૨૪. સોનેરી મોળિયું, સુંદર સોનેરી મોળિયું...

0:000:00

સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ ધર્મગ્રંથ વચનામૃતમાં ઠેર ઠેર સ્વામી સહજાનંદજી મહારાજની સાથે જેનું નામ, જેના દરબારનું નામ ગૌરવપૂર્વક ગવાય છે એ ગઢપુરના ગરાસદાર દાદા ખાચર ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત અને પરમ ભક્ત હતા. દાદા ખાચરનાં ધર્મપત્ની કુમુદબાને કંઈ સંતાન ન હતું, તેથી કુમુદબાની આગ્રહભરી આજીજીને લીધે મહારાજે દાદાને ફરી પરણાવવાનો વિચાર કર્યો. આ માટે મહારાજે પહેલા દાદાની સંમતિ મેળવી અને પછી ભટવદરના દરબાર નાગપાલ વરુની દીકરી જસુબા સાથે તેમનું સગપણ કર્યું. ઘણી આનાકાની પછી દાદાએ આ લગ્ન માટે મહારાજને એ શરતે સંમતિ આપી હતી કે 'જો આપ જાનમાં પધારો, મારો રથ ચલાવો તો જ હું લગ્ન કરવા જઈશ.'

સં. 1881નો વસંત પંચમીનો મહોત્સવ ગઢપુરમાં ધામધૂમથી ઊજવી મહારાજ ત્યાં આવેલા સર્વે સંત હરિભક્તોને દાદા ખાચરની જાનમાં લઈને મહાસુદી આઠમને દિવસે ભટવદર જવા માટે તૈયાર થયા.

મહારાજે સોનેરી મોતીડે મઢેલી પાઘ તથા કાનમાં મોતી જડિત સુંદર કુંડળ પહેર્યાં હતાં. દાદા ખાચરને શણગારેલા રથમાં બેસાડી શ્રીજી સ્વયં એ રથ હાંકવા બેઠા. એ દિવ્ય દૃશ્યનું દર્શન કરવા પાર્ષદો પોતાના ઘોડા આગળ લાવ્યા. સંતો, હરિભક્તો પણ પોતાનાં વાહનોમાંથી ઊતરી દાદાના રથ પાસે આવી ગયા. મહારાજે બળદની રાશ હાથમાં પકડી હતી. તેમના મુખારવિંદ ઉપર આજે અપાર આનંદ હતો. દાદાના સંસારના સારથિ બની પ્રભુએ આજે પોતાનું ભક્ત- વત્સલપણું વ્યક્ત કર્યું હતું.

જાન રળિયાણા જઈને ગુંદાળે પહોંચી. ત્યાં મૂળુ ખાચરની આગતા સ્વાગતા સ્વીકારી જાન માલપરા, ઢસા તથા મેથવી થઈને ઇંગોરાળે આવી. ત્યાંના હરિભક્તો સુંદરજી શેઠ, લાલજી શેઠ વગેરેએ મહારાજનું પૂજન કરી જાનની સરભરા કરી, ત્યાંથી તરત જ નીકળી મહારાજ રથને ઉતાવળા ચલાવતા કેરાળાની સીમમાં આવ્યા.

અહીં એક ભરવાડ સીમમાં ગાયો ચરાવતો હતો. એણે કસબંધ કેડિયું પહેર્યું હતું. કેડે લાલ વસ્ત્ર બાંધ્યું હતું અને એમાં વાંસળી ખોસી હતી. બે ખભા ઉપર લાકડી ટેકવી તે ઉપર બંને હાથ રાખી લહેરમાં આવીને તે લલકારતો હતો: 'જાબુંડે જાઈશમા, ઘાયલ જાબુંડે જાઇશમા; જાબુંડે જા તો જાબુંડા ખા'શમા અરજણિયા....' તેની અર્થહીન પંક્તિઓ સાંભળી મહારાજને હસવું આવી ગયું. ત્યાં તો મહારાજના હજૂરી સેવક પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીનું સિગરામ પણ ત્યાં આવી પહોંચ્યું.

મહારાજે પ્રેમાનંદ સ્વામીની સામે જોઈને પૂછ્યું: "સ્વામી! સાંભળ્યું આ ગોકળી શું ગાય છે?"

