પ્રસંગ : ૧૮

મુક્તરાજ મામાની રૂમમાં કેટલાક હરિભક્તો ચિંતાગ્રસ્ત ચહેરે મામાની રાહ જોતા બેઠા હતા. ચિંતા હોવા છતાં દરેકને મનમાં એક આશા હતી, એક હૈયા ધારણ હતી કે અહીં આવ્યા છીએ, તો ખાલી હાથે પાછા નહિ જઈએ. આજે સમસ્યાનું કોઈને કોઈ નિરાકરણ જરૂર આવશે. આવા વિચારો કરતા સૌ બેઠા હતા ને મામા રૂમમાં દાખલ થયા. હરિભક્તોએ મામાને જય સ્વામિનારાયણ કહ્યા. મામાએ બધાના ખબર-અંતર પૂછ્યા અને આવવાનું પ્રયોજન પૂછ્યું. હરિભક્તો રજૂઆત કરતા સંકોચ અનુભવ કરતા હતા. એક હરિભક્તે વાત કરી, "મામા, આપને થોડી તકલીફ આપવા આવ્યા છીએ. આમ તો આવા કાર્ય માટે ન આવવું જોઈએ, પણ ન છૂટકે આપની પાસે આવવું પડ્યું છે." મામાએ કહ્યું, "વાંધો નહિ જે મુશ્કેલી હોય તે જણાવો." હરિભક્તે વિગતે વાત કરી, "મામા, ગામના એક બહેનને વળગાડ જેવું જણાય છે. બધાને ખૂબ હેરાન કરે છે. અને એક ભાઈના દીકરાની પાછળ પડી ગઈ છે. જાણે તેને મારી નાખવાની હોય તેમ કરે છે. એ બિચારા છોકરાની મા મરી ગઈ છે. વળગાડવાળી બહેનથી છોકરો ઘણો ડરી ગયો છે. અમે બધા પણ હેરાન થઈ ગયા છીએ. આપ આમાંથી કોઈ મારગ કાઢો તો સારું. તમારી પાસે અમે ઘણી આશા સાથે આવ્યા છીએ. અમને નિરાશ ન કરતા. એવી અમારી બધાની પ્રાર્થના છે." મામા વાત સાંભળી થોડીવાર આંખો બંધ કરી એમને એમ બેસી રહ્યા પછી બધાને કહ્યું, "અત્યારે તમે જાવ આનો રસ્તો કાઢીશું. બહેનને એ કષ્ટમાંથી ભગવાન છોડાવશે. હું ભગવાનને પ્રાર્થના કરીશ અને તમે બધા પણ મહારાજને પ્રાર્થના કરજો." હૈયા ધારણ અને આશાનું કિરણ લઈ સૌ વિદાય થયા.

મામાએ એક સેવકને બોલાવી વિગતે વાત કરી. પછી સેવકના હાથમાં મહારાજની ચરણરજ આપીને કહ્યું, "તમે એ ગામમાં જાવ અને એ બહેનને વળગાડના કષ્ટમાંથી મુક્ત કરો. સાથે બીજા એક સેવકને લેતા જજો." સેવક અચંબામાં પડી ગયો. મામાને કહે, "મામા, આ કેવી રીતે બને? મને એ કઈ રીતે ફાવશે? હું કઈ રીતે બહેનને કષ્ટમાંથી છોડાવી શકું?" મામાએ સેવકને હિંમત આપતાં કહ્યું, "તમારે જરાય મૂંઝાવાની જરૂર નથી. હું અહીં મહારાજને પ્રાર્થના કરું છું. તમે આ ચરણરજ લઈ જાઓ. હું આશીર્વાદ આપું છું તમારાથી કાર્ય સફળ થશે. જાવ જઈને બહેનને વળગાડના કષ્ટમાંથી મુક્ત કરો." મામાના આશીર્વાદ મળવાથી સેવકને પણ હિંમત આવી ગઈ. સેવક મામાને અનાદિમુક્ત જાણતા હતા. મામાનો મહિમા પણ ઘણો સમજતા હતા અને મામાના વચનમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા હતા. મામાને અત્યંત સામર્થ્યવાન જાણતા હતા. મામાએ આશીર્વાદ આપતા સેવકને વિશ્વાસ આવ્યો કે મામાના પ્રતાપે હું કાર્ય સંપન્ન કરી શકીશ અને બહેનને કષ્ટમાંથી છોડાવવામાં મને જરૂર સફળતા મળશે.

