પ્રસંગ : ૨
મુંબઈના એક ભાઈ, તેમને ભગવાનમાં બહુ શ્રદ્ધા નહિ. નાસ્તિક જેવા કે આપણે ક્યાં ભગવાન જોયા છે? એમ કઈ રીતે મનાય કે આ બધું ભગવાનનું કર્યું થાય છે? આવું બધું બોલ્યા કરે અને લોકો સાથે ચર્ચા કર્યા કરે. ચર્ચા એવી કરે કે સામી વ્યક્તિ પાસે ઘણી વખત તેનો પ્રત્યુત્તર ન હોય. તેથી તે પોતાને સાચા માને અને વધુ દ્રઢતાથી કહે કે હું માનું છું તે સાચું અને યોગ્ય જ છે. આવા નાસ્તિક જેવા હોવા છતાં તેમને મામાને વિશે દિવ્યભાવ હતો. મામાને મોટા પુરુષ માને અને મામાના વચનોમાં વિશ્વાસ પણ રાખે. મામાના આશીર્વાદથી તેમના કેટલાક કામો પાર પડ્યા હતા. એક વખત તેઓ તેમના પુત્રને લઈને અમદાવાદ મામાના દર્શને આવ્યા. મામાને મળ્યા પછી પોતાની ટેવ પ્રમાણે મામાને કહે, "મામા, ભગવાન છે કે નહિ એ અમારા જેવાને કઈ રીતે ખબર પડે? અમે ક્યાં તેમના દર્શન કર્યા છે? અમે તો તમને પ્રાર્થના કરીએ અને તમે કહો એટલે અમારું કામ થાય છે, એટલે તમે અમારા ગુરુ. બીજી વધારે કંઈ ખબર ન પડે." મામા કહે, "હું ભગવાનને પ્રાર્થના કરું છું અને ભગવાન તમારું કાર્ય પાર પાડે છે. હું કાંઈ કરતો નથી. મારી પ્રાર્થના સાંભળી ભગવાન કાર્ય કરે છે."
ભાઈ કહે, "જ્યારે અમે ભગવાનને પ્રાર્થના કરીએ, ત્યારે ભગવાન અમારી પ્રાર્થના સાંભળતા હોય એમ લાગતું નથી. તમારા આશીર્વાદથી જ બધું થાય છે." મામા કહે, "એવું નથી. તમને ભગવાનમાં શ્રદ્ધા જ નથી પછી ભગવાન તમારી પ્રાર્થના કઈ રીતે સાંભળે? ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા રાખી પ્રાર્થના કરીએ તો ભગવાન જરૂરથી પ્રાર્થના સાંભળે." ભાઈ કહે, "એ બધામાં મને બહુ સમજ પડતી નથી. તમે કહો છો તમને અખંડ ભગવાનના દર્શન થાય છે, તેમનું દિવ્ય સુખ અખંડ ભોગવો છો, તો એ ભગવાનના દર્શન મને ન કરાવી શકો? તમે મને દર્શન કરાવો તો હું માનું અને મને ભગવાન પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ બેસે. મારી પાસે કોઈ વસ્તુ હોય અને એ વસ્તુ મારે બીજાને આપવી હોય તો મારી મરજી મુજબ હું તે બીજાને આપી જ શકું ને? તો આપની પાસે મહારાજનું સુખ છે તે તમે બીજાને ન આપી શકો? જેથી તેની શ્રદ્ધા વૃદ્ધિ પામે?" મામા કહે, "કેમ નહિ. ચપટી વગાડતામાં જ આપી શકાય. ચપટી વગાડતાં જેટલી વાર લાગે, તેટલી વાર પણ ન લાગે. તરત આપી દેવાય, પરંતુ જુઓ, હું તમને સમજાવું. તમારો દીકરો ક્યા ધોરણમાં ભણે છે? નવમા ધોરણમાં બરાબર. હવે તમારી પાસે પી.એચ.ડી.ની ડિગ્રી આપવાની સત્તા હોય અને તમે એ કાગળ પર લખીને ડિગ્રી આપી પણ દો, તો શું તમારો દીકરો પી.એચ.ડી.નું જ્ઞાન ધરાવતો થઈ જશે? પી.એચ.ડી. થયેલ વ્યક્તિ કાર્ય કરી શકે તેવું બૌદ્ધિકતાવાળું કાર્ય તમારો દીકરો કરી શકશે?" ભાઈ કહે, "એ તો કેમ બને? નવમા ધોરણમાં ભણતા છોકરાને મારી પાસે સત્તા હોવા છતાં મારાથી પી.એચ.ડી.ની ડિગ્રી આપી ન શકાય. અને કોઈ એને માન્ય પણ ન રાખે. કારણ કે તેની પાસે એ કક્ષા સુધીનું જ્ઞાન જ નથી. તે મેળવવા માટે તો તેણે કૉલેજ, યુનિવર્સિટી સુધી અને ત્યાર બાદ પી.એચ.ડી. માટેના અમુક વર્ષો સુધી અભ્યાસ કરવો પડે. ત્યાર પછી ડિગ્રી પ્રાપ્ત થાય. ત્યારે હું તેને તે આપી શકું."
મામા કહે, "એક આ લોકની ડિગ્રી મેળવવા પાછળ જીવનનો અમૂલ્ય સમય પસાર થઈ જાય ત્યારે એક નજીવી ડિગ્રી પ્રાપ્ત થાય. અને એ ડિગ્રીનું મહત્ત્વ કેટલું? પંદરથી વીસ હજારની નોકરી પૂરતું કે તેનાથી કદાચ થોડું વધારે, એનાથી વિશેષ કંઈ જ નહિ. બાલ્યકાળ અને યુવાવસ્થા જીવનનો કિંમતીમાં કિંમતી સમય છે. તે મહત્ત્વના પંદરથી વીસ વર્ષ આવી નજીવી ડિગ્રી પાછળ જો ખર્ચવા પડતા હોય તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું સુખ મેળવવા કેટલું તપ કરવું પડે? વિચારો! એ સુખ તો અલૌકિક અને દિવ્ય છે તો એના માટે તો તપ જરૂરી હોય કે નહિ? અને આ લોકના બધા સુખ કરતાં ભગવાનનું સ્મરણ સૌથી અધિક સુખદાયી છે. એ તો અનુભવે જ ખબર પડે." ભાઈ કહે, "મામા, અમારો તો જુદો જ અનુભવ છે. ભગવાનની માળા ફેરવવા કરતાં સારા ભોજન અમને વધારે સુખદાયી લાગે, સારી પથારીમાં સૂવું વધારે સુખદાયી ભાસે છે અને પ્લેનમાં બેસી મુસાફરી કરવી વધારે સુખદાયી લાગે." મામા કહે, "તમારી વાત સાચી છે. પરંતુ એ સમય અને સંજોગોને આભારી છે અને ક્ષણિક છે. ધારો કે તમને દૂધપાક બહુ જ ભાવે છે, પરંતુ દૂધપાકની પહેલી વાડકી પીવો અને જેવું સુખ આવે તેવું પેટ ભરાઈ ગયા પછીની વાડકીમાં આવતું નથી. અને પછી વધારે પીવાથી તો ઊલટી થઈ જાય છે. ત્યારે દૂધપાક સુખદાયી ક્યાં રહ્યો? એ તો ઊલટો દુ:ખદાયી બની ગયો. તેમજ તમને પેટમાં શૂળ ઉપડ્યું હોય અને સામે છપ્પનભોગ પડ્યા હોય છતાં એ સારામાં સારા ભોજન એ વખતે તમને સુખદાયી ન લાગે. અને જો એ વખતે ખાવા જાઓ તો દુ:ખાવો વધે એટલે ભોજન દુ:ખદાયી થઈ જાય, પરંતુ એ દુ:ખાવામાં તમે ભગવાનનું સ્મરણ કરો તો દુ:ખાવામાં રાહત થાય છે. દુ:ખ ભૂલાઈ જાય છે. એટલે દુ:ખાવામાં પણ ભગવાનનું સ્મરણ સુખદાયી છે. તેવી જ રીતે સારામાં સારા ગાદી-તકિયાવાળો છત્ર પલંગ હોય પણ પાછળના ભાગે રક્તપીત્ત જેવી કોઈ બીમારી થઈ હોય તો એ સુખદાયી છત્ર પલંગ દુ:ખદાયી બની જાય છે. એવે વખતે પણ ભગવાનનું સ્મરણ સુખદાયી બને છે. પ્લેનની મુસાફરી સુખદાયક છે, પ્લેનમાં બેઠા હોઈએ અને પ્લેન હાલક-ડોલક થવા