પ્રસંગ : ૯
માંદા હરિભક્તોને હિંમત આપવી, આશીર્વાદ આપવા. જીવન જીવવાનું નવું બળ પ્રેરવું આ બધું મામાના જીવનમાં વણાયેલું હતું. મુમુક્ષુ હરિભક્ત માંદા હોય અને મામાને ખરા ભાવથી સંભારે તો મામા અચૂક ત્યાં પહોંચી જાય.
એવી જ રીતે કોઈ એક સમયે મામા એક હરિભક્તને મળવા ગયા હતા. એ હરિભક્ત ખરા આત્મનિષ્ઠ, એકનિષ્ઠ, બાપાશ્રીને રાજી કરેલા. કૃપાપાત્ર, પ્રેમાળ અને મુક્તોને ખરા અર્થમાં ઓળખનારા હતા. ભગવાન પ્રત્યે અનન્ય નિષ્ઠાવાળા સાચા મુમુક્ષુને મળવા તો મામા અચૂક પધારે જ. બે હરિભક્તોને સાથે લઈ મામા તેમને દર્શન દેવા તેમના ઘરે પધાર્યા હતા. ઘરનો દાદર ચડતા એક હરિભક્તે જોયું કે તે માંદા હરિભક્ત કાંઈક પૈસાની ગણતરી કરીને ખાનામાં મૂકતા હતા. આ જોતાં તેમનાથી રહેવાયું નહિ. મામાને કહે, "જુઓ તો માંદા છે, અવસ્થા થઈ છે છતાં હજી વ્યવહાર છૂટતો નથી." મામાએ જરા હરિભક્ત સામે જોઈ કહ્યું, "જ્યારે આપણે કોઈના વિશે જાણતા ન હોઈએ, ત્યારે તેમના વિશે કોઈ અભિપ્રાય ન આપવો. વ્યવહારમાં ખૂંપી રહે એવા સ્વભાવવાળા આ હરિભક્ત નથી." આમ વાતો કરતા બધા હરિભક્ત પાસે પહોંચ્યા. મામાને આવેલા જોઈ હરિભક્ત હરખાઈ ગયા. મામાને કહે, "દયા કરી દર્શન દેવા પધાર્યા ખરા." મામાને જય સ્વામિનારાયણ કહી, પગે લાગીને ભેટ્યા. પછી કહે, "બિરાજો, આપની જ રાહ જોતો હતો. અત્યારે આ છેલ્લો હિસાબ બાકી હતો તે પણ પતાવી દીધો. હવે બધા વ્યવહારમાંથી પરવારી ગયો છું. કોઈ જવાબદારી બાકી રહી નથી. ધામમાં જવા માટે હવે એકદમ તૈયાર છું. બોલો ક્યારે તેડી જાઓ છો?" મીઠું હાસ્ય રેલાવતા મામા કહે, "હું મહારાજને પ્રાર્થના કરીશ આપને જલદી તેડી જશે." હરિભક્ત કહે, "દયાળુ, હું આપની સ્થિતિ જાણું છું. આપ કેવા મહાન અનાદિમુક્ત છો તે પણ જાણું છું. આપના પ્રતાપથી વાકેફ છું. એટલે બીજાની જેમ મને કાંઈ સમજાવતા નહિ. મને તો આપ સીધું કહી જ દો કે મહારાજને લઈને ક્યારે તેડવા આવશો? હું તો હવે તૈયાર થઈને બેઠો છું. હું પ્રાર્થના કરીશ, મહારાજને પૂછી જોઈશ એવા જવાબ જે આપનો મહિમા, આપનો પ્રતાપ બરાબર ન જાણતા હોય તેઓને આપે કહેવું. મને તો આપ સીધે-સીધો જવાબ આપો." મામા પોતાના સ્વભાવ પ્રમાણે પોતાનું સાર્મથ્ય ઢાંકતા ફરી એમ જ બોલ્યા, "હું મહારાજને જરૂરથી પ્રાર્થના કરીશ. આપને જલદી જ એમના સુખમાં તેડી જશે."
