૧૫ પાનબીડાની પ્રસાદી

દરરોજની જેમ અબજીભાઈ મંદિર આવ્યા.

મંદિરમાં આરતી થઈ.

બધા આરતી કરી ઘરે ગયા.

અબજીભાઈ મહારાજની મૂર્તિ સામે ઊભા રહ્યા.

એક નજરે ભગવાનના દર્શન કરવા લાગ્યા.

ભગવાન તેમના અનાદિમુક્તને જોતા હતા.

અબજીભાઈ દર્શન કરતા હતા.

આજે તેમને મહારાજની મૂર્તિ દિવ્ય લાગતી હતી.

મહારાજ અબજીભાઈ સામે જોઈ હસતા હતા.

અબજીભાઈને લાગ્યું મહારાજ આજે મને સરસ દર્શન આપે છે.

મહારાજ અબજીભાઈ સાથે વાત કરવા લાગ્યા, 'અબજીભાઈ કેમ છો?'

અબજીભાઈને થયું આવો મીઠો સ્વર ક્યાંથી સંભળાય છે?

તેઓ આજુ-બાજુ જોવા લાગ્યા.

મહારાજ ફરીથી બોલ્યા, 'કેમ છો અબજીભાઈ?'

અબજીભાઈને હવે થયું, આવો મીઠો સ્વર તો મહારાજનો જ હોય.

તેઓ મૂર્તિ સામે જોવા લાગ્યા.

મહારાજને પૂછ્યું, 'મહારાજ! તમે બોલાવો છો?'

મહારાજ કહે, 'હા. અમે જ તમને બોલાવ્યા. કેમ છો?'

અબજીભાઈ રાજી-રાજી થઈ ગયા.

આનંદિત થઈ કહે, 'મજામાં છું મહારાજ.'

મહારાજ કહે, 'અબજીભાઈ! હવે અમે તમને જે કામ માટે મોકલ્યા છે તે કાર્ય કરો.'

અબજીભાઈ કહે, 'સારું મહારાજ. જેવી આપની આજ્ઞા.'

અબજીભાઈ મહારાજને પગે લાગ્યા.

મહારાજે હાથ લાંબો કર્યો.

અબજીભાઈ જોવા લાગ્યા.

મહારાજ કહે : 'લ્યો, અબજીભાઈ આ પાનબીડાની પ્રસાદી.'

અબજીભાઈને મનાયું નહિ. તેઓ એમ જ ઊભા રહ્યા.

મહારાજ કહે, 'લઈ લ્યો આ તમારા માટે જ છે.'

અબજીબાઈ ખુશ-ખુશ થઈ ગયા.

પોતાને ધન્ય માનવા લાગ્યા, ભગવાને પોતાના હાથે પાનબીડાની પ્રસાદી આપી.

મહારાજ કહે, 'અબજીભાઈ તમે અમારા અનાદિમુક્ત છો, તેથી તમને આ પ્રસાદી મળી છે. બીજાને તો આવા દર્શન પણ દુર્લભ છે.'

અબજીભાઈ મહારાજના આશીર્વાદ લઈ ઘરે પધાર્યા.

---------

શબ્દનો અર્થ

પાનબીડું - ભગવાનને થાળ ધર્યા પછી મુખવાસરૂપે અર્પણ થતું શુદ્ધ સાત્વિક પદાર્થોથી બનતું પાન.

→ પોતાના અનાદિમુક્ત પૃથ્વી પર પધારે ત્યારે મહારાજ તેમને અનેકવાર પ્રસાદી આપી રાજી કરે છે.

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧. અબજીભાઈને મહારાજના દર્શન કેવાં લાગતાં હતા?

૨. મહારાજે અબજીભાઈને શું કહ્યું?

૩. મહારાજે અબજીભાઈને શેની પ્રસાદી આપી?