લાગે તો એ મુસાફરી ભયાવહી અને દુ:ખદાયક બની જાય છે. એવે સમયે ભગવાનનું સ્મરણ જ ભયરહિત કરી સુખ પ્રદાન કરે છે. એટલે ગમે તેવી પરિસ્થિતિ હોય પ્રભુ સ્મરણ દરેક પરિસ્થિતિમાં સુખદાયક છે. અને એ વસ્તુ અનુભવે જ ખબર પડે. કોઈ પણ ધ્યેય સિદ્ધિ હાંસલ કરવી હોય તો તેના જે નિયમો-ધોરણો બનાવ્યા હોય તેનું પાલન કરીને આગળ ધપીએ ત્યારે ધ્યેય પ્રાપ્ત થાય. તેમ મહારાજનું દિવ્ય સુખ પ્રાપ્ત કરવા માટેના અમુક નિયમો છે તેનું પાલન કરવાથી ધ્યેય સિદ્ધિ થાય છે. જેમ ફક્ત કાગળ પર લખેલી ડિગ્રીથી પી.એચ.ડી.નું જ્ઞાન પ્રાપ્ત નથી થઈ જતું. તેનો અભ્યાસ આવશ્યક છે. તેમ જ મહારાજના દિવ્ય સુખની પ્રાપ્તિ માટેના સાધનો છે તેનો અભ્યાસ પણ અતિ આવશ્યક છે. પુરુષાર્થ વગર આ લોકની ક્ષુલ્લક વસ્તુ હાથ નથી લાગતી, તો દિવ્ય એવું પરમાત્માનું સુખ પુરુષાર્થ વગર કઈ રીતે પ્રાપ્ત થાય? વિચારો!" આ વખતે હવે ભાઈ પાસે સામે કાંઈ કહેવા કે ચર્ચા માટેના કોઈ પ્રશ્નો રહ્યા ન હતા.
આમ ઉદાહરણ સહિત મામાએ તેમને સમજાવતાં તેઓ સમજી ને વિચાર કરતા થયા કે હું વિચારતો હતો તેના કરતાં આ સિદ્ધાંત સાચો અને વધુ યોગ્ય છે. આમ સમાધાન મળતાં તેઓ ઘણા રાજી થયા. મામાને કહે, "પ્રભુ પ્રાપ્તિ માટે પુરુષાર્થની આવશ્યકતા આટલી સરળ છતાં સચોટ રીતે આજ-દિન સુધી કોઈએ મને સમજાવી નથી. આજે મને વાત બરાબર સમજાઈ છે. મનમાં હવે કોઈ પ્રશ્નો નથી કે નથી કોઈ ધૂંધળાપણું. બધું બરાબર સ્પષ્ટ થઈ ગયું છે. હું આપને ધન્યવાદ આપું છું." પોતાની મૂંઝવણનું સમાધાન મળતાં સંતોષ સાથે ભાઈ મામાની રજા લઈ ગયા.
આ જ પ્રશ્નો કોઈ ડૉક્ટર કે વૈજ્ઞાનિકે પૂછયા હોત તો મામાની સમજાવવાની આખી રીત જુદી હોત. મામા તેમને વૈજ્ઞાનિક ઉદાહરણ આપી સમજાવત. અનુભવ સિદ્ધ મુક્ત વસ્તુસ્થિતિને સંપૂર્ણપણે સમજી અને સામાવાળાની સમજવાની ક્ષમતા જાણી વિષયવસ્તુને સમજાવતા હોય છે, જેથી સામી વ્યક્તિના જીવમાંથી હા પડી જાય અને વાત હૃદય સોંસરી ઉતરી જાય. એ જ તો અનાદિમુક્તની કળા છે. દરેકને તેની મર્યાદા જાણી એ પ્રમાણે સમજાવવાની કળા દરેકને હસ્તગત નથી હોતી.