પ્રસંગ : ૨૪

વડતાલ મંદિરમાં ગોપાળાનંદ સ્વામીની જાયગામાં મામા સેવકો સાથે જ્ઞાનવાર્તા કરતા બેઠા હતા. વાતાવરણ સરસ જામ્યું હતું. સેવકો એક ચિત્તે વાતો સાંભળતા હતા. મામાની વાણીનો પ્રભાવ એવો હતો કે દરેક જણ જાણે સંમોહિત થઈ, વાતમાં રસતરબોળ થઈ સાંભળ્યા કરતા હતા. ત્યાં આવનાર હરિભક્તો પણ મામાને જોઈ, તેમની વાણી સાંભળી, તેમનાથી આકર્ષાઈને ત્યાં બેસવા મજબૂર થઈ જતા હતા. મામાનો સાદગીપૂર્ણ પહેરવેશ, પ્રભાવશાળી વ્યક્તિત્વ, સંમોહક અવાજ અને જ્ઞાન-ગાંભીર્યથી ભરપૂર વાણી, આટલું જોઈ દરેક જણ મામાને કોઈ મોટા સંતપુરુષ છે તેમ માનવા પ્રેરિત થયા હતા.

ઘણા હરિભક્તોની વચમાં એક ભાઈ પણ અશક્ત અને ઉદાસ ચહેરે મામાની વાણી સાંભળતા બેઠા હતા. વાતોનો વિષય પૂર્ણ થતાં મામાએ અંતર્યામીપણું દાખવ્યું. બધાની વચમાં ઉદાસ ચહેરે બેઠેલા ભાઈને પૂછ્યું, "તમારે જે ગંભીર શારીરિક તકલીફ છે તેના નિવારણ અર્થે આવ્યા છો ને? શું છે માંડીને વાત કરો." આમ અચાનક તેમને પૂછતાં હરિભક્ત અવાચક થઈ ગયા. જરા થોથવાઈ પણ ગયા. શું બોલવું સમજાયું નહિ. એક સેવકે તેમને સમજાવતાં કહ્યું, "આ તો મોટા અનાદિમુક્ત છે, સમર્થ છે તમને સામેથી પૂછે છે તો આપને જે કોઈ તકલીફ હોય તે જણાવો."

હરિભક્ત આગળ આવી મામાના ચરણોમાં ઝૂકી ગયા. "આપ મહાન છો, સમર્થ છો એમ મને ચોક્કસપણે લાગે છે. અત્યાર સુધી તમારી જ્ઞાનવાર્તા સાંભળતો હતો. આવી અણીશુદ્ધ અને સચોટ વાતો આટલી સહજતાથી સરળ રીતે અનુભવીથી જ સમજાવી શકાય. અને અત્યારે અંતર્યામીપણે જાણી લઈ આટલા બધાની વચ્ચેથી મને બોલાવ્યો. આથી આપ મુક્તપુરુષ છો તેની પણ ખાતરી થઈ ગઈ. મારી મુશ્કેલીનું આપ જ નિવારણ કરી શકશો. આપની વાત સાચી છે. મારે શારીરિક મુશ્કેલી છે અને એટલે જ હું અહીં આવ્યો છું. મારા એક સંબંધી મને આપની પાસે લઈ આવ્યા છે. તેઓ પણ સાથે આવ્યા છે. તેમણે આપનો મહિમા કહ્યો હતો. અત્યારે તે પ્રત્યક્ષ થતાં શંકા રહેવા પામી નથી."

"મહાત્મન્! ગરીબ માણસોનો હંમેશાં ભગવાન જ બેલી હોય છે. મારે આંતરડાનું કેન્સર થયું છે. મારાથી બની શકે તે બધા ઉપચાર કરી ચૂક્યો છું. દવાઓ, ઓસડીયા વગેરે બધું જ, પરંતુ કોઈ ફાયદો નથી. ઑપરેશન કરાવ્યા સિવાય હવે છૂટકો નથી તેમ ડૉક્ટર કહે છે. મારી આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી છે. ઑપરેશન કરાવવું મને કોઈ રીતે પોસાય તેમ નથી. પૈસાની વ્યવસ્થા ક્યાંથી, કેવી રીતે કરવી? અને એટલા બધા દિવસો કામ કર્યા વગર આરામ કરવાથી ઘરમાં આવક બંધ થઈ જાય. આખા ઘરનો વ્યવહાર મારા એકલાને માથે છે. શું કરવું તે મને કાંઈ સૂઝતું નથી. હું ઘણો મૂંઝાઈ ગયો છું. દિવસો જાય છે તેમ રોગ જોર પકડે છે. કેન્સર હવે છેલ્લા સ્ટેજમાં પહોંચી ગયું છે. ડૉક્ટર ઑપરેશન કરાવવા ઉતાવળ કરવા કહે છે. મારે શું કરવું? મહાત્મન, હું હવે તમારે શરણે આવ્યો છું. આપ મહાન છો, સમર્થ છો આપ મને બચાવી શકશો તેવો મને વિશ્વાસ છે. આજે ભગવાને જ પ્રેરણા કરી મને આપની પાસે મોકલ્યો છે એવું મને લાગે છે. આપના દર્શન કરતાં મનમાં શાંતિનો અનુભવ થાય છે. એમ થાય છે, આજે જરૂરથી કોઈ માર્ગ મળશે." હરિભક્ત બોલતા-બોલતા રડમસ થઈ ગયા. આંખો આંસુઓથી છલકાઈ ગઈ. હાથ જોડી મામા સમક્ષ યાચકની જેમ બેસી રહ્યા. દયાળુ મામાને હરિભક્ત પર દયા ઉપજી. આંખો બંધ કરી હરિભક્તના પેટ ઉપર હાથ ફેરવ્યો. થોડીવાર સુધી એમને એમ હરિભક્તના પેટ ઉપર હાથ ફરતો રહ્યો. અને જાણે ચમત્કાર થયો! લાંબા સમયથી થઈ રહેલો પેટનો દુઃખાવો એકાએક શમવા લાગ્યો. ઘણા વખત પછી હરિભક્તને જાણે સરખી રીતે શ્વાસ લેવાનું સરળ બન્યું હતું. થોડીવારે પેટ ઉપરથી હાથ લઈ મામાએ આંખો ખોલી. હરિભક્ત ભાવવિભોર થઈ મામાના ચરણોમાં પડી જઈ ઉત્સાહથી બોલ્યા, "ઓ...હો! મહાત્મન્! આપના સ્પર્શે ચમત્કાર ર્સજ્યો છે. ઘણા વખતનો મારો પેટનો દુઃખાવો ઓછો થઈ ગયો છે. કેટલાય સમયથી આ દુઃખાવો મને પીડતો હતો. આપના સ્પર્શ માત્રથી જાણે દરદ હોય જ નહિ તેવું લાગે છે."

