૪૨ અષાઢી અમાસનો જમણવાર
બાપાશ્રી હવે વૃદ્ધ થયા હતા.
હરિભક્તોને સેવા આપવા ઘણીવાર મંદવાડ ગ્રહણ કરતા. સેવા ગ્રહણ કરી પાછા આપમેળે સાજા થઈ જતા. પણ આ વખતે મંદવાડની લીલા લાંબી ચાલી. સંતો-હરિભક્તો મૂંઝવણમાં મુકાઈ ગયા. બધાને ડર હતો કે કદાચ બાપાશ્રી દેહત્યાગ કરશે તો.
તેથી સ્વામી ઈશ્વરચરણદાસજી, મુનિસ્વામી વગેરે બાપાશ્રીને પ્રાર્થના કરવા લાગ્યા. મુક્તરાજ ધનબા પણ પ્રાર્થના કરતા કહે, 'બાપા તમે માંદા થઈ ગયા છો તે અમને ગમતું નથી.'
મુનિસ્વામી કહે, 'બાપા, કોઈ જમતું પણ નથી.'
ધનબા કહે, 'તમે માંદા છો તેથી બધા માંદા જેવા થઈ ગયા છે.'
બધાની પ્રાર્થના સાંભળી બાપાશ્રી કહે, 'તમારી બધાની પ્રાર્થના મહારાજે સાંભળી છે. હવે અમે ધામમાં નહિ જઈએ. જલદી સાજા થઈ જઈશું.'
બધા ખૂબ રાજી થઈ ગયા.
બાપાશ્રી કહે, 'હવે બધા રસોઈ કરી ભગવાનને થાળ જમાડો.'
ધીરે ધીરે બાપાશ્રી સાજા થવા લાગ્યા.
બાપાશ્રી સ્વામીને કહે, 'સ્વામી, મહારાજે મને રાખ્યો.'
સ્વામી કહે, 'બાપા, બહુ દયા કરી?'
બાપાશ્રી કહે, 'મને વિચાર થાય છે, છત્રીએ પારાયણ બેસાડીએ.'
સ્વામી કહે, 'બાપા, ખૂબ સારો વિચાર છે.'
સરસ રીતે પારાયણ થઈ.
કથા સમાપ્તિના દિવસે બાપાશ્રી સ્વામીને કહે, 'સ્વામી, હું માંદો થયો ત્યારથી છોકરાઓ મને મળવા આવી શકતા નથી.'
સ્વામી કહે, 'આપે મંદવાડ ગ્રહણ કર્યો હતો તેથી બાળકોના માતા-પિતા તેમને આપની પાસે આવવા દેતા ન હતા. એટલે બિચારા ક્યાંથી આવી શકે?'
બાપાશ્રી કહે, 'કથા સમાપ્તિના દિવસે આખા ગામના છોકરાઓને જમાડીએ એટલે બાળકો રાજી થાય.'
સ્વામી કહે, 'સારું બાપા. આમ કરવાથી બધા બાળકોને તમારા દર્શનનો લાભ મળશે.'
અષાઢ મહિનાની અમાસને દિવસે કથા પૂરી થઈ.
આખા ગામના બાળકો છત્રીએ આવી ગયા.
બાળકો બાપાને પગે લાગ્યા.
ભીમજી કહે, 'બાપા, તમને શું થયું હતું?'
બાપાશ્રી કહે, 'દીકરા જરાક મંદવાડ આવ્યો હતો.'
ભીમજી કહે, 'મારા પિતાજી મને તમારી પાસે આવવા દેતા ન હતા.'
બાપાશ્રી કહે, 'હવે ના નહિ પાડે.'
કરસન તો આવીને તરત બાપાશ્રીને વળગી પડ્યો.
કહે, 'બાપા, તમે કેમ માંદા થયા હતા? અમને કોઈ બોલાવતું ન હતું. વાડીમાં કોઈ ખાવાનું પણ આપતું ન હતું.'
બાપાશ્રી કહે, 'કાલે આવજે. તને જે જોઈતું હશે તે આપીશ.'
રૂડો કહે, 'બાપા, તમારા જેવા લાડ અમને કોઈ કરતું નથી. તમારી પાસે આવીએ તો વઢતા હતા.'
બાપાશ્રી કહે, 'ભૂલકાંઓ, તમારો પ્રેમ જોઈને મંદવાડને રજા આપી દીધી. હવે તમારે દરરોજ મારી પાસે આવવું કોઈ ના નહિ પાડે.'
તેજો કહે, 'બાપા, અમને ભગવાનની વાર્તા કરશો ને?
બાપાશ્રી કહે, 'ભગવાનની વાર્તા પણ કરીશ અને પ્રસાદી પણ આપીશ.'
બાળકો ખુશ-ખુશ થઈ ગયા.
બાપાશ્રી કહે, 'ચાલો, બધા પંગત બનાવો.'
બધા લાઈનમાં બેસી ગયા.
હરિભક્તો પીરસવા લાગ્યા.
બાપાશ્રી કહે, 'હવે બધા ભગવાનનું નામ લઈ જમવાનું શરૂ કરો.'
બાપાશ્રી બાળકોને જોઈ રાજી થયા.
બાપાશ્રી બાળકોને લાડુ પીરસવા પંગતમાં આવ્યા.
જેને જેટલા લાડુ જોઈતા હોય તેટલા આપે.
બાળકો મોટેથી બૂમ પાડે, 'બાપા, મને આપો. બાપા, મને બે આપો. બાપા મને ચાર આપો.'
