૨૭ પાણીના છાંટામાં મૂર્તિ મળી

વાડીમાં ખાટલો પાથરી ભાઈશ્રી બેઠા છે.

હરિભક્ત આવી ભાઈશ્રીને પગે લાગ્યા.

ભાઈશ્રી કહે, 'કેમ આવવું થયું?'

હરિભક્ત કહે 'ભાઈ, મારો એક સંકલ્પ છે. જો આપ હા પાડો તો, મારે તેમ કરવું છે.'

ભાઈશ્રી કહે, 'શું? કહો?'

હરિભક્ત કહે, 'મારો એવો સંકલ્પ છે કે, આખા ગામની નિયાણીયોને મારે જમાડવી છે.'

ભાઈશ્રી કહે, 'વિચાર બહુ સારો છે.'

હરિભક્ત રાજી થયા કહે, 'ભાઈ, તો હું દિવસ નક્કી કરું?'

ભાઈશ્રી કહે, 'ભગત, તમે નિયાણીયુંને જમાડશો પછી તેમના બાળકો ક્યાં જશે? તેઓ ઘરે એકલા નહિ રહી જાય?'

હરિભક્ત કહે, 'ભાઈ, મેં બાળકોનો વિચાર તો નથી કર્યો.'

ભાઈશ્રી કહે, 'બાળકો એકલા ઘરે રડે. બાળકોને પહેલા જમવા બોલાવવા જોઈએ. બાળકો તો નિર્દોષ અને નિર્ગુણ મૂર્તિ કહેવાય.'

હરિભક્ત સાંભળી રહ્યા.

ભાઈશ્રી કહે, 'બાળકોને જમાડીએ તો ભગવાન રાજી થાય.'

હરિભક્ત કહે, 'ભાઈ, તમારી વાત સાચી છે હું નિયાણીયુંની સાથે તેમના બાળકોને પણ જમવા બોલાવીશ.'

ભાઈશ્રી ઘણા રાજી થયા.

જમણવારને દિવસે હરિભક્ત ભાઈશ્રી પાસે આવ્યા.

કહે, 'ભાઈ, આશીર્વાદ આપવા પધારો.'

ભાઈશ્રી કહે, 'બાળકો જમવા બેસે ત્યારે મને બોલાવજો.'

બાળકોની પંગત થઈ.

બાળકો વાતો કરે.

ભીમો કહે, 'બાપા મને બહુ વહાલ કરે છે.'

જાદવો કહે, 'તારા કરતા બાપાને મારા પર હેત વધારે છે.'

લક્ષ્મી કહે, 'બાપા તો મારા જ છે. તેઓ મને જ સૌથી વધારે વહાલ કરે છે.'

હીરજી કહે, 'ના હવે. બાપા મને જ વહાલ કરે છે. મને ક્યારેય વઢ્યા નથી.'

ભીમજી કહે, 'મારી એકવાર ભૂલ થઈ હતી, તો પણ મને વઢ્યા નહોતા. પ્રેમથી મને સમજાવ્યો હતો. બાપા મારા જ છે.'

ખીમજી કહે, 'હું જ્યારે બાપાને મળવા જાઉં છું. ત્યારે બાપા મને તેમના ખોળામાં બેસાડે છે અને ખાવાનું પણ આપે છે.'

છેલ્લી પંક્તિમાંથી નાનો કરસન બોલ્યો, 'બાપા તો મારા છે, મારા છે, મારા જ છે.'

ભાઈશ્રી પાછળ ઊભા-ઊભા આ વાતો સાંભળતા હતા અને હસતા હતા.

આગળ આવીને કહે, 'બાપા તમારા બધાયના છે. હવે ચર્ચા બંધ કરો.'

બાળકો ભાઈશ્રીને પગે લાગ્યા.

ભાઈશ્રીએ એક લોટો પાણી મંગાવ્યું. તેમાં હાથ બોળી ભગવાનનું નામ લીધું અને બાળકો પર છાંટવા લાગ્યા.

કહેવા લાગ્યા, 'આ પાણીનો એક છાંટો પણ જેના પર પડશે તેનું કલ્યાણ થશે.'

બાળકો રાજી થયા.

ભાઈશ્રી કહે, 'હવે બધા જમો.'

બાળકો હોંશે - હોંશે જમવા લાગ્યા.

---------

શબ્દનો અર્થ

સંકલ્પ = વિચાર

નિયાણી = ગામની બહેન, દીકરી.

→ ભાઈશ્રી હંમેશાં બાળકોને યાદ કરતા.

→ બાળકોને ભાઈશ્રી પ્રત્યે કેટલો પ્રેમ છે તે અહીં જણાય છે. દરેક બાળકને ભાઈશ્રી પોતાના જ લાગે અને ભાઈશ્રી પોતા પર સૌથી વધારે પ્રેમ વરસાવે છે તેવું લાગે.

અનાદિમુક્તની આ જ ખાસિયત હોય છે. દરેક પર પ્રેમ વરસાવે જેથી દરેકને ભાઈશ્રી પોતાના જ લાગે.

→ મુક્ત રાજી થાય ત્યારે પાણીના એક છાંટામાં પણ કલ્યાણ થઈ જાય છે.

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧.હરિભક્ત કોને જમાડવા માંગતા હતા? ભાઈશ્રીએ તેમને શું કહ્યું?

૨.બાળકોને ભાઈશ્રી કેવા લાગતા?

૩.ભાઈશ્રીએ બાળકોને કલ્યાણના આશીર્વાદ કેવી રીતે આપ્યા?

નીચેની ખાલી જગ્યા પૂરો.

૧. ------- ને જમાડશો પછી તેમના ------- ક્યાં જશે?

૨. બાળકો તો -------- ને -------- મૂર્તિ કહેવાય.

૩. બાળકોને જમાડીએ તો --------- રાજી થાય.

૪. આ પાણીનો એક ------- જેના પર પડશે તેનું --------- થશે.