૩૮ તેજોમય દર્શન

કલ્યાણસિંહ નામે ભગવાનના એક ભક્ત.

ભગવાનનું બહુ ધ્યાન કરે.

તેમને મનમાં એક જ તાન, મહારાજનો સાક્ષાત્કાર થાય.

રોજ છ-છ સાત-સાત કલાક ધ્યાન કરે.

બાપાશ્રીને અનાદિમુક્ત જાણે.

તેમનો જોગ સમાગમ કરે.

બાપાશ્રી પણ તેમના પર રાજીપો જણાવે.

બાપાશ્રી જ્યાં જાય ત્યાં કલ્યાણસિંહજી પણ સાથે જાય.

પણ સભામાં મોડા આવે.

બાપાશ્રીએ પૂછ્યું, 'કલ્યાણસિંહ, સભામાં કેમ મોડા આવો છો? ઓરડીમાં કેમ ભરાઈ રહો છો?'

કલ્યાણસિંહજી કહે, 'બાપા, મહારાજને ગોતું છું. મારે એક જ તાન છે મહારાજના તેજોમય દર્શન થાય.'

બાપાશ્રી કહે, 'ઓરડામાં બેસી શું કરો છો?'

કલ્યાણસિંહજી કહે, 'મહારાજનું ધ્યાન કરું છું, મહારાજને શોધું છું.'

બાપાશ્રી કહે, 'આ સભામાં મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે અને તમે ઓરડામાં શોધો છો. પછી મહારાજ ક્યાંથી મળે?

કલ્યાણસિંહજી કહે, 'બાપા, કાલથી આવીશ.'

બાપાશ્રી કહે, 'અહીં આવો તો અમે તમને મહારાજના દર્શન કરાવીએ.'

કલ્યાણસિંહજી રાજી થઈ ગયા.

તેમને થયું આટલા વખતથી હું ધ્યાન કરું છું, પણ બાપાશ્રીની દયાથી મને મહારાજના દર્શન થશે.

તેઓ કહે, 'બાપા, આવતીકાલે સવારમાં વહેલો આવીશ.'

કલ્યાણસિંહજી પોતાની ઓરડીમાં ગયા.

તેમને ઊંઘ ન આવી.

મનમાં આનંદ હતો. વારંવાર જુએ સવાર પડી કે નહિ?

સવાર પડવાની જ રાહ જુએ.

સવાર પડી. તરત તેઓ ઊઠ્યા.

નાહીને પવિત્ર થયા.

બાપાશ્રી પાસે આવ્યા.

બાપાશ્રીને કહે, 'નારાયણ હરે! આ ગરીબ મહારાજની મૂર્તિનું સુખ માંગે છે. દયા કરી તે આપો.'

બાપાશ્રી તેમની ધીરજની પરીક્ષા કરતા હતા.

કહે, 'હજી વાર છે.'

કલ્યાણસિંહ કહે, 'બાપા, રાત માંડ-માંડ કાઢી હવે કેટલીવાર?'

બાપાશ્રી કહે, 'હજી વાર છે.'

કલ્યાણસિંહજી બેસી ગયા.

વારંવાર બાપાશ્રી સામે જુએ બાપાશ્રી તેમની સામે જુએ પણ નહિ. વાતો કર્યા કરે.

પારાયણનો સમય થયો ત્યારે બાપાશ્રી ઊઠ્યા.

બધાને કહે, 'ચાલો, આજે આ ભગતને મહરાજનાં દર્શન કરાવવાં છે.'

બધાને આનંદ થયો કે, આપણને તે જોવાનો લ્હાવો મળશે.

બધા મંદિરમાં આવ્યા.

બાપાશ્રીએ મંદિરમાં પહેલાથી કહેવરાવ્યું હતું.

જેથી મંદિરમાં બધી તૈયારી થઈ ગઈ હતી.

મહારાજની મૂર્તિને ફૂલોથી શણગારી હતી.

