પ્રસંગ : ૩૭

નિર્જલા એકાદશીનો દિન સત્સંગમાં હરિભક્તો માટે મોટો દિવસ ગણાય. એ દિવસે હરિભક્તો વધુ ભક્તિમય બને. પ્રભુસ્મરણ કરી દિવસ પસાર કરે અને જાગરણ કરી ભગવાનનું ભજન-સ્મરણ કરી દિવસ પૂરો કરી પોતાને ધન્ય માને. આવી જ એક નિર્જલા એકાદશીને દિવસે મામા સ્વામી ભગવત્સ્વરૂપદાસજીને આસને પધાર્યા હતા. સ્વામી ભગવત્સ્વરૂપદાસજી એટલે મહાન સંત. સાધુતાના દરેક નિયમ તેઓમાં જીવંત દેખાય. સાધુતાનાં લક્ષણ તેઓના જીવનમાં સહજ રીતે વણાયેલા હતાં. તેઓ મૂર્તિને ફળ કે કોઈ વસ્તુ ધરાવે તો મહારાજ પ્રત્યક્ષરૂપે તે ગ્રહણ કરતા તેવો તેમને મહારાજ પ્રત્યે દિવ્યભાવ રહેતો. તેઓએ પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત કરી હતી. અને આ સ્થિતિ તેમને અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીએ કરાવી હતી. બાપાશ્રીએ સ્વામીને મહારાજના દિવ્ય વ્યક્તિરેક સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવ્યો હતો. અને સ્વામી તેનું સુખ ભોગવતા હતા. આવા પૂર્ણ સ્થિતિને પામેલા સંત જ્યારે ધામમાં જવાના હતા, ત્યારે સૌના સમાસને અર્થે મામાને કહ્યું હતું કે, "તમે સમાધિ કરી મહારાજને પૂછી આવો કે મને ક્યારે ધામમાં તેડી જશે?" મામા કહે, "તમારાથી શું અજાણ્યું છે?" ત્યારે કહે, "તમે આવી રીતે સમાધિમાં જઈ પૂછી આવો તો લોકોને તમારો મહિમા થાય, તમારા પ્રત્યે ભાવ થાય તો તેમના જીવનું રૂડું થાય." અને પછી મામા એ રીતે મહારાજને પૂછી આવ્યા હતા અને એ પ્રમાણે જ સ્વામી ધામમાં પધાર્યા હતા.

