દ્વિતીય આવૃત્તિનું નિવેદન

જેમનું જીવન જ એક સદુપદેશકની ગરજ સારે એવું ઉત્કૃષ્ટ હતું, એવા અનાદિમુક્ત પૂજ્ય શ્રી નારાયણભાઈના અલૌકિક સામર્થ્ય, પ્રતાપ અને સદગુણોને ઉજાગર કરતા તેમના જીવનપ્રસંગોમાંથી કેટલાક ચૂંટેલા પ્રસંગો 'પ્રસંગ માળા' શિર્ષક હેઠળ 'શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન' દ્વારા સંસ્થાના રજત જયંતિ પ્રસંગના ઉપલક્ષે પ્રકાશિત થાય તેમાં સહજ આનંદ ને ગૌરવની લાગણી સમાયેલાં છે.

જેમ માળાના એક એક મણકામાં વૃત્તિ એકાગ્ર થવાથી પરમાત્માના સ્વરૂપની સ્મૃતિ થાય છે, તેમ મુક્તરાજના એક એક પ્રસંગો જાણવાથી તેમના અદભૂત સામર્થ્ય, પ્રતાપ અને ઈશ્વરીય કલ્યાણકારી ગુણોની ઝાંખી થાય છે. સાથે સાથે મુક્તપુરુષનું જીવન કેવું આદર્શ ને અનુકરણીય હોય છે તે વાત પણ સ્પષ્ટ થાય છે.

આ પુસ્તકના વાંચન દ્વારા મુક્તપુરુષના કલ્યાણકારી ગુણોને પોતાના જીવનમાં આત્મસાત્ કરવાની અખૂટ પ્રેરણા અને બળ મળી રહે અને જીવનનું પરમ લક્ષ્ય એવી પ્રભુપ્રાપ્તિ માટે ઉત્કંઠા જાગે ને તે અંગે પુરુષપ્રયત્ન કરવાની ધગશ ઉદભવે એવી અમારી શુભ ભાવના છે. વાંચનની સરળતા માટે આ ગ્રંથને બે ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

સિદ્ધ મુક્તના પ્રેરણાદાયી જીવનપ્રસંગો જીવનઘડતરમાં કેવા ઉપયોગી થતા હોય છે તેવા વાચકોના સ્વાનુભવરૂપ પ્રતિભાવોને લઈને તેની પિપાસા અનેકને જાગૃત થઈ હોવાથી હવે તેની દ્વિતીય આવૃત્તિ પ્રકાશિત કરતાં હર્ષની ઊર્મિ ઉદભવે તે સ્વાભાવિક છે.

અંતમાં પરમકૃપાળુ શ્રીહરિ, અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી, સમર્થ સદગુરુશ્રીઓ અને આપણા પ્રેરણાસ્રોત સમા સદગુરુવર્ય અ. મુ. પૂજ્ય શ્રી નારાયણભાઈની નિઃસીમ કૃપા પ્રકાશન કાર્યમાં મદદરૂપ થનાર તથા વાંચકવૃંદ ઉપર વરસે એવી હાર્દિક અભ્યર્થના!

સં. ૨૦૬૯, મહા સુદ છઠ

ઇ. સ. ૨૦૧૩, ૧૬ ફેબ્રુઆરી

પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન