પ્રસંગ : ૫૧

સ્વામિનારાયણ મંદિર સરસપુરમાં સ. ગુ. શ્રી વૃંદાવનસ્વામીના શિષ્ય વયોવૃદ્ધ સંત મૂર્તિ શ્રી હરિજીવનદાસજીને મામાને વિશે ખૂબ હેત અને દિવ્યભાવ. મામા પોતે પણ આ લોકમાં રહ્યા ત્યાં સુધી સ્વામીની સંભાવના રખાવતા. વાર-તહેવારે ફળ-ફળાદિ, સૂકો મેવો, ફૂલહાર, બીજી જરૂરી ચીજ-વસ્તુઓ સ્વામીને મોકલાવતા. તેમના પછી પૂ. લીલામાસીએ પણ એ ચીલો ચાલુ રાખેલો.

આ સંત મૂર્તિ મામાનો બરોબર મહિમા જાણતા અને મામાની સ્થિતિથી પણ વાકેફ હતા. એક વખત મામા સેવક સાથે લાઈબ્રેરીના પુસ્તક ખરીદવા નીકળેલા. ધાર્યા કરતાં કામ વહેલું પતી જવાથી મુક્તરાજ સરસપુર સ્વામીના દર્શને આવ્યા. મુક્તરાજને આવેલા જોઈ સ્વામી ઘણા રાજી થયા. તરત ઊભા થઈ મામાને ભેટ્યા અને અભિવાદન કર્યું. મામા પણ સ્વામીને પગે લાગી બેઠા. થોડી વાતો થયા પછી સ્વામી કહે, "મેં સદગુરુઓશ્રીની સેવાનો ઘણો લાભ લીધેલો તેથી આમ આંતરિક સુખ-શાંતિ વર્તે છે. ભગવાન પણ બરોબર સંભારાય છે, પણ તમે જેમ મહારાજની દિવ્ય મૂર્તિનું અલૌકિક સુખ ભોગવો છો તેવું સુખ મને નથી આવતું. તો આપ મહારાજને પ્રાર્થના કરો કે મને એવું સુખ આપે. આપ સ્વતંત્રમુક્ત છો અને એ સુખ આપવા સમર્થ છો માટે આપને કહું છું." મામા કહે, "તમે તો એ સુખમાં જ છો." ત્યારે સ્વામી એકદમ નિખાલસભાવે, નિર્દંભ થઈ કહે, "હું સત્ય કહું છું મને આપના જેવા સુખનો અનુભવ નથી." આમ એકદમ નિર્દોષભાવે સત્ય વાત મામાને કરી. મામા કહે, "અંત વખતે મહારાજ આપને એવા સુખનો ચોક્કસ અનુભવ કરાવી તેડી જશે."

આમ જ્યારે વયોવૃદ્ધ સંત જેઓ નિષ્કામી અને ત્યાગ-વૈરાગ્યયુક્ત હોવા છતાં મામાનો મહિમા જાણી તેમને પ્રાર્થના કરતા હોય, ત્યારે મામાની મહાનતા, તેમના સામર્થ્યનો ખ્યાલ આવે કે, કેવા જબરદસ્ત સામર્થ્ય ધરાવનારા મુક્તનો આપણને જોગ-સમાગમ થયો. તેમના આશીર્વાદ મળ્યા, તેમની સેવાનો લાભ મળ્યો તે વિચારી પોતાને ધન્ય માની તેની ખુમારી રાખવી.