પ્રસંગ : ૫
અનાદિમુક્ત ક્યારેય પોતાનું સામર્થ્ય છતું કરવામાં નથી માનતા. કોઈ બાહ્યાડંબર નહિ કે કોઈ દંભ નહિ કે સામર્થ્યનો ગર્વ નહિ. અને એમાંય મામા તો સામર્થ્ય ઢાંકવામાં પરાકાષ્ઠારૂપ હતા. જ્યાં સુધી તેમના સામર્થ્યથી કોઈ વાકેફ ન હોય કે કોઈ અનુભવ ન થયો હોય, ત્યાં સુધી કોઈ સામાન્ય જીવ તેમને ઓળખી ન શકે. એટલું બધું ઢાંકીને વર્તતા, છતાં જે ખરા મુમુક્ષુ હોય અને ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરે તો મામા મુક્તપુરુષ છે તે જણાયા વગર રહે નહિ. તેમના સાર્મથ્યના સત્સંગમાં ઘણાને અવિસ્મરણીય અનુભવો થયા હશે, પરંતુ સાથે રહેતા સેવકોને તો નાની-નાની બાબતોમાં પણ તેમના સામર્થ્યમાંના ગુણોના દર્શન થતા.
કેટલીક વખત એવું બનતું કે સેવકને મુંબઈ કાર્ય અર્થે જવાનું હોય અને નીકળતાં પહેલાં મામાના આશીર્વાદ લેવા જાય એવે સમયે જ મામા મુંબઈથી પુસ્તકો લાવવાના હોય તેનું લીસ્ટ બનાવે. તે વિશે સેવકને સમજાવે. બીજી અગત્યની સૂચનાઓ આપે. એમ કરતાં ટ્રેનનો સમય થઈ જાય ત્યારે બીજા સેવક મામાને સંભારે કે મામા હવે આમને આજ્ઞા આપો ટ્રેનનો સમય થઈ ગયો છે, પછી મોડું થશે ને નહિ પહોંચી શકાય. એવે વખતે એ વાત પર ધ્યાન આપ્યા વગર મામા સેવકને સમજાવવાનું ચાલુ રાખે. પુસ્તકોનું લીસ્ટ બરાબર સમજાવે. મુંબઈમાં બીજા જે કામો પતાવવાના હોય તેનસૂચનાઓ આપે. સહેજ પણ ઉતાવળા થયા વગર શાંતિથી સેવકને બધું સમજાવે. બીજા સેવકો વારંવાર ઘડિયાળ સામું જોઈ ફરી મામાને કહે, "હવે ટ્રેન નહિ મળે ઘણું મોડું થઈ ગયું છે." ત્યારે પોતે કહે, "મને નહિ ખબર હોય? ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે. એ જશે પછી જ ટ્રેન ઉપડશે." એમ કહી જે સૂચનાઓ આપવાની હોય તે પૂરી કરે. સેવકને તે બરાબર સમજાઈ છે કે નહિ તેની ખાતરી કરી પછી જ સેવકને રજા આપે. સેવક ઉતાવળા સ્ટેશને પહોંચે ત્યારે ખબર પડે કે ટ્રેન થોડી લેઈટ છે. મૂકવા ગયેલા સેવકો ઘરે આવી મામાને વાત કરે કે ટ્રેન લેઈટ હોવાથી તેઓ શાંતિથી પહોંચી ગયા અને તેઓ ટ્રેનમાં બેઠા પછી જ ટ્રેન ઉપડી. આવું સાંભળતાં મામા કહે, "મને નહિ ખબર હોય? આખો સમય મારી સાથે રહો છો છતાં ભૂલી જાઓ છો." આવું સાંભળી સેવકો કાન પકડે. એમને થાય કે મામાના સામાન્ય વર્તનને કારણે આપણે ખરેખર ભૂલી જઈએ છીએ કે આપણે કોની સેવામાં છીએ.
મહારાજના અનાદિમુક્તમાં અગાધ સામર્થ્ય રહેલું હોય તેમાં શું નવાઈ! આવી તો અનેક નાની-નાની બાબતોમાંથી સેવકોને અનેક વખત મામાના સામર્થ્યના અનુભવો થતા જેના તેઓ સાક્ષી છે.