બાપાશ્રી બધાને આપે કહે, 'જમો બાળુરાજા જમો!'
એક બાળકને પૂછ્યું, 'તારું નામ શું?'
બાળક કહે, 'રૂડો બાપા.'
બાપાશ્રીએ લાડુ આપી તેને પૂછ્યું, 'રૂડા આ તું શું જમે છે?'
રૂડો કહે, 'લાડુ.'
બાપાશ્રી કહે, 'ના. મહારાજની મૂર્તિનું સુખ જમે છે. આ વાત યાદ રાખજે.'
રૂડો કહે, 'યાદ રાખીશ બાપા.'
તેજા પાસે જઈ કહે, 'તેજા દીકરા, લાડુ કેવો લાગે?'
તેજો કહે, 'ગળ્યો.'
બાપાશ્રી કહે, 'ભગવાનની મૂર્તિનું સુખ પણ બહુ જ મીઠું છે.'
તેજો બાપાશ્રીને પગે લાગ્યો.
બાપાશ્રી કહે, 'ભગવાન તને એ સુખ જરૂર આપશે.'
કરસન કહે, 'બાપા, મને આશીર્વાદ આપો હું રહી ગયો.'
બાપાશ્રી કહે, 'કોઈ નહિ રહી જાય. બોલ, લાડુ ભાવ્યો?'
કરસન કહે, 'હા.'
બાપાશ્રીએ ફરી પૂછ્યું, 'બહુ ભાવ્યો?'
કરસન કહે, 'બાપા, મને લાડુ ખૂબ-ખૂબ ભાવે.'
બાપાશ્રીએ આખો લાડુ તેના મોઢામાં મૂકી દીધો.
કરસન બોલી શકતો ન હતો.
માંડ બોલ્યો, 'બાપા, મ..... ને....'
બાપાશ્રી કહે, 'શું? શું કહે છે?'
બધા હસવા લાગ્યા.
કરસન કહે, 'મને આશીર્વાદ....'
આટલું માંડ બોલી શક્યો.
બાપાશ્રી રાજી થઈ કહે, 'લાડુ જેવું ગળ્યું મહારાજનું સુખ તને પણ મળશે.'
કરસન બાપાને પગે લાગ્યો.
જમણવાર પત્યો.
બાળકો બાપાશ્રી પાસે આવીને બેઠા.
બાપાશ્રી પૂછવા લાગ્યા, 'બધાને જમવાનું ભાવ્યું?'
બાળકો કહે, 'હા. બહુ ભાવ્યું.'
બાપાશ્રી કહે, 'જેવી રીતે ધ્યાન રાખી જમ્યા તેવી રીતે ભગવાનને મન દઈ સંભારવા.'
બધાએ હા પાડી.
કરસન કહે, 'બાપા, હવે આવું સરસ ક્યારે જમાડશો?'
બાપાશ્રી વિચારવા લાગ્યા.
રૂડો, તેજો વગેરે પણ પૂછવા લાગ્યા, 'હા બાપા, અમને બહુ મજા આવી હવે ક્યારે જમાડશો?'
બાપાશ્રી કહે, 'દર વર્ષની અષાઢ મહિનાની અમાસને દિવસે બધા બાળકોને આ જગ્યાએ જમાડીશું.'
બાળકો તાળી પાડી બોલ્યા, 'હેં..... દર વર્ષે અહીં જમવા આવવાનું ખૂબ મજા પડશે.'
બાળકોને ખુશ જોઈ બાપાશ્રી પણ રાજી થયા.
---------
→ અનાદિમુક્તને માંદગી આવતી નથી. બીજાને સેવા મળે માટે તેઓ મંદવાડ ગ્રહણ કરતા હોય છે.
→ અનાદિમુક્ત પોતાની મરજી પ્રમાણે મંદવાડ ગ્રહણ કરે છે. આથી જ મંદવાડને તેમના કહ્યામાં રહેવું પડે છે.
→ મુક્ત ઇચ્છે ત્યારે તરત રોગ દૂર થાય છે.
→ બાપાશ્રીએ અષાઢી અમાસનો જમણવાર કર્યો ત્યાર પછી દર વર્ષે એ દિવસે ત્યાં જમણવાર કરતા. જે પ્રથા આજદિન સુધી ચાલી આવી છે. આજે પણ અષાઢી અમાસે ગામના બાળકો છત્રીએ જમે છે અને બાપાશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧. બાપાશ્રીએ શા માટે મંદવાડને રજા આપી?
૨. મંદવાડને રજા આપ્યા પછી બાપાશ્રીએ શું કર્યું?
૩. કથા સમાપ્તિના દિવસે બાપાશ્રીએ કોને જમાડ્યા?
૪. પંગતમાં પીરસતા બાપાશ્રી બાળકોને શું કહેતા?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧.બાપાશ્રી હવે -------- થયા હતા.
૨.બાપા કોઈ -------- પણ નથી.
૩.મને વિચાર થાય છે કે છત્રીએ ------- બેસાડીએ.
૪.જમો --------- જમો.
૫.---------- ની મૂર્તિનું સુખ જમે છે.
૬.ભગવાનની મૂર્તિનું ----------------- પણ ----------------- છે.
૭.દર વર્ષે ------------- મહિનાના------ દિવસે બાળકોને જમાડીશું.
યોગ્ય ક્રમમાં ગોઠવો.
૧. સુખ છે પણ મૂર્તિનું ભગવાનની મીઠું.