પ્રસંગ : ૨૭

અનાદિમુક્તની સ્થિતિને પ્રાપ્ત મુક્ત મહારાજ સાથે અખંડ રસબસ હોવાને કારણે તેઓ પણ મહારાજની જેમ સર્વજ્ઞ હોય છે. કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવાની આવશ્યકતા તેમને હોતી નથી. હા, આ લોકમાં આવી આ લોકની રીત પ્રમાણે તેઓ દરેક ક્રિયા કરતા દેખાય તે વાત જુદી છે, પરંતુ કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવા તેઓને શિક્ષણની આવશ્યકતા હોતી નથી.

મુંબઈના એક પ્રતિષ્ઠિત હરિભક્તને મામાને વિશે ખૂબ જ દિવ્યભાવ અને તેવો જ દિવ્યભાવ તેમના સમગ્ર કુટુંબના સભ્યોમાં પણ જોવા મળતો. એ દિવ્યભાવને લઈને જ તેઓ અવાર-નવાર મુંબઈથી અમદાવાદ મામાનાં દર્શને આવતા. એક વખત તે હરિભક્તની પુત્રી મામાનાં દર્શને આવી હતી. તેમને થોડી મૂંઝવણો હતી. અનાદિમુક્તના સામર્થ્યને તેઓ સારી રીતે જાણતાં હતાં. આથી જ્યારે પૂ. મામાનાં દર્શને આવ્યાં ત્યારે તેમણે મામા આગળ પોતાની મૂંઝવણો રજૂ કરી. પૂ. મામાએ પોતાની અનુભવ સિદ્ધ આધ્યાત્મિક વાણીમાં તેના ખુલાસા કરવાનું શરૂ કર્યું, પણ તે બહેનને ગુજરાતી નામ પૂરતું જ આવડતું હોવાથી ગહન આધ્યાત્મિકતાના અઘરા શબ્દો સમજાતા નહોતા. આથી તેમણે પૂ. મામાને પ્રાર્થના કરી કે તેમને ગુજરાતીમાં કાંઈ બરાબર સમજાતું નથી. કરૂણામૂર્તિ પૂ. મામાએ તેમને પૂછ્યું કે આપને કઈ ભાષામાં સમજ પડશે? ત્યારે તે બહેને આશ્ચર્ય સાથે જણાવ્યું કે તેમને ફ્રેન્ચ ભાષામાં સૌથી સારી રીતે સમજ પડશે અથવા તો અંગ્રેજીમાં, પણ ફ્રેન્ચ ઉપર તેમનું પ્રભુત્વ સારું છે. આ સાંભળી પૂ. મામાએ તેમની બધી જ મૂંઝવણોના ઉકેલ સડસડાટ ફ્રેન્ચ ભાષામાં આપ્યા. તે બહેન અને હાજર રહેલા સૌ કોઈ દંગ રહિ ગયા. મામાએ કહ્યું, "મહારાજ અને મુક્તોની વાણી સર્વજીવહિતાવહ હોય છે તો પછી તેમને Language Barriers (ભાષાની મર્યાદા) હોય ખરી!" સૌને એ વાતની પ્રતીતિ થઈ ગઈ કે અનાદિમુક્તને કોઈ મર્યાદા નડતી નથી. તેઓ સર્વજ્ઞ હોય છે અને દેશ, કાળ, ભાષા વગેરે કોઈ બંધન હોતાં નથી.

બાપાશ્રીની વાતોમાં અનાદિમુક્તના લક્ષણમાં એવું આવે છે કે મહારાજ જાણે તેટલું તેમના મુક્ત જાણે. મહારાજ કરે તેવું ને તેટલું તેમના મુક્ત કરી શકે એ વાતનું આ સચોટ ઉદાહરણ છે.