સેવક બીજા એક સેવકને સાથે લઈ બહેનના ઝુંડાલ ગામમાં ગયા. જે બહેનને વળગાડ હતો તેની પાસે ગયા ત્યારે બહેન સાવ શાંત હતા. આથી જે જગ્યાએથી તેમને વળગાડ થયો હતો તે ખેતરની સીમ પાસે તેને લઈ ગયા. ત્યાં જઈ સેવકે સ્વામિનારાયણની ધૂન કરાવી. થોડીવાર ધૂન કરતાં બહેન ધૂણવા લાગ્યાં. સેવકે ચરણરજ પાણીમાં બોળી તે પાણી તેના પર છાંટ્યું એટલે બળુ છું, બળુ છુંની બૂમો પાડવા લાગી અને કહેવા લાગી, "મને દેહમાં ખૂબ દાહ થાય છે. આખા શરીરમાં બળતરા થાય છે, મારાથી સહન થતું નથી." સેવકે બાઈના ઘરનાને કહ્યું, "આ પાણી બહેનના શરીરે ચોપડો એટલે તેને બળતરા ઓછી થશે." એમ કરવાથી દેહની બળતરા ઓછી થયા પછી તેને પૂછ્યું તું કોણ છે? અને શા માટે બધાને રંજાડે છે? અને પેલા નાના છોકરાને શા માટે હેરાન કરે છે? ત્યારે બાઈ કહે, "હું આ જ ગામમાં રહેતી હતી. અને ગુસ્સામાં આવી જઈ સળગીને બળી મરી હતી અને પેલો છોકરો મારો દીકરો છે. તેને મારી સાથે લઈ જઈશ. તેને મારી પાસે રાખીશ." સેવકે બાઈને મહારાજના મહિમાની થોડી વાતો કરી, મહારાજનું જ્ઞાન કર્યું અને કહ્યું, "અત્યારે તું મરી ગઈ છે. તારો દેહ રહ્યો નથી તું જુદી યોનીમાં છે. તારો દીકરો મનુષ્ય યોનીમાં છે. તારાથી તેને ન લઈ જઈ શકાય અને તું પણ હવે આ યોનીમાંથી મુક્ત થા. અમારા ગુરુજીના આશીર્વાદથી અને તેમના પ્રતાપે તું આ પ્રેત યોનીમાંથી મુક્ત થઈશ." આમ ઘણીવાર જ્ઞાન કરવાથી બાઈને જ્ઞાન થયું અને જે બાઈને વળગી હતી તેના દેહને છોડવા તૈયાર થઈ. સેવકે બાઈને મહારાજની મૂર્તિ બતાવી કહ્યું, "આ મૂર્તિ સામે જોયા કર, સ્વામિનારાયણ-સ્વામિનારાયણ એમ બોલ અને આ રજની પ્રસાદીવાળું જળ પી અને આ બહેનના દેહમાંથી નીકળી જા. ભગવાન તારો મોક્ષ કરશે." બહેન થોડીવાર સુધી મૂર્તિ સામે જોઈ રહ્યા પછી બોલ્યા, "આ મૂર્તિમાંથી ભગવાન મને લેવા આવ્યા છે. હું તેમની સાથે જાઉં છું." આટલું બોલી બહેન ઢળી પડ્યાં. થોડીવારે જાગૃત થયા ત્યારે બહેન સાવ શાંત હતા. જાણે તેમને કાંઈ હતું જ નહિ. પહેલાની કોઈ વાત તેમને યાદ નહોતી. આવું જોતાં સેવકને પણ ઘણી નવાઈ લાગી. મામાના પ્રતાપે આજે બે બહેનો કષ્ટમાંથી મુક્ત થઈ હતી. સેવકને તેના ગુરુના વધુ એક પ્રતાપની ઝાંખી થઈ હતી. સ્થળ પર હાજર રહ્યા વગર કેવળ સંકલ્પમાત્રે બીજા દ્વારા કાર્ય સિદ્ધ કરવું. તે અનાદિમુક્ત સિવાય બીજા કોઈથી શક્ય નથી.

મુક્તરાજે આવી રીતે બીજી ઘણી વખત સેવક પાસે વળગાડ કઢાવી લોકોને કષ્ટમાંથી મુક્તિ અપાવી છે.