૩૫ બાળપ્રેમી પર પ્રસન્નતા
કરાંચી (જે અત્યારે પાકિસ્તાનમાં છે.) શહેરમાં સોમચંદભાઈ નામે ભગવાનના બહુ સારા ભક્ત હતા.
તેઓ બાળકોની રાત્રિ શાળા ચલાવે.
બાળકોને ભગવાનની વાતો સમજાવે.
ભગવાનનું ભજન કેવી રીતે કરવું તે પણ શીખવે.
છોકરાઓને તેમાં બહુ આનંદ આવે.
બાપાશ્રી કરાંચી પધાર્યા.
હરિભક્તોએ બાપાશ્રીનું સુંદર રીતે સ્વાગત કર્યું.
બાપાશ્રીને મંદિરે લઈ ગયા.
શહેરની સારી જગ્યાઓ બતાવી.
પરંતુ બાપાશ્રી એમ કહે, 'મારે જે જોવું છે તે કરાંચી શહેરમાં છે કે નહિ?'
હરિભક્તોને થાય બાપાશ્રીને શું જોવું હશે?
દરરોજ હરિભક્તો પોતાના ઘરે બાપાશ્રીની પધરામણી કરે.
બાપાશ્રી ત્યાં જાય.
મંદિર આવીને કહે, 'મારે જે જોવું છે તે અહીં નથી?'
એક દિવસ મુક્તરાજ સોમચંદભાઈ આવીને બાપાશ્રીને પગે લાગ્યા.
બાપાશ્રીએ જોયું સોમચંદભાઈ સાવ સાદા છે.
તેમના કપડાં પણ સાવ સાદાં છે.
બાપાશ્રીએ પૂછ્યું, 'મહારાજ! સત્સંગનું કાંઈ કાર્ય કરો છો?'
સોમચંદભાઈ કહે, 'બાપા, ખાસ તો કાંઈ નથી કરતો. બાળકોની રાત્રિ શાળા ચલાવું છું.'
બાળકોનું નામ પડતા જ બાપાશ્રી ખુશ થઈ ગયા.
કહે, 'એમ! એમાં શું કરો છો?'
સોમચંદભાઈ કહે, 'બાપા, બાળકોને ભગવાનની વાતો સમજાવું છું અને ભગવાન ભજતાં શીખવું છું.'
બાપાશ્રી કહે, 'અમે કરાંચી આવ્યા તે દિવસના બાળકોને કોઈ સારા સંસ્કાર આપતું હોય તેવી જગ્યા જોવા માંગતા હતા.'
હરિભક્તોને ભારે આશ્ચર્ય થયું.
એક હરિભક્ત કહે, 'બાપા, તમારે બાળકોની રાત્રિ શાળા જોવી હતી? તેમાં શું જોવાનું?'
બાપાશ્રી કહે, 'તેમાં જ બધું છે.'
હરિભક્ત કહે, 'શું બધું?'
બાપાશ્રી કહે, 'બાળકો કુમળા છોડ જેવા હોય. જેમ વાળીએ તેમ વળે. તેમને જો અત્યારથી જ ભગવાન ભજવાના સંસ્કાર પાડીએ તો મોટા થઈ તેઓ ભગવાનના મુક્ત બને.'
કોઈ કંઈ બોલ્યું નહિ.
બધાને બાપાશ્રીની વાત સાચી લાગી.
બાપાશ્રી સોમચંદભાઈ પર ખૂબ રાજી થયા.
તેમને કહે, 'મુક્તરાજ તમારી શાળા ક્યારે બતાવો છો?'
સોમચંદભાઈ કહે, 'બાપા, તમે આવ્યા છો તેથી બધા આપનો સમાગમ કરવા આવ્યા છે. આપ આવતીકાલે પધારો.'
બાપાશ્રી કહે, 'ભલે અમે કાલે તમારી શાળાની મુલાકાત લઈશું.'
સોમચંદભાઈ પ્રસન્ન થયા.
બધા બાળકોને બીજે દિવસે હાજર રહેવા જણાવ્યું.
સોમચંદભાઈએ બાળકોને કહ્યું, 'આપણા ધન્ય ભાગ્ય, બાપાશ્રી અહીં પધારે છે. બાપાશ્રી મહાન મુક્ત છે. તમે બધા તેમના આશીર્વાદ મેળવજો.'
બાળકો પણ રાજી થઈ ગયાં.
બીજે દિવસે બાપાશ્રી પધાર્યા.
બધાં બાળકોએ ઉત્સાહથી બાપાશ્રીનું સ્વાગત કર્યું.
બધા શિસ્તબદ્ધ રીતે પોતાની જગ્યાએ બેસી ગયાં.
શાળાની સફાઈ અને બાળકોની શિસ્તથી બાપાશ્રી ઘણાં પ્રભાવિત થયા.
બાળકોને પૂછ્યું, 'આ બધું તમને કોણે શીખવ્યું?'
બાળકોએ કહ્યું, 'અમારા શિક્ષકે.'
