૪૯ જ્ઞાન સરળ કર્યું

મુનિસ્વામી સભામાં વચનામૃત વાંચતા હતા.

વચનામૃતમાં સમજ ન પડવાથી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પ્રશ્ન પૂછ્યો.

બાપાશ્રીએ તેનો સરળ ભાષામાં ઉત્તર આપ્યો.

સ્વામી કહે, 'બાપા, તમે સરસ રીતે, સરળ ભાષામાં સમજાવો છો તેથી તરત સમજાઈ જાય છે.'

બાપાશ્રી કહે, 'વચનામૃત સમજવામાં અઘરું છે. જેમ છે તેમ બધાને સમજાતું નથી.'

મુનિસ્વામી કહે, 'બાપા, તમે સમજાવ્યું એટલે તરત સમજાઈ ગયું.'

ઈશ્વરચરણદાસજી સ્વામી કહે, 'બાપા, અત્યારે આપની દયાથી અમને સમજાય છે, પરંતુ ભવિષ્યમાં મુમુક્ષુ જીવો વચનામૃત કેવી રીતે સમજશે?'

બાપાશ્રી કહે, 'સ્વામી, તમે એમ કરો, સભામાં જે પ્રશ્ન-ઉત્તર થાય તે લખી રાખો પછી તેને છપાવીશું.'

સ્વામી કહે, 'બાપા, તમારો આ વિચાર ખૂબ જ સરસ છે. મુમુક્ષુ જીવોને આ બહુ કામ આવશે.'

વૃંદાવનદાસજી સ્વામી કહે, 'હા બાપા. વચનામૃતની સરસ માર્ગદર્શિકા તૈયાર થશે.'

સ્વામી ઈશ્વરચરણદાસજી દરરોજ સભામાં બાપાશ્રીને વચનામૃતમાંથી પ્રશ્નો પૂછે.

બાપાશ્રી તેના સરળ ભાષામાં ઉત્તર આપે.

સ્વામી તે લખી લે.

સાથે સાથે બાપાશ્રીએ જુદા જુદા સમયે સભામાં શ્રીજીમહારાજનો મહિમા, અનાદિમુક્તની સ્થિતિ વગેરેની કરેલી વાતો પણ સ્વામીશ્રીએ નોંધી લીધી. કાર્ય પૂરું થતાં બંને પુસ્તક-'વચનામૃત રહસ્યાર્થ' અને 'બાપાશ્રીની વાતો' સ્વામીએ બાપાશ્રીને બતાવ્યા.

બાપાશ્રી કહે, 'સ્વામી, તમે આ ખૂબ સુંદર કાર્ય કર્યું છે. ભગવાન તમારા પર બહુ પ્રસન્ન છે.'

સ્વામી બાપાશ્રીને પગે લાગ્યા અને આશીર્વાદ મેળવ્યા.

બાપાશ્રી કહે, 'આ માર્ગદર્શિકારૂપ પુસ્તકોથી મુમુક્ષુ જીવોને વચનામૃત તેમ જ શ્રીજીમહારાજનું રહસ્યજ્ઞાન સમજવામાં જરા ય તકલીફ નહિ પડે.'

સ્વામી બહુ ખુશ થઈ ગયા.

---------

શબ્દનો અર્થ

મુમુક્ષુ = મોક્ષની ઇચ્છાવાળા

માંહી = અંદર

નકરો = ફક્ત

પરભાવ = ભગવાનને પામવાની યથાર્થ સમજણ

→ સાચા સંત તો તે જ જે દરેકનું ભલું ઇચ્છે.

→ તે જ ખરા મુક્ત જેઓને જીવ, ભગવાનને કેમ પામે તે જ એક તાન હોય.

→ અનાદિમુક્ત હંમેશાં જીવોના કલ્યાણ માટે કાર્યરત રહે.

[વચનામૃતના જે પ્રશ્નો પૂછ્યા અને બાપાશ્રીએ જે ઉત્તરો આપ્યા તે આજે 'વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા' તરીકે સત્સંગમાં પ્રસિદ્ધ છે. અને બાપાશ્રીની કહેલી વાતો જે સ્વામીએ લખી રાખી હતી તે સ્વામીએ છપાવી અને આજે સત્સંગમાં 'બાપાશ્રીની વાતો' બે ભાગમાં પ્રસિદ્ધ છે.]

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧. સભામાં વચનામૃત કોણ વાંચતું હતું?

૨. વચનામૃત કોણે સમજાવ્યું?

૩. બાપાશ્રીએ સ્વામીને શી આજ્ઞા કરી?

૪. સ્વામીએ બાપાશ્રી પાસે બીજી કઈ આજ્ઞા માંગી?

૫. બાપાશ્રીએ તેના માટે શું કહ્યું?

નીચેની ખાલી જગ્યા પૂરો

૧.ભવિષ્યમાં ----------- જીવો --------- કેવી રીતે સમજશે?

૨.----------- સભામાં બાપાશ્રીને દરરોજ પ્રશ્નો પૂછે બાપાશ્રી તેના --------- ભાષામાં ઉત્તર આપે.

૩.વચનામૃતથી ----------- સરસ તૈયાર થશે.

૪.વાતો બહુ સારી થાય છે. માંહી નકરો ------------ ચાલ્યો આવે છે.