પ્રસંગ : ૧૧
પાવાગઢ પર્વત પુલકિત થઈ ઊઠ્યો હતો. તેનામાં અદભુત ચેતનાનો સંચાર થયો હતો. સર્પાકાર કેડીઓ જાણે સજીવન થઈ ઊઠી હતી. પર્વત પરના વૃક્ષો આભૂષણ બની પર્વતને વધુ શોભાયમાન બનાવી સ્વાગત માટે વાંકા વળી ઝૂમી રહ્યા હતા અને તળાવો મંદ તરંગો ઉત્પન્ન કરી પોતાનો અહોભાવ વ્યક્ત કરતા હતાં.
આ બધાનું એક જ કારણ હતું કે જેને સ્પર્શેલો વાયરો પણ કોઈને અડે તો તેના અનેક જન્મના કર્મબંધન કપાઈ જાય, દ્રષ્ટિ માત્રે કલ્યાણ થાય અને જ્યાં તેમના પાવનકારી પગલાં પડે તે સ્થળ તીર્થ બની જાય અને તીર્થ સજીવન થઈ ઊઠે, એવા મહાન અનાદિ મુક્તરાજ મામાના પગલાં પર્વત પર પડવાના હતા. પર્વત, તેના પરના વૃક્ષો અને તળાવોના સદભાગ્યનો પાર ન હતો. પાવાગઢ પોતાને ધન્ય માનવા લાગ્યો. વૃક્ષો વાંકા વળી અભિવાદન કરવા લાગ્યા ને પવને આવી જાણે કેડીઓ સાફ કરવા માંડી. મામા ભગવાનને સંભારી ધીમે ડગલે ડુંગર ચડવા લાગ્યા. સાથે રહેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ તો ઝડપથી ચાલવા લાગ્યા. મામાએ દૂર-દૂર સુધી દ્રષ્ટિ કરી ઝાડ-પશુ-પક્ષી પર પોતાની રહેમ નજર કરી દરેક જીવ પ્રાણીમાત્રને કલ્યાણના અધિકારી બનાવી રસ્તો કાપવા લાગ્યા.
મુક્તરાજ મામા જેમ-જેમ મંદિરની નજીક પહોંચતા ગયા, તેમ-તેમ મંદિરમાં રહેલા માતાજીના અંતરમાં અનેરો આનંદાવેશ ઊભરાવા લાગ્યો. તેમને થયું કેટલાય સંત પુરુષો મારે આંગણે આવ્યા હશે અને આ જગ્યાને પાવન કરી હશે, પરંતુ આમની તો વાત જ જુદી છે. આ તો કોઈ અવતારી પુરુષ લાગે છે. તેમના આગમનથી સમગ્ર વાતાવરણ પલટાઈ ગયું!! મારા કેટલાય સુકૃતનું સાફલ્ય પ્રાપ્ત થવાનો અવસર આવ્યો કે આવા દિવ્યાતિદિવ્ય પુરુષના દર્શનનો આજે મને લહાવો પ્રાપ્ત થશે. માતાજી દરવાજા પાસે આવનાર ભક્તો સામે મીટ માંડી આતુરતાપૂર્વક મામાની પ્રતિક્ષા કરવા લાગ્યા.
પ્રસંગ ત્યારનો છે, જ્યારે મુક્તરાજ મામા શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા. તે દરમ્યાન શાળામાંથી પાવાગઢનો પ્રવાસ નીકળ્યો અને બધાના આગ્રહને વશ થઈ મામા પણ એ પ્રવાસમાં સાથે જોડાઈ પાવાગઢ પર્વત પર આવી પહોંચ્યા હતા.
કહેવાય છે કે શ્રીજીમહારાજના અનાદિમુક્તના દર્શન તો દેવી-દેવતાઓને પણ દુર્લભ છે. તેઓ પોતાના મોક્ષ માટેના આશીર્વાદ અનાદિમુક્ત પાસે ઝંખતા હોય છે. અનાદિમુક્ત પૂજ્ય પર્વતભાઈના ચરણોમાં દેવતાઓ અને અવતારો મોક્ષ માટે આળોટતા રહેતા તે વાત સત્સંગમાં સર્વેને સુવિદિત છે. એવા જ મહાન અનાદિમુક્ત અતિશય દયા કરી સામે ચાલીને માતાજી પાસે આવ્યા હોવાથી જ માતાજી અત્યંત હર્ષાયમાન થઈ મુક્તરાજના ક્ષણ માત્રના દર્શન માટે અધીરા બન્યાં હતાં. પરંતુ આ શું! મંદિર પાસેના છેલ્લા પગથિયાં આવ્યા ને મામા ત્યાં જ અટકી ગયા. નજીકના ઝાડ પાસે બેસી ગયા. સાથે આવેલાઓએ ઘણો આગ્રહ કર્યો કે, "હવે થોડું જ ચડવાનું બાકી છે. ધીમે-ધીમે ચડી જવાશે." પરંતુ મામાએ પ્રતિકાર કરી બધાને સુખે દર્શન કરી આવવા કહ્યું.
