૧૦ કંઠીનો મહિમા
દેવબાને પોતાના પુત્ર અબજીભાઈ બહુ વહાલા.
તેમને જાત-જાતના લાડ લડાવે.
એક વખત પુત્રને ગળામાં હાંસડી પહેરાવવાનું મન દેવબાને થયું.
અબજીભાઈને ઘરમાં બોલાવી ગળામાં હાંસડી પહેરાવી.
અબજીભાઈ કહે, 'મા, આ શું છે?'
દેવબા કહે, 'હાંસડી છે તે ગળામાં પહેરાય. બધા પહેરે છે તમે પણ પહેરો.'
અબજીભાઈને ગમ્યું નહિ. તેમને ગમે-તેમ હાંસડી કાઢી નાંખવી હતી.
દેવબાને કહે, 'આ કેમ ડોકમાં ઘાલી છે?'
દેવબા કહે, 'તે ઘરેણું છે. તમને સરસ લાગે છે. પહેરી રાખો.'
અબજીભાઈ કહે, 'મા! આ પહેરીએ તો શું થાય?'
દેવબા કશો ઉત્તર આપી શક્યાં નહિ.
અબજીભાઈ કહે, 'મને આનો ભાર લાગે છે. આ તો ગળા-બંધણું છે.'
દેવબા કહે બધા તો પહેરે છે.'
અબજીભાઈ કહે, 'ભલે પહેરે. ડોકમાં તો કંઠી ખપે. હાંસડી તો ગળે ફાંસડી જેવી છે. કંઠી ન પહેરી હોય તો કોઈને કેમ ખબર પડે કે, આ સત્સંગી છે?'
દેવબા સાંભળતા રહ્યાં.
અબજીભાઈ કહેતા રહ્યા, 'કંઠી પહેરી હોય તો સત્સંગી કહેવાઈએ. ભગવાન રાજી થાય. અને હાંસડીથી શું થાય? તે તો બધાને સારું લગાડવા માટે છે, પણ ભગવાન તો ગળામાં ફક્ત કંઠી પહેરી હોય તેમાં જ રાજી થાય.'
દેવબા કહે, 'બેટા! તમારી વાત સાચી છે. બધા પહેરતા હતા તેથી મેં તમને પહેરાવી.'
અબજીભાઈ કહે, 'સત્સંગીને કંઠી તે જ સાચું ઘરેણું છે.'
દેવબા પુત્રની વાતો સાંભળી ખૂબ ખુશ થયાં.
તેમને પુત્ર પર ગૌરવ થયું કે, પુત્ર આવી સાચી સમજણ ધરાવે છે.
---------
શબ્દનો અર્થ
હાંસડી = ગળામાં પહેરવાનું સોના ચાંદીનું ઘરેણું
ઘાલી = નાંખી
ઘરેણું = આભૂષણ
ડોક = ગળું
ખપે = જોઈએ
→ કંઠમાં તુલસીની બેવડી માળા એ સત્સંગીની નિશાની છે.
→ સત્સંગીનું સાચું ઘરેણું કંઠી છે.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧. દેવબાએ પુત્રને ગળામાં શું પહેરાવ્યું?
૨. અબજીભાઈને તે કેવું લાગતું હતું?
૩. અબજીભાઈ કંઠીને શું કહે છે?
૪. કંઠી પહેરી હોય તે કેવો કહેવાય?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧. માતાએ અબજીભાઈને ગળામાં -------- પહેરાવી.
૨. હાંસડી ગળે ---------- જેવી છે.
૩. ગળામાં તો ------------ ખપે.
૪. ----------- હોય તો ----------- રાજી થાય.
યોગ્ય ક્રમમાં ગોઠવો.
૧. સત્સંગીને ઘરેણું છે સાચું એ જ કંઠી.
૨. ફાંસડી હાંસડી ગળે તો છે જેવી.