૨૪ નાની વાતમાં ભગવાનનું ધામ

એક વખતની વાત છે.

બપોરનો સમય હતો.

વાડીમાં બધા આરામ કરતા હતા.

ભાઈશ્રી વાડીમાં આંટો મારવા નીકળ્યા.

ભાઈશ્રીએ જોયું તો એક બાળકી ખૂણામાં બેઠી-બેઠી રમતી હતી.

ભાઈશ્રી તેની નજીક ગયા.

બાળકી રમવામાં મશગુલ હતી.

ભાઈશ્રી બાળકીની પાછળ હતા.

બાળકી મલોખડા ભેગા કરી તેને છોલી-છોલીને તેનો ખાટલો બનાવી રહી હતી.

ભાઈશ્રીએ પાછળથી ધીમેથી પગ માર્યો એટલે ખાટલો તૂટી ગયો.

બાળકી પાછળ જોયા વગર બોલવા લાગી, 'કોણ છે? હું ક્યારની મહેનત કરી ખાટલો બનાવતી હતી. આમ શું તોડી નાંખતા હશે?'

ભાઈશ્રી હસવા લાગ્યા કહે, 'પાછળ તો જો કોણ છે તે.'

બાળકીને ભાઈશ્રીનો મહિમા બહુ.

અવાજ સાંભળી પાછળ જોયું તો ભાઈશ્રી.

તે શરમાઈ ગઈ. થોડી પાછળ ચાલી ગઈ.

ભાઈશ્રી કહે, 'અહીં આવ.'

બાળકી કહે, 'મને ખબર નહિ પાછળ તમે છો.'

ભાઈશ્રી કહે, 'અહીં તો આવ.'

બાળકી ફરી કહેવા લાગી, 'મેં પાછળ જોયા વગર તમને ગમે-તેમ કહ્યું તે મારી ભૂલ થઈ. મને માફ કરો.'

બાળકીએ પોતાની ભૂલની માફી માંગી તેથી ભાઈશ્રી રાજી થયા.

બાળકી પાસે જઈ કહે, 'કાંઈ વાંધો નહિ. લે આ સાકર. તે ભૂલની માફી માંગી તે મને ખૂબ ગમ્યું. તું આ વાત યાદ રાખજે કે, ભાઈશ્રીએ મારો ખાટલો તોડી નાંખી મને સાકર આપી હતી.'

બાળકી ભાઈશ્રીને પગે લાગી.

ભાઈશ્રી કહે, 'જો તું આ વાત યાદ રાખીશ તો હું તને ભગવાનના ધામમાં લઈ જઈશ.'

વર્ષો વીત્યા.

બાળકી મોટી થઈ.

તેને ભાઈશ્રીના વચનમાં પૂરો વિશ્વાસ. નાનપણમાં ભાઈશ્રીએ કહેલી વાત તેણે બરાબર યાદ રાખી.

ભાઈશ્રીની સેવા કરે અને બીજા કામ પણ કરે.

દિવસો વિત્યા.

એક વખત તે માંદી પડી.

બધાને કહે, 'ભાઈશ્રીએ મને કહ્યું છે, તેથી તેઓ મને ધામમાં તેડી જશે.'

બધા કહે, 'એ તો નાનપણમાં સમજાવવા કહ્યું હોય. ભાઈશ્રી તો ભૂલી પણ ગયા હશે.'

બાળકી કહે, 'બધા ભૂલી જાય, પણ ભાઈશ્રી ક્યારેય ન ભૂલે, મને વિશ્વાસ છે.'

ભાઈશ્રી ખરેખર ભૂલ્યા ન હતા.

મહારાજ સાથે બાળકીને દર્શન આપ્યાં.

બાળકી આનંદિત થઈ ગઈ.

બધાને કહે, 'મેં કહ્યું હતું ને! આ મહારાજ સાથે ભાઈશ્રી મને ધામમાં તેડી જવા આવ્યા.'

આમ બોલી બાળકીએ દેહનો ત્યાગ કર્યો.

---------

શબ્દનો અર્થ

મલોખડા = સાંઠીકડા (સૂકી લાકડી)

ઢૂંકડા = નજીક, પાસે

→ અનાદિમુક્ત કલ્યાણનું દ્વાર છે.

→ બાળકીની જેમ આપણે પણ મુક્ત આગળ ભૂલની માફી માંગીએ તો ભગવાન ઢૂંકડા થઈ જાય.

→ મોટાના વચનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ તો તેઓ પોતાનું વચન જરૂર પાળે છે.

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧. બાળકી શું કરતી હતી?

૨. ભાઈશ્રીએ પાછળથી શું કર્યું?

૩. ભાઈશ્રી શા માટે ખુશ થયા?

૪. ભાઈશ્રીએ બાળકીને કયું વચન આપ્યું?

નીચેની ખાલી જગ્યા પૂરો.

૧.બાળકી ---------- ભેગા કરી તેને છોલી -------- બનાવતી હતી.

૨.પાછળ જોયા વગર તમને ગમે તેમ કહ્યું તે મારી ----------- થઈ. મને ------------ કરો.

૩.ભાઈશ્રીના ------------- માં પૂરો વિશ્વાસ.

યોગ્ય ક્રમમાં ગોઠવો.

૧. ધામમાં જઈશ રાખીશ હું તને તો આ લઈ જો તું વાત ભગવાનના યાદ.