૪૮ ઉપદેશ વચન

શ્રીહરિ જયંતીનો દિવસ હતો.

બાપાશ્રી મંદિરમાં દર્શન કરવા આવ્યા.

નાના બાળકો મંદિરમાં દર્શન કરવા આવ્યા.

બાળકો બાપાશ્રીને પગે લાગ્યા.

બાપાશ્રી કહે, 'બધા બેસો.'

છોકરાઓ કહે, 'બાપા, આજે ભગવાનનો પ્રાગટ્ય દિવસ. ભગવાનની વાતો કરો.'

કરસન કહે, 'બાપા, અમારે કેવી રીતે રહેવું તેની વાત કરો.'

બાપાશ્રી કહે, 'ભગવાનને કેમ રાજી કરવા તેની વાત કરું છું.'

બધા કહે, 'હા બાપા. એ જ વાત કરો.'

બાપાશ્રી કહે, 'દરરોજ સવારે વહેલા ઊઠી નાહી ધોઈ ભગવાનનું સ્મરણ કરવું. એક ધ્યાન થઈ તેમની પૂજા કરી ધ્યાન ધરવું. નાનપણથી જ ભગવાન ભજવાનું અંગ કેળવવું. તો ભગવાન રાજી થાય.'

કરસન કહે, 'આખો દિવસ ભગવાન ભજીએ તો ભગવાન રાજી થાય.'

બાપાશ્રી કહે, 'આખો દિવસ બેસી નહિ રહેવાનું. દરેક કામ કરતા ભગવાનને યાદ કરવાના.'

ખીમજી કહે, 'નાહતી વખતે અને જમતી વખતે પણ સંભારવાના?'

બાપાશ્રી કહે, 'હા, કોઈ પણ ક્રિયા હોય ભગવાનને ભૂલવા નહિ.'

નાથજી કહે, 'બાપા, હું દરરોજ જમતી વખતે ભગવાનને યાદ કરું છું.'

બાપાશ્રી કહે, 'ખૂબ સરસ. બધાએ એમ જ કરવું જોઈએ. ખાવાની કે પીવાની કોઈ પણ વસ્તુ મોઢામાં મૂકતા પહેલાં ભગવાનની પ્રસાદી કરીને પછી જમવી. ભગવાનની ભક્તિ સદાય કરવી.'

રૂડો કહે, 'અમે શાળાએ ભણવા જઈએ ત્યાં કેવી રીતે ભક્તિ કરીએ?'

બાપાશ્રી કહે, 'શાળાએ જઈએ ત્યારે વિચારવું ભગવાન મારી સાથે આવે છે. ભણવાનું ભગવાને સોંપેલું કાર્ય છે એમ માની કરવાથી ભણવાનું ભક્તિ બની જાય છે. તમે શાળામાં સારામાં સારું ભણો તો એ ભગવાનની સારામાં સારી ભક્તિ કરી કહેવાય.'

રૂડો કહે, 'જો અમે સારું ભણીએ તો ભગવાન રાજી થાય?'

બાપાશ્રી કહે, 'ભગવાનને સાથે રાખી ભણીએ એટલે ભગવાન રાજી થાય જ. પરીક્ષા આપવા જઈએ ત્યારે પણ ભગવાનને એમ પ્રાર્થના કરવી, મહારાજ! પરીક્ષા આપવા પધારો.'

બાપાશ્રી વાતો કરતા હતા ત્યાં બે બાળકો ઝગડવા લાગ્યા.

બાપાશ્રીએ પૂછ્યું, 'શું છે? કેમ ઝગડો છો?'

લક્ષ્મી કહે, 'બાપા, આણે મારી ખારેક લઈ લીધી.'

બાપાશ્રીએ લક્ષ્મીના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો.

કહે, 'લક્ષ્મી! વસ્તુ વહેંચીને ખાઈએ તો મહારાજ રાજી થાય. એકલા ખાઈએ તો સ્વાર્થી કહેવાઈએ.'

બાપાશ્રી આસન પર આવ્યા.

બાળકોને કહે, 'ભૂલકાંઓ, સ્વાર્થવૃત્તિ મનમાં ક્યારેય લાવવી નહિ. દયાભાવ રાખવો. સેવા કરવાનું અંગ રાખવું. સંતની સેવા કરવી.'

તેજો કહે, 'બાપા, હું આ બધું કરું છું.'

