પ્રસંગ : ૪૪
હરિભક્તના મનમાં આજે આનંદના ઓઘ ઊમટ્યા હતા. હરખમાં ને હરખમાં આમથી તેમ આંટા માર્યા કરતા હતા. વારંવાર બધી વ્યવસ્થા યોગ્ય છે કે નહિ તેની ચકાસણી કર્યા કરતા હતા. બારણે તોરણ બાંધ્યા હતા, ઉંબરે રંગોળી પૂરી હતી, આરતી સુંદર રીતે સજાવીને તૈયાર રાખી હતી. થાળ તૈયાર કરાવી રાખ્યા હતા. આજે કેટલાય વખતની તેમની મનોકામના પૂર્ણ થઈ હતી. ઘણા વખતથી મનમાં ઓરતા હતા કે મામાને મારે ત્યાં થાળ જમાડવા માટે આવવાની પ્રાર્થના કરવી. અને આજે મુક્તરાજે તેમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હતો. ગામમાં નાનકડો બ્રહ્મયજ્ઞ હતો અને મામા એ બ્રહ્મયજ્ઞમાં હાજરી આપવા આવવાના હતા. આથી હરિભક્તે મામાને પ્રાર્થના કરી કે આપ ઠાકોર મારે ત્યાં જમાડવાની કૃપા કરશો. મારે ઘણા વખતથી સંકલ્પ રહ્યા કરે છે. આપ રાજી થઈ હા પાડો તો આપની બહુ દયા. મામાએ રાજી થઈ હા પાડી.
ભક્તરાજ તૈયારીમાં લાગી ગયા. કેટલાય સંકલ્પ કરે આ બનાવું કે પેલું બનાવું મામાને શું જમાડી રાજી કરું? મામા તો સાવ થોડું ગ્રહણ કરે છે. અને તેમાં તેમને ન ફાવે તો? પછી વિચાર્યું થોડું-થોડું બનાવરાવવું. મામાને જે ફાવશે તે લેશે, બાકીનું હરિભક્તો જમાડશે. ભક્તે વિવિધ પકવાન બનાવડાવ્યા હતા. કંઈ કેટલાય વખતનો સંકલ્પ આજે પૂરો થયો હોવાથી ભક્ત એકે વાતે કચાશ રાખવા નહોતા માંગતા.
બ્રહ્મયજ્ઞ પૂરો થયો. મામા તથા હરિભક્તો ભક્તના ઘરે પધાર્યા. ભક્તે બધી તૈયારી રાખી હતી. મામાએ મહારાજની આરતી ઉતારી. ભક્ત મામાને અંદરની રૂમમાં લઈ ગયા. જ્યાં મામા માટે ઠાકોર જમાડવાની વ્યવસ્થા કરી હતી. મામા બેઠા. થાળ આવ્યો. મામાએ પૂછ્યું, "બીજા હરિભક્તોની ક્યાં વ્યવસ્થા કરી છે?" ભક્ત કહે, "મામા, બહાર બધાને આપવાનું શરૂ થઈ ગયું છે." મામા કહે, "તો વાંધો નહિ. બધાને ખૂબ પ્રેમથી જમાડજો." થાળ જોઈ મામા કહે, "બીજી ખાલી થાળી લાવો મારે જેટલું જોઈતું હશે તે લઈ લઈશ." મામાએ જરાક અમસ્તું જ થાળમાંથી લીધું. ભક્ત દિલગીર થઈ વિચારવા લાગ્યા. મામા સદાય આમ આટલો જ ખોરાક લે છે. બીજો કોઈ આમ રહેવા જાય તો દેહ રહે જ નહિ. પરંતુ આજે જો મામા થોડુંક વધારે ગ્રહણ કરે તો સારું. મારો ઓરતો પૂર્ણ થાય અને મને સંતોષ થાય. મહારાજના વખતમાં જેમ સંતો મહારાજને બધું જમાડી દેતા તેમ મામા કરી શકતા હશે કે કેમ? મામા પણ અનાદિમુક્ત જ છે. સદાય મહારાજના દિવ્ય સુખમાં ગુલતાન રહે છે, તો પછી સંતોની જેમ મહારાજને જમાડી શકતા નહિ હોય? પણ પછી તુરત પશ્ચાતાપ કરતા વિચારવા લાગ્યા, કે મારાથી આ કેવો સંકલ્પ થઈ ગયો. કાયમ જરાક જ ખોરાક લે છે તે જ બતાવે છે તેમનો ખોરાક તો મહારાજની મૂર્તિનું સુખ છે. તે સુખે કરીને જ તેમનો આ દેહ ટક્યો છે. પછી મારાથી કેમ આવો સંકલ્પ થઈ ગયો? મહારાજ મને માફ કરજો મારી ભૂલ થઈ.
