૨૩ સદાય બાળકોની રક્ષામાં
ભાઈશ્રીની સુંદર વાડી.
ભાઈશ્રીની વાડી એટલે દરેક બાળકને મન પોતાની વાડી.
ગામના બાળકોને મન થાય ત્યારે આવે.
જે જોઈએ તે લઈ જાય.
એક વખત ત્રણ બાળકીઓ વાડીમાં આવી.
ઝાડ પર ચડી પોપટીઓ તોડવા લાગી.
દેવુબાઈએ દૂરથી આ જોયું.
તેમણે બૂમ મારી 'દીકરીઓ, પડી જશો.'
એક છોકરીએ જોયું તે બીજીને કહે, 'દેવુબાઈ આવે છે જલદી નીચે ઊતર.'
બીજી છોકરી જલદી જલદી ઊતરવા લાગી.
ત્રીજી છોકરી ઊતરી શકી નહિ. તે વધારે ઉપર ચડી ગઈ હતી.
દેવુબાઈને ત્યાં આવતા જોઈ એક બાળકી કહે, 'જલદી ભાગ દેવુબાઈ અહીં જ આવે છે.'
બંને છોકરીઓ ભાગીને એક ઝાડ પાછળ સંતાઈ ગઈ.
ત્રીજી છોકરી ઝાડ પર જ રહી ગઈ.
બંને છોકરી દૂરથી જ ત્રીજીને કહેવા લાગી, 'જલદી નીચે ઊતરીને આવતી રહે.'
ત્રીજી કહે, 'હું અહીંથી ઊતરીશ તો પકડાઈ જઈશ.'
પહેલી કહે, 'તો પછી પેલી બાજુથી ઊતરી જા.'
છોકરી ઝાડની તે બાજુથી ઊતરવા ગઈ.
તે બાજુ ડાળી પાતળી હતી.
છોકરી જેવી તે ડાળ પર ગઈ તરત ડાળ તૂટી ગઈ.
છોકરી ડાળ પર લટકાઈ ગઈ.
ભાઈશ્રીએ દૂરથી આ જોયું.
છોકરી પડી જાય તેની પહેલા દોડતા ત્યાં આવી છોકરીને તેડી લીધી.
ભાઈશ્રી, કહે, 'બેટા! ગભરાઈશ નહિ તને ક્યાંય વાગ્યું નથી.'
ભાઈશ્રી પેલી બંને છોકરીઓ પાસે પણ હતા.
તેમને કહે 'દીકરીઓ ગભરાઓ નહિ.'
પહેલી કહે, 'દેવુબાઈ વઢશે.'
ભાઈશ્રી કહે, 'કોઈ નહિ વઢે. તમારે જે જોઈએ તે લઈ લો.'
બંને જગ્યાએ ભાઈશ્રી એક જ સમયે હતા.
ભાઈશ્રીએ બે સ્વરૂપો કર્યા હતા.
બે સ્વરૂપો કરી ત્રણે ય છોકરીઓને એક સાથે સમજાવતા હતા.
દેવુબાઈને કહે, 'બાળકોને શું કામ વઢવાનું? ઝાડ મહારાજનાં અને બાળકો પણ ભગવાનના. તેના ફળો તો પક્ષી પણ ખાય અને બાળકો પણ ખાય.'
દેવુબાઈ કહે, 'મને એમ કે, દીકરીઓ પડી જશે.'
ભાઈશ્રી કહે, 'તમારી બીકે અત્યારે આ દીકરી પડી જાત.'
દેવુબાઈ કહે, 'હવે ક્યારેય નહિ વઢું.'
ભાઈશ્રીના બે સ્વરૂપો જોઈ દીકરીઓ આશ્ચર્યમાં પડી ગઈ.
ભાઈશ્રીએ એક સ્વરૂપ કરી બધાને પાસે બેસાડી પ્રેમથી પોપટીઓ આપી.
ત્રણે ય બાળકીઓ ખુશ થઈ ગઈ.
હરખાતી-હરખાતી ઘેર ગઈ.
---------
શબ્દનો અર્થ
હરખાવું = આનંદ પામવું
પોપટી = પીપળાનું ફળ
→ ભાઈશ્રીને બાળકો ખૂબ જ વહાલા, જેથી બાળકોને કષ્ટ ન થાય તેનું હંમેશાં ધ્યાન રાખતા અને તેમની રક્ષામાં પહોંચી જતા.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નના ઉત્તર આપો.
૧. બાળકીઓ ઝાડ પર શું કરતી હતી?
૨. બાળકીઓ ઝાડ પરથી નીચે શા માટે ઊતરવા લાગી?
૩. ત્રીજી બાળકી શા માટે પડી ગઈ?
૪. ભાઈશ્રીએ દેવુબાઈને શું કહ્યું?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧. ભાઈશ્રીની --------- એટલે દરેકને મન પોતાની વાડી.
૨. ઝાડ પણ મહારાજના અને ------- પણ ભગવાનના.
૩. ભાઈશ્રીએ બે -------- કર્યા હતા.