૩૧ ઓરતામાં ધામ
ચુનીલાલ નામે એક બ્રાહ્મણનો દીકરો.
ચુનીલાલ ડાહ્યો અને ભગવાનનો ભગત.
ભણવામાં પણ હોંશિયાર. તે મુંબઈમાં રહી અભ્યાસ કરે.
ચુનીલાલને સ્વામી ઈશ્વરચરણદાસજી સાથે બહુ હેત.
સ્વામી પાસે સમાગમ કરવા જાય.
સ્વામી તેને ભગવાનની વાતો કરે.
સ્વામી કહે, 'ચુનીલાલ! ભગવાનના અનાદિમુક્તને ઓળખી તેમનો જોગ કરી લેવો.'
ચુનીલાલ કહે, 'અનાદિમુક્તના જોગથી શું થાય?'
સ્વામી કહે, 'અનાદિમુક્ત દ્વારા મહારાજ સર્વે ક્રિયા કરે છે. તેમના જોગથી મહારાજ ઓળખાય. તેમનો રાજીપો થાય તો મહારાજનું ધામ મળે.'
ચુનીલાલ કહે, 'સ્વામી, એવા અનાદિમુક્ત કોણ છે?'
સ્વામી કહે, 'કચ્છમાં બળદિયા નામે ગામમાં તેઓ રહે છે. તેમનું નામ અબજીભાઈ છે.'
ચુનીલાલને દર્શન કરવાની આતુરતા થઈ.
સ્વામીને કહે, 'સ્વામી, ચાલો તેમના દર્શન કરવા બળદિયા જઈએ.'
સ્વામી કહે, 'અમે હમણાં જ જઈને આવ્યા છીએ. હવે તેમની આજ્ઞા વગર ન જવાય.'
ચુનીલાલ નિરાશ થઈ ગયો.
સ્વામી કહે, 'ચુનીલાલ, ઉદાસ ન થા. તું દર્શન કરવા જા.'
ચુનીલાલ કહે, 'સ્વામી, મેં તો અબજીભાઈના ક્યારેય દર્શન કર્યા નથી. તમે સાથે આવો તો સારું.'
ચુનીલાલ સ્વામીને ખૂબ આગ્રહ કરવા લાગ્યો.
સ્વામી કહે, 'ચુનીલાલ, અમે પાછા બળદિયા જઈશું ત્યારે તને પત્ર લખીશું. ત્યારે તું આવજે.'
ચીનુલાલ કહે, 'સ્વામી, પત્ર મુંબઈ લખજો. હું તો મુંબઈ ભણવા જઈશ.'
ચુનીલાલ મુંબઈ ભણવા ચાલ્યો ગયો.
મહિનાઓ વીતી ગયા.
એક દિવસ ચુનીલાલને સ્વામીનો પત્ર મળ્યો.
ચુનીલાલ ખુશ થઈ ગયો.
સ્વામીએ લખ્યું હતું, ચુનીલાલ ! અમે બળદિયા આવ્યા છીએ તારે અબજીભાઈનાં દર્શન કરવાં હોય તો તું બળદિયા આવ.
ચુનીલાલ વિચારમાં પડ્યો, મારી પરીક્ષા ચાલે છે. કેવી રીતે જાઉં?
તેણે સ્વામીને પત્ર લખ્યો.
સ્વામી, મારી અર્ધી પરીક્ષા થઈ ગઈ છે અને અર્ધી બાકી છે. પરીક્ષા પછી હું મુંબઈથી સીધો બળદિયા આવું કે મારા ઘરે જઈને પછી આવું. તે મને લખી જણાવો.
સ્વામીએ ભાઈશ્રીને પત્ર આપ્યો.
ભાઈશ્રી તો અંતર્યામી, બધું જાણતા હતા.
સ્વામીને કહે, 'તેને લખો ઘરે જઈને પછી અહીં આવે.'
ચુનીલાલ પરીક્ષા આપી ઘરે ગયો.
ત્યાં તો માંદો પડ્યો.
ચુનીલાલ તેના પિતાજીને કહે, 'હું ક્યારે સાજો થઈશ? મારે બળદિયા જવું છે.'
પિતાજી કહે, 'બેટા, જલદી સારું થશે. વૈદ્યની દવા ચાલુ જ છે.'
ચુનીલાલ રોજ તેના પિતાજીને પૂછે.