ભક્ત વિચારોમાં ખોવાયેલા હતા તેમાં મામાને પીરસવાનું ભૂલી ગયા. એક હરિભક્તે તેમનું ધ્યાન દોર્યું, કે "શું સંકલ્પ કરો છો? મામાને પીરસો તો ખરા." ભક્ત કહે, "મામા વધારે લેશે?" હરિભક્ત કહે, "તમે પીરસો તો ખરા નહિ જોઈતું હોય તો ના પાડશે." ભક્ત પીરસવા ગયા. મામા તો આંખો બંધ કરી મહારાજને જમાડતા હતા. ભક્તે ગભરાતા-ગભરાતા થોડું પીરસ્યું. મામા કાંઈ બોલ્યા નહિ. ભક્તને થયું મામાનું ધ્યાન નથી, હશે. મામા મહારાજને જમાડે છે. થોડીવારે થાળી ખાલી જોતાં ભક્તે ફરીથી પીરસ્યું. મામા મહારાજને જમાડતા રહ્યા. ભક્ત રાજી થઈ ગયા. વાહ! મામાએ મારી પ્રાર્થના સ્વીકારી. આજે વધારે ગ્રહણ કર્યું. થોડી-થોડીવારે ભક્ત પીરસતા રહ્યા. મામાએ તો એક પણ વખત આંખો ખોલી જ નહિ. મહારાજને જમાડતા રહ્યા. શરૂઆતનો ભક્તનો ઉત્સાહ હવે આશ્ચર્યમાં પરિણમવા લાગ્યો. હરિભક્ત રાજી થઈ પીરસતા રહ્યા. તેમને મામાના અંતર્યામીપણાનો વધુ એક અનુભવ થયો હતો. ભક્ત આનંદમાં ને આનંદમાં ઉત્સાહથી દરેક પકવાન પીરસવા લાગ્યા. એમ કરતા મામાએ તો ઘણી રસોઈ મહારાજને જમાડી દીધા બાદ આંખો ખોલી હરિભક્તને કહે, "બસ? રાજી? મહારાજે તમારો સંકલ્પ પૂરો કર્યોને?" હરિભક્ત મામાને પગે લાગી કહેવા લાગ્યા, "હા મામા. તમે કાયમ એક જ રોટલી મહારાજને જમાડો છો તેથી મને સંકલ્પ થયો હતો કે પહેલાના સંતોની જેમ આપનામાં રહી મહારાજ જમતા હશે કે કેમ? પણ આજે હું ધન્ય થઈ ગયો. તમારા દ્વારા મહારાજે આજ થાળ ગ્રહણ કર્યો, હું તો કૃતાર્થ બની ગયો." મામા કહે, "અનાદિમુક્તમાં રહી મહારાજ સદાય જમતા હોય છે. આજે તમને સંકલ્પ થયો તે દયાએ કરીને મહારાજે પૂર્ણ કર્યો." હરિભક્ત કહે, "આપના દ્વારા મહારાજ બધું ગ્રહણ કરે છે તે આજ પ્રત્યક્ષ નિહાળ્યું."
મામા કહે, "હું શું જમ્યો કેટલું જમ્યો મને કાંઈ ખબર જ નથી. જમવું કરવું બધું મહારાજ કરતા હતા." હરિભક્ત મામાના પગમાં પડી જઈ કહે, "મામા, આપે તો આજે મને જીવનના અવિસ્મરણિય દર્શન કરાવ્યા છે. આ દર્શન હું ક્યારેય નહિ ભૂલું." બીજા હરિભક્તો પણ મામાને પગે લાગી પોતાને ધન્ય માનવા લાગ્યા.