૫૧ લીલા સમાપ્તિ
બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો છે.
સેવકો સેવા કરે છે.
કેટલાય દિવસ થયા બાપાશ્રીને સારું થતું નથી.
સેવકો ચિંતા કર્યા કરે.
બાપાશ્રી કહે, 'બધા ઘરે જાઓ મને સારું છે.'
સેવક પ્રેમજી એકલો રહ્યો.
બાપાશ્રી પ્રેમજીને કહે, 'પ્રેમજી હું તને એક વાત કહું છું.'
પ્રેમજી કહે, 'કહો બાપા.'
બાપાશ્રી કહે, 'તારે કોઈને વાત કરવાની નહિ.'
પ્રેમજી કહે, 'નહિ કહું બાપા.'
બાપાશ્રી કહે, 'મને વચન આપ.'
પ્રેમજીને મનમાં ફાળ પડી.
પ્રેમજી કહે, 'બાપા આવું કેમ કહો છો?'
બાપાશ્રી કહે, 'તું મને વચન આપ.'
પ્રેમજી કહે, 'વચન આપું છું.'
બાપાશ્રી કહે, 'ભગવાને મને જે કાર્ય માટે મોકલ્યો હતો તે પૂરું થઈ ગયું છે.'
પ્રેમજી કહે, 'બાપા, આ શું કહો છો?'
બાપાશ્રી કહે, 'મહારાજે મને તેમનો મહિમા સમજાવવા અને જીવોના કલ્યાણ કરવા મોકલ્યો હતો. તે પૂરું થયું. હવે હું મહારાજની મૂર્તિમાં લીન થઈ જઈશ.'
પ્રેમજી રડવા લાગ્યો.
બાપાશ્રી કહે, 'પ્રેમજી બચ્ચા! કેમ રડે છે? મારો દેહ નહિ રહે, પરંતુ હું તો મહારાજ સાથે અખંડ રહ્યો છું.'
પ્રેમજી કહે, 'બાપા, તમે છો તો બધાને મહારાજ ઓળખાવો છો.
આશીર્વાદ આપો છો. પછી અમારું શું થશે?'
બાપાશ્રી કહે, 'હું ક્યાં જાઉં એવો છું. મહારાજ સાથે રહી બધાને આશીર્વાદ આપીશ.'
પ્રેમજી કહે, 'સ્વામી ઈશ્વરચરણદાસજી અને વૃંદાવનદાસજીને તો ખબર આપવા જોઈએ ને?'
બાપાશ્રી કહે, 'પ્રેમજી, તેં મને વચન આપ્યું છે.'
પ્રેમજી કહે, 'બાપા, મારાથી એમ કેમ રહેવાય?'
બાપાશ્રી કહે, 'મહારાજની મરજી હશે તેમ થશે. તારે ચૂપ રહેવાનું.'
પ્રેમજી આખી રાત રડતો રહ્યો.
સવાર પડી.
પ્રેમજીની આંખો રડી-રડીને સોજી ગઈ હતી.
બાપાશ્રીના પુત્રો પ્રેમજીને પૂછે, 'પ્રેમજી શું થયું?'
પ્રેમજી કાંઈ બોલ્યો નહિ. તેની આંખમાં આંસુ આવી ગયા.
કાનજીભાઈ કહે, 'બાપા, પ્રેમજીને શું થયું?'
બાપાશ્રી કહે, 'હવે અમે આ દેહે નહિ દેખાઈએ તે જાણી તેને દુઃખ થાય છે.'
કાનજીભાઈ કહે, 'બાપા, અમને બધાને તમારી જરૂર છે.'
તેઓ પણ રડવા લાગ્યા.
બાપાશ્રી કહે, 'અમે હવે મહારાજમાં રહી તમારી પ્રાર્થના સાંભળીશું.'
કાનજીભાઈ કાંઈ બોલી શક્યા નહિ.
બાપાશ્રીએ તબિયત વધારે બગડી હોય તેવું દેખાડ્યું.
કાનજીભાઈએ હાથ પકડ્યો. ખાટલા પર બેસાડ્યા.
બાપાશ્રી ધ્યાનમાં ઊતરી ગયા.
છેલ્લે દિવસે રાત્રે થોડા હરિભક્તો જ બાપાશ્રી પાસે હતા.
બાપાશ્રીએ આંખો ખોલી.
બધાએ બાપાશ્રીને ચાંદલો કર્યો.
બાપાશ્રીએ બધાને છેલ્લા જન્મના અને મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપ્યા.
બાપાશ્રી ધ્યાનમાં બેસી ગયા.
હરિભક્તો ધૂન કરવા લાગ્યા.
બધા ધૂન બોલતા રહ્યા.
બાપાશ્રી ભગવાનની મૂર્તિમાં જોડાઈ ગયાં. (સં. ૧૯૮૪ અષાઢ સુદ - ૫ ને શુક્રવાર, તા. ૨૨-૬-૧૯૨૮)
હરિભક્તો અશ્રુભીની આંખે બાપાશ્રીના દર્શન કરતા રહ્યા.
---------
→ મહારાજના અનાદિમુક્ત કયારેય જતા આવતા નથી. મહારાજની મૂર્તિમાં સદાય સાથે જ રહે છે.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
૧. બાપાશ્રી પ્રેમજીને કઈ વાત કહેવાના હતા?
૨. પ્રેમજી શા માટે રડવા લાગ્યો?
૩. બાપાશ્રીએ પ્રેમજીને શું સમજાવ્યું?
૪. અત્યારે બાપાશ્રી કેવી રીતે આશીર્વાદ આપે છે?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧.બાપાશ્રીએ --------- ગ્રહણ કર્યો હતો.
૨.પ્રેમજીને મનમાં --------- પડી.
૩.------- એ મને જે કાર્ય માટે મોકલ્યો છે તે ------- થઈ ગયું છે.
૪.મારો -------- નહિ રહે, પણ હું તો------- સાથે અખંડ રહ્યો છું.
૫.બાપાશ્રીએ બધાને ----------- જન્મના અને ------------માં રાખવાના આશીર્વાદ આપ્યા.
યોગ્ય ક્રમમાં ગોઠવો.
૧. કરવા મને અને હતો મહિમા તેમનો મહારાજે કલ્યાણ સમજાવવા જીવોના મોકલ્યો.
૨. પ્રાર્થના રહી તમારી અમે સાંભળીશું હવે મહારાજમાં.