પ્રેમાનંદ સ્વામી કહે: "હા મહારાજ, સાંભળ્યું."

વળી મહારાજે ટકોર કરતાં કહ્યું: "ભલે તેમાં કાંઈ અર્થ નથી પણ ઢાળ સારો છે."

મહારાજના કહેવાનો મર્મ પ્રેમસખી તરત પામી ગયા. એમણે મહારાજની સામે જોઈ મહારાજની મનભાવન મૂર્તિ અંતરમાં ઉતારી; ગોકળી ગાતો હતો એ જ ઢાળમાં એક સુંદર પદ રચી ગાવા માંડ્યું. મહારાજે શિર પર ધારેલી મોતી મઢેલી સોનેરી કસબી પાઘ કવિના કાવ્યની ધ્રુવપંક્તિ બની ગઈ. રાગ પરજમાં પ્રેમસખીનો પ્રગલ્ભ સ્વર સીમના શાંત વાતાવરણમાં શુદ્ધ સત્ત્વભાવ ભરતો ચોમેર વ્યાપી રહ્યો.

'સોનેરી મોળિયું, સુંદર સોનેરી મોળિયું;

ધર્મકુંવરનું સોનેરી મોળિયું....'

મહારાજ આ સાંભળી પ્રેમસખીની અદભુત કાવ્યશક્તિ તથા વિશદ્ સંગીત કૌશલ્ય માટે અતિ પ્રસન્ન થયા અને પોતાની જે સોનેરી કસુંબલ પાઘ કવિના કાવ્યની વિષય-વસ્તુ બની, એ પાઘ મહારાજે પોતાની પ્રસન્નતાના પ્રતીકરૂપે પ્રેમાનંદ સ્વામીને પ્રસાદી તરીકે ભેટ આપી.

કાવ્યકૃતિ :

સોનેરી મોળિયું સુંદર સોનેરી મોળિયું, ધર્મકુંવરનું;

મોતીડે મોરિયું સુંદર મોતીડે મોરિયું રે, રસિક સુંદરનું ...૧

ભાલ વિશાળમાં સુંદર ભાલ વિશાળમાં, તિલક કેસરનું;

ભૃકુટિ સુંદર જાણીએ ભૃકુટી સુંદર રે, ઘર મધુકરનું ...૨

કરણે કુંડળિયાં કાજુ કરણે કુંડળિયાં, જડિયલ મોતીએ;

ગોળ કપોળમાં રૂડા ગોળ કપોળમાં રે, ઝળહળ જ્યોતિએ ...૩

નેણાં રંગીલા લાલ નેણાં રંગીલા લાલ, કમળની પાંખડી;

પ્રેમાનંદ નીરખી છબી પ્રેમાનંદ નીરખી રે, ઠરી છે આંખડી ...૪


આસ્વાદ :

પ્રેમસખી પ્રેમાનંદની સમસ્ત ભક્તિસાધના સ્વામિનારાયણના સગુણ સાકાર અવતારી સ્વરૂપ પર કેન્દ્રિત થયેલી છે. કવિએ પ્રગટ સહજાનંદજીની ભક્તિ પણ સખીભાવે જ કરી છે. તેથી જ પ્રિયતમાની જેમ પ્રેમસખીને પ્રિયતમ સહજાનંદજીનું રૂપસૌંદર્ય આકર્ષે છે. સહજાનંદ સ્વામીના વસ્ત્રાભૂષણોની સજાવટમાં એ મોહી પડે છે. રૂપાસક્તિથી શ્રી સહજાનંદમાં મધુર અનુરાગ અનુભવતા કવિ વિવિધ રાગાત્મિક ભાવસંવેદનો વ્યક્ત કરે છે. એ સર્વે આધ્યાત્મિક હોવા છતાં, લૌકિક દૃષ્ટિએ માનવ સહજ અને સ્વાભાવિક લાગે છે.

