૪૦ ખારું પાણી મીઠું કર્યું
બાપાશ્રી સંઘની સાથે યાત્રાએ નીકળ્યા હતા.
બાપાશ્રી સંઘ સાથે હોય એટલે સંઘમાં હરિભક્તો પણ ઘણા હોય.
બધા ભગવાનનું ભજન કરતા યાત્રા કરે.
એક વખત એક ગામથી બીજે ગામ જવા નીકળ્યા.
બીજું ગામ દૂર હતું.
સંઘમાં બધા વાતો કરે, 'બીજું ગામ દૂર છે. ત્યાં પહોંચતા વાર લાગશે. ભૂખ બહુ લાગી છે.'
એક હરિભક્ત કહે, 'બાપાને વાત કરીએ.'
બાપાશ્રીને વાત કરી, 'બાપા, સંઘમાં બધાને ભૂખ લાગી છે. બીજું ગામ દૂર છે. આપ આજ્ઞા કરો તો અહીં ટીમણ કરીએ.'
બાપાશ્રીએ પૂછ્યું, ' આ કયા ગામનું પાદર છે?'
હરિભક્ત કહે, 'જોશીપરા બાપા.'
બાપાશ્રી કહે, 'સારું બધા અહીં ટીમણ કરો.'
પાસે એક કૂવો પણ હતો.
થોડા માણસો કૂવામાંથી પાણી લેવા ગયા.
સંઘના બીજા હરિભક્તો કહે, 'એ કૂવાનું પાણી ખારું છે અને કડચું પણ છે.'
બધા પાછા આવ્યા.
હરિભક્તો કહે, 'તમે બેસો અમે નજીકથી બધા માટે પીવાનું પાણી લઈ આવીએ છીએ.'
બીજા કેટલાક હરિભક્તો પણ સાથે ગયા.
બાપાશ્રી કહે, 'મારે નાહવા જવું છે.'
બાપાશ્રી કૂવા પાસે ગયા.
હરિભક્તો કહે, 'બાપા, કૂવાનું પાણી ખારું અને કડચું છે. ઢોર પણ એ પાણી પીતા નથી.'
બાપાશ્રી કહે, 'ચાલો જોઈએ.'
હરિભક્ત કહે, 'બાપા, અમને ખબર છે. વર્ષોથી આ કૂવાનું પાણી કોઈ પીતું નથી.'
બાપાશ્રીએ એક લોટો પાણી કાઢ્યું. ભગવાનનું નામ લીધું અને પાણી પાછું કૂવામાં નાંખ્યું.
હરિભક્તને કહે, 'એક લોટો ભરી પાણી કાઢો.'
હરિભક્તે પાણી કાઢ્યું.
બાપાશ્રીએ પાણી ગાળી પીધું.
કહે, 'આ ક્યાં ખારું પાણી છે? આ તો સરસ મીઠું પાણી છે.'
બાપાશ્રીની વાત સાંભળી સંઘના લોકો દોડતા ત્યાં આવ્યા.
બધાએ પાણી ચાખ્યું.
પાણી ખરેખર મીઠું હતું.
ટીમણ કરી બધાએ એ પાણી પીધું.
બધા વાતો કરવા લાગ્યા, 'બાપાના પ્રતાપથી કૂવાનું ખારું પાણી મીઠું બની ગયું.'
બધા બીજે ગામ જવા ચાલવા લાગ્યા.
---------
શબ્દનો અર્થ
કડચું = કડવું
ઢોર = પ્રાણી
ટીમણ = નાસ્તો
→ અનાદિમુક્તના સંસર્ગથી ખારાં પાણી રૂપી રજોગુણી અને તમોગુણી જીવો મીઠાં પાણી જેવા સાત્વિક બની જાય છે.
→ જોશીપરા ગામની બહાર જે કૂવાનું ખારું પાણી બાપાશ્રીએ મીઠું કર્યું હતું તે પાણી આજે પણ મીઠું છે. અને બાપાશ્રીની મહાનતાની સાક્ષી પૂરે છે.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧. બાપાશ્રી કોની સાથે યાત્રાએ નીકળ્યા હતા?
૨. બીજું ગામ આવે તે પહેલાં સંઘના લોકોને શું કરવું હતું?
૩. કૂવાનું પાણી કેવું હતું?
૪. બાપાશ્રીએ કૂવાનું પાણી મીઠું કેવી રીતે કર્યું?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧.બધા ભગવાનનું ---------- કરતા યાત્રા કરે.
૨.આપ આજ્ઞા કરો તો અહીં ------------- કરીએ.
૩.કૂવાનું પાણી ---------- પણ છે.
૪.પાણી ખેંચ્યું ------- નું નામ લીધું અને પાણી ----- માં નાખ્યું.
૫. બાપાના પ્રતાપથી કૂવાનું પાણી --------- માંથી ----- બની ગયું.