હરિભક્ત કહે, "દયાળુ, ફરી પાછું એમ જ કહો છો? આપ શ્રીજીમહારાજના અનાદિમુક્ત છો. શ્રીજીમહારાજે આપને અનેક જીવોના કલ્યાણ કરવા આ પૃથ્વી ઉપર અમ પર દયા કરી મોકલ્યા છે અને આ વાતનું મહાન મુક્તરાજ બાપાશ્રીએ સમર્થન આપી આ લોકમાં સૌને આપની ઓળખાણ પડાવી છે. હવે આ બધું મારાથી ક્યાં અજાણ્યું છે તો આપ મારી સાથે આવી વાતો કરો છો? મારી સમક્ષ આવી વાતો ન કરશો. હવે દયા કરી પાકું કહી દો કે ક્યારે તેડી જશો? કાલે ગુરુવાર છે કાલે તેડી જશો?" હવે આ વ્હાલા હરિભક્ત સમક્ષ મામા પોતાનું સામર્થ્ય વધુ ઢાંકી શકે તેમ ન હતા. આથી સીધી વાત કરવા લાગ્યા. કહે, "કાલે તો મારે થોડું કામ છે. કાલે મારે નવરાશ નથી. કોઈ બીજો દિવસ નક્કી કરીએ." જાણે ક્યાંક બહારગામ જવાનું હોય અને તેની તૈયારી વિશે વાતો થતી હોય તેમ હરિભક્ત અને મુક્ત વચ્ચે વાર્તાલાપ ચાલતો હતો. સાથે આવેલા હરિભક્તોની તો કાંઈ સમજમાં આવતું ન હતું. હરિભક્ત કહે, "તો રવિવાર રાખો. રવિવારે આપને રજા હોય છે. એ દિવસે તો આપને નવરાશ હશે ને?" મામાએ હા પાડી. એટલે રાજી થકા કહે, "તો રવિવારનો દિવસ પાકો રાખીએ. એ દિવસે બધાને રજા હોય તેથી સ્મશાનમાં આવતાં કોઈને તકલીફ પણ ન પડે." મામાએ હસતાં-હસતાં કહ્યું, "સારું રવિવારે પાકું બસ. રવિવારે મહારાજ તમને તેમના સુખમાં તેડી જશે."
ધામમાં જવાનું એકદમ પાકું થયાનું મામાના મુખે સાંભળતાં જ હરિભક્ત રાજી થઈ ગયા. મામાના ચરણોમાં પડી ગયા. મામાને ભેટી પડ્યા. કહે, "બહુ દયા કરી કૃપાળુ, મારી પ્રાર્થનાનો આપે સ્વીકાર કર્યો. કૃપાવર્ષા કરીને મને ન્યાલ કરી દીધો. આપનો પ્રતાપ તો કહ્યો જાય તેમ નથી. આપ નહોતા આવ્યા ત્યાં સુધી મને સંકલ્પ થયા કરતા હતા. હવે કોઈ ચિંતા નથી. દિવસ પાકો થઈ ગયો હવે કોઈ હરકત નથી. આપને અહીં સુધી આવવાની તકલીફ આપી તે બદલ ક્ષમા માગું છું. તમારો સમય લીધો, પરંતુ હવે કાંઈ બાકી નથી. આપ પધારો." મામા રજા લઈ પાછા આવ્યા. મામા સાથે આવેલા હરિભક્તોએ આવો વાર્તાલાપ પ્રથમ વખત જોયો-સાંભળ્યો હતો. તેઓ બંને આવું સાંભળી દિગ્મૂઢ થઈ ગયા હતા. આ શું? આટલી બધી સ્પષ્ટ રીતની વાતો! મામાને ચોખ્ખે-ચોખ્ખું પૂછવું કે ક્યારે લઈ જાઓ છો? આ દિવસે લઈ જજો. બધાને સહેલું પડે. પોતાના જ મૃત્યુની વાત આમ આટલી સરળતાથી અને સહજતાથી કરે એ કેવા બળિયા હરિભક્ત હશે? છતાંય આ શું? આ કેવો વાર્તાલાપ? અને આટલી હિંમતપૂર્વક હક્કથી મામાને કહી શકવું કે મને આ દિવસે ધામમાં તેડી જજો. કેવું આશ્ચર્ય! ત્યારે તો બંને હરિભક્તો અચંબામાં જ મામા પાસેથી રજા લઈ છૂટા પડ્યા, પરંતુ એક હરિભક્ત સોમવારે ખાતરી કરવા મામા પાસે આવ્યા. મામાને હરિભક્ત વિશે પૂછતાં મામાએ કહ્યું, "તેમને તો નક્કી કર્યા પ્રમાણે રવિવારે મહારાજ તેડી ગયા."
