પ્રસંગ : ૧૪

એક સત્સંગી હરિભક્ત, મામાનો મહિમા ખૂબ જાણે, મામાને અનાદિમુક્ત પણ જાણે. તેઓના કુટુંબમાં મામાના આશીર્વાદથી કેટલાય કામો થયા હતા. કેટલીયે વખત મુશ્કેલીમાંથી મામાએ પ્રાર્થના કરી તેમને ઉગાર્યા હતા. આથી કુટુંબના દરેક સભ્યોને મામાનો અતિ મહિમા. આ હરિભક્તને મનમાં હંમેશાં એમ રહ્યા કરે કે, મને જે મુક્ત મળ્યા છે તેનો મારા કુટુંબમાં બધાને લાભ મળ્યો છે, પરંતુ અમારા સંબંધીઓને પણ એમનો લાભ મળે તો સારું. મામાને બધા ઓળખે અને એમનો જોગ કરે તો એમના જીવનું રૂડું થાય. તેમની ભાવના ઘણી સારી કે દરેક જણ મામાની દ્રષ્ટિમાં આવે તો જીવતર સુધરી જાય.

કહેવાય છે કે અનાદિમુક્તને અડીને આવેલો વાયરો પણ જેને સ્પર્શ કરે તેના કેટલાય જન્મોના કર્મો ધોવાઈ જઈ જીવ શુદ્ધ થાય છે. એવું અનાદિમુક્તનું સામર્થ્ય છે. આ વાત હરિભક્ત સારી રીતે જાણતા હતા. તેથી જ્યારે સંબંધીઓને મળે, ત્યારે મામાના મહિમાની વાતો કરે, મામાના સામર્થ્યની વાતો કરે. અને કહે, "તમારા ઘરે તેમની પધરામણી કરાવો." હરિભક્તની આગ્રહ ભરેલી વાણી સાંભળી સંબંધી કહે, "સારું ત્યારે, અમારે ઘરે પધરામણી કરાવજો." આવું કેટલીયે વખત બનતું. એટલે હરિભક્ત મામા પાસે આવી પ્રાર્થના કરવા લાગ્યા અને અરજ કરી કે આપ જામનગર અમારા સંબંધીને ત્યાં દર્શન આપવા પધારો. આમ જ્યારે-જ્યારે હરિભક્ત તેમના સંબંધીને મળી આવે, ત્યારે-ત્યારે આવીને મામાને પ્રાર્થના કરે અને દરેક વખતે મામા તેનો ઠંડો પ્રતિસાદ આપે, પણ જવાની હા ન પાડે.

એક વખત હરિભક્તે મામાને ઘણો આગ્રહ કર્યો. મામાને આમ આગ્રહ ન કરાય તેમ તેઓ જાણતા હતા. પણ તેમના આગ્રહમાં મામા પ્રત્યેનો પ્રેમ પ્રગટ થતો હતો. મામાને કહે, "મામા, આ વખતે તમારે જરૂરથી આવવું પડશે. હું તમારા મહિમાની તેમને વાત કરું અને તરત તેઓ કહે છે કે આપણે ત્યાં તે મુક્તની પધરામણી કરાવો. તેઓને ઓરતો છે. આપ દયા કરી તેમને ત્યાં પધારો." મામાએ આના-કાની કરતાં એમણે અતિ આગ્રહ કર્યો એ વખતે મામાએ હા પાડી. મામાની સંમતિ મળતાં હરિભક્તે સંબંધીને ફોન કરી જણાવી દીધું. આવા સમાચાર સાંભળવા છતાં તેઓને જોઈએ તેવો આનંદ ન થયો. કે મુક્તરાજ માટેની કોઈ તૈયારી પણ ન કરી.

ઘરમાં કોઈ સાદા મહેમાન આવવાના હોય તો પણ કેટલી તૈયારીઓ થતી હોય છે. મુક્તોને આ લોકના ઠાઠ-માઠની પડી હોતી નથી. તેઓ તો સાચા ભાવના ભૂખ્યા છે. જ્યાં દિલનો ખરો ભાવ જુએ, ત્યાં બીજા માન-પાનની જરાય આવશ્યકતા રહેતી નથી. પરંતુ અહીં તો મૂળ મુદ્દામાં ભાવની જ ઊણપ. મામા આ વાત જાણતા હોવાથી તેઓએ કાર્યક્રમ મુલતવી રાખ્યો. હરિભક્ત દિલગીર થઈ ગયા. મામા પાસે આવીને ફરિયાદ કરવા લાગ્યા, "આપે આવવાની મંજૂરી આપી હતી અને હવે ના પાડો છો. આપે દયા કરી તેઓને દર્શન આપ્યા હોત તો તે બધા જીવનું સારું થાત. મેં તેઓને મહારાજ ઓળખાવ્યા છે. આપ કોણ છો તેનાથી અવગત પણ કર્યા હતા, છતાં તમે કાર્યક્રમ શા માટે મુલતવી રાખ્યો?" આમ કેટલીય વાર સુધી પોતાના મનનું દુઃખ વર્ણવ્યા કર્યું. મામા શાંત ચિત્તે બધું સાંભળી, હરિભક્તનો ભાવ જોતા રહ્યા. અને છતાં હરિભક્ત અટક્યા જ નહિ. બોલ્યા જ કર્યું.

