૫ અનેક સ્વરૂપે દર્શન

એક વખતની વાત છે.

અબજીભાઈ પિતાને કામમાં મદદ કરતા હતા.

કામ પૂરું થવા આવ્યું હતું.

આ બાજુ મિત્રો વાતો કરતા હતા.

નાથો કહે, 'આ અબજીભાઈ પકડદાવમાં કોઈનાથી ક્યારેય પકડાતા નથી.'

કુંવરજી કહે, 'તેઓ બહુ ઝડપથી દોડે છે, તેથી જ તે આપણા નેતા છે.' ધનજી કહે, 'આજે આપણે બધા ભેગા મળીને તેમને પકડી પાડીએ.'

કેસરો બોલ્યો, 'પણ અબજીભાઈ હજી સુધી આવ્યા કેમ નહિ?

ત્યાં તો અબજીભાઈ આવી પહોંચ્યા. બધા ખુશ થઈ ગયા.

ગાંગજીએ વાત શરૂ કરી, 'અબજીભાઈ તમે પકડદાવમાં ક્યારેય પકડાતા નથી તે.....'

અબજીભાઈ વચ્ચે જ બોલ્યા, 'કારણ કે હું ભગવાનને સાથે રાખીને દોડું છું અને તમે બધા એકલા દોડો છો માટે મને પકડી શકતા નથી.'

કેસરો કહે, 'આજે અમે બધાએ એવું નક્કી કર્યું છે કે, તમે એકલા દોડો અને અમે બધા તમને પકડીએ.'

અબજીભાઈ હસતા-હસતા બોલ્યા, 'સારું. ચાલો આજે એવું કરીએ.' કાનજી કહે, 'આજે જોઈએ હવે, અબજીભાઈ કેવી રીતે નથી પકડાતા.' ધનજી કહે, 'બધા ચારેબાજુ ગોળાકારમાં ફેલાઈ જાવ, એટલે અબજીભાઈ છટકી શકશે નહિ.'

બરાબર વ્યૂહ ગોઠવાઈ ગયો.

અબજીભાઈએ 'જય સ્વામિનારાયણ' કહીને દોડવાનું શરૂ કર્યું.

બધા પાછળ દોડ્યા.

ગાંગજી કહે, 'કેસરા ત્યાં ક્યાં દોડે છે? અબજીભાઈ તો મારી આગળ દોડે છે. અહીં આવ.'

કેસરો કહે, 'ના. અબજીભાઈ મારી આગળ દોડે છે. તું અહીં આવ.'

ધનજી કહે, 'તમે બધા અહીં આવો અબજીભાઈ આ રહ્યા.'

ત્યાં તો કુંવરજી બોલ્યો, 'જલદી આવો, બધા ભેગા મળી અબજીભાઈને પકડી લઈએ.'

અબજીભાઈએ જેટલા મિત્ર તેટલા પોતાના સ્વરૂપ કર્યાં હતા.

દરેક જણ પોતાની આગળ દોડતા અબજીભાઈને પકડે.

કુંવરજીએ ધનજી સામે જોયું.

અબજીભાઈ ધનજીની આગળ દોડતા હતા.

જાદવજી સામે જોયું તો અબજીભાઈ તેની આગળ પણ દોડતા દેખાયા.

આવું નવીન આશ્ચર્ય જોઈ તે તો બેસી ગયો.

બધાને કહે, 'બધા બેસી જાવ. અબજીભાઈ કોઈનાથી નહિ પકડાય. હું તો ખૂબ થાકી ગયો છું.'

બધા હાંફતા-હાંફતા ઝાડ નીચે આવીને બેઠા.

બધા એક-બીજાને કહેવા લાગ્યા કે, 'અબજીભાઈ મારી આગળ દોડતા હતા. તમે આવ્યા નહિ. નહિ તો આજે પકડાઈ જાત.'

કુંવરજી કહે, 'અબજીભાઈએ તો જેટલા આપણે છીએ તેટલા સ્વરૂપો કર્યા હતા. મેં જોયું છે. અબજીભાઈ બધાના આગળ દોડતા હતા.'

બધા આશ્ચર્ય પામ્યા.

બધા કહે, 'ચાલો અબજીભાઈને જ પૂછીએ કે, તેમણે આજે આ શું નવીન આશ્ચર્ય કર્યું?'

અબજીભાઈએ બધા સ્વરૂપો પોતામાં સમાવી દીધા.

એક સ્વરૂપે થઈ મિત્રો પાસે હસતા-હસતા આવ્યા.

બધા એક સાથે પૂછવા લાગ્યા, 'અબજીભાઈ આજે આ શું નવીન આશ્ચર્ય કર્યું? અમે તો પકડી-પકડીને થાકી ગયા. તમે તો બધાની આગળ દોડતા હતા!'

અબજીભાઈ કાંઈ જાણતા ન હોય તે રીતે બોલ્યા, 'મને કાંઈ ખબર નથી. ભગવાને તમને જે દેખાડ્યું હોય તે ખરું.'

અબજીભાઈની વાત કોઈને ગળે ન ઉતરી.

બધા સમજી ગયા કે, આ આપણા જેવા સામાન્ય બાળક નથી.

---------

→ અનાદિમુક્ત માટે કોઈ કાર્ય અશક્ય ન હોય.

→અનાદિમુક્તની રમત પણ લીલા જ ગણાય.

→ અનાદિમુક્ત પોતાના દરેક ગુણનો શ્રેય ભગવાનને જ આપે છે.

→ પોતાથી થઈ શકે એવા કાર્યો કરી માતા-પિતાને તેમના કાર્યમાં મદદરૂપ થવું. દરેક ક્રિયામાં ભગવાનને સાથે રાખવા.

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧. અબજીભાઈ વાડીમાં શું કરતા હતા?

૨. મિત્રોએ શું નક્કી કર્યું?

૩. અબજીભાઈ શા માટે પકડાતા નહિ?

૪. અબજીભાઈએ ગાંગજીને ન પકડાવા માટે ક્યું કારણ આપ્યું?

૫. અબજીભાઈને પકડવા મિત્રોએ કઈ યુક્તિ અજમાવી?

૬. અબજીભાઈના મિત્રોના નામ આપો?

નીચેની ખાલી જગ્યા પૂરો.

૧. હું ------------ ને સાથે રાખીને દોડું છું.

૨. તમે ------------ દોડો અને ------------ તમને પકડીએ.

૩. અબજીભાઈએ ------------ કહીને દોડવાનું શરૂ કર્યું.

૪. અબજીભાઈએ જેટલા આપણે છીએ તેટલા -------- કર્યા હતા.

વાક્ય પૂર્ણ કરો.

૧. મને કાંઈ............ તે ખરું.