મંદવાડમાં આખો દિવસ એ જ વિચાર્યા કરે, ક્યારે સાજો થાઉં અને ક્યારે અનાદિમુક્ત અબજીભાઈના દર્શન કરું.
ચુનીલાલને દર્શનની બહુ તાલાવેલી લાગી હતી.
ચુનીલાલ સાજો ન થયો.
તેનું આયુષ્ય પૂરું થઈ ગયું હતું.
મહારાજ સાથે ભાઈશ્રીએ ચુનીલાલને દર્શન આપ્યા.
ચુનીલાલ તેના પિતાજીને કહે, 'પિતાજી, મહારાજ મને ધામમાં તેડી જવા આવ્યા છે.'
પિતાજી કહે, 'ક્યાં છે? મને નથી દેખાતા.'
ચુનીલાલ કહે, 'આ ઊભા.' ચુનીલાલ રાજી થઈ ગયો.
મહારાજ કહે, 'ચુનીલાલ, આ અમારા અનાદિમુક્ત અબજીભાઈ. જેના દર્શન કરવા તું બળદિયા જવાનો હતો. તેઓ તને દર્શન દેવા પધાર્યા છે.'
ચુનીલાલ પિતાજીને કહે, 'પિતાજી, મહારાજ સાથે ભાઈશ્રી પણ છે.'
પિતાજી કહે, 'તું ક્યાં ભાઈશ્રીને ઓળખે છે? તને કેવી રીતે ખબર પડી?'
ચુનીલાલ કહે, 'મહારાજે ઓળખાણ પડાવી.'
મહારાજ કહે, 'ચુનીલાલ, તે અમારા અનાદિમુક્તના દર્શનનો મનમાં ઓરતો કર્યો હતો ને?'
ચુનીલાલ કહે, 'હા મહારાજ. મારે તેમના દર્શન કરવાની મનમાં ઘણી તાણ હતી.'
મહારાજ કહે, 'તે મનમાં ઓરતો કર્યો એટલામાં જ અમે તને ધામમાં લઈ જવા આવ્યા છીએ. અબજીબાઈએ અમને કહ્યું કે, ચુનીલાલે ખરો ઓરતો કર્યો છે માટે તેમને તમે ધામમાં તેડી જાવ.'
ચુનીલાલ કહે, 'મહારાજ બહુ દયા કરી.'
મહારાજ કહે, 'અમારા અનાદિમુક્તને અંતરના ખરા ભાવથી સંભારે તેને અમે ધામમાં તેડી જઈએ છીએ. માટે હવે તું ચાલ.'
ચુનીલાલે પિતાજીને કહ્યું, 'પિતાજી હું જાઉં છું.'
મહારાજ તેને ધામમાં તેડી ગયા.
---------
શબ્દનો અર્થ
ઓરતો = અભિલાષા
હેત = પ્રેમ
સમાગમ = સોબત, સહવાસ
જોગ = સંગ
તાલાવેલી = અધિરાઈ
→ સાચા મનથી અનાદિમુક્તને સંભારીએ તો મુક્ત દિવ્યરૂપે આવીને પણ દર્શન આપે છે.
→ દર્શન ન કર્યા હોય અને ફક્ત દિવ્યભાવ આવે, તેમાં જ કરૂણાસાગર મુક્ત જીવને મોક્ષ આપે છે.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧. ચુનીલાલ ક્યાં અભ્યાસ કરતો હતો?
૨. ચુનીલાલ કોનો સમાગમ કરવા જતો?
૩. સ્વામીએ કોનો સમાગમ કરવાની ભલામણ કરી?
૪. ચુનીલાલને ભાઈશ્રીના દર્શન ક્યારે અને કેવી રીતે થયાં?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧. ----------- નામે એક ---------- નો દીકરો.
૨. ચુનીલાલને ------------- સાથે બહુ હેત.
૩. ભગવાનના ----------- ને ઓળખી તેમનો ----------- કરી લેવો.
યોગ્ય ક્રમમાં ગોઠવો.
૧.ધામમાં સંભારે અમને તેને છીએ તો જઈએ અમે તેડી.
૨.એટલામાં આવ્યા તે છીએ ઓરતો જ મનમાં ધામમાં તે કર્યો અમે તને લઈ જવા.
વાક્યમાં વાપરો
હેત, સમાગમ, જોગ, તાલાવેલી