હરિભક્ત આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. પછી તેમણે મામાને પૂછ્યું, "મામા, કેટલાંક પ્રશ્નો ઉદભવ્યા છે આપ અનુમતિ આપો તો પૂછું." મામાએ અનુમતિ આપી. હરિભક્ત કહે, "આપણે જ્યારે એ હરિભક્તના ઘરે ગયા ત્યારે તેઓ પૈસા ગણતા બેઠા હતા, છતાં આપે સાથેના હરિભક્તને તેમના વિશે કોઈ સંકલ્પ કરવાની ના પાડી. પછી પેલા હરિભક્ત આપને હકપૂર્વક મને તેડી જજો તેમ આપને કહી શક્યા. બાકી બીજા તો આપને મહારાજને પ્રાર્થના કરજો એમ જ કહેતા હોય છે. અને આમણે તો અધિકારપૂર્વક આપની પાસે વચન લઈ લીધું. આ કંઈ સમજાયું નહિ." મામા કહે, "એ હરિભક્ત મહારાજના મુમુક્ષુ હતા. તેમને આ લોકના પૈસા કે વ્યવહારમાં જરાય આસક્તિ નહોતી. પોતાની ફરજ સમજી દરેક કાર્ય કરતા. જેને આ લોકની જરાય આસક્તિ ન હોય તેવા ભક્ત વિશે સંકલ્પ થઈ જાય તો જીવનું બગડી જાય. આથી તેમને વધુ ન બોલવા સૂચના આપી હતી. અને અનાદિમુક્ત કેવા છે? કોણ છે? કઈ સ્થિતિના છે? તેમનું સામર્થ્ય કેટલું છે તે સમજવાની ઘાટી બહુ જબરી છે. દરેક જીવ તે સમજવા સમર્થ નથી હોતા. અને એ હરિભક્ત મુક્તને બરાબર ઓળખતા હતા. અને બીજું બાપાશ્રી જ્યારે સરસપુર પધાર્યા, ત્યારે આ હરિભક્ત નાના હતા. બાપાએ તેમને ખભા પર બેસાર્યા હતા. બાપાશ્રી શ્રીજીનું સંકલ્પ સ્વરૂપ. આવા મહાન બાપાશ્રીએ જેને ખભા પર બેસાર્યા હોય તેમનો હક તો જેવો કહીએ તેવો કહેવાય. અને એવા ભક્તનું મહારાજ જરૂર સાંભળે જ. અને એવા સમર્થ ભક્તને ધામમાં પહોંચાડવાની જવાબદારી મુક્તની થઈ જાય છે. એટલે કોઈક વખત શ્રીજીમહારાજ મુક્ત દ્વારા પોતાનું સામર્થ્ય જાહેર કરતા હોય છે." આવી વાતો મામા પાસેથી સાંભળતાં હરિભક્તને મામાના સામર્થ્યની થોડી ઝાંખી થવા પામી હતી.