પ્રસંગ : ૪૫

આદરજ ગામ ધન્ય બન્યું હતું. મુક્તરાજ સોમચંદબાપા અને મુક્તરાજ મામા બંને મુક્તો ગામમાં બિરાજમાન હતા. સવારથી જ લોકસમૂહ જોગ-સમાગમ કરવા ઊમટી પડ્યો હતો. બપોર થતાં સૌ આરામ કરવા પધાર્યા. વૈશાખનો ઉનાળો. તડકો બરાબર જામ્યો હતો. મામાના કોમળ શરીરે આ ગરમી સહન થતી નહોતી. આથી સોમચંદબાપાને દૂરનું વટવૃક્ષ બતાવતા બોલ્યા, "ચાલો આપણે ત્યાં જઈએ. ઝાડ નીચે થોડી ઠંડક લાગશે અહીં તો બહુ ગરમી થાય છે." મામાએ જે જગ્યા બતાવી તે જગ્યાએ જવાય તેવું ન હતું. બરોબર જગ્યા નહોતી. આથી સોમચંદબાપાએ કહ્યું, "ભાઈ, ત્યાં જવાય તેવું નથી. તમારે લાયક તે જગ્યા નથી." મામા કહે, "પણ અહીં તો ગરમી બહુ લાગે છે. ઝાડનો પવન આવે તો કંઈક સારું લાગે." આ લોકની દ્રષ્ટિએ સોમચંદબાપા મામા કરતાં ઉંમરમાં મોટા, પણ તેઓ મામાની સ્થિતિ જાણતા. આથી કહે, "ભાઈ, ત્યાં જવાનું રહેવા દઈએ. હું આપને અહીં જ ઠંડક કરી આપું તો કેમ?"

સોમચંદબાપાએ બે-ત્રણ સેવકો બોલાવ્યા. એક ધોતિયું ભીનું કર્યું. ભાઈને કહે, "આપ મહારાજ પોઢાડો." મામા સૂતા એટલે ખાટલા પાસે ઊભા રહી ભીનું ધોતિયું સામ-સામે છેડે પકડ્યું. એક બાજુ પોતે અને બીજી બાજુ સેવક એમ પકડી ઉપર-નીચે કરવા લાગ્યા જેથી ઠંડી હવા આવવા લાગી. મામાએ બાપાને તેમ કરવાની ના પાડી છતાં બાપા કરતા રહ્યા. કહે, "હું કરીશ તો આ બધાને તમારી સેવા કરવાનો મહિમા થશે. મને કરવા દો." આમ કહી પોતે પાછા પવન નાખવા લાગ્યા. મામાએ ઊભા થઈ ફરી ના પાડી એટલે થોડીવાર પોતે પવન નાખી અન્ય સેવકોને કેવી રીતે પવન નાખવો તે શિખવાડ્યું અને એમ સેવા કરતા શિખવ્યું. આવી ઠંડકની રીતથી મામા ઘણા રાજી થયા. કહે, "આ કિમીયો તમે ઠીક શોધી કાઢ્યો."

આમ સોમચંદબાપાએ સેવા કરવાની રીત શિખવાડી શિખવ્યું કે મુક્તોની તકલીફ ગમે તે રીતે સેવાનો ભાવ સમજી તરત દૂર કરવી. તેમાં બહુ મોટો લાભ મળી જાય છે.