પ્રસંગ : ૨૮
મુક્તરાજ દિવાળીબાના દર્શને કેટલાંક હરિભક્તો આવ્યા હતા. બાના દર્શન કરી તેઓ બધા બા પાસે બેઠા. બધાના ખબર-અંતર પૂછ્યા બાદ બાએ પૂછ્યું, "તમે ભાઈના (મામાના) દર્શન કરી આવ્યા?" હરિભક્તોએ ના પાડી એટલે કહે, "તેમના દર્શને તો અચૂક જવું. તેઓ બહુ જ ઊંચી સ્થિતિના મહારાજના લાડીલા અનાદિમુક્ત છે. તેમનો રાજીપો તો જરૂરથી લેવો. તેમની સેવા કરી તેમને રાજી કરી લેવા. તેમને અડીને આવેલો વાયરો પણ કોઈને અડે તો તેનુંય કલ્યાણ થાય તેવા મહાન છે. તેઓ પોતાની સામર્થી ઢાંકીને વર્તે છે. માટે કોઈને તેમની જાણ થતી નથી. બાકી બહુ જબરા મુક્ત છે. તેમનું ધ્યાન શ્રીજીમહારાજ રાખે છે. એક વખત તેઓ હરિભક્તો સાથે કાલુપુર સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયા હતા. મંદિરમાં ઘણા હરિભક્તો હતા, પરંતુ ભાઈને એ બધાથી જુદા તારવા માટે મહારાજે તેમના માથા પર ચંદનવૃષ્ટિ કરી. ભાઈ જ્યાં જાય, ત્યાં ચંદનવર્ષા થાય. બીજે ક્યાંય ન થાય. મહારાજે પણ જણાવ્યું કે આ અમારા લાડીલા મુક્ત છે. ભાઈના માથા પર આવી ચંદનવૃષ્ટિ થતા જોઈ કેટલાક હરિભક્તોને ભારે અચરજ થયું. આવી વાતથી જે મુમુક્ષુ હોય તેને મહિમા થાય. બાકી બીજા તો તેમાંય કાંઈક તર્ક શોધવા બેસી જાય.
એક વખત અમે હું, લીલાબેન ધ્રાંગધ્રા ગામમાં ચાલતા ઘરે જતા હતા. ભાઈ પણ અમારી સાથે હતા. ભાઈ થોડા આગળ હતા અને અમે બહેનો પાછળ. રસ્તામાં એક કાશી કૂવો છે તે આવ્યો. ભાઈ તો ચાલતા આગળ નીકળી ગયા, પણ તેમના દર્શન કરવા તે કૂવામાંથી અસંખ્ય ભૂત નીકળ્યા અને કૂવાની પાળ પર બેસી ગયા. ત્યારે મેં આ જોયું. મેં ભાઈને કહ્યું, "ભાઈ, ઓ નારાયણભાઈ, જરા પાછા વળો. આ જુઓ તો ખરા! આ કેટલા બધા ભૂતો બિચારા તમારા દર્શન માટે ઊભા છે. જરા તેમના પર દ્રષ્ટિ તો કરો." ભાઈ દયા લાવી પાછા વળ્યા ને એ બધાય ભૂત પર કૃપાદ્રષ્ટિ કરી બધાયનું કલ્યાણ કર્યું. અવગતે ગયેલા જીવોનું દ્રષ્ટિમાત્રમાં કલ્યાણ કરવું આ ગમે-તેવાથી શક્ય બનવાની વાત નથી. ભાઈ તો બહુ સમર્થ છે. તેમની કોઈ જોડ નથી. ભાઈ તો ભાઈ છે. તમે આટલે બધે દૂરથી અહીં આવો છો તો ભાઈના દર્શન કર્યા વગર ક્યારેય જવું નહિ. તેમના દર્શન તો અચૂક કરવા."
હરિભક્તોને આજે ઘણો લાભ મળ્યો હતો. આજે તેઓ મામાને થોડા જાણી શક્યા હતા. તેઓને થયું, આજે આપણને બાએ મામાનો ખરો મહિમા સમજાવ્યો. મોટા જ મોટાને ઓળખાવી શકે અને તેઓ સમજાવે ત્યારે જ આપણા જેવા જીવો સમજી શકે. બાકી આપણી બુદ્ધિએ આપણે મોટાને ઓળખી શકવા સમર્થ નથી. હરિભક્તો બાને પગે લાગી મામાના દર્શને ગયા.
દિવાળીબા જેવા સમર્થ મુક્ત પણ મામાની સામર્થી જાણતા, આથી તેમના દર્શને આવનારને મામાનો મહિમા કહેતા અને તેમનો જોગ-સમાગમ કરી લેવાનું જણાવતા.