બાપાશ્રી કહે, 'સારી વાત છે, પણ તેનું મનમાં અભિમાન ન કરાય. પોતાના વખાણ પોતે કરીએ તો ભગવાન રાજી ન થાય.'

ભીમો કહે, 'બાપા, હું રોજ સંતની સેવા કરું છું.'

કરસન કહે, 'બાપા એ જુઠ્ઠું બોલે છે.'

બાપાશ્રી કહે, 'અસત્ય વચન ક્યારેય ન બોલાય બેટા! સદાય સત્ય જ બોલવું જોઈએ. પોતાની ભૂલ હોય ત્યારે પણ સાચું બોલી ભૂલ કબૂલ કરવી જોઈએ.'

કરસન કહે, 'બાપા, બજારમાં વસ્તુ મળે તે ખવાય?'

બાપાશ્રી કહે, 'તેમાં કાંદા-લસણ નાંખ્યા હોય, અનાજ બરાબર સાફ કર્યું ન હોય, ઉઘાડું પડ્યું હોય એવી અશુદ્ધ બહારની વસ્તુ ન ખવાય. ખાઈએ તો માંદા પડી જવાય.'

ખીમજી કહે, 'રસ્તામાં વસ્તુ પડી હોય તે તો લેવાયને?'

બાપાશ્રી કહે, 'શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં ના પાડી છે. કોઈની ધણિયાતી વસ્તુ લેવાય નહિ અને અડાય પણ નહિ.'

બાપાશ્રીની વાતો બાળકો ધ્યાનથી સાંભળતા હતા.

બાપાશ્રી કહે, 'મહારાજને ભેળા રાખી તેમની આજ્ઞા પ્રમાણે રહીએ તો મહારાજ આપણા પર જરૂર રાજી થાય.'

---------

→ બાપાશ્રી આપણને શીખવે છે કે, ભગવાનને રાજી કેવી રીતે કરવા.

→ નાનપણથી જ ભગવાન ભજવાનો અભ્યાસ પાડવો.

→ શિક્ષાપત્રીમાં મહારાજની આજ્ઞા પ્રમાણે રહીએ તો મહારાજ રાજી થાય.

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧. મંદિરમાં ક્યા દિવસે બધા ભેગા થયા હતા?

૨. બાળકો કઈ વાત સાંભળવા માંગતા હતા?

૩. બાપાશ્રીએ શેની વાત કરવાનું કહ્યું?

૪. કઈ-કઈ ક્રિયામાં બાપાશ્રીએ મહારાજને સંભારવાનું કહ્યું?

૫. કોઈ પણ વસ્તુ કેવી રીતે જમવી જોઈએ?

૬. શાળામાં ભક્તિ કેવી રીતે થાય?

૭. પરીક્ષા આપવા કેવી રીતે જવું જોઈએ?

૮. મનમાં શેનું અભિમાન ન કરવું?

૯. હંમેશાં કેવાં વચનો બોલવા?

૧૦. કેવી વસ્તુ ન ખવાય?

નીચેની ખાલી જગ્યા પુરો.

૧.બાપા આજે ---------- નો પ્રાગટ્ય દિન છે.

૨.ભગવાનને ----------- કેમ કરવા તેની વાત કરું.

૩.ભૂલકાંઓ ------------ મનમાં ક્યારેય લાવવી નહિ.

૪.--------- ની સેવા કરવી.

૫.પોતાના વખાણ પોતે કરીએ તો ભગવાન-------- ન થાય.

૬.કોઈની ધણિયાતી વસ્તુને -------- નહિ અને -------- પણ નહિ.

કોણ બોલે છે.

૧.નાહતી વખતે અને જમતી વખતે પણ સંભારવાના?

૨.અમે શાળાએ ભણવા જઈએ ત્યાં કેવી રીતે ભક્તિ કરીએ?

૩.લક્ષ્મી! વસ્તુ વહેંચીને ખાઈએ તો મહારાજ રાજી થાય. એકલા ખાઈએ તો સ્વાર્થી કહેવાઈએ.

યોગ્ય ક્રમમાં ગોઠવો

૧.ક્રિયા કોઈ પણ ભૂલવા હોય ભગવાનને નહિ.

૨.સાથે રાજી થાય ભણીએ ભગવાનને એટલે રાખી જ ભગવાન.

૩.ભૂલ પોતાની ત્યારે હોય કબૂલ કરવી સાચું પણ બોલી જોઈએ ભૂલ.