મનુષ્ય દેહધારી પ્રભુ સહજાનંદજી પોતાના ભક્તોના પ્રેમને વશ થઈને એમણે ભેટ ધરેલા જાતજાતનાં વસ્ત્રાભૂષણો અંગીકાર કરતા ને ક્યારેક પ્રેમી ભક્તોને રાજી કરવા માટે એ ધારણ પણ કરતા. એવા જ એક પ્રસંગે ભક્તોએ ધરાવેલ કસુંબલ વસ્ત્રો, સોનેરી પાઘ, મોતી જડિત કુંડળ ઇત્યાદિ વસ્ત્રાભૂષણો શ્રીજીએ ધારણ કર્યાં ત્યારે એમની સુશોભિત મૂર્તિનાં દર્શન કરતાં જ ભાવાવેશમાં આવી જઈ કવિ એ શોભાનું અહોભાવથી વર્ણન કરે છે. કવિએ શ્રીજીના સલૂણા સ્વરૂપની શોભાનું બહુ રોચક બ્યાન અહીં દોર્યું છે.

ધર્મકુંવર(શ્રી સહજાનંદજી સ્વામી ધર્મદેવના પુત્ર હતા, તેથી તેમને 'ધર્મકુંવર' કવિએ કહ્યા છે) સહજાનંદ પ્રભુની સોનેરી, મોતીડે મઢેલી પાઘ, એમનું કેસર તિલકથી અંકિત વિશાળ ભાલ, મધપૂડા સમાન એમની ભમર, કાનને શોભાવતાં સુંદર મોતી જડિત કુંડળો, એમના ગોળ તેજસ્વી ગાલ અને કમળની પાંખડી સમાન રાતાં રસભીનાં લોચન--આ સર્વનું પ્રેમાનંદ ભાવપૂર્વક વર્ણન કરે છે. આ રસિક મૂર્તિનું દર્શન કરીને પ્રેમાનંદની આંખડી ઠરે છે. એમના અંતરને અપાર શાંતિ મળે છે. પોતાના હૃદયના સૂક્ષ્મ પ્રણયભાવોની વ્યંજના વ્યક્ત કરતા કવિ અંતે ગાય છે:

'પ્રેમાનંદ નીરખી છબી, પ્રેમાનંદ નીરખી રે,

ઠરી છે આંખડી...'

આ પદ પ્રેમસખી પ્રેમાનંદની સ્વેષ્ટ સહજાનંદ સ્વામીના સ્વરૂપ પ્રત્યેની પ્રગાઢ આત્મબુદ્ધિનો નિર્દેશ કરે છે.

'મારી અખંડ રહો માઝમ રાત' એ પ્રેમીજનોનું સનાતન સૂત્ર છે. શ્રીજીપ્રભુની પ્રત્યેક ચેષ્ટા કવિને મધુર લાગે છે અને એ મધુરપના પૂર્ણરાશિરૂપ ધર્મકુંવરના દિવ્ય સામિપ્યમાં જ પ્રેમસખી સદા રસબસ રહેવા માગે છે.

આ પદનો ઢાળ શ્રીજી પ્રેરિત છે. તેથી, તે અતિ આકર્ષક છે. 'સોનેરી મોળિયું' એ ઉપાડ સાથે આરંભ કર્યા પછી ફરી 'સુંદર સોનેરી મોળિયું' એવી પુનરુક્તિ સોનેરી મોળિયાની સુંદરતાને ચાર ચાંદ લગાવે છે. આ પ્રકારની પુનરુક્તિ કવિના હૃદયોલ્લાસને અભિવ્યક્ત કરવામાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. પદનો ઉપાડ તેમજ નિર્વાહ ભાવાત્મક વાણી-પ્રવાહને કારણે આકર્ષક છે. પ્રેમસખીની આ અનુપમ રસસિદ્ધિ છે. તેથી જ ખ્યાતનામ સાહિત્યકાર સ્વ. કનૈયાલાલ મુન્શી લખે છે: "ભક્તિ સાહિત્યની દૃષ્ટિએ સ્વામિનારાયણ પંથમાં પ્રેમાનંદ મોટા કવિ છે. એટલું જ નહિ પણ નરસિંહ મહેતાના પછી મધ્યકાલના સાહિત્યમાં જો કોઈનાં કાવ્યોમાં શુદ્ધ ભક્તિની આંચ દેખાતી હોય તો આ પ્રેમાનંદમાં છે(મધ્યકાળનો સાહિત્ય પ્રવાહ : ખંડ-૫, પૃ.૩૮૫.).''