બાપાશ્રી કહે, 'આજે હું તમારી પરીક્ષા લેવાનો છું. જોઉં તમને આ મુક્તરાજે કેવું શીખવ્યું છે. પરીક્ષા લઉંને?'
બાળકો ખુશ થઈ ગયા. કહે, 'હા બાપા. જરૂરથી.'
બાપાશ્રી પહેલેથી બાળકોના સંસ્કાર જોઈ રાજી થઈ ગયા હતા.
બાળકોને સાવ સામાન્ય પ્રશ્નો પૂછ્યા.
'આપણા ભગવાન કોણ?'
કોઈ બોલ્યું નહિ, પણ બધાએ હાથ ઊંચા કર્યા.
બાપાશ્રી કહે, 'જવાબ આપો! નથી આવડતું?'
સોમચંદભાઈ કહે, 'બાપા, બધાને આવડે છે. બધાએ હાથ ઊંચા કર્યા છે. તમે જેને પૂછશો તે જવાબ આપશે.'
બાળકોની આવી સરસ શિસ્ત જોઈ બાપાશ્રી અત્યંત રાજી થયા.
તેમણે એક છોકરાને પૂછ્યું, 'આપણા ભગવાન કોણ? તું જવાબ આપ.'
તેણે જવાબ આપ્યો, 'સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ.'
બાપાશ્રીએ બીજો પ્રશ્ન પૂછ્યો, 'તેઓ ક્યાં પ્રગટ્યા?'
બધાએ ફરીથી હાથ ઊંચા કર્યા.
બાપાશ્રી હસ્યા એક બીજા છોકરાને પૂછ્યું, 'તું જવાબ આપ.'
તેણે જવાબ આપ્યો, 'છપૈયામાં.'
બાપાશ્રીએ બીજા થોડા પ્રશ્નો પૂછ્યા.
જેને-જેને પૂછ્યા તેણે સરસ રીતે તેના જવાબો આપ્યા.
બાપાશ્રી બધા પર ખૂબ પ્રસન્ન થયા.
બાળકોને કહે, 'તમે બધા પરીક્ષામાં પાસ. તમને આવું શિક્ષણ અને આવા સુંદર સંસ્કાર આપનાર તમારા પંડ્યા પણ પાસ.'
છોકરાઓ બાપાશ્રીને પગે લાગ્યા.
બાપાશ્રી કહે, 'આવી રીતે જ ભગવાનનું ભજન કરજો. જો અત્યારથી જ ભગવાન ભજવાનું અંગ થઈ જશે તો મહારાજ બહુ રાજી થશે.'
બાળકો કહે, 'બાપા, તમે આશીર્વાદ આપો.'
બાપાશ્રી કહે, 'આશીર્વાદ છે. હું તમારા બધા પર બહુ રાજી છું.'
સોમચંદભાઈને કહે, 'તમે, ખૂબ જ સરસ કાર્ય કરો છો. બાળકોને નાનપણથી ભગવાન ભજવાની સમજ આપવી જોઈએ.'
સોમચંદભાઈ બાપાશ્રીને પગે લાગ્યા.
બાપાશ્રી કહે, 'છોકરાઓને સારા સંસ્કાર આપવાનું કાર્ય તમે કરો છો. તેથી મહારાજ તમારા પર બહુ પ્રસન્ન છે. અમે પણ બહુ રાજી થયા છીએ.'
સોમચંદભાઈને આશીર્વાદ આપી બાપાશ્રી મંદિરે પધાર્યા.
---------
શબ્દનો અર્થ
શિસ્તબદ્ધ = નિયમબદ્ધ
પંડ્યા = શિક્ષક
અંગ = અભ્યાસ પાડવો.
→ બાપાશ્રીને બાળકો અતિશય વહાલા.
→ બાળકો માટે કોઈ કાર્ય કરે, તેમને સારા સંસ્કાર આપે તે બાપાશ્રીને બહુ ગમે.
→ બાપાશ્રી કહે છે તેમ આપણે પણ અત્યારથી જ ભગવાન ભજવાનું અંગ કેળવવું જોઈએ. જેથી ભગવાન અને તેમના મુક્તનો રાજીપો મળે.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧.બાપાશ્રી ક્યા શહેરમાં પધાર્યા હતા? ત્યાં ભગવાનના કયા ભક્ત હતા?
૨.બાપાશ્રી શું શોધતા હતા?
૩.બાપાશ્રીને બાળકોનું શું સૌથી વધુ ગમી ગયું?
૪.બાપાશ્રીએ સોમચંદભાઈને શું કહ્યું?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧. ------------ શહેરમાં -------- ભગવાનનાં મોટા ભક્ત રહે.
૨. સોમચંદભાઈ બાળકોની ------------ ચલાવતા.
૩. બધાએ --------- ઊંચા કર્યા.
યોગ્ય ક્રમમાં ગોઠવો.
૧.ભગવાન રાજી થશે અંગ તો ભજવાનું મહારાજ જો થઈ બહુ જશે અત્યારથી જ.
૨.સમજ નાનપણથી જ ભગવાન આપવી બાળકોને ભજવાની જોઈએ.