૨૬ અનાદિમુક્તને સુગમ એવી સમાધિ
સદગુરૂ નિર્ગુણદાસજી સ્વામીએ મંદવાડ ગ્રહણ કર્યો હતો.
ભાઈશ્રી અને ઘણા સંતો તેમની પાસે બેઠા હતા.
બધાના ચહેરા પર ચિંતા હતી.
નિર્ગુણદાસજી સ્વામી શાંત હતા.
સ્વામી ભાઈશ્રીને કહે, 'તમે ઘણીવાર સમાધિમાં જાઓ છો. દિવસોના દિવસો સમાધિમાં રહો છો.'
ભાઈશ્રી કાંઈ બોલ્યા નહિ.
સ્વામી કહે, 'ભાઈ, તમે સમાધિમાં જાઓ.'
ભાઈએ પૂછ્યું, 'કેમ?'
સ્વામી કહે, 'સમાધિમાં જઈ મહારાજને પૂછી આવો કે મને ધામમાં ક્યારે તેડી જશે?'
ભાઈશ્રી કહે, 'સ્વામી, તમારે આવવા જવાપણું ક્યાં છે? તમે તો સદાય મૂર્તિમાં જ રહો છો.'
સ્વામી કહે, 'એ વાત સાચી છે. પણ આ દેહ ક્યારે છોડાવશે તે પૂછી આવો.'
ભાઈશ્રી કહે, 'તમને ક્યાં નથી ખબર? આપ તો સર્વ જાણો છો.'
સ્વામી કહે, 'તમે વૃષપુરમાં સમાધિમાં જતા તેથી ત્યાંના લોકોને દર્શન થયા છે. અહીં તમે સમાધિ કરી મહારાજને પૂછી આવો તો બધાને દર્શન થાય. બધાને તમારી સામર્થીની જાણ થાય.'
ભાઈશ્રી કહે, 'એમાં શું?'
સ્વામી કહે, 'ના ભાઈ, તમે સમાધિ કરી મહારાજને પૂછી આવો.'
સ્વામીએ ઘણો આગ્રહ કર્યો.
એટલે ભાઈશ્રીએ હા પાડી.
ભાઈશ્રી સમાધિમાં ચાલ્યા ગયા.
બધા જોવા લાગ્યા. હવે શું થશે?
ભાઈશ્રી ઠેઠ સાંજે ઊઠ્યા.
બધા ભાઈશ્રી પાસે આવ્યા.
ભાઈશ્રી કહે, 'હું સમાધિ કરી મહારાજ પાસે ગયો હતો. સ્વામી મહારાજની મૂર્તિમાં લીન થઈ સુખ ભોગવતા હતા.'
બધા એક ચિત્તે સાંભળતા હતા.
ભાઈશ્રી કહે, 'સ્વામી બહુ મહાન છે. તેઓ અનાદિમુક્ત છે.
સંતો કહે, 'હા, અમને તેની જાણ છે.'
ભાઈશ્રી કહે, 'મહારાજે મને કહ્યું છે કે તેઓ સ્વામીને આસો સુદ ૧ પડવાને દિવસે રાત્રે એક વાગે પોતાના ધામમાં તેડી જશે.'
બધાને બહુ આશ્ચર્ય થયું.
કેટલાકને આ વાત સાચી ન મનાણી.
ભાઈશ્રીને કહે, 'તમને કેવી રીતે ખબર ?'
ભાઈશ્રી કહે, 'મહારાજે મને કહ્યું છે. હું શા માટે અમથું કહું?
તેઓ કહે, 'જોઈશું એ તો.'
તેમને ભાઈશ્રીના વચનમાં વિશ્વાસ ન આવ્યો.
ભાઈશ્રી તો વૃષપુર આવતા રહ્યા.
આસો સુદી ૧ પડવાનો દિવસ આવ્યો.
હરિભક્તો અને સંતો સ્વામીની સેવા બરાબર કરતા હતા. તેમને ખબર હતી. સ્વામીને આજે મહારાજ તેડી જશે.
પેલા દ્વેષી લોકો જોવા આવ્યા.
બરાબર એક વાગે સ્વામીને મહારાજ ધામમાં તેડી ગયા.
બધા શોકાતુર થઈ ગયા.
પેલા લોકો પસ્તાવો કરવા લાગ્યા.
એક-બીજાને કહે, 'આપણે ભાઈશ્રી જેવા મહાન મુક્તની વાતમાં અવિશ્વાસ કર્યો. હવે વૃષપુર જઈ ભાઈશ્રીની માફી માંગીશું.'
વૃષપુર આવી તેમણે ભાઈશ્રીની માફી માંગી પસ્તાવો કર્યો.
---------
શબ્દનો અર્થ
ભોગવવું = મેળવવું.
→ નિર્ગુણદાસજી સ્વામી અનાદિમુક્ત હતા. તેઓ ભાઈશ્રીને ઓળખતા પણ બીજાને ભાઈશ્રીનો મહિમા જણાય માટે ભાઈશ્રીને સમાધિ કરવાનું કહ્યું.
→ ભાઈશ્રી વૃષપુરમાં ઘણી વખત દિવસોના દિવસો સુધી સમાધિમાં રહેતા. કોઈવાર સાત દિવસ, કોઈવાર અગિયાર દિવસ તો કોઈવાર એકવીસ દિવસ સુધી સમાધિમાં રહેતા.
→ સમાધિ થવી એ તો મોટા-મોટા ઋષિ-મુનિઓને માટે પણ ખૂબ જ અઘરી વાત છે. પણ અનાદિમુક્ત માટે સાવ સુગમ છે.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧. બધાના ચહેરા પર ચિંતા શા માટે હતી?
૨. સ્વામીએ ભાઈશ્રીને શું કરવાનું કહ્યું?
૩. ભાઈશ્રીએ સમાધિમાં શું જોયું?
૪. સમાધિમાંથી આવ્યા બાદ ભાઈશ્રીએ શી વાત કરી?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧.તમે ઘણીવાર ---------- માં જાઓ છો.
૨.સમાધિમાં જઈ --------- ને પૂછી આવો કે મને ----------- માં ક્યારે તેડી જશે.
૩.સ્વામી તમારે ---------- પણું ક્યાં છે? તમે તો સદાય ------- માં જ રહો છો.
યોગ્ય ક્રમમાં ગોઠવો.
૧. ભોગવતા લીન મહારાજની સુખ હતા મૂર્તિમાં થઈ સ્વામી.