મંદિરમાં ધૂપ-દીપ કર્યા હતા.

આખું મંદિર પવિત્ર અને સુગંધિમાન હતું.

આરતી પ્રગટી.

બાપાશ્રી કહે, 'કલ્યાણસિંહજી, જુઓ આ સિંહાસન પર કોણ બિરાજે છે?'

કલ્યાણસિંહજી એક નજરે મૂર્તિ સામું જોવા લાગ્યા.

બાપાશ્રી અને હરિભક્તો આરતી બોલવા લાગ્યા.

કલ્યાણસિંહજીનું એ તરફ ધ્યાન ન હતું.

અચાનક તેમને મૂર્તિમાંથી તેજ નીકળતું હોય તેવું દેખાયું.

જાત-જાતની સુગંધ આવતી હોય તેવું લાગ્યું.

મહારાજનું આવું સુંદર રૂપ તેમણે ક્યારેય જોયું ન હતું.

મહારાજના અલૌકિક રૂપને જોવામાં તેઓ મસ્ત બની ગયા.

મંદિરમાં શું થાય છે તેની પણ તેમને ખબર ન રહી.

આરતી પૂરી થઈ.

કલ્યાણસિંહજીની આંખમાંથી હરખના અને પ્રેમના આંસુ સરવા લાગ્યા.

બાપાશ્રીને દંડવત્ કરતા જાય અને કહેતા જાય, 'બાપા, તમે બહુ દયાળુ છો, કૃપાળુ છો. તમારી દયાથી મને મહારાજનાં તેજોમય દર્શન થયાં.

બાપાશ્રીએ તેમને પકડી લીધા અને ભેટી પડ્યા.

કલ્યાણસિંહજી પાછા પ્રાર્થના કરવા લાગ્યા, 'બાપા, તમે મારી ઇચ્છા પૂર્ણ કરી. તમે મહાન છો, સમર્થ છો.'

બાપાશ્રી કહે, 'કલ્યાણસિંહજી, હવે મૂર્તિના સુખમાં લહેર કરો, ચાલો કથામાં.'

કલ્યાણસિંહજીને દિવ્યભાવ આવી ગયો.

તેજોમય દર્શન થયા પછી તેમની સ્થિતિ બદલાઈ ગઈ.

બધાને મહારાજની વાતો કરે.

હરિભક્તો પણ તેમનો સમાગમ કરે.

---------

→ અનાદિમુક્ત મુમુક્ષુઓનાં કલ્યાણ માટે આવેલા હોય છે. આતુર ભક્તને દર્શન કરાવે જ છે.

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧. કલ્યાણસિંહજી કેટલો સમય ધ્યાન કરતા?

૨. બાપાશ્રીએ ભગવાન ક્યાં બિરાજે છે તેમ કહ્યું?

૩. બાપાશ્રીએ કલ્યાણસિંહજીને મહારાજના દર્શન ક્યાં અને કેવી રીતે કરાવ્યાં?

નીચેની ખાલી જગ્યા પૂરો.

૧. ------- નામના એક ભગવાનના ભક્ત.

૨. બાપા મને તો એક જ -------- છે મહારાજના ----------- દર્શન ૦૦થાય.

૩. ---------------- માં બેસી શું કરો છો?

૪. આ સભામાં મહારાજ ------------- બિરાજે છે.

૫. બાપાશ્રી તેમની ----------- ની પરીક્ષા કરતા હતા.

૬. કલ્યાણસિંહજી હવે મૂર્તિના ------------- માં -------------- કરો.

યોગ્ય ક્રમમાં ગોઠવો.

૧.તેજોમય થાય મને તો બાપા જ તાન છે દર્શન મહારાજના એક જ.

૨.આ ક્યાંથી મળે સભામાં શોધો છો ઓરડામાં મહારાજ પ્રત્યક્ષ અને તમે પછી મહારાજ બિરાજે છે.