મામા કહે, "અમે કોણ છીએ? ક્યાંથી આવ્યા છીએ? એ જાણો છો? દેવતાઓને પણ મહારાજ અને તેમના અનાદિમુક્તના દર્શન દુર્લભ છે. મહારાજના મુક્તના દર્શન કરવા કેટલો દાખડો કરવો પડે એ ખબર છે? તમને બધાને આમ સુલભ થયા છીએ એટલે જણાતું નથી. તમારા સંબંધીને અમને ઓળખાવવાનો તમને મનમાં જેટલો ભાવ અને ઓરતો છે એટલો ભાવ અને ઓરતો તેઓને અમને મળવાનો નથી. તેઓએ ક્યારેય સામે ચાલીને કહ્યું છે કે તેઓને અમારા ઘરે તેડી લાવો! મનમાં ખરો ભાવ હોત તો હું જરૂર આવત. તેઓને મહારાજનો જ જોઈએ એવો મહિમા નથી ત્યાં કેવી રીતે જવાય? જ્યાં મહારાજ ન હોય ત્યાં જવાની ઇચ્છા મને ઓછી થાય. મહારાજનો મહિમા હોય, ઘરમાં બધા સાચા સત્સંગી હોય, મનમાં ભગવાનનો ભાવ હોય ત્યાં હું જરૂરથી જાઉં. ગયા વગર રહું નહિ. પણ તમારા સંબંધીમાં આવું નથી. હું તો દરેક જીવ પર સદાય રાજી હોઉં છું. તેના માટે મારે તેમને મળવાની જરૂર રહેતી નથી. તમારો ભાવ ખરેખર સારો છે, પરંતુ તમારા સંબંધીને તમારા કરતાં પા ભાગનો પણ ભાવ હોત તો હું જરૂર આવત."

આવું સાંભળતાં હરિભક્ત વધુ કાંઈ બોલી શક્યા નહિ. તેમણે મામાની માફી માગી, "મામા, મને માફ કરો કોઈના મનની વાત અમે ક્યાંથી જાણી શકીએ? તમને આવો આગ્રહ કર્યો તે બદલ ક્ષમા ચાહું છું. આપ રાજી રહેજો." મામા કહે, "તમારા પર તો રાજી છું જ. એમાં ક્યાં કોઈ સવાલ જ છે? તમે મનમાં જરાય ઓછું લાવતા નહિ. તમારા સંબંધી પર પણ હું એવો જ રાજી છું. કોઈ ચિંતા કરશો નહિ."

આમ તે દિવસે મામાએ પોતે અનાદિમુક્ત છે અને શ્રીજીના મોકલ્યા જીવો પર દયા કરી પધાર્યા છે અને તેમના જેવા મુક્તના દર્શન દેવતાઓને પણ દુર્લભ છે તે આપણા સૌ ઉપર કૃપા વરસાવી સુલભ કર્યા છે તેવું સ્પષ્ટપણે જણાવી દીધું.

અનાદિમુક્તની સાથે સદાય શ્રીજીમહારાજ હોય છે. આથી મુક્તનું આતિથ્ય કરીએ એટલે મહારાજનું આતિથ્ય થયું કહેવાય. હવે જ્યારે ભગવાન ઘરે પધારવાના હોય તો કેટલી તૈયારી કરવી જોઈએ? મનમાં કેટલો આનંદ ઊભરાવો જોઈએ? મુક્તને આ લોકના ક્ષુલ્લક એવા માન-પાનની ક્યારેય પડી હોતી નથી, પરંતુ અનાદિમુક્તનો આદર કરવો તે આપણી ફરજ છે. તેમનો અનાદર તે સીધો મહારાજનો અનાદર કહેવાય અને મહારાજનો અનાદર કરવાથી જીવનું બગડી જાય. મહારાજે શિક્ષાપત્રીમાં મહેમાનનું સાર્મથ્ય પ્રમાણે સ્વાગત કરવાનું કહ્યું છે તો પછી અનાદિમુક્ત ઘરે પધારવાના હોય તો તેઓનું કેવું સ્વાગત થવું જોઈએ? વિચારીએ.