માતાજી ઉદાસ થઈ ગયાં. આ દૈવી પુરુષ જો ઉપર નહિ આવે તો-તો હું તેમના દર્શનથી વંચિત રહી જઈશ. મારે તો તેમની પાસે મોક્ષની યાચના કરવી છે. મારા પુણ્યકર્મમાં ક્યાં ક્ષતિ રહી કે આટલે સુધી આવ્યા છતાં મને તેમના દર્શનનો લાભ નહિ મળે? માતાજી ઉદ્વિગ્ન થઈ ગયાં. છતાં પોતાને જ હૈયાધારણ આપી કે થોડીવાર વિશ્રાંતિ લઈ મંદિરે તો જરૂર આવશે જ, પરંતુ મામા તો ઝાડ નીચે શાંતિથી ભગવાન સંભારતા બેસી રહ્યા. હવે માતાજીની ધીરજ ખૂટવા લાગી. મામાના દર્શન કરવાની ઉત્કંઠા એટલી તીવ્ર થઈ કે તેઓ ભાવાવેશની તીવ્ર લાગણીમાં આવી જઈ પોતાના સોમ્ય-સુંદર મૂળ રૂપે પ્રગટ થઈ ઝડપથી મંદિરના પગથિયાં ઊતરવા લાગ્યાં. દર્શનની તાલાવેલીમાં તેઓ વીસરી ગયાં કે પોતે દિવ્યરૂપે નહિ, પરંતુ સૌને દ્રષ્ટિગોચર થાય તેવા રૂપે પ્રગટ થઈ દર્શને જઈ રહ્યાં છે. પગથિયાં પરના મનુષ્યો આવી લાવણ્યસભર મનોહર રૂપ ધારણ કરેલી સ્ત્રી જોઈ મૂર્તિમંત થઈ તે સોમ્ય સ્વરૂપીને જોવા સ્થિર થઈ ગયા. પરંતુ માતાજીને તો આજુ-બાજુની પરિસ્થિતિનો ક્યાં ખ્યાલ જ હતો. તેમની નજર સમક્ષ તો બસ મામા જ હતા. મામા પાસે પહોંચી જઈ તેમના ચરણોમાં વંદન કરી કહેવા લાગ્યાં, "આપ તો કોઈ દૈવી અવતારી પુરુષ લાગો છો. આજ સુધી મેં આપના જેવા દૈદિપ્યમાન કોઈને જોયા નથી. મારા પર કૃપા વરસાવી મને મોક્ષભાગી બનાવો." માતાજી વારંવાર યાચના કરતાં રહ્યાં. મામાએ રાજી થઈ તેમના પર આશીર્વચન વરસાવતાં કહ્યું, "હજી તમારે આ મૂર્તિમાં રહી અનેક જીવો પર આશીર્વાદ વરસાવવાના છે. તમારું કાર્ય પૂરું થયે મોક્ષ થશે." આત્યંતિક મોક્ષનું વરદાન પ્રાપ્ત થયેથી માતાજી અત્યંત રાજી થઈ વારંવાર મામાનો ઉપકાર માનવા લાગ્યાં. માતાજીના મુખારવિંદ પર આ મુક્ત પુરુષના દર્શનનો આનંદ જણાઈ આવતો હતો. પોતાનો સંકલ્પ સિદ્ધ થયા પછી માતાજીને પોતાના સ્વરૂપ વિશેનો ખ્યાલ આવ્યો. તેમને ભાન થયું કે આ લોકના જીવો તેમને જોઈ રહ્યા છે. ખ્યાલ આવતાં જ પોતાનું એ સ્વરૂપ તેમણે તરત જ અદ્રશ્ય કર્યું.
આમ અચાનક એક સુંદર સ્ત્રી મામા પાસે આવી, પગે લાગી અને થોડીવારમાં અદૃશ્ય થઈ ગઈ. જેઓ અત્યાર સુધી એકીટશે સ્ત્રીને જોઈ રહ્યા હતા. સ્વરૂપ અદ્રશ્ય થતાં સૌ ધ્યાનભંગ થયા. આ બધું શું બની ગયું? કોણ હતા એ? ક્યાંથી આવ્યા હતાં? ક્યાં ચાલ્યા ગયાં? એક સાથે કેટલાય પ્રશ્નો મનમાં ઘૂંટાવા લાગ્યા. અચરજ પામતા કેટલાય મામા પાસે દોડી આવ્યા. મામા પાસેથી માતાજી વિશેની વિગત જાણતા લોકો પોતાને ધન્ય માનવા લાગ્યા કે આ મુક્ત પુરુષના પ્રતાપે તેમને પ્રત્યક્ષ માતાજીના દર્શન થયાં. જેઓ મુક્તરાજને જાણતા હતા તેઓ જાણી ગયા કે બધો પ્રતાપ મામાનો જ છે. તેમના કારણે બધાને અલભ્ય લહાવો પ્રાપ્ત થયો છે. મામાને વિશે તેઓને દિવ્યભાવ તો હતો જ તેમાં આ પ્રસંગે ઉમેરો થયો હતો. તેઓને અંતરમાં મામા વિશે મહિમા વધ્યો હતો.