૪ કુશાગ્ર બુદ્ધિ
દિવસો વીત્યા.
વર્ષો પણ વીત્યાં.
ધીરે-ધીરે અબજીભાઈ મોટા થવા લાગ્યા.
દેવબા પાંચાભાઈને કહે, 'અબજીભાઈ હવે મોટા થયા છે, તેમને શાળામાં ભણવા બેસાડવાના છે.'
પાંચાભાઈ કહે, 'સારો દિવસ જોઈ હું અબજીભાઈને શાળામાં દાખલ કરી આવીશ.'
એક સારા દિવસે પાંચાભાઈ અબજીભાઈને લઈ શાળાએ ગયા.
શિક્ષક અબજીભાઈને જોઈ ઘણા ખુશ થયા.
શિક્ષક બોલ્યા, 'અબજીભાઈ, મન દઈને ભણશો તો સારા ગુણ આવશે.'
અબજીભાઈ શિક્ષકને પગે લાગ્યા, ને બોલ્યા, 'હું મન દઈને ભણીશ. તમે જેમ કહેશો તેમ કરીશ.'
શિક્ષક ઘણા જ પ્રભાવિત થયા.
શિક્ષકે જે શીખવ્યું તે અબજીભાઈ ધ્યાન દઈને ભણ્યા.
દરરોજ ભણવા જાય. શાળા છૂટે ને અબજીભાઈ સીધા ઘરે પહોંચી જાય.
પાંચાભાઈને શાળામાં ભણ્યા હોય તેની વાતો કરે, 'આજે શિક્ષકે મને કક્કો શીખવાડ્યો.'
કોઈવાર આવીને કહે, 'આજે બારખડી શીખવાડી. મને તો બધું આવડી ગયું.'
પરીક્ષામાં અબજીભાઈ પહેલે નંબરે પાસ થયા.
પાંચાભાઈ ખૂબ ખુશ થયા, પણ તેમને મનમાં દુઃખ હતું.
દેવબાને પાંચાભાઈ કહે, 'આપણે ગરીબ છીએ. અબજીભાઈ ભણવામાં હોંશિયાર છે, પણ ફી ક્યાંથી ભરીએ! પૈસા નથી.'
અબજીભાઈએ બહાર ઊભા વાત સાંભળી.
પાંચાભાઈને કહે, 'પિતાજી હું હવે તમને ખેતરમાં મદદ કરીશ. મને ભણતા આવડી ગયું છે. હું મારી મેળે ઘરે જ વાંચીશ ને ભણીશ.'
પોતાના ડાહ્યા અને સમજુ પુત્રના વચન સાંભળી પાંચાભાઈની આંખમાં હર્ષનાં આંસુ આવ્યા.
અબજીભાઈએ નક્કી કર્યું કે, હું મારી મેળે જ વાંચતાં લખતાં શીખી જઈશ.
મંદિરમાં જઈ વચનામૃત લઈ ધ્યાન રાખી ધીરે-ધીરે વાંચે એટલે વાંચતાં આવડી ગયું.
પછી તો મંદિરની સભામાં પોતે જ વચનામૃત વાંચે ને બધા સાંભળે. એવું સરસ વાંચતા શીખી ગયા.
ઘણીવાર અબજીભાઈ મિત્ર કરસન તથા જાદવજીને કહે, 'ચાલો આપણે કીર્તન ગાઈએ.
કરસન કહે, 'મને હજી બરાબર ગાતાં નથી આવડતું.
અબજીભાઈ કહે, 'એમાં શું! ચોપડીમાં જોઈ ભગવાનને સંભારી ગાઈએ એટલે આવડી જાય.'
જાદવજી કહે, 'તમારા જેવું અમને નથી આવડતું.'
અબજીભાઈ કહે, 'હું તો રોજ થોડું-થોડું યાદ કરું છું, એમ કરતાં ઘણું બધું મોઢે થઈ જાય.'
જાદવજી કહે, 'અમને એક કીર્તન સંભળાવો ને.'
અબજીભાઈ ભગવાનની મૂર્તિ સંભારી ગાવા લાગ્યા.
મીઠો અવાજ સાંભળી બધા હરિભક્તો કીર્તન સાંભળવા બેસી ગયા.
કીર્તન પૂરું થયું.
બધા કહેવા લાગ્યા, 'અબજીભાઈ આવું સરસ ગાતા કોણે શીખવ્યું?
રોજ નવું કીર્તન ગાઓ છો. તમને કોણ શીખવાડે છે? આટલાં બધાં કીર્તન કેવી રીતે યાદ કર્યા?'
અબજીભાઈ કહે, 'કોઈ શીખવાડતું નથી. ભગવાનને સંભારી દરરોજ મન દઈ યાદ કરું એટલે આવડી જાય. એક વાર ચોપડીમાં જોઈ ગાઉં એટલે મોઢે થઈ જાય છે. બીજી વખત જોવું પડતું નથી.'
કેવું અદભુત!
---------
→ અબજીભાઈ અનાદિમુક્ત છે તે અહીં જણાઈ આવે છે. શાળામાં ફક્ત કક્કો બારખડી જ શીખ્યા, પણ પોતે સારામાં સારું વાંચતા લખતા જાતે શીખ્યા. કીર્તન એક વખત વાંચે એટલે આવડી જાય. આવું અનાદિમુક્તથી જ થઈ શકે.
→ અબજીભાઈએ અગિયારસો ચોસર (ચાર પદવાળા કીર્તન) મોઢે કર્યા હતા.
→ આમાં શીખવાનું એ કે શિક્ષક જે ભણાવે તે મન દઈ ભણવું. ઘરે આવી તેનું પુનરાવર્તન કરવું. ભગવાનને સાથે રાખી પ્રયત્નો કરીએ તો શું ન થાય?
→ પિતાજીની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ રાખવો.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧. અબજીભાઈએ શિક્ષકને શું કહ્યું?
૨. અબજીભાઈએ શા માટે ઘરે રહી અભ્યાસ કર્યો?
૩. શાળામાં અબજીભાઈ કેટલું શીખ્યા?
૪. અબજીભાઈએ પિતાજીને શું કહ્યું?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧.હું --------------- દઈને ભણીશ.
૨.શાળા છૂટે અને અબજીભાઈ સીધા ------------ પહોંચી જાય.
૩.અબજીભાઈ ભણવામાં --------- છે, પણ ---------- નથી.
૪.મને હજી બરાબર ------------ આવડતું નથી.
૫.---------- માં જોઈ ----------- ને સંભારી ગાઈએ એટલે આવડી જાય.