૨૯ માયિક વસ્તુના દૃષ્ટાંતે મૂર્તિ

સાંજનો સમય હતો.

ભાઈશ્રી વાડીથી ઘરે જતા હતા.

રસ્તામાં એક બાળકી ઘાસની ભારી લઈ જતી હતી.

ભાઈશ્રીએ બાળકીને કહ્યું, 'ગગી, તારો ઢીંગલો પડી ગયો છે.'

બાળકી ઘાસની ભારી માથા પરથી નીચે ફેંકી દઈ ઢીંગલો ગોતવા લાગી.

બાળકી કહે, 'બાપા! ઢીંગલો ક્યાં છે?'

ભાઈશ્રી કહે, 'જો પેલી બાજુ પડી ગયો હશે.'

બાળકી દોડતી ત્યાં ગઈ.

ત્યાં ઢીંગલો ન હતો.

આવીને કહે, 'બાપા, ત્યાં તો નથી.'

ભાઈશ્રી કહે, 'નથી! તો પછી જો ત્યાં આઘે પડ્યો હશે.'

બાળકી દોડતી-દોડતી ત્યાં જઈ ચારે બાજુ શોધવા લાગી.

ભાઈશ્રીએ ઘણીવાર તેને આમ-તેમ મોકલી.

બાળકી બધે દોડી-દોડી શોધવા ગઈ.

છેલ્લે થાકીને કહે, 'બાપા, ઢીંગલો તો છે નહિ ને અમથી મહેનત કરાવી. મારો ભારો પણ માથા પરથી ઉતરાવ્યો.'

ભાઈશ્રી કહે, 'અહીં આવ.'

બાળકી ત્યાં આવી.

ભાઈશ્રીએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો.

ખીસ્સામાંથી એક ઢીંગલો કાઢીને બાળકીને આપ્યો. કહે, 'આ લઈ લે.'

બાળકી કહે, 'આ તો તમારો છે.'

ભાઈશ્રી કહે, 'ઢીંગલો શોધવા તે કેટલો દાખડો કર્યો? મન દઈને કેવો ઢીંગલો શોધતી હતી?'

બાળકી કહે, 'ઢીંગલો તો બધા શોધે.'

ભાઈશ્રી કહે, 'આવો દાખડો ભગવાનને પામવા ક્યારેય કર્યો છે?'

બાળકી કહે, 'ના. નથી કર્યો.'

ભાઈશ્રી કહે, 'ભગવાનને પામવા બરાબર મન દઈને દાખડો કરીએ તો ભગવાન રાજી થઈ તરત દર્શન આપે.'

બાળકી કહે, 'ખરેખર બાપા?'

ભાઈશ્રી કહે, 'હા. જરૂર દર્શન આપે. તું આ વાત યાદ રાખજે કે, બાપાએ આવી રીતે દાખડો કરાવી મને ઢીંગલો આપ્યો હતો.'

બાળકી કહે, 'હું વાત યાદ રાખીશ તો શું થશે?'

ભાઈશ્રી કહે, 'હું તને ભગવાનના દર્શન જરૂર કરાવીશ.'

બાળકી ભાઈશ્રીને પગે લાગી.

ભાઈશ્રી કહે, 'ચાલ તારી ભારી માથા પર મુકાવું.'

બાળકી ખુશ થતી ઘરે ગઈ.

મોટી થયા પછી પણ તેણે ભાઈશ્રીની વાત યાદ રાખી.

ભાઈશ્રીએ તેને ભગવાનનાં દર્શન કરાવ્યાં અને પોતાનું વચન પાળ્યું.

---------

શબ્દનો અર્થ

ગગી = દીકરી

ઢીંગલો = રૂપિયો

આઘે = દૂર

અમથી = અમસ્તી

દાખડો = મહેનત

પામવું = મેળવવું

→ ભગવાનને પામવા જો એક ડગલું પણ ભરીએ તો ભગવાન સાત ડગલા આગળ આવે છે. જરૂર છે શરૂઆત કરવાની.

→ ભાઈશ્રી શીખવે છે કે, જેમ માયિક પદાર્થમાં પ્રેમ રાખી તેને પામવા મહેનત કરીએ છીએ, તેમ ભગવાનને પામવા મહેનત કરીએ તો ભગવાન જરૂર પ્રસન્ન થાય અને દર્શન આપે.

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧. ભાઈશ્રી ક્યાં જતા હતા?

૨. બાળકીને ભાઈશ્રીએ શું કહ્યું?

૩. બાળકી કેમ આમથી તેમ દોડતી હતી?

૪. બાળકીને ભાઈશ્રીએ શી શીખામણ આપી?

૫. ભાઈશ્રીએ પોતાનું કયું વચન પાળ્યું?

નીચેની ખાલી જગ્યા પૂરો.

૧.બાળકી માથા પર ----------- લઈ જતી હતી.

૨.તારો ------- પડી ગયો છે.

૩.ભાઈશ્રીએ ખીસ્સામાંથી એક ---------- કાઢી બાળકીને આપ્યો.

૪.આવો દાખડો ----------- ને પામવા કરીએ તો ભગવાન રાજી થઈ તરત ----------- આપે.

શબ્દો વાક્યમાં વાપરો

ઢીંગલો, દાખડો