પ્રસંગ : ૪૩

અનાદિમુક્ત સૂક્ષ્માતિસૂક્ષ્મ બાબતને પણ ભગવાનલક્ષી કરી બતાવી જીવને ભગવાન તરફ વાળવાની જ વાત કરે. આવી જ એક નાની બાબત, પરંતુ મુક્તરાજ મામાએ એ નાની બાબતમાં કેવડું મોટું આધ્યાત્મિક રહસ્ય સમાયેલું છે તે સમજાવ્યું.

વાત ત્યારની છે જ્યારે આપણા દેશના નેતા મોરારજીભાઈ જીવિત હતા. તેઓ ઘણા બુદ્ધિશાળી હતા. અને ખૂબ સાદું, સરળ અને નૈતિક જીવન તેઓ જીવ્યા. દેશના લોકોને તેમના પ્રત્યે ઘણો આદરભાવ. તેઓ ગુજરી ગયાના થોડા સમય પહેલાં તેઓએ એવી વાત કરી હતી કે, "મને હવે લૌકિક કે બીજી કોઈ પણ જાતની સ્પૃહા રહી નથી. હું બિલકુલ નિઃસ્પૃહ થઈ ગયો છું. મને શેમાંય આસક્તિ જણાતી નથી." આવી વાત કર્યાના થોડા સમયમાં જ તેઓ ગુજરી ગયા. છાપામાં તેમની આ વાતના ઘણા વખાણ થયા. તેઓ મહાન આત્મા હતા. બધી બાબતો પ્રત્યેથી તેઓ નિઃસ્પૃહ અને નિરાસક્ત બની ગયા હતા. તેમના આ ગુણના વખાણ કરતા મોટા લેખો છપાયા. સેવકે મામાને તેમના આ ગુણ વિશે પૂછ્યું ત્યારે મામાએ તેનો ઉત્તર આપતાં કહ્યું, "તેઓ મહાન હતા સાચી વાત છે, તેઓ સાદું, સરળ અને નૈતિક જીવન જીવ્યા તે પણ ઘણી સારી વાત કહેવાય. આ દેશના સારા નેતાઓમાંના તેઓ એક હતા તે પણ ખરું છે, પરંતુ પોતે સદંતર નિઃસ્પૃહ થઈ ગયા છે અને તેઓને ક્યાંય આસક્તિ નથી એવી જે તેમની સમજણ હતી તે બરાબર નહોતી. જીવને ભલે લૌકિક પદાર્થમાં સ્પૃહા કે આસક્તિ ન રહે, પરંતુ ભગવાન પ્રત્યે અનુરાગ, પ્રભુ પ્રત્યે પ્રેમ, એ વ્હાલા પ્રત્યે આસક્તિ અને સ્પૃહા તો હોવી જ જોઈએને! મહાપ્રભુજી પ્રત્યે પ્રેમ કર્યા વગર તેમના અનંત સુખોની પ્રાપ્તિ કઈ રીતે થાય? પ્રભુ પ્રત્યે રાગ, આસક્તિ રાખ્યા વગર તેમની સાથે એકતા થવી અશક્ય છે. પ્રભુ સાથેની સ્પૃહા વગર કે પ્રભુ પ્રત્યે અનુરાગ કેળવ્યા વગર કોઈ તેમના સુખને પ્રાપ્ત કરી શક્યું નથી. એટલે ક્યાંય આસક્તિ ન હોવી કે શેનીયે સ્પૃહા ન હોવી તેવી સમજણ તો ચૈતન્યને બ્રહ્મસુષુપ્તિમાં લીન કરી નાંખે છે. પછી એ જીવને પૂર્ણ પ્રાપ્તિ થતી નથી. છાપાવાળા ભલે તેમના વખાણ કરે, પરંતુ આવી સમજણ તેમને પૂર્ણ પ્રાપ્તિ નહિ કરાવે. ચાલો આપણે સૌ શ્રીજીમહારાજને પ્રાર્થના કરીએ કે તેમને સારી જગ્યાએ બીજો જન્મ આપે ત્યારે તેમને ભગવાનની સાચી સમજણ પ્રાપ્ત થાય. જેથી તેઓ પ્રભુ પ્રાપ્તિના સાધન કરી આધ્યાત્મિકતાના સાચા પથ પર ડગ માંડી પ્રગતિ કરે." મામાએ દયા આણી એ જીવ માટે પણ પ્રાર્થના કરી.

છાપાવાળાઓને આવા રહસ્યોની ક્યાંથી ખબર હોય? તેઓને તો નિઃસ્પૃહ અને નિરાસક્ત એ બે સારા શબ્દો જણાયા એટલે વખાણ કરતા લેખો લખી નાંખ્યા. પણ એ ખબર ન પડી કે એ વાત પણ ખામીયુક્ત છે.

અનાદિમુક્ત ન સમજાવે ત્યાં સુધી આવી સૂક્ષ્મ બાબતો સામાન્ય જીવો સમજી શકવા અસમર્થ છે.