિની પરાકાષ્ઠા આવી જાય છે.

પ્રસ્તુત પદાવલિમાં સ્વેષ્ટ સ્વામી સહજાનંદજીના અનુપમ અંગોપાંગનું રસિક રૂપનિરૂપણ કવિએ એવી ખૂબીથી કર્યું છે કે એમાં ઊર્મિનું સાતત્ય એવું તો અનુભવાય છે કે સાંભળતાં જ દિવ્યરસમાં રસલીન થઈ જવાય!

'વંદુ સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ.'

કવિ સૌ પ્રથમ શ્રી સહજાનંદ મહાપ્રભુજીને વંદના કરે છે. એ સહજાનંદ પ્રભુ કેવા છે? તો કવિ કહે છે, એ સહજાનંદ રસરૂપ છે, આસ્વાદ્ય છે. ઉપનિષદો જેને रसो वै स:। કહે છે તે જ આ પરમાત્મા છે. સર્વે રસ પરમાત્માની મૂર્તિમાં સમાયેલા છે. ભગવાનની મૂર્તિ અનુપમ છે. સંસારભરમાં એવું કોઈ રૂપ નથી જેની સાથે એ મૂર્તિની શોભાને સરખાવી શકાય. જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિના સારરૂપે પરમાત્માની પ્રાપ્તિ થાય છે, પરમાત્મા સારરૂપ છે. આવા રસરૂપ, અનુપમ સારરૂપ પ્રભુ શ્રી સહજાનંદ સ્વામીને ભજતાં અજ્ઞાનરૂપ આવરણ આપોઆપ ટળી જતાં જીવ ભવસાગર તરી જાય છે. કારણ શરીરરૂપ માયા વજ્રસાર જેવી છે, જીવમાં રસાયેલો એ અનાદિનો ફાંસો છે. પરમાત્માના સ્વરૂપ ધ્યાનથી આ અજ્ઞાનમય કારણદેહ બળીને ભસ્મસાત્ થઈ જાય છે! અને એ જ મુક્તિનું પ્રથમ સોપાન છે. અનાદિની અજ્ઞાનતા ટળતાં જીવ બ્રહ્મરૂપે પરબ્રહ્મની ભક્તિ કરી મોક્ષના પંથે વળે છે.

સહજાનંદ પ્રભુ પ્રગટ સુખના ધામરૂપ છે. 'સુખ'ની સાચી વ્યાખ્યા હજી સુધી તો આ સંસારમાં સમજવામાં નથી આવી. કારણ કે સંસારનાં સુખો હકીકતમાં ઇચ્છાપૂર્તિ સિવાય કાંઈ નથી. અહીં 'એ સુખ'ની વાત નથી. આ તો શાશ્વત દિવ્ય સુખની વાત છે. પરંતુ એ સુખ જેણે પણ ભોગવ્યું છે યા ચાખ્યું છે એની વાણી મૌનના મહાસાગરમાં ખોવાઈ ગઈ છે. પરિણામે એ 'સુખ'ની કલ્પના પણ કલ્પનાતીત છે. આવા પ્રગટ સુખધામરૂપ પ્રભુના અનુપમ નામને સ્મરીને શંકર, બ્રહ્માદિક મોટા દેવો પણ નિષ્કામ થાય છે. એ હરિ તો અક્ષરબ્રહ્મના પણ આધારરૂપ છે, એનો પાર કોઈ પામી શકતું નથી. ભગવાન સ્વામિનારાયણનો મહિમા અપાર છે, અગાધ છે. પોતાના સહસ્ત્ર મુખથી સદાકાળ શેષજી એમનો મહિમા ગાય છે, છતાંય એનો અંત ક્યારેય આવતો નથી અને આવશે પણ નહિ. તેથી જ વેદાંત એમને માટે नेति नेति- न इति न इति એ આ નહિ -આ નહિ એમ કહીને જ અટકી જાય છે. ભગવાનની મહત્તાનો તાગ મેળવવો એ આકાશના અંતનો તાગ મેળવવા બરાબર છે. છતાંય એવા પ્રગટ સુખધામરૂપ પ્રભુ ભક્તવત્સલ બનીને કૃપા કરી પૃથ્વી ઉપર મનુષ્યરૂપે અવતરી સહજાનંદરૂપે સત્સંગમાં સાંપડ્યા છે એ એમની કરુણાનો આવિષ્કાર છે! પ્રેમસખી ભગવાન શ્રી સહજાનંદ પ્રભુના સુંદર અનુપમ મનુષ્યદેહ સ્વરૂપના પ્રત્યેક અંગોપાંગનું રસિક રૂપનિરૂપણ કરતાં પહેલાં એ પ્રભુના જુગલ ચરણમાં વંદના કરી ગદગદ કંઠે પ્રભુને પ્રાર્થના કરે છે કે "હે નાથ! આપનું નખશિખ સ્વરૂપ સદાય મારા અંતરમાં રમી રહો!"

આ પદમાં કવિની પ્રેમલક્ષણા ભક્તિની પ્રબળ ભાવોર્મિનો ઉત્કટ આવિષ્કાર થયો છે, તેથી એમાં મૂળગત પ્રણયસભર દીપ્તિ સહેજે અનુભવાય છે. અહીં ભક્તિ શૃંગારની પોતાની માર્મિક અનુભૂતિ કવિએ કુશળતાથી દર્શાવી છે. પ્રત્યેક પંક્તિને છેડે સમૂહમાં ગાવાને અનુકૂળ ગેયતાવર્ધક શબ્દ 'લોલ' મૂકીને કવિએ પદમાળામાં લય, માધુર્ય અને રંજકતાનો સમન્વય સાધ્યો છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રત્યેક મંદિરમાં સંધ્યા આરતી બાદ પ્રેમાનંદ સ્વામી રચિત પ્રભુની 'સ્વાભાવિક ચેષ્ટા'નાં પદો ગવાય છે. પ્રભુની સ્વાભાવિક ચેષ્ટાઓ યાને નિત્યના લીલા ચરિત્રો સંભારવાથી મન નિર્મળ બને છે. મનની શાંતિ અને અંતઃકરણની શુદ્ધિ વિના ધ્યાનનું સુખ આવતું નથી. 'સ્વાભાવિક ચેષ્ટા'ના ગાનને અંતે થોડીવાર ધ્યાન કર્યા બાદ એના અનુસંધાનમાં 'વંદુ સહજાનંદ રસરૂપ' એ ધ્યાનની ગરબી ગાવામાં આવે છે. એમાં વર્ણવેલા શ્રીહરિના નખશિખ સ્વરૂપનિરૂપણથી મન એ સુખધામરૂપ સ્વરૂપમાં રસલીન બને છે અને એ જ સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક સાધનાનો પાયો છે.