આવા મહાન સંતના આસને મોટી એકાદશી હોવાથી મામા દર્શને પધાર્યા હતા. મામા દર્શન કરી સ્વામીને પગે લાગી બેઠા. સ્વામી કહે, "મુક્તરાજ, તમારે પગે લાગવાનું ન હોય તમારે તો ભેટવાનું હોય." એમ કહી સ્વામી રાજી થઈ મામાને ભેટ્યા. સ્વામીએ મામાને પૂછ્યું, "કાંઈ ફરાળ કર્યું છે?" મામા કહે, "આજે તો નિર્જલા એકાદશી છે, એટલે ફરાળ ક્યાં કરવાનું જ છે?" સ્વામી કહે, "એ બીજા માટે છે, જે સાધનિક છે. તમે તો પૂર્ણ છો, તમારે ક્યાં કોઈ સાધન કરવાના બાકી છે? પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત કરેલા માટે આવા વ્રત ઉપવાસની ક્યાં આવશ્યકતા છે? હા, બીજાના સમાસ અર્થે તમે ક્યારેય કાંઈ ગ્રહણ નથી કરતા એ જુદી વાત છે, પરંતુ આજે મોટી એકાદશી છે તો મારું વચન માની મહારાજને થોડું જમાડો તો મહારાજ અને હું બંને રાજી થઈએ." મામાએ ના પાડી છતાં સ્વામીએ ઘણો આગ્રહ કરતાં તેમનું વચન માની થોડું ફરાળ કરવા બેઠા. અને એવે સમયે જ એક હરિભક્ત સ્વામીના દર્શને આવ્યા. મામાને ફરાળ કરતા જોઈ તેમને સંકલ્પ થયો. સ્વામી પાસે આવી સ્વામીને ફરિયાદ કરવા લાગ્યા કે સ્વામી, "આ નારાયણભાઈ આમ તો ભગવાનના મોટા ભક્ત છે. બહુ ધ્યાન-ભજન કરનારા કહેવાય છે અને આજે એકાદશીને દિવસે ફરાળ કરે છે? એક દિવસ રહી ન શક્યા?" આવું સાંભળી સ્વામી જરા અકળાયા. હરિભક્તને કહે, "તે કોણ છે તેનાથી તું અજાણ છે. એમની સ્થિતિ તારી સમજની બહાર છે. હું સમજાવીશ છતાં તું સમજી નહિ શકે. તારી બુદ્ધિ સીમિત છે. માટે તું આવા સંકલ્પ કરે છે. જો સાંભળ હું તને સમજાવું. બાપાશ્રીએ તેમની વાતોમાં કહ્યું છે જ્યારે કૂવો ખોદવો હોય, ત્યારે ઘણા સાધનોની આવશ્યકતા પડે છે. કોદાળી, પાવડો, તગારું વગેરે અને જ્યારે કૂવો ખોદાઈ રહે અને પાણી મળતું થાય પછી ખોદકામ માટેના બધા સાધનોનો ત્યાગ કરી દઈ તેને બાજુએ મૂકી દઈએ છીએ. તેમ એકાદશી જેવા વ્રત-ઉપવાસ એ બધા સાધન છે. એકાદશી કેવી રીતે કરાય તેનો સૂક્ષ્મ અર્થ તને ક્યાં ખબર છે? એકાદશી એટલે ફક્ત ઉપવાસ કરી જ્યાં-ત્યાં ભટકી ઇંદ્રિયોને તેના આહાર આપ્યા કરવાથી વ્રતની ફળશ્રુતિ નથી. એકાદશી એટલે દસ ઇંદ્રિયો અને અગિયારમું મન તે બધાને એ દિવસે સંયમમાં રાખી ઇંદ્રિયોને ભગવાન તરફ વાળી અને નિયમમાં રાખવી અને એમ કરતાં તે સંયમિત જીવન એક દિવસનું ન રહેતા સદાયનું બને તેવા પ્રયત્ન કરવા અને પ્રભુપ્રાપ્તિના માર્ગમાં ઊર્ધ્વીકરણ કરવું. એ એકાદશીનો સાચો અર્થ છે. હવે આવી એકાદશી કોણે કરવી જોઈએ? જેને ઇંદ્રિયો અને મન પોતાના કહ્યામાં ન હોય, ભગવાન તરફ વળ્યા ન હોય તેવા માટે મહારાજે આ વ્રત-નિયમો લખ્યા છે, પરંતુ જે પૂર્ણ હોય જેને પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત હોય, જેઓ પૂર્ણકામ હોય તેને આવા સાધનોની ક્યાં આવશ્યકતા છે? કૂવો ખોદાઈ રહ્યા પછી ખોદાઈના સાધનોની શું જરૂર? તેવી જ રીતે જેને પ્રભુ પ્રાપ્તિ થઈ રહી તેને પ્રભુપ્રાપ્તિના સાધનોની આવશ્યકતા રહે ખરી? નારાયણભાઈને તું ઓળખતો નથી, એટલે આવા સંકલ્પ કરે છે. એ તો મહારાજના અનાદિમુક્ત છે. પૂર્ણકામ છે. તેમને કોઈ સાધન કરવાના બાકી રહ્યા નથી. મહારાજના વ્યતિરેક સ્વરૂપના દર્શન કરી તેના સુખનો અખંડ અનુભવ કરે છે. એકાદશી વગેરે વ્રત-નિયમો તારા જેવા માટે છે. કારણ તું સાધનિક છે. માટે મહારાજે કહેલા દરેક વ્રત-નિયમો તારે કરવા જરૂરી છે. તેમાં તારે પ્રમાદ ન કરાય. પણ જે સિદ્ધ છે તેમને તેની આવશ્યકતા નથી. છતાં તેઓ બીજાના સમાસને અર્થે દરેક વ્રત-નિયમ પૂર્ણપણે પાળે છે, પરંતુ આજે મહારાજને અને મને રાજી કરવા મારા વચને તેઓ ફરાળ કરવા બેઠા છે. આ પૂર્ણ મુક્ત પ્રત્યે સંકલ્પ કરીશ તો તેમનો અપરાધ થશે અને જીવનું બગડશે. માટે જેને બરાબર ઓળખતા ન હોઈએ, વાત જાણતા ન હોઈએ અને સંકલ્પો કરવા મંડી ન પડવું! હવે તેમની પાસે જઈ તેમની માફી માંગી તેમને રાજી કર. કારણ કે તેં મને જે વાત કહી, તેઓ ત્યાં બેઠા જાણી ગયા છે. મોટા દયાળુ હોય માફી માગનાર પર રાજી થઈ ગુનો માફ કરે છે."

મામાનો મહિમા સાંભળી હરિભક્ત અવાચક થઈ ગયો. કહે, "નારાયણભાઈ તો કેવા સાદા અને સરળ દેખાય છે. તેમને જોઈને કોઈ જાણી પણ ન શકે કે તેઓ આવી ઉચ્ચ સ્થિતિ ધરાવનારા મહારાજના અનાદિમુક્ત છે." સ્વામી કહે, "સાચા મુક્ત આવા જ હોય તેમને કોઈ બાહ્યાડંબર કે માન, મોટપ મળે તેવું ન હોય, છતાં તેમને આદર આપી તેમનું સન્માન કરવું આપણી ફરજ બને છે. કારણ કે તેમની સાથે સદાય મહારાજ હોય છે. આથી તેમનું સન્માન તે મહારાજનું જ સન્માન છે. નારાયણભાઈ તો પોતાનું સામર્થ્ય બહુ ઢાંકીને વર્તે છે. કોઈને જણાવા દેતા નથી. જે તેમને ઓળખે તે જ તેમને જાણી શકે. બાકી બીજાને ખ્યાલ પણ ન આવે." આવું સાંભળી હરિભક્ત તરત ઊભા થઈ મામા પાસે ગયા અને હૃદયના ખરા ભાવથી મામાની માફી માગી કે "આપનો મહિમા હું જાણતો ન હોવાથી મને સંકલ્પ થયો. મારો અપરાધ માફ કરો અને મારા પર રાજી થાઓ. મારા જીવનું રૂડું થાય તેવા આશીર્વાદ આપો તેવી મારી આપને ગદગદ કંઠે પ્રાર્થના છે." મામાએ હરિભક્ત પર રાજી થઈ આશીર્વાદ વરસાવ્યા. હરિભક્ત પણ આજે પોતાની મોટી એકાદશી સાચા અર્થમાં ફળી તેમ જાણી રાજી થયા.