પ્રસંગ : ૨૫
આ લોકમાં આવીને જીવે જે કરવાનું છે તે મહાપ્રભુજીનું ભજન, તેમની ભક્તિ, તેમનો તથા તેમના અનાદિમુક્તનો રાજીપો મેળવવો, દરેક ક્રિયા કરતા રહીને પણ ભગવાન સંભારી તેમની પ્રાપ્તિ કરવાના છેવટ સુધી પ્રયત્નો કરવા. આ જ કરવાનું છે. જીવ બીજી સર્વે ક્રિયા કરે છે અને ભગવાનની પ્રાપ્તિ માટેના સાધનો કરવામાં ઊણો ઊતરે છે. થોડીક ભક્તિ કે ભજન કે કથા વાંચન કર્યા પછી પોતાને જ સાંત્વના આપે છે કે પૂરતા ભગવાન ભજી લીધા, માટે હવે બીજા કાર્યો કરવામાં વાંધો નહિ. પરંતુ અંતરમન તો હંમેશાં સાક્ષી પૂરે છે કે કરવાનું નથી કરતા અને ન કરવાનું આખી જિંદગી થયા કરે છે. આમ વિષય-વાસનાઓથી છૂટું થવાતું નથી, ભગવાન ભજી શકાતા નથી અને એમ ને એમ જીવન પૂરું થઈ જાય છે. આમ ભગવાનની પ્રાપ્તિ ક્યાંથી થાય? ભગવાન અને મુક્ત કઈ રીતે રાજી થાય? એમાંય કોઈ તીવ્ર ઇચ્છા કે વાસના રહી જાય તો મૃત્યુ પછી જીવની સદગતિ થતી નથી. પછી તેઓ સૂક્ષ્મસૃષ્ટિમાં ભટક્યા કરે છે.
એક હરિભક્તના પરિવારમાં કેટલાક સભ્યોને કોઈક વાસના રહી જવાથી મૃત્યુ પછી સદગતિ પ્રાપ્ત ન થઈ. બધા જીવો મહારાજનું ભજન કરનારા હતા, મહારાજને ઓળખ્યા હતા. મોક્ષ પ્રાપ્તિની જાણકારી હતી. મહારાજનું ધામ મેળવવાનું છે તેવું જ્ઞાન પણ ધરાવતા હતા. પરંતુ પોતાની અમુક વાસનાને કારણે આમ ભટકવું પડે છે. અને હવે મોક્ષ મેળવવો છે તેવું જ્ઞાન પણ તેમને હતું. પરંતુ હવે મોક્ષ પ્રાપ્ત થાય કઈ રીતે? કુટુંબના કોઈક સભ્યમાં પ્રવેશ કરી તેમણે કુટુંબીઓને જાણ કરી કે અમે રહી ગયા છીએ. અમારે મોક્ષ જોઈએ છીએ. માટે અમારા મોક્ષ માટે તમે કાંઈક કરો. પરિવારજનોમાં જાણ થતાં બધા મૂંઝાયા કે હવે શું કરવું? તેમની મોક્ષ પ્રાપ્તિ માટે તેમની પાછળ દાન કરીએ, ભગવાન ભજીએ, કથા કરીએ, બીજું તો આપણાથી શું થઈ શકે? તેમને મોક્ષ પમાડવાની પાત્રતા આપણા કોઈમાંય ક્યાં છે? તેઓએ વૃષપુરમાં તે બધા જીવો પાછળ કથા-પારાયણ કરાવી અને તેમાં મામાને પ્રાર્થના કરી આમંત્રણ આપ્યું અને એ બધા જીવો વિષે વાત કરી અને પ્રાર્થના કરી કે આપ એ બધા જીવો પર દયા લાવી તેમને મહારાજના સુખની પ્રાપ્તિ કરાવો. એ પારાયણ દરમ્યાન મામાએ દિવ્ય સંકલ્પ કર્યો, જેથી તે રહી ગયેલા જીવોની સદગતિ થઈ અને તેઓ મહારાજના સુખને પામી ગયા.
મામા જેવા સમર્થ અનાદિમુક્ત હાજર હોવાથી આ વાત શક્ય બની કે એ બિચારા રહી ગયેલા બધા મહારાજના સુખને પામ્યા. બાકી આપણા જેવા સામાન્ય જીવો ધારો કે કુટુંબીજનો પ્રત્યે લાગણીવશ થઈ કથા-પારાયણ કરીએ કે દાન-પુન કરીએ કે મહારાજને પ્રાર્થના કરીએ, છતાં તેમ કરવાથી કામ સરતું નથી. કારણ કે આપણામાં એ સામર્થ્ય નથી. આપણી એટલી પાત્રતા નથી. આપણી એ લાયકાત નથી. પોતાનું કરવાના ઠેકાણા ન હોય ત્યાં રહી ગયેલાઓનું ક્યાંથી કરી શકીએ? એ તો અનાદિમુક્તનું કામ.
મામા જેવા સમર્થ મુક્ત દયા આણી કૃપા વરસાવે ત્યારે આવા કામો પણ થાય છે.