૪૯. પ્રગટ થયા સુખકારી

રાગ ગરબી


પદ ૧

પ્રગટ થયા સુખકારી, છપૈયામાં પ્રગટ થયા સુખકારી;

શ્રીહરિ આજ અવતારી, છપૈયામાં પ્રગટ થયા...

બ્રહ્માને ભવ શેષ શારદ ગાવે રે, ગાવે જેને વેદ ચારી. છ.૧

કોટી કલ્પ જેનું ધ્યાન કરેછે રે, દૃઢ મુનિ વ્રત ધારી. છ.૨

કારણ પ્રેરક સર્વના કહાવે રે, ભક્ત વત્સલ ભયહારી. છ.૩

અવધપ્રસાદ કહે અવની ઉપર રે, તારવા અનંત નરનારી. છ.૪


પદ ૨

ખેલ કરે બહુનામી, છપૈયામાં ખેલ કરે બહુનામી;

અક્ષરધામના ધામી, છપૈયામાં ખેલ કરે....

બાલક સહુને પાસે બોલાવી રે, ખેલ રાખે નહિ ખામી. છ.૧

સહુજનને સુખ આપે અલૌકિક રે, શ્રી સહજાનંદ સ્વામી. છ.૨

ખેલ ખેલાવીને અગણિત જનને રે, કીધા પોતે નિષ્કામી. છ.૩

અવધપ્રસાદ કહે એ છબી નીરખી રે, હૈયાની પૂરી મેં તો હામી. છ.૪


પદ ૩

નારાયણ સરમાં નહાવે, છપૈયામાં નારાયણ સરમાં નહાવે;

ખાંતેથી ખેલ મચાવે, છપૈયામાં નારાયણ સરમાં....

નહાવે વા’લોને બહુતાળી બજાવે રે, જોવાને સુરમુનિ આવે. છ.૧

જોઈ લીલા જગના જીવનની રે, આનંદ ઉર ન સમાવે. છ.૨

જય જયકાર કરે દેવ જોઈને રે, ધાઈને પુષ્પે વધાવે. છ.૩

અવધપ્રસાદના નાથની લીલા રે, જોઈને ભવદુઃખ જાવે. છ.૪


પદ ૪

લીલા કરે રંગ લેરી, છપૈયામાં લીલા કરે રંગ લેરી;

કટી પર કાંચની ખે’રી, છપૈયામાં લીલા કરે......

અંગરખી અંગે ધારી અનોપમ રે, પાઘ ગુલાબી શિર ઘેરી. છ.૧

પુરવાસી સહુને પુરુષોત્તમ રે, હસી આપે સુખ હેરી. છ.૨

જાંબુતણા જાય ફૂલ ખાવા રે, બાગમાં સખા સંગ ઘેરી. છ.૩

અવધપ્રસાદના નાથની લીલા રે, દેખી ટળે ભવ ફેરી. છ.૪


પદ ૫

શ્યામ સુંદર સુખદાઈ, છપૈયામાં શ્યામ સુંદર સુખદાઈ;

ખેલ કરે હરખાઈ, છપૈયામાં શ્યામ સુંદર.....

બહુનામી બાલક બહુ લઈને રે, રમે ભમે પુરમાંહી. છ.૧

કોઈક દિન વિશ્વામિત્રીમાં જાઈ રે, ધૂમ મચાવે ધાઈ. છ.૨

કોઈક દિન ધર્મ તલાવ જોઈને રે, ના’વે તે કીર્તન ગાઈ. છ.૩

અવધપ્રસાદ કે નારાયણ સરમાં રે, બહુ ના’વે બળભાઈ. છ.૪


પદ ૬

ધન્ય છપૈયાના વાસી, નિગમ કહે ધન્ય છપૈયાના વાસી;

જેના ભેળા રમ્યા અવિનાશી નિગમ કહે ધન્ય.....

કોટી બ્રહ્માંડના કર્તા જે કહાવે રે, રમ્યા જે સંગે હુલાસી. નિ.૧

સહુજનને સુખ આપે અલૌકિક રે, શ્યામસુંદર સુખરાશિ. નિ.૨

સર્વ તીરથનું ફળ સહુ પાવે રે, નથી ગયા ગયા કાશી. નિ.૩

અવધપ્રસાદ કહે એ પુરવાસી રે, પ્રગટ પ્રભુના ઉપાસી. નિ.૪


પદ ૭

છપૈયા ધામ મોટું જગકાવે, છપૈયા ધામ મોટું જગકાવે;

તેની તોલે બીજદું કોઈ નાવે. છપૈયા ધામ મોટું....

સાત પુરી ચાર ધામ ધરાપર રે, તે પણ તે તોલ્ય નાવે. છ.૧

કુળ અનંત ભવ તરે તે તેના રે, જાઈ ત્યાં શ્રાદ્ધ કરાવે. છ.૨

કોટિક પાપ કર્યાં જન જેને રે, નામ લેતાં પાપ જાવે. છ.૩

અવધપ્રસાદ કહે જાતા છપૈયામાં રે, જનઅક્ષરધામ જાવે. છ.૪



શબ્દાર્થ સૂચી

પદ ૧

વેદ ચારી - ચાર વેદ (સામ, યજુ., અથર્વ, ઋગ)

વ્રતધારી - નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતધારી


પદ ૨

હૈયાની હામી - હૈયાની હામ, ઇચ્છા


પદ ૩

ધાઈને - દોડીને


પદ ૪

રંગ લેરી - લહેરી, પોતાની મસ્તીમાં મસ્ત

કાંચની - સોનાનો કંદોરો


પદ ૫

ના’વે - નહાવે, નહાવું

બળભાઈ - રામપ્રતાપભાઈના ભાઈ ઘનશ્યામ મહારાજ


પદ ૬

નિગમ – વેદ

ગયા - એક તીર્થ

ગયા - જવું


પદ ૭

સાત પુરી - અયોધ્યા, મથુરા, હરદ્વાર, કાશી, કાચી ઉજ્જયિની અને દ્વારકા

ચાર ધામ - ઉત્તરમાં બદરીકેદાર, પૂર્વમાં જગન્નાથ પુરી, દક્ષિણમાં રામેશ્વર અને પશ્ચિમમાં દ્વારકા