હરિભક્તના હાથમાં ચરણરજ મૂકતાં મામાએ કહ્યું, "આને પાણીમાં બોળી દરરોજ એ પાણી પેટ ઉપર ચોપડજો અને થોડું પાણી પીજો. દરરોજ ભાવપૂર્વક ભગવાનને પ્રાર્થના કરજો, સાત્ત્વિક અને સંયમી જીવન જીવજો. ભગવાન તમને જરૂરથી સારું કરી આપશે. હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ." હરિભક્તના ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ. તેની ઘણા વખતની મૂંઝવણ આજે દૂર થઈ હતી. પેટનો દુઃખાવો ઓછો થયાના ભાવ તેના મુખ પર જણાઈ આવતા હતા. મામાના આશીર્વાદ લઈ હરિભક્ત ઘરે ગયા. છ મહિના સુધી મામાની સૂચના પ્રમાણે સાત્ત્વિક તથા સંયમી જીવન જીવ્યા કર્યું. દવા તરીકે ચરણરજનો ઉપાય ચાલુ રહ્યો. ધીરે-ધીરે રોગ દૂર થતો ગયો અને ખોરાક પણ લેવાતો થયો. છ મહિને ડૉક્ટરે નિદાન કર્યું, "કેન્સરનું કોઈ લક્ષણ રહ્યું નથી." હરિભક્ત હરખાતા હૈયે મામાના દર્શને આવ્યા અને સીધા ચરણોમાં ઢળી પડ્યા. હર્ષાશ્રુઓથી મામાના પગ પખાળી નાખ્યા, "મામા, તમે મને ઉગારી લીધો. ઑપરેશન કરાવવું મને કોઈ રીતે પોસાય તેમ ન હતું. હું એ રોગમાં જ મૃત્યુને ભેટત. આપે મને નવું જીવન બક્ષ્યું છે. આપ ખરા અર્થમાં ગરીબનિવાજ છો. તમે ખરા સંત છો, તમારી દયાનો કોઈ પાર નથી." મામાએ આશીર્વાદ આપી તેને ઊભા કર્યા. હરિભક્તનું બોલવાનું ચાલુ જ રહ્યું, "તમે કૃપાળુ છો, કૃપાનિધાન છો." મામાએ સહજ પૂછ્યું, "દરદ મટી ગયું ને?" હરિભક્ત કહે, "મામા, આપ અંતર્યામી છો. બધું જાણવા છતાં પૂછો છો. વડતાલમાં તમે હાથ ફેરવ્યો ત્યારે જ દુઃખાવો મટી ગયો હતો. આપે આપેલી પ્રસાદીની ચરણરજ લેતા આજે ડૉક્ટરે કેન્સરનું કોઈ લક્ષણ નથી એવું નિદાન કર્યું છે. આ બધો આપના આશીર્વાદનો પ્રતાપ છે." મામા કહે, "આ બધો શ્રીજીમહારાજનો પ્રતાપ છે મને તો માત્ર પ્રાર્થના કરવા નિમિત્ત બનાવ્યો છે. તેમનું મુખ્યપણું હંમેશાં રાખવું." હરિભક્ત સાંભળ્યું ન સાંભળ્યું કરી કહેવા લાગ્યા, "આપનો આભાર વ્યક્ત કરવા હું સમર્થ નથી. આપે મને તથા મારા કુટુંબને બચાવી લીધું છે. આપ કહો હું આપને માટે શું કરી શકું? મારાથી બનતી બધી સેવા કરવા હું તૈયાર છું." મામા હસ્યા કહે, "હા, તમે સેવા કરવાનું કહો છો તો એક કામ તમે જરૂર કરી શકો." હરિભક્ત સેવા મળી તેવા ભાવથી રાજી થયા. મામાએ કહ્યું, "દુઃખમાં જેવા હૃદયના સાચા ભાવ સાથે મહારાજને સંભારી ભજન કરતા હતા, તેવા જ ભાવ સાથે મહારાજને ભજી તેમને રાજી કરવાના ઉપાય સદાય કરતા રહેજો, આપને માટે એ જ સેવા છે." આવું સાંભળતાં હરિભક્ત કૃત-કૃત્ય થઈ મામાને વંદી રહ્યા.

અનાદિમુક્ત ક્યારેય પોતાપણું ન લાવતાં દરેક કાર્ય શ્રીજીમહારાજની કૃપાથી થાય છે, કર્તાપણું કેવળ પ્રભુજીનું છે તેમ દર્શાવી હંમેશાં દાસભાવ રાખી આપણને પોતાના વર્તન દ્વારા તેમ કરવાનું શીખવે છે.