પ્રસંગ : ૧૩

સમાજ વચ્ચે રહેતા આપણા સૌના સમગ્ર જીવન દરમ્યાન કંઈ કેટલીયે વખત મુસીબતો-વિઘ્નો આવતા હોય છે. પ્રારબ્ધકર્માનુસાર હોય કે કેટલીક વખત ક્રિયમાણ પણ હોય. એવે સમયે મુક્તપુરુષનો રાજીપો અને તેમના આશીર્વાદનું કવચ જો સાથે હોય તો એ મુસીબત અને વિઘ્નનું પ્રમાણ નહિવત્ થઈ સૌની રક્ષા થાય છે.

મહારાજ વિશે હેત રાખનારા અને મામાના વચનમાં વિશ્વાસ રાખનારા અને મામાનો રાજીપો મેળવેલાને મામાએ ઘણી વખત મુશ્કેલીઓમાંથી ઉગાર્યા હશે. તેવો અનુભવ સૌને હશે જ. મુંબઈમાં રહેતા એક હરિભક્ત અને તેમનું આખું કુટુંબ મામાને વિશે બહુ ભાવ રાખે, મામાનો મહિમા ખૂબ સમજે, મામાને રાજી કરવાના પોતાથી બનતા બધા પ્રયત્નો કરે, મહારાજનું બળ પણ ઘણું રાખે. એક વખત કુટુંબ સહિત તેઓ વાહનમાં બળદિયા, આબુ વગેરે સ્થાનોએ ફરવા નીકળ્યા હતા. ફરીને પાછા આવતાં અમદાવાદ મામાના દર્શન કરવા રોકાયા. મામાના દર્શન કરી આશીર્વાદ મેળવી સૌ ઘણા રાજી થયા. મુંબઈ પહોંચવાનું હોવાથી મામાની રજા લઈ માસીને મળીને નીકળી ગયા. તેઓ નીકળી ગયા પછી એકદમ મામા ઊભા થઈ રૂમની બહાર આવીને એ હરિભક્ત વિશે પૂછવા લાગ્યા, "કે તેઓ નીકળી ગયા ન હોય તો તેમને રોકો. રસ્તામાં તેમને વિઘ્ન નડવાનું છે." તેઓ નીકળી ગયાની જાણ માસીએ કરતાં કહે, "હશે, ભલે નીકળી ગયા હવે મહારાજ તેમની રક્ષા કરશે." આ કુટુંબ તો મામાનો રાજીપો અને તેમના આશીર્વાદનો અનેરો લાભ મળ્યો હતો તેને વાગોળતું આગળ વધી રહ્યું હતું ને અચાનક જ તેમને અકસ્માત થયો. તેમાં ગાડી તો સાવ ભાંગી ગઈ, ડૂચા જેવી થઈ ગઈ, પરંતુ કુટુંબના દરેક સભ્યમાંથી કોઈને સામાન્ય ઈજાઓ સિવાય ક્યાંય વધારે વાગ્યું નહોતું. કોઈને ગંભીર ઈજાઓ થઈ ન હતી. ગાડી તો ત્યાં જ મૂકી દેવી પડે તેમ હોવાથી આખું કુટુંબ ટ્રકમાં કે ગાડીમાં એમ ધીરે-ધીરે મુંબઈ પહોંચ્યું. તેઓ ઘરે પહોંચ્યા અને તરત જ મામાનો ફોન પણ પહોંચ્યો. સામાન્ય રીતે મામા કોઈને ફોન કરતા નહિ, પરંતુ આ તો પ્રેમાળ અને મહિમાવાળું કુટુંબ હતું અને આજે તેમના પ્રારબ્ધમાં જે અકસ્માત લખાયો હતો તેમાંથી મહારાજને પ્રાર્થના કરી મામાએ બચાવી લીધું હતું. આથી દરેકના ક્ષેમ-કુશળતાના સમાચાર પૂછવા પોતે સામેથી ફોન કર્યો. હરિભક્તે બધાના ક્ષેમ-કુશળતાના સમાચાર આપી અકસ્માત કઈ રીતે થયો તેની વિગતે મામાને માહિતી આપી અને તેમની રક્ષા કર્યા બદલ આભાર વ્યક્ત કર્યો. ઘરના સર્વેને એ વાત મગજમાં બેસતી નહોતી કે ગાડી ઉપયોગમાં ન આવે તેવી થઈ એ રીતે ભટકાઈ હોવા છતાં અંદર બેઠેલામાંથી કોઈને કેમ કાંઈ થયું નહિ!

આને કહેવાય મુક્તપુરુષના આશીર્વાદ, આને કહેવાય રક્ષા કરી અને આને કહેવાય કે જેના ઉપર પ્રભુ તેમ જ મુક્તની કૃપા હોય તેમની રક્ષામાં સદાય મહારાજ અને મુક્ત રહેલા જ હોય છે તેની પ્રતીતિ.