પ્રસંગ : ૨૩

કરણનગરમાં ઉત્સવ હોઈ લોકો આનંદમાં મહાલતા હતા. આખા ગામમાં આનંદ-ઉત્સવનું વાતાવરણ બરાબર જામ્યું હતું. ગામે-ગામથી લોકો આવ્યા હતા. અને એ નાનકડું ગામ લોકસમૂહથી ઊભરાતું હતું. જ્યાં જુઓ ત્યાં માણસોની ભીડ દેખાય અને સૌના ચહેરા પર આનંદ વર્તાય. આ બધાનું કારણ કરણનગરમાં મહારાજનું મંદિર થયું હતું અને મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. સૌના આનંદમાં એ વાતે વધારો કર્યો હતો કે મુક્તરાજ નારાયણમામા, પૂજ્ય લીલામાસી તથા પૂજ્ય જાદવજીબાપા વગેરે મુક્તો પણ કરણનગર પધાર્યા હતા. બધાય મુક્તો સહિત શોભાયાત્રા આખા ગામમાં ફરી. લોકસમૂહ નાચતા જાય અને આનંદ-મંગળ ગાતા જાય. ગાડીઓની આગળ વિવિધ ગામથી આવેલી ભજનમંડળીઓ કીર્તન બોલતી જાય અને પાછળ બહેનો કીર્તન બોલતી આવે. ગુલાલ ઊડતો જાય, પુષ્પો વેરાતા જાય મુક્તો રાજી થઈ બધા પર પુષ્પવર્ષા કરે. ગામના ચાર રસ્તા આવે ત્યાં મહારાજની આરતી થાય. અને કોઈ સત્સંગીના ઘર પાસેથી શોભાયાત્રા નીકળે તો ત્યાં પાછી મહારાજની આરતી થાય. દરેક સત્સંગીને એમ થાય કે અમારા ઘર પાસે ભગવાન પધારે ને તેમનું સન્માન કર્યા વગર આગળ કેમ જવા દેવાય? સત્સંગીઓ મહારાજની આરતી ઉતારી પોતાને ધન્ય માને. આમ કરતાં વાજતે-ગાજતે સૌ મંદિરે આવ્યા અને મૂર્તિ પ્રતિષ્ઠાનો વિધિ સંપન્ન થયો, પરંતુ જ્યારે હનુમાનજીની મૂર્તિ પધરાવવાનો વખત થયો અને સૌ મળી મૂર્તિને સિંહાસનમાં ગોઠવવા જાય, પણ મૂર્તિ સહેજ પણ ખસે નહિ. લોકો પ્રયત્ન કરી થાક્યા પણ મૂર્તિ યોગ્ય સ્થાને ગોઠવી શકાય નહિ. થાકી-હારી બધાએ મામાને વાત કરી. મામા મૂર્તિ પાસે આવ્યા, આંખો બંધ કરી મહારાજને પ્રાર્થના કરી અને મૂર્તિને હાથ અડાડ્યો પછી મામાએ બધાને કહ્યું, "હવે મૂર્તિ પધરાવો હનુમાનજી તેના યથાસ્થાને બેસી જશે." સૌના આશ્ચર્ય વચ્ચે બધાએ પ્રયત્ન કર્યો અને મૂર્તિ તરત જ યોગ્ય સ્થાને ગોઠવાઈ ગઈ. બધાને ઘણી નવાઈ લાગી કે આ કઈ રીતે બન્યું! બધા ક્યારના પ્રયત્નો કરતા થાકી ગયા તો ય મૂર્તિ ગોઠવાતી નહોતી અને મામાએ આવી હાથ અડાડ્યો અને ગોઠવાઈ ગઈ! આ કઈ રીતે? એક સેવકે આ વિશે મામાને પૂછ્યું. મામા કહે, "મેં મહારાજને પ્રાર્થના કરી અને હનુમાનજીને કહ્યું 'હવે બહુ થયું યથાસ્થાને ગોઠવાઈ જાઓ.' એમ કહી હાથ અડાડ્યો એટલે તેઓ માની ગયા અને મૂર્તિ ગોઠવાઈ ગઈ."

સેવક આશ્ચર્યમાં પડી ગયો કે હનુમાનજી જેવા દેવોને પણ અનાદિમુક્તનું માનવું પડે છે અને તેઓ કહે તેમ આજ્ઞા માની રહેવું પડે છે. મામા કહે, "હા. તેઓને માનવું પડે છે, પરંતુ મહારાજને લઈને. દરેક કાર્યમાં મહારાજ સાથે રાખવા. મહારાજને પડ્યા મૂકીને કોઈ પણ કાર્ય કરવા જઈએ તો એકેય કાર્ય સિદ્ધ ન થાય."

મુક્ત હંમેશાં દરેક કાર્યમાં મહારાજને પ્રથમ રાખે છે. બધું કાર્ય તેમના દ્વારા જ થાય છે તેમ જણાવે છે. અને શીખવે છે કે, મહારાજને સદાય સાથે રાખવા.