૬ ઐશ્વર્યભર્યું આશ્ચર્ય
હંમેશની જેમ કુંવરજી, ગાંગજી, ધનજી વાડીએ આવ્યા.
અબજીભાઈ વાડીમાં કામ કરતા હતા.
ગાંગજી કહે, 'અબજીભાઈ ચાલો રમવા.'
અબજીભાઈ કહે, 'પિતાજીને પૂછી આવું.'
કુંવરજી કહે, 'ચાલોને એમાં શું પૂછવાનું.'
અબજીભાઈ કહે, 'બહાર જઈએ કે, રમવા જઈએ ત્યારે માતા કે પિતાની અનુમતિ લેવી જ જોઈએ. હું હમણાં જ પૂછીને આવું છું.'
બધા રાહ જોતા ઊભા રહ્યાં.
અબજીભાઈ પૂછીને આવ્યા.
કહે, 'ચાલો હવે.'
ગાંગજી કહે, 'આજે ગરમી બહુ છે, ચાલો કૂવામાં કૂદકા મારવાનું રમીએ.'
બધાએ હા પાડી.
અબજીભાઈ કહે, 'રમીએ, પણ અમથા કૂદકા નહિ મારવાના.'
બધાએ પૂછયું, 'તો?'
અબજીભાઈ કહે, 'એક શરત રાખવાની. દરેક જણ સ્વામિનારાયણ બોલી, તાળી પાડીને કૂદકો મારે, પણ કૂવામાં આખું શરીર ડૂબી ન જવું જોઈએ.
કમરની નીચેનો ભાગ પાણીની અંદર અને કમરથી ઉપરનો ભાગ પાણીની બહાર રહેવો જોઈએ. બોલો મંજૂર છે?'
બધાએ કહ્યું, 'તમે અમારા નેતા છો. તમે જેમ કહો તેમ. ચાલો મંજૂર છે.'
કુંવરજી સ્વામિનારાયણ બોલી તાળી પાડીને કૂધ્યો. બીચારો આખો ડૂબી ગયો.
ગાંગજી પણ ડૂબકી મારી ગયો.
ધનજીનું ખાલી માથું જ બહાર રહ્યું.
ગાંગજી કહે, 'અબજીભાઈ હવે તમારો વારો.'
ધનજી બોલ્યો, 'શરત તો મૂકી હવે કરી બતાવો.'
અબજીભાઈ પણ તાળી પાડી, જય સ્વામિનારાયણ બોલી કૂધ્યા.
બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા.
કુંવરજી કહે, 'જુઓ અબજીભાઈનું શરીર!
બરાબર શરત પ્રમાણે જ છે.'
ગાંગજી બોલ્યો, 'હા! કમરથી ઉપરનો ભાગ તો ભીનો પણ નથી થયો.
બરાબર અર્ધું શરીર જ ડૂબ્યું છે.'
બઘા અબજીભાઈને પૂછવા લાગ્યા, 'અબજીભાઈ તમે આવું કેવી રીતે કરી શક્યા? અમને પણ શીખવાડો ને?'
અબજીભાઈ કહે, 'મેં ભગવાનની મૂર્તિ બરાબર મનમાં ધારી, ભગવાનનું નામ લીધું ને કૂદકો માર્યો. મને લાગ્યું કે ભગવાન પણ મારી સાથે કૂદકો મારે છે, એટલે મારાથી આમ બની શક્યું.'
કુંવરજી, ધનજી ને ગાંગજી તો સાંભળી જ રહ્યા.
---------
→ ભગવાન બરાબર સાથે રાખીએ તો વાત જુદી થઈ જાય છે.
→ ભગવાનને બરાબર સંભારી કાર્ય કરીએ તો અશક્ય જણાતું કાર્ય પણ શક્ય બની જાય છે.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧. મિત્રોએ કઈ રમત રમવાનું નક્કી કર્યું?
૨. અબજીભાઈએ કઈ શરત મૂકી?
૩. શરત પ્રમાણે કોણ કરી શક્યું? શા માટે?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧. અમથા -------------- નહિ મારવાના.
૨. દરેક જણ -------------- બોલી-------------- પાડી કૂદકો મારે.
૩. કુંવરજી આખો -------------- ગયો.
૪. બરાબર -------------